You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું લોકસભામાં રાહુલને જવાબ આપી શક્યા મોદી?
- લેેખક, ઉર્મિલેશ
- પદ, વરિષ્ઠ પત્રકાર
એ વાતની તો સમગ્ર દેશને ખબર હતી કે લોકસભામાં રજૂ કરવામાં આવેલો અવિશ્વાસનો પ્રસ્તાવ મંજૂર થઈ શકશે નહીં.
સંસદમાં ભાજપને બહુમતી હાંસલ છે. જેથી વિપક્ષ દ્વારા લાવવામાં આવેલો આ પ્રસ્તાવ રદ્દ થવાનો જ હતો.
જોકે, સંખ્યાબળમાં કમજોર હોવા છતાં પણ લોકસભામાં થયેલી ચર્ચામાં વિપક્ષ ભારે બહુમતી ધરાવતા સત્તાપક્ષ પર ભારે પડ્યો.
લોકસભાની ચર્ચા દરમિયાન એના સંકેત અને સાબિત વારંવાર મળતાં રહ્યાં.
વિપક્ષના મુખ્ય નેતા રાહુલ ગાંધીના આરોપો અને ટિપ્પણીઓ પર સત્તાપક્ષના સાંસદો અને કેટલાક મંત્રીઓએ જે રીતે ગભરામણ બતાવી, તેનાથી સરકારની કમજોરી જાહેર થઈ.
રાહુલની મજાક
એ તો વારંવાર જોવા મળ્યું હતું કે ભાજપ-આરએસએસની પ્રચાર મંડળીઓએ રાહુલ ગાંધીની વિતેલાં પાંચ-સાત વર્ષોમાં જે રીતે 'પપ્પુ-બબલુ' વગેરે કહીને મજાક ઉડાવી અને તેને સાવ હળવાશમાં લીધા, એ રાજકીય રણનીતિનો સિલસિલો હવે તૂટી ચૂકયો છે.
રાહુલના રાજકીય પ્રહારોથી સત્તાપક્ષ અને ખુદ વડા પ્રધાન પણ સંસદીય ચર્ચા દરમિયાન અનેકવાર અસહજ દેખાયા.
અંતમાં જ્યારે વડા પ્રધાન પોતાની વાત કહેવા માટે આવ્યા તો જનસભાઓ અને ચૂંટણી-રેલીઓના સંબોધનોની શૈલીમાં તેમણે લાંબુ ભાષણ આપ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાહુલના કેટલાક આરોપો અને વ્યવહારની મજાક પણ ઉડાવી.
વડા પ્રધાનના ભાષણમાં કંઈ નવું હતું?
વૈચારિક તાજગી અને નક્કર મુદ્દાઓના અભાવે તેમના શબ્દો દમ વિનાના અને નિશ્ચેતન લાગ્યા.
તેમના લાંબા ભાષણમાં સત્તાપક્ષમાં પહેલાં જેટલું જોમ જોવા ના મળ્યું.
વિપક્ષના સભ્યોએ નોટબંધી, જીએસટી, ખેડૂતોની દૂર્દશા, મૉબ લિંચિંગ અને સમાજમાં બઢતી હિંસા વગેરે સવાલો ઉઠાવ્યા.
તમે આ વાંચ્યું કે નહીં?
આ સવાલોના સત્તાપક્ષ તરફથી કોઈ સુસંગત જવાબો જાણવા મળ્યા નહીં.
મીડિયા, ખાસકરીને ભારતીય ન્યૂઝ ચેનલોના મોટા હિસ્સાએ દિવસભર મહત્ત્વપૂર્ણ સંસદીય ચર્ચાને વડા પ્રધાન મોદીને રાહુલ ગાંધી લગભગ જબરદસ્તીથી ગળે મળ્યા તેના સુધી જ સીમિત રાખવાની કોશિશ કરી.
જોકે, રાહુલ ગાંધી આ મામલામાં પણ બાજી મારી ગયા. ગળે મળવાનાં આ દૃશ્યો અનેક દૃષ્ટિએ સાંકેતિક હતાં.
સમાજમાં હિંસા, નફરત અને મૉબ લિંચિંગના આજના દોરમાં શાંતિ, સોહાર્દ અને પ્રેમની જરૂરતનો એ રાજકીય સંકેત હતો.
સામાન્ય સ્તરનું ભાષણ
આપણા સંસદીય ઇતિહાસ અને કેટલાંક મહાન સંબોધનો કે ભાષણોને જોવા જઈએ તો રાહુલ ગાંધીનું ભાષણ સામાન્ય સ્તરનું હતું.
તેને કોઈ મહાન ભાષણ ના કહી શકાય કે જેવી રીતે તેમના પ્રશંસકો દાવો કરી રહ્યા છે.
તેમનું ભાષણ શુક્રવારની લોકસભાની ચર્ચાનું સર્વાધિક રાજકીય ભાષણ હતું.
જેથી ભાજપ-આરએસએસની પ્રચાર મંડળીઓ હવે રાહુલ ગાંધીને પપ્પુ કે બબલુ કહેવાથી અંતર રાખશે.
તેમના ભાષણે માત્ર સંરક્ષણ મંત્રી કે વડા પ્રધાનને નહીં, સંપૂર્ણ સત્તા-પ્રતિષ્ઠાનને બેચેન કરી દીધું. ખાસ કરીને બે મુદ્દાઓ પર.
પહેલો મુદ્દો હતો કે મોદી સરકાર પર એ ગંભીર આરોપ છે કે તે દેશના 15-20 કૉર્પોરેટ માંધાતાઓ સાથે મળીને નીતિઓ તૈયાર કરે છે. નાના-ઉદ્યોગ, કારોબારીઓ કે ખેડૂતો કે જનતા સાથે તેમનો કોઈ સંવાદ રહ્યો નથી.
રાહુલનો ઉદ્યોગપતિઓ પર હુમલો
આ સિલસિલામાં રાહુલ ગાંધીએ નક્કર સંકેતો સાથે ખુલ્લેઆમ અંબાણી ભાઈઓ, અદાણી વગેરે તરફ ઈશારો કર્યો.
આવી રીતે તેમણે મોદી સરકાર પર ક્રોની કેપિટાલિઝમને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો.
રાહુલ ગાંધીએ આ વાત કોઈ જનસભા કે ચૂંટણીની રેલીમાં નહીં, ભારતની સંસદમાં કહી. એટલા માટે એનો ખાસ મતલબ છે.
કોંગ્રેસનું આવું વલણ નથી. મને યાદ નથી, છેલ્લા ત્રણ દાયકાઓમાં કોઈ મુખ્ય નેતાએ ક્યારેય દેશના ઉચ્ચ કૉર્પોરેટ માંધાતાઓ પર આ રીતે ખુલ્લેઆમ નિશાન સાધ્યું હોય.
આ રીતે રાહુલ કોંગ્રેસની રાજનીતિમાં નવો અધ્યાય જોડતા નજરે પડી રહ્યા છે.
એક જમાનામાં સ્વયં કોંગ્રેસ પર આરોપ લાગતો હતો કે તેઓ મોટા કૉર્પોરેટ હાઉસ અને ઉદ્યોગપતિઓ સાથે મળીને આર્થિક નીતિઓ બનાવતી હતી.
જોકે, લાગે છે કે રાહુલના યુગમાં કોંગ્રેસ સાચે જ આ બાબતને બદલવાની કોશિશ કરી રહી છે.
તેમણે પોતાના ભાષણથી સાબિત કર્યું કે જરૂરિયાતના હિસાબે કોંગ્રેસ કૉર્પોરેટની સામે પણ ઊભી રહી શકે છે.
બીજો મુદ્દો એનાથી પણ વધારે ગંભીર છે. વડા પ્રધાન મોદીએ 2014ની લોકસભા ચૂંટણીઓમાં સૌથી મોટો મુદ્દો ભ્રષ્ટાચારને બનાવ્યો હતો.
તત્કાલીન યૂપીએ સરકાર પર ભ્રષ્ટાચાર પર નિશાન સાધતા તેમણે દેશવાસીઓને ભરોસો અપાવ્યો હતો કે તેઓ ચૂંટણી જીતશે તો એવી સરકાર આપશે, જે ના તો ખાશે કે ના ખાવા દેશે.
જોકે, અત્યારસુધી તેમની સરકાર પર ભ્રષ્ટાચારના મોટા આરોપો લાગ્યા ન હતા.
અનેક લોકો કહે છે કે આ ચાર વર્ષોમાં સીએજીથી મીડિયા સુધી બધા આ સરકાર પ્રત્યે સંયમી અને ઉદાર રહ્યા છે.
આ કારણે પણ ભ્રષ્ટાચારના મામલાઓ પ્રકાશમાં આવ્યા નહીં હોય એવું પણ બની શકે.
રાહુલ ગાંધીએ શુક્રવારે સંસદમાંથી જ રાફેલ વિમાનના સોદામાં થયેલી કથિત અનિયમિતતાઓનો સવાલ ઉઠાવી દીધો.
હળવા અવાજમાં રાફેલના સોદા પર કેટલાક સવાલો પહેલાં પણ ઉઠ્યા હતા.
જોકે, આ રીતે પૂરજોશમાં પહેલીવાર આ મામલો સંસદમાં ઉઠતો જોવા મળ્યો.
તેની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે માત્ર મોદી સરકારે જ નહીં, ફ્રાંસની સરકાર તરફથી પણ આ મામલે સાંજ પડતા-પડતા સફાઈનું એક નિવેદન આપવામાં આવ્યું.
ગુપ્તતાના તર્કમાં કેટલો દમ?
બંને નિવેદનોમાં જે સફાઈ આપવામાં આવી ગુપ્તતાની જોગવાઈની વાત મુખ્ય હતી.
રાહુલે જ્યારે વિમાનનોના વધેલા ભાવ(પ્રતિ વિમાન 520 કરોડથી વધીને 1600 કરોડ) અને ભારત સરકારની પોતાની કંપની એચએએલને નજરઅંદાજ કરીને કે કૉર્પોરેટ હાઉસને આ સોદામાં સામેલ કરવાના મોદી સરકારના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યો તો સંસદમાં ભારે હંગામો થઈ ગયો.
સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ અને સંસદીય કાર્યમંત્રી અનંત કુમાર વારંવાર ઊભા થઈને વચ્ચે બોલતાં જોવા મળ્યાં.
બાદમાં પોતાના સંબોધન દરમિયાન પણ વડા પ્રધાને ખુદે આ મામલે ટિપ્પણી કરી પરંતુ તે માત્ર ટિપ્પણ જ હતી.
તેમાં કોઈ પણ પ્રકારની સફાઈ ન હતી, જેથી આરોપોનું સંપૂર્ણ રીતે ખંડન કરી શકાય.
ગુપ્તતાની જોગવાઈ પર સત્તાપક્ષ તરફથી વારંવાર ભાર મૂકવામાં આવ્યો.
ભૂતકાળમાં સંરક્ષણના સોદાઓ મામલે જ્યારે વાત થતી ત્યારે આ પ્રકારની કોંગ્રેસ સંચાલિત સરકારો તરફથી પણ આવતી હતી.
જો રાફેલના સોદામાં બધું જ સમુંસૂતરું છે તો પછી આ રીતે સંતાડવાની શું જરૂર છે?
સરકાર વારંવાર ગુપ્તતાની જોગવાઈની આડશ કેમ લઈ રહી છે.
અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન બે એવા મુદ્દાઓ ઊભર્યા, જેના પર સરકારની દલીલો ખૂબ જ કમજોર જોવા મળી.
સત્તાપક્ષ અને વિપક્ષ આ સમય મહત્ત્વપૂર્ણ છે. કેટલાક મહિનાઓ બાદ દેશમાં ચૂંટણી થવાની છે.
તે પહેલાં કેટલાંક રાજ્યોમાં ચૂંટણી થવાની છે. જોવાનું છે, પક્ષ અને વિપક્ષ આ મુદ્દાઓને ચૂંટણીમાં કેટલી હદ સુધી ઉઠાવી શકે છે અને પોત-પોતાની દલીલોથી મતદાતાઓ કેટલા પ્રભાવિત કરી શકે છે.
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો