You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ ઘટનાને લીધે શરૂ થયું હતું મરાઠા અનામત આંદોલન
- લેેખક, ટીમ બીબીસી
- પદ, નવી દિલ્હી
મહારાષ્ટ્રમાં મરાઠાઓ અનામતની માગણી સાથે ફરી એક વખત રસ્તાઓ પર ઊતરી પડ્યા છે. આ માગણી સાથે મંગળવારે બે યુવાનોએ આત્મહત્યા પણ કરી લીધી.
છેલ્લાં 15 દિવસમાં આ માંગણી સાથે આત્મહત્યા કરનારા લોકોની સંખ્યા ત્રણ થઈ ગઈ છે. આ ઉપરાંત આત્મહત્યાના પ્રયાસના અનેક કિસ્સા નોંધાયા છે અને સમગ્ર રાજ્યમાં સેંકડો વાહનોને આગ ચાંપવામાં આવી છે.
ગત દિવસોમાં મરાઠાઓએ અન્ય પછાત જ્ઞાતિઓ (ઓબીસી) માટેની જોગવાઈ હેઠળ અનામતની માગણી કરી હતી.
મરાઠાઓએ અનામતના મુદ્દે આ પહેલીવાર આંદોલન કર્યું નથી. ગત વર્ષે સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ સરઘસ કાઢવામાં આવ્યાં હતાં.
મરાઠાઓ માટે અનામતની તરફેણ કરતું સંગઠન આગામી દિવસોમાં મોટું આંદોલન કરશે તેવું જણાવવામાં આવી રહ્યું છે.
સમગ્ર મહારાષ્ટ્રનાં નાના સંગઠનો પણ આ મુદ્દે એક મંચ પર આવી શકે છે.
તમે એ જાણો છો કે આ આંદોલન પાછળ એક દર્દભરી કહાણી છૂપાયેલી છે? એ ઘટનાએ મરાઠાઓને એકછત્ર તળે એકઠા કર્યા હતા.
એ કહાણી એક મરાઠા છોકરીની છે. એ છોકરીની 2016માં સામૂહિક બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું તમે આ વાંચ્યું?
મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના કોપર્ડીમાં બનેલી એ ઘટનાએ મરાઠાઓને એકઠા થવા વિવશ કર્યા હતા.
ન્યાય માટે પહેલાં સ્થાનિક સ્તરે લોકો એક થયા હતા અને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
શહેરોમાં પ્રસાર
એ પછી વિરોધ પ્રદર્શન વ્યાપક બન્યું અને રાજ્યના વિવિધ પ્રદેશોમાં વિરોધ પ્રદર્શન થવા લાગ્યાં હતાં.
વિરોધ પ્રદર્શિત કરી રહેલા લોકો ત્યાર બાદ શહેરો ભણી આગળ વધ્યા હતા અને એ કારણે સમગ્ર દેશનું ધ્યાન તેમની તરફ ખેંચાયું હતું.
પોતે મરાઠા તરફી હોવાનું સ્થાપિત કરવા ઇચ્છતા રાજકીય પક્ષો પણ આંદોલનની તરફેણ કરવા લાગ્યા હતા.
2016ના જુલાઈમાં બનેલી બળાત્કારની ઘટનાના અનુસંધાને શરૂ થયેલું આંદોલન સપ્ટેમ્બર આવતા સુધીમાં વિશાળ બની ગયું હતું.
માગણીઓની યાદી વિસ્તરી
2016ના સપ્ટેમ્બરમાં ઔરંગાબાદમાં મૂક આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં લાખો લોકો સામેલ થયા હોવાનું જણાવવામાં આવ્યું હતું.
તેઓ કોપર્ડીની ઘટનાના આરોપીઓને પકડવાની અને દોષીઓને સજા કરવાની માગણી કરી રહ્યા હતા.
નાના-નાના સંગઠનો દ્વારા ચાલી રહેલા આંદોલનનો વિસ્તાર થયો હતો અને લોકોનો ટેકો મળવાની સાથે આંદોલનકર્તાઓની માગણીઓની યાદીનો પણ વિસ્તાર થયો હતો.
આંદોલનકર્તાઓએ માત્ર બળાત્કારના આરોપીઓને સજા કરવાની જ નહીં, પણ દલિત ઉત્પીડન કાયદામાં ફેરફારની માગણી ઉપરાંત ખેડૂતોના મુદ્દા પણ ઉઠાવ્યા હતા.
એ સમયે ગુજરાતમાં પટેલ અને હરિયાણામાં જાટ લોકો પણ અનામતની જોરદાર માગણી કરી રહ્યા હતા.
મરાઠાઓએ પણ અનામતનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેનું પરિણામ આજે જોવા મળી રહ્યું છે.
બળાત્કારના દોષીઓનું શું થયું?
બળાત્કારનો મામલો કોર્ટમાં ગયો. રાજ્ય સરકારો સજાગ થઈ.
એક વર્ષ પછી 2017ના નવેમ્બરમાં બળાત્કારના મામલામાં ત્રણ આરોપીઓને અહમદનગર કોર્ટે દોષી ગણ્યા હતા અને તેમને મોતના સજા ફરમાવી હતી.
સજા પામેલા લોકોમાં જિતેન્દ્ર બાબુલાલ શિંદે, સંતોષ કોરખ ભાવલ અને નીતિન ગોપીનાથ ભાઈલુમેનો સમાવેશ થાય છે.
સોશિયલ મીડિયાએ આપી તાકાત
આંદોલન શરૂઆતમાં નેતૃત્વવિહોણું હતું અને તેને શાંત આંદોલન ગણવામાં આવતું હતું, પરંતુ આંદોલનને વિશાળ બનાવવામાં સોશિયલ મીડિયાએ મોટી ભૂમિકા ભજવી હતી.
સોશિયલ મીડિયાની વર્ચ્યૂઅલ દુનિયામાં મરાઠાઓ એક થવા લાગ્યા હતા અને તેનું વાસ્તવિક સ્વરૂપ રસ્તાઓ પર દેખાવા લાગ્યું હતું.
જોકે, તાજેતરમાં આ આંદોલન હિંસક બની ગયું હતું. મુંબઈ, નવી મુંબઈ અને ઠાણેમાં આંદોલન દરમિયાન પથ્થરમારો પણ થયો હતો.
પૂણે નજીકના ચાકણમાં આંદોલનકર્તાઓએ અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો