મરાઠા આંદોલન: પોલીસ કર્મીનુ મૃત્યુ, બુધવારે મુંબઈ બંધનું એલાન

મહારાષ્ટ્રમાં અનામતની માંગણી સાથે આંદોલન કરી રહેલા મરાઠા દેખાવકારીએ સોમવારે ઓરંગબાદ જિલ્લાના કાયગાંવમાં નદીમાં પડતુ મૂકી આત્મહત્યા કરી હતી.

અનામતની માંગણી સાથે ઓરંગાબાદ જિલ્લાના કાયગાવ ગામમાં 28 વર્ષીય કાકાસાહેબ શિંદેએ ગોદાવરી નદીમાં પડતું મુકીને જળસમાધી લેવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ તે તણાઈ ગયા.

તેમને બચાવી લીધા બાદ તેમની સારવાર દરમિયાન તેમને તબીબોએ મૃત જાહેર કર્યા હતા.

આ ઘટનાના પગલે મંગળવારે સમગ્ર રાજ્યમાં મહારાષ્ટ્ર ક્રાંતી મોરચા દ્વારા મહારાષ્ટ્ર બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

મંગળવારે આ બંધ દરમિયાન કાયગાંવમા થયેલા દેખાવોને કાબૂમાં લેવા માટે પોલીસે ટોળા પર બળપ્રયોગ કર્યો.

આ ઘટનામાં દેખાવકારીઓ બેકાબૂ બનતા તેમણે પોલીસ પર હુમલો કરી દીધો હતો જેના પગલે ભાગદોડ થઈ અને તેમાં મહારાષ્ટ્ર પોલીસના એક હેડ કૉન્સ્ટેબલનું મૃત્યું થયું છે.

હેડ કૉન્સ્ટેબલ શ્યામ કારગાવકરને ઓરંગાબાદની સરકારી હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા. જેને કારણે સ્થિતિ વધુ વણસી છે અને હવે બુધવારે મુંબઈ બંધનું ઍલાન આપવામાં આવ્યું છે.

ઘટના શું છે?

મહારાષ્ટ્રના ઓરંગાબાદ જિલ્લાના કાયગાંવ ખાતે સોમવારે આંદોલનને લઈને ગોદાવરી નદીના પુલ પર દેખાવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આંદોલનકારીઓ દ્વારા અનામત નહીં મળે તો જળસમાધી લઈ લેવાની ચીમકી આપવામાં આવી હતી.

પ્રદર્શનકારીઓ દેખાવો કરી રહ્યા હતા તેવામાં ગામના યુવાન 28 વર્ષીય કાકાસાહેબ શિંદેએ ગોદાવરી નદીમાં પડતું મૂક્યું હતું.

આ ઘટના બાદ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. કાકાસાહેબ શિંદેની આત્મહત્યા બાદ સોમવારે મોડી રાત સુધી સ્થાનિક પોલિસ સ્ટેશન બહાર દેખાવો થયા હતા.

મૃતકના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય અને તેમના નાના ભાઈને સરકારી નોકરી ન મળે ત્યાં સુધી પરિજનોએ લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.

આ ઘટના બાદ જિલ્લા કલેક્ટર સહિતના સ્થાનિક પ્રશાસને પરિવારે સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો.

પરિવારને કલેક્ટર દ્વારા સરકારે 25 લાખ રૂપિયાની નાણાકીય સહાયતા અને સરકારી નોકરીનું આશ્વાસન આપતાં મૃતકની લાશ સ્વીકારવામાં આવી હતી અને તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.

મંગળવારે આ ઘટનાના પગલે મહારાષ્ટ્ર બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

મહારાષ્ટ્રબંધના એલાન દરમિયાન થયેલી ભાગદોડમાં હેડ કૉન્સ્ટેબલ શ્યામ કારગાંવકર બેહોશ થઈ ગયા હતા અને તેમને ઓરંગાબાદની સરકારી મેડિકલ કોલેજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઓરંગાબાદ સરકારી હોસ્પિટલના સત્તાધીશોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં અને જણાવ્યું હતું કે મૃત્યુનું કારણ પૉસ્ટમૉર્ટમ બાદ જ જાણી શકાશે.

આવતીકાલે મુંબઈ બંધનું એલાન

મહારાષ્ટ્રમાં મંગળવારે સાંજે અનેક જિલ્લામાં ઠેરઠેર ચક્કાજામ અને તોફાન થયા બાદ આંદોલકારીઓ દ્વારા બુધવારે મુંબઈ બંધનું એલાન આપવામાં આવ્યું છે.

આ સમગ્ર બનાવ બાદ મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત મળે છે કે કેમ તે જોવું રહ્યું

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો