રાહુલનું મોદીને ગળે મળવું: આલિંગન કે અણધાર્યો હુમલો?

    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, રાજકીય વિશ્લેષક

ચાર વર્ષ પહેલાં સત્તા કબજે કરી ત્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટેભાગે સમાચારોમાં છવાયેલા રહ્યા છે.

સ્પર્શનું વ્યૂહાત્મક મહત્ત્વ સમજતા કુશાગ્ર નેતા નરેન્દ્ર મોદી દુનિયાભરના નેતાઓને મુક્ત રીતે ભેટતા રહ્યા છે પણ ઘરઆંગણે અન્ય નેતાઓથી અંતર રાખતા રહ્યા છે.

મુખ્ય વિરોધપક્ષ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગયા અઠવાડિયે નરેન્દ્ર મોદીની તરકીબ તેમના પર જ અજમાવી હતી.

અવિશ્વાસની દરખાસ્તની ચર્ચા દરમિયાન નરેન્દ્ર મોદીની કામગીરીની ઝાટકણી કાઢતું ભાષણ આપ્યા બાદ 48 વર્ષના રાહુલ ગાંધીએ સંસદમાં અનપેક્ષિત આલિંગન વડે તેમના રાજકીય પ્રતિસ્પર્ધીને ચોંકાવી દીધા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

નરેન્દ્ર મોદી અને તેમનો ભારતીય જનતા પક્ષ (ભાજપ) સંસદમાં દયાજનક સ્થિતિમાં આવી ગયેલા નબળા કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધીની સતત મશ્કરી કરતા રહ્યા છે.

નરેન્દ્ર મોદીના ભાજપનો ટેકો ધરાવતા ટ્રોલ્સ દ્વારા સોશિયલ મીડિયામાં પણ રાહુલ ગાંધીની મજાક કરવામાં આવતી રહી છે.

આશ્ચર્યજનક આલિંગન

સંસદમાં આપેલા ભાષણ બાદ નરેન્દ્ર મોદી તરફ જઈ તેમને અનિચ્છિત આલિંગન આપીને આશ્ચર્યચકિત કરતાં પહેલાં રાહુલ ગાંધીએ કહ્યું હતું, "તમે મને ધિક્કારો છો અને અત્યંત ખરાબ રીતે મારી નિંદા કરો છો, પણ મારા હૃદયમાં તમારા પ્રત્યે કોઈ ધિક્કાર નથી."

રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને આપેલું આલિંગન આખા દેશના અખબારોની હેડલાઇન બન્યું હતું અને મીડિયા ઉત્તેજિત થઈ ગયું હતું.

સોશિયલ મીડિયા પર #hugoplacy જેવાં કઢંગા હૅશટેગ બન્યાં હતાં.

કેટલાકે તેને "ઐતિહાસિક" આલિંગન ગણાવ્યું હતું અને પૂરવાર કર્યું હતું કે રાહુલ ગાંધી તેમના પ્રતિસ્પર્ધીઓ માને છે તેના કરતાં વધારે ચતુર રાજકારણી છે.

કેટલાક અન્યોએ જણાવ્યું હતું કે એક સમયે ખચકાતા રાહુલ ગાંધી આખરે દેખાડાના રાજકારણના પાઠ ભણી રહ્યા છે.

જે પ્રતિસ્પર્ધીને સંપૂર્ણપણે હરાવવાની જન્મજાત આવડત માટે વિખ્યાત નરેન્દ્ર મોદીને પાછળ છોડવામાં તેમને મદદરૂપ થશે.

સમાજશાસ્ત્રી શિવ વિશ્વનાથને મને કહ્યું, "ફોટોગ્રાફ્સમાં તો નરેન્દ્ર મોદી તેમના પર પદનો ભાર હોય તેવા, જ્યારે રાહુલ ગાંધી ચોક્કસ પ્રકારના નાવીન્ય માટે તૈયાર હોય તેવા લાગે છે. તેઓ આ શૈલીમાં પરિવર્તનનો સંકેત આપતા હોય તેવું જણાય છે."

એક અગ્રણી વિશ્લેષકે રાહુલ ગાંધીના આલિંગનને "નાટકીય, અનપેક્ષિત તથા અસંભવિત" અને "બહુ વિચારપૂર્વક ઘડવામાં આવેલી વ્યૂહરચના"નું પરિણામ ગણાવ્યું હતું.

"ધિક્કારના રાજકારણ વિરુદ્ધ પ્રેમનું રાજકારણ"

પત્રકાર બરખા દત્તે લખ્યું હતું કે એ આલિંગન "ધિક્કારના રાજકારણ વિરુદ્ધ પ્રેમનું રાજકારણ છે, જેમાં નવી પેઢીના પુરુષો મૃદુતા વડે કટ્ટર મર્દાનગીનો સામનો કરી શકે છે."

એક અખબારે એવો બેધડક અહેવાલ પ્રકાશિત કર્યો હતો કે ચતુરાઈપૂર્ણ આલિંગનની યોજના ફેબ્રુઆરીમાં ઘડવામાં આવી હતી.

એ કૃત્ય આલિંગનનું હતું કે પછી નરેન્દ્ર મોદીને મૂંઝવણમાં મૂકવાનો પ્રયાસ હતો એવું આશ્ચર્ય ડેરી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી એક કંપનીના કાર્ટૂનમાં વ્યક્ત કરવામાં આવ્યું હતું.

એ કાર્ટૂન આખી ઘટનાને બરાબર સમજ્યું હોવાનું હું માનું છું. ઘણાં માને છે કે એ આલિંગન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાંના "પૌરુષત્વભર્યા રાજકારણના ઝેરીલા વાતાવરણમાં મૈત્રીનો ભાવ દર્શાવતું" રાહુલ ગાંધીનું બહાદુરીભર્યું કૃત્ય હતું.

જોકે, દ્વિપક્ષી જણાતું એ આલિંગન અચાનક કરેલા હુમલા જેવું વધારે લાગ્યું હતું.

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ લીન્ડન જોન્સને તેમની જીવનશૈલી બાબતે એક વખત કહ્યું હતું, "તમારા મિત્રોને ગાઢ આલિંગન આપો, પણ તમારા દુશ્મનોને એટલું ગાઢ આલિંગન આપો કે તેઓ ચસકી ન શકે."

રાહુલ ગાંધીએ લીન્ડન જોન્સનના આ કથનમાંથી પ્રેરણા લીધી હોય તે શક્ય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો