કરુણાનિધિ : હિંદી અને બ્રાહ્મણવાદી પરંપરાનો વિરોધ કરનારા નેતા

    • લેેખક, મુરલીધરન કાશીવિશ્વનાથન
    • પદ, બીબીસી તામિલ

મંગળવારે સાંજે ચેન્નાઈની કાવેરી હૉસ્પિટલ ખાતે તામિલનાડુના પૂર્વ મુખ્ય મંત્રી તથા ડીએમમકે અધ્યક્ષ એમ. કરુણાનિધિનું નિધન થયું છે.

રાજકીય કારકિર્દીમાં એક પણ વખત વિધાનસભાની ચૂંટણી નહીં હારેલા એમ. કરુણાનિધિને 'કલાઇંગર' (આર્ટિસ્ટ) તરીકે પણ ઓળખવામાં આવતા.

પાંચ વખત રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂકેલા કરુણાનિધિએ તામિલનાડુને સામાજિક અને આર્થિક રીતે દેશનું પ્રગતિશીલ રાજ્ય બનાવવામાં મોટું યોગદાન આપ્યું.

ભારતીય રાજકારણમાં તેમની ઉપલબ્ધિઓ અજોડ રહી. ભારતના વરિષ્ઠ રાજપુરુષોમાંના એક કરુણાનિધી 60થી વધુ વર્ષ ધારાસભ્ય રહ્યા.

તેમનો જન્મ 1924માં તામિલનાડુના હાલના નાગાપટ્ટીનમ જિલ્લામાં એક સામાન્ય પરિવારમાં થયો હતો.

મુથુવેલ કરુણાનિધિને બાળપણમાં જ લેખનમાં રુચિ જાગી હતી. તેમને તે સમયની જસ્ટિસ પાર્ટીના નેતા અલગીરીસામીનાં ભાષણોથી આકર્ષણ થયું અને તેનાથી તેમનો રાજકારણમાં રસ વધવા લાગ્યો.

મદ્રાસ પ્રેસિડેન્સીના તત્કાલીન મુખ્ય મંત્રી અને જસ્ટિસ પાર્ટીના નેતા 'પનાગલ કિંગ' રામારાયનીગર વિશે સ્કૂલમાં એક પાઠ ભણતા તેમનાથી પણ તેઓ પ્રેરાયા હતા.

કિશોરાવસ્થામાં જ તેઓ જાહેર જીવનમાં સક્રિય થઈ ગયા હતા.

મદ્રાસ પ્રેસિડેન્સીમાં સ્કૂલોમાં હિંદી ફરજિયાત કરવાના નિર્ણય સામે વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ તેમણે સક્રિયતા દાખવી હતી.

17 વર્ષની ઉંમરે જ તેમની રાજનીતિએ મજબૂત પકડ જમાવી દીધી હતી.

તેમણે વિદ્યાર્થીઓનું એક સંગઠન 'તામિલ સ્ટુડન્ટ ફૉરમ' બનાવ્યું અને એક હસ્તલિખિત સામાયિકનું સંપાદન પણ કર્યું હતું.

1940ની શરૂઆતમાં તેઓ તેમના મેન્ટર સી. એન. અન્નાદુરાઈને મળ્યા હતા.

અન્નાદુરાઈ પેરીયાર ઈ. વી. રામાસામીની દ્રવિડ કઝગમ(ડીકે)માંથી અલગ થઈ ગયા અને દ્રવિડ મુન્નેત્ર કઝગમ (ડીએમકે) પાર્ટી શરૂ કરી ત્યારે કરુણાનિધિ તેમની નિકટની વ્યક્તિ બની ગયા હતા.

દરમિયાન 25 વર્ષની ઉંમરે તેમને ડીએમકેની પ્રચાર સમિતિમાં સમાવી લેવાયા હતા.

આ જ સમયે તેમણે 'રાજકુમારી' ફિલ્મ માટે સંવાદ લેખક તરીકે ફિલ્મલેખનક્ષેત્રમાં પદાર્પણ કર્યું. તેઓ આ ક્ષેત્રમાં ઘણા સફળ પણ રહ્યા.

તેમના મોટાભાગના સંવાદો પ્રગતિશીલ સમાજની વ્યાખ્યા કરતા અને સામાજિક પરિવર્તનને લગતા હતા.

1952માં આવેલી ફિલ્મ 'પરશક્તિ'ના તેમણે સંવાદ લખ્યા હતા અને તેના લીધે ફિલ્મ ખૂબ જ પ્રસિદ્ધ થઈ હતી.

તામિલ ફિલ્મ ઉદ્યોગમાં તે એક સિમાચિહ્ન બની રહી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

ફિલ્મના સંવાદો અંધશ્રદ્ધા, ધાર્મિકતા અને સામાજિક રીત-રિવાજો સામે મહત્ત્વના સવાલ ઉઠાવતા હતા.

કરુણાનિધિએ કલ્લાક્કુડી નામના સ્થળનું નામ બદલીને દાલમિયાપુરમ રાખવાના નિર્ણયના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેતાં તેમને છ મહિનાની જેલ પણ થઈ હતી, ત્યારે ડીએમકેમાં તેમનું મહત્ત્વ વધી ગયું હતું.

પોતાના વિચારોને ફેલાવવા માટે તેમણે ફરીથી 'મુરાસોલી' નામનું અખબાર પ્રકાશિત કરવાનું શરૂ કર્યું, જે પાછળથી એ ડીએમકેનું મુખપત્ર બન્યું હતું.

'મલાઇક્કલન', 'મનોહરા' વગેરે ફિલ્મોમાં લખેલા સંવાદની સફળતાથી તેઓ ફિલ્મોમાં સંવાદલેખનના શિખર પર પહોંચી ગયા હતા.

ચૂંટણીઓમાં ક્યારેય પરાજય નહીં

તેમણે 1957થી ચૂંટણી લડવાનું શરૂ કર્યું હતું. પ્રથમ વખત તેઓ કુલીથલાઈથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

2016માં તેઓ થિરુવરથી ચૂંટણી જીત્યા હતા અને આ મતક્ષેત્રમાં જ તેમનું વતન આવેલું છે.

તેમણે 13 વખત વિધાનસભાની ચૂંટણી લડી છે અને તમામમાં તેઓ જીત્યા હતા.

1967માં તેમનો પક્ષ પહેલી વખત સત્તામાં આવ્યો ત્યારે તેઓ મુખ્યમંત્રી અન્નાદુરાઈ અને નેદુન્ચેઝીયાન બાદ પક્ષમાં ત્રીજા સૌથી વરિષ્ઠ નેતા બની ગયા હતા.

ડીએમકેની પહેલી કેબિનેટમાં તેમણે જાહેર કામકાજ અને વાહનવ્યવહાર મંત્રાલયનો પદભાર આપવામાં આવ્યો હતો.

વાહનવ્યવહાર મંત્રીના કાર્યકાળમાં તેમણે રાજ્યની તમામ ખાનગી બસોનું રાષ્ટ્રીયકરણ કરી દીધું અને રાજ્યના અંતરિયાળ ગામોને પણ બસોના નેટવર્કથી જોડી દીધાં હતાં.

આ કાર્યને તેમની મુખ્ય સિદ્ધિઓ પૈકીનું એક માનવામાં આવે છે.

1969માં તેમના મેન્ટર સી. એન. અન્નાદુરાઈનુ મૃત્યુ થતાં તેઓ મુખ્યમંત્રી બન્યા હતા અને તામિલનાડુના રાજકારણમાં એક નવા યુગની શરૂઆત થઈ હતી.

મુખ્યમંત્રી તરીકેની સફળતા

કરુણાનિધિના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં જમીનની ટોચ મર્યાદાનું ધોરણ ઘટાડીને 15 એકર કરી દેવાયું હતું.

નબળા વર્ગ માટે નોકરી અને શિક્ષણમાં અનામત 25 ટકાથી વધારી 31 ટકા કરી દેવાઈ હતી.

તમામ ધર્મના લોકોને મંદિરમાં પૂજારી બનાવવા માટેનો કાયદો પણ પસાર કરવામાં આવ્યો હતો.

સ્કૂલની દૈનિક પ્રાર્થનાઓ અને સરકારી કાર્યક્રમોની શરૂઆતમાં તામિલ ઍન્થમની પ્રથા શરૂ કરવામાં આવી હતી.

19મી સદીના નાટ્યલેખક મનોનમણિયમ સુંદરનારે લખેલી કવિતાને તમિલ ઍન્થમ બનાવવામાં આવી હતી.

માતાપિતાની સંપત્તિમાં મહિલાઓને સમાન અધિકાર માટે પણ તેમણે કાયદો પસાર કર્યો હતો.

સરકારી નોકરીઓમાં મહિલાઓને 30 ટકા અનામત પણ આપી હતી.

તેમના શાસનમાં કૃષિના હેતુ માટે નાખવામાં આવેલા પમ્પ માટે વીજળી મફતમાં આપી હતી.

તેમણે એસ.સી અને એસ.ટી તથા અન્ય પછાત વર્ગોની સાથે સાથે અન્ય વંચિત વર્ગોને નોકરી અને શિક્ષણમાં 20 ટકા અનામત માટે 'મોસ્ટ બૅકવર્ડ ક્લાસ'ની રચના કરી હતી. ચેન્નાઈમાં મેટ્રો રેલ શરૂ કરી હતી.

જાહેર વિતરણ વ્યવસ્થામાં ચોખા એક રૂપિયે કિલો કરી નાખ્યા હતા અને મહિલાઓ માટે સ્થાનિક સરકારી નોકરીમાં 33 ટકા જગ્યા અનામત રાખવાની નીતિ પણ અમલમાં મૂકી હતી.

તેમણે નિઃશુલ્ક જાહેર સ્વાસ્થ્ય વીમો, દલિતોને ઘર, હાથથી ખેંચીને ચાલતી રિક્ષા પર પ્રતિબંધ સહિતનાં કામ તેમના મુખ્યમંત્રી તરીકેના 19 વર્ષનાં શાસનમાં કર્યાં હતાં.

તેમણે સમથુવરુપમ નામની એક મૉડલ હાઉસિંગ કૉલોની સ્થાપી હતી, જેમાં દલિતો અને હિંદુઓને વિનામૂલ્યે ઘર આપવામાં આવ્યાં હતાં.

જોકે, એ માટે એક શરત રાખવામાં આવી હતી કે તેઓ નાતજાતનો પૂર્વગ્રહ છોડીને ભાઈચારાથી રહેશે તો જ તેમને મફત ઘર આપવામાં આવશે.

આ મૉડલ કૉલોનીમાં દલિતોને હિંદુઓના પાડોશી બનાવવામાં આવ્યા હતા.

અનામત મામલે ભૂમિકા

કેન્દ્રની સરકારી નોકરીમાં મંડલ કમિશનની ભલામણોના આધારે અનામતના અમલીકરણના મામલે કેન્દ્રમાં વી. પી. સિંઘના નેતૃત્વ હેઠળની નૅશનલ ફ્રન્ટ સરકારમાં તેમણે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.

કરુણાનિધિના નેતૃત્વમાં ડીએમકેમાં બે વખત બે મુખ્ય નેતાઓ પક્ષથી અલગ થયા હતા

એમ. જી. રામચંદ્રને તેમાંથી અલગ થઈને એઆઈએડીએમકે પક્ષ રચ્યો હતો અને પછી ચૂંટણી લડીને સત્તામાં આવ્યા હતા.

1993માં વાઇકોએ પણ તેમના પક્ષમાંથી અલગ થઈ એમડીએમકે નામનો પક્ષ રચ્યો હતો. તેમાં કેટલાક જિલ્લા સચિવો તેમની પાર્ટીમાં જોડાઈ ગયા.

તેમ છતાં આ ઘટના પછી કરુણાનિધિએ ફરીથી પાર્ટીને સંગઠિત કરી અને ચૂંટણી જીતીને સત્તામાં આવ્યા હતા.

રાષ્ટ્રીય રાજકારણમાં ભૂમિકા

1989માં વી. પી. સિંઘના નેતૃત્વમાં નૅશનલ ફ્રન્ટની સરકાર બની હતી. તેમાં કરુણાનિધિએ રાષ્ટ્રીય રાજકારણની ઇનિંગ શરૂ કરી હતી.

ડીએમકે 1998થી 2014 સુધી કેન્દ્ર સરકારોમાં ગઠબંધનમાં સાથી પક્ષ તરીકે રહ્યો હતો.

મનમોહન સિંઘની યુપીએ-1 સરકારમાં તામિલનાડુમાંથી 12 કેન્દ્રિય મંત્રીઓ હતા.

તેમાં ડીએમકેને ટેલિ-કૉમ્યૂનિકેશન સહિતના મહત્ત્વનાં મંત્રાલય ફાળવાયાં હતાં.

જોકે, કેન્દ્ર સરકાર સાથેના ગઠબંધનથી કરુણાનિધિને ઘણી ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

ખાસ કરીને કેન્દ્રમાં ભાજપ સાથેના ગઠબંધન સંબંધે તેમણે ઘણી ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

2009માં શ્રીલંકાનું ગૃહયુદ્ધ અંતિમ ચરણમાં હતું ત્યારે ત્યાંના તામિલોને બચાવવા માટે કરુણાનિધિનો પક્ષ કેન્દ્રની ગઠબંધન સરકાર પર જોઈએ તેટલું દબાણ ઊભું કરી શક્યો ન હતો. આ બાબતે પણ તેમની ટીકા થઈ હતી.

સ્વાયત્ત રાજ્ય માટે અવાજ

તેમણે ભારતમાં તામિલનાડુને સ્વાયત્ત રાજ્ય બનાવવા મુદ્દે પણ ગંભીરતા દાખવી હતી.

1969માં જસ્ટિસ રાજામન્નારના આગેવાની હેઠળ કેન્દ્ર-રાજ્ય સંબંધ તપાસ સમિતિએ કરુણાનિધિની સરકારને રાજ્યમાં સ્થાપી હતી.

કરુણાનિધિની પહેલને કારણે જ ભારતમાં મુખ્ય મંત્રીઓને સ્વાતંત્ર્ય દિવસે ઝંડો ફરકાવવાનો હક મળ્યો હતો.

સિનેમામાં યોગદાન

1947થી 2011 દરમિયાન 64 વર્ષ સુધી કરુણાનિધિએ ફિલ્મો માટે ડાયલૉગ લખ્યા હતા.

એટલું જ નહીં તેમણે ટીવી સિરિયલ માટે પણ સંવાદો લખ્યા હતા. માંદગીમાં સપડાયા તે પહેલાં તેઓ ટીવી સિરીઝ 'રામાનુજમ' માટે સંવાદો લખી રહ્યા હતા.

પત્રકાર અને લેખક તરીકે તેમનું યોગદાન ખૂબ જ વધારે છે. તેમણે લગભગ બે લાખથી વધુ પેજ લખ્યાં છે.

તેમના પક્ષના મુખપત્ર 'મુરાસોલી'માં તેઓ 'ઉડાનપિરાપ્પે' (અરે ભાઈ) નામની સિરીઝ લખતા હતા, જે વિશ્વમાં સૌથી લાંબી ચાલેલી ન્યુઝપેપર સિરીઝ છે.

સ્વતંત્રતા પહેલાં જે લોકોએ રાજકારણમાં ઝંપલાવ્યું હતું તેમાંથી અમૂક લોકો જ હાલમાં જીવિત છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો