You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દેશની IITમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા અત્યંત ઓછી કેમ રહે છે?
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
દેશની કુલ વસતીમાં સ્ત્રીઓનું પ્રમાણ 48.5 ટકા છે. બારમા ધોરણની પરીક્ષામાં પાસ થતી છોકરીઓનું પ્રમાણ લગભગ 45 ટકા છે.
દેશની અલગ-અલગ એન્જિનિયરિંગ કોલેજોમાં અભ્યાસ કરતી છોકરીઓનું પ્રમાણ 28 ટકા છે.
જોકે, દેશની વિવિધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી (IIT આઈઆઈટી)માં બૅચલર ઑફ ટેક્નોલૉજી (બી.ટેક)નો અભ્યાસ કરતી છોકરીઓનું પ્રમાણ માત્ર આઠથી દસ ટકા જ છે.
રાષ્ટ્રપતિની મૂંઝવણ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે IIT-ખડગપુરમાં એક સમારંભમાં કહ્યું હતું, "મારા માટે એક વાત હજુ સુધી કોયડો બની રહી છે."
"બારમા ધોરણની પરીક્ષામાં છોકરાઓ કરતાં છોકરીઓ હંમેશા સારું પ્રદર્શન કરતી હોય છે, પણ આઈઆઈટીમાં તેમનું પ્રમાણ ચિંતાજનક રીતે ઓછું છે. આ બાબતે કંઈક કરવું જોઈએ."
આ રિપોર્ટની શરૂઆતમાં જે આંકડા આપ્યા છે તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના કોયડાનો વધુ સારો ખ્યાલ આપે છે.
આઈઆઈટીમાં વિદ્યાર્થિનીઓનું પ્રમાણ આખરે આટલું ઓછું શા માટે છે, એવા રાષ્ટ્રપતિના સવાલનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીએ.
આંકડા શું કહે છે?
સરકારી આંકડા મુજબ દેશની કુલ 23 આઈઆઈટીના અન્ડર ગ્રૅજ્યુએટ કોર્સમાં 2017માં કુલ 10,878 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. તેમાં માત્ર 995 છોકરીઓ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ છોકરીઓમાં આઈઆઈટી-મદ્રાસમાં અભ્યાસ કરતા નિત્યા સેતુગુણપતિનો સમાવેશ થાય છે.
નિત્યાએ કેમિકલ એન્જિનિયરિંગ શાખામાં અભ્યાસ કરવાનું પસંદ કર્યું છે.
નિત્યાએ બીબીસીને કહ્યું હતું, "હું એન્જિનિયર બનું એ બાબતે મારા પરિવારમાં એકમત હતો. મારા નિર્ણયને બધાએ ટેકો આપ્યો હતો."
"અલબત કાઉન્સેલિંગ પછી મેં કેમિકલ એન્જિનિયરિંગની પસંદગી કરી ત્યારે મારાં માતાએ તેની સામે વાંધો લીધો હતો."
નિત્યાએ કહ્યું હતું, "કેમિકલ એન્જિનિયરિંગ છોકરીઓ માટે નથી. મારે આઈટી કે કમ્પ્યુટર સાયન્સ જેવી કોઈ શાખા પસંદ કરવી જોઈએ એવું મારાં માતાનું કહેવું હતું."
નિત્યાએ તેમના શિક્ષક અને બીજા સિનિયર વિદ્યાર્થીઓ (જેમાં છોકરીઓ પણ હતી) સાથે તેમનાં માતાની વાત કરાવી ત્યારે તેઓ નિત્યાની પસંદગી સાથે સહમત થયાં હતાં. આ વાત સૌથી વધુ મહત્ત્વની છે.
વિદ્યાર્થિનીઓનું પ્રમાણ ઓછું કેમ?
આ સવાલ કેન્દ્ર સરકાર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. તેનો જવાબ મેળવવા કેન્દ્ર સરકારે આઈઆઈટી, મંડીના ડિરેક્ટર પ્રોફેસર તિમોથી એ. ગૉન્ઝાલ્વિઝના વડપણ હેઠળ એક સમિતિ રચી હતી.
એ સમિતિએ પોતાનો અહેવાલ માનવ સંસાધન વિકાસ મંત્રાલયને સોંપી દીધો છે.
એ રિપોર્ટ વિશે બીબીસી સાથે વાત કરતા પ્રોફેસર ગૉન્ઝાલ્વિઝે કહ્યું હતું, "આઈઆઈટીમાં છોકરીઓ ઓછી આવતી હોવાનાં બે મુખ્ય કારણ છે."
"પહેલું કારણ છે છોકરીઓ સંબંધે સમાજનો પૂર્વગ્રહ અને બીજું કારણ છે આદર્શમૂર્તિનો અભાવ."
શ્રેયા આઈઆઈટી-ગાંધીનગરમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. તેમના ક્લાસમાંના કુલ 170 સ્ટુડન્ટ્સમાં માત્ર 15 છોકરીઓ છે.
આ બાબતે સવાલ કર્યો ત્યારે શ્રેયાએ પણ અગાઉ જેવો જ જવાબ આપ્યો.
શ્રેયાએ એન્જિનિયરિંગનું કોચિંગ રાજસ્થાનના કોટામાં લીધું હતું. કોચિંગમાં પણ તેમની સાથે બહુ ઓછી છોકરીઓ હતી.
શ્રેયાના જણાવ્યા મુજબ, તેમની અનેક સખીઓને એન્જિનિયરિંગનો અભ્યાસ કરવામાં રસ હતો પણ એ સખીઓના મમ્મી-પપ્પાએ તેમને કોચિંગ માટે બહાર મોકલી ન હતી.
આ જ વાત પ્રોફેસર ગૉન્ઝાલ્વિઝે તેમના રિપોર્ટમાં જણાવી હતી. તેમણે રિપોર્ટમાં જણાવ્યું હતું કે પહેલાં તો છોકરીઓને કોચિંગ લેવાની પરવાનગી જ નથી મળતી.
ક્યારેક પરવાનગી મળી જાય તો કાઉન્સેલિંગમાં સમસ્યા નડે છે. છોકરીઓનો પરિવાર ઇચ્છે છે કે તેને ઘર નજીકની આઈઆઈટીમાં મનપસંદ શાખામાં પ્રવેશ મળી જાય, પણ મોટાભાગે એવું થતું નથી.
આઈઆઈટીમાં છોકરીઓની ઓછી સંખ્યા બાબતે રાજ્યસભામાં પણ ચર્ચા થઈ ચૂકી છે.
એ ચર્ચાના જવાબમાં માનવ સંસાધન વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે 2016માં જેઈઈ ઍન્ટ્રન્સ ઍક્ઝામ પાસ કરનારી છોકરીઓનું પ્રમાણ 26.73 ટકા હતું, જ્યારે 17 ટકા છોકરીઓએ જેઈઈ ઍડવાન્સ ઍક્ઝામ પાસ કરી હતી.
જોકે, આખરે અભ્યાસક્રમમાં પ્રવેશ લેનારી છોકરીઓનું પ્રમાણ માત્ર 8.8 ટકા હતું.
આ હકીકત પરથી સાબિત થાય છે કે છોકરીઓ આઈઆઈટીમાં પ્રવેશ માટે ફોર્મ ભરે છે, ઘણીવાર તેમની પસંદગી થાય છે, પણ મનપસંદ શાખામાં પ્રવેશ ન મળવાથી આઈઆઈટીમાં એડમિશન લેતી નથી.
શું છે સમસ્યાનું નિવારણ?
આ સમસ્યાનો ઉકેલ આઈઆઈટી-મંડીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યો છે.
ઉકેલના એક ભાગરૂપે છોકરીઓ માટેની બેઠકોની સંખ્યા વધારવાનું સૂચન કરવામાં આવ્યું છે, જેથી 2020 સુધીમાં આઈઆઈટીમાં વિદ્યાર્થિનીઓનું પ્રમાણ 20 ટકાથી વધારી શકાય.
સૂચન અનુસાર આ વર્ષે દેશની 23 આઈઆઈટીમાં કુલ 800 બેઠકો વધારવામાં આવી છે. તેનો હેતુ છોકરાઓ માટેની બેઠકો ઘટાડ્યા વિના આઈઆઈટીમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા વધારવાનો છે.
આઈઆઈટીના કાઉન્સિલે આ નિર્ણય 2018-19ના શૈક્ષણિક વર્ષ માટે કર્યો છે. તેના પરિણામે આ વર્ષે આઈઆઈટીમાં પહોંચેલી છોકરીઓની સંખ્યા 15 ટકા સુધી પહોંચી ગઈ છે, જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધારે છે.
સમસ્યાના નિરાકરણ માટે બીજા ઉકેલ પણ રિપોર્ટમાં સૂચવવામાં આવ્યા હતા. તેમાં આઈઆઈટી રોલ મોડેલ તૈયાર કરવાનો, વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહન મળે એ માટે અલગ યોજનાનો, સ્કોલરશીપ આપવાનો અને ટ્યુશન ફીમાં રાહત આપવાનો સમાવેશ થાય છે.
આઈઆઈટી-મંડીએ આ દિશામાં કામ શરૂ કરી દીધું છે અને તેનું હકારાત્મક પરિણામ આવી રહ્યું છે.
આઠમા ધોરણથી જ વિદ્યાર્થિનીઓને આઈઆઈટી એક્ઝામની તૈયારી કરાવી શકાય એવી યોજના પર ભવિષ્યમાં કામ કરવાનું સૂચન પણ રિપોર્ટમાં કરવામાં આવ્યું છે.
વિદેશમાં કેવી છે સ્થિતિ?
માત્ર ભારતમાં જ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી છોકરીઓનું પ્રમાણ ઓછું હોય એવું નથી.
2016માં ત્રણ લાખ છોકરીઓએ બી.ટેકની અલગ-અલગ શાખાઓમાં એડમિશન લીધું હતું, પણ આઈઆઈટીમાં આ પ્રમાણ ઘટી જાય છે.
તેથી એન્જિનિયરિંગ જેવા વિષયમાં છોકરીઓનું દિમાગ ઓછું કામ કરે છે એવી ધારણા ખોટી છે.
અમેરિકાની એમઆઈટીના 2016ના આંકડા દર્શાવે છે કે ત્યાં એન્જિનિયરિંગના અન્ડરગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ મેળવનારાઓમાં 50 ટકા છોકરીઓ હતી.
કેન્દ્ર સરકારે આઈઆઈટીમાં મિશન બેટી પઢાઓ શરૂ કર્યું છે. તેથી આશા વધી છે. તેનો લક્ષ્યાંક 2020 સુધીમાં આઈઆઈટીમાં 20 ટકા છોકરીઓનો પ્રવેશ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો