You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નાની વયે વાળ સફેદ કેમ થાય છે? આ છે વાળ સફેદ થવાનાં કારણો
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
"જ્યારે હું 14-15 વર્ષની હતી, ત્યારે જ મારા વાળ સફેદ થવા લાગ્યા હતા. મને કે મારા પિતાને આ વાતથી કોઈ ફરક પડતો નથી. પણ મારા માતા ઘણાં પરેશાન હતાં."
"તેઓ મને ડૉક્ટર પાસે લઈ ગયાં, ડૉક્ટરે કૅલ્શિયમની ગોળીઓ ખાવાની સલાહ આપી પણ કંઈ ફેર ન પડ્યો. આ વાતને હવે આશરે 15 વર્ષ થઈ ગયાં છે."
આ કહાણી ચંડીગઢમાં રહેતાં વર્ણિકા કુંડુની છે.
વર્ણિકાના વાળ નાના છે પણ અડધા કાળા છે અને અડધા સફેદ. પહેલી નજરમાં આ એમનું ફૅશન સ્ટેટમેન્ટ લાગી શકે છે.
તેમનું કહેવું છે કે આવા વાળ માટે તેમણે પાર્લરમાં જઈને ટ્રીટમેન્ટ નથી કરાવી, જાતે જ આવા થઈ ગયા છે.
ઓછી વયે વાળ સફેદ થવા એ એક નવો ટ્રૅન્ડ બની રહ્યો છે.
ગૂગલ ટ્રૅન્ડના સર્ચ ઇન્ટરેસ્ટથી ખબર પડી છે કે છેલ્લાં દસ વર્ષમાં ગૂગલ પર 'ગ્રે હૅર' એટલે કે 'સફેદ વાળ' સર્ચ કરનારા લોકોની સંખ્યા ઘણી વધી છે.
ખાસ કરીને 2015 પછી આ સંખ્યામાં વધારો નોંધાયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
20 વર્ષના સત્યભાન પણ એમાંથી એક છે જેઓ ગૂગલ પર સફેદ વાળ અંગે રિસર્ચ કરે છે.
સત્યભાન પણ ટીન એજમાં હતા, જ્યારે તેમણે પોતાના વાળ સફેદ થયેલા જોયા.
એ વખતની પોતાની પહેલી પ્રતિક્રિયા યાદ કરીને કહે છે, "મને થોડી ચિંતા થઈ. પછી મેં ગૂગલ કર્યુ. આખરે એનું કારણ શું છે?"
"મારા પિતા કાર્ડિયોલૉજિસ્ટ છે, તેમની સલાહ પ્રમાણે હું ડૉક્ટરને મળવા ગયો."
"બાદમાં ખ્યાલ આવ્યો કે મારી ખાવા-પીવાની આદત અને વાળ પર નવા પ્રકારની પ્રોડક્ટનો ઉપયોગ કરવા જેવા અનેક કારણોથી વાળની આવી સ્થિતિ થઈ છે."
સ્કિન અને હૅર એક્સપર્ટ ડૉક્ટર દીપાલી ભારદ્વાજ કહે છે, "ઓછી વયે વાળ સફેદ થવા એ એક બીમારી છે. ડૉક્ટરની ભાષામાં તેને કેનાઇટિસ કહેવાય છે."
તમે આ વાંચ્યું કે નહીં?
ઇન્ડિયન જર્નલ ઑફ ડર્મેટોલૉજીમાં 2016માં પ્રકાશિત થયેલા સંશોધન પ્રમાણે ભારતમાં કેનાઇટિસ માટે 20 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે.
ભારતીયોમાં 20 વર્ષ કે એથી પહેલાં વાળ સફેદ થવાનું શરૂ થઈ જાય તો એવું માનવામાં આવે છે કે તેમને આ બીમારી હોઈ શકે છે.
બીમારીના કારણ
દિલ્હીના સફદરજંગમાં ઘણાં વર્ષો સુધી પ્રૅક્ટિસ કરનાર ટ્રાઇકૉલોજિસ્ટ(વાળના ડૉક્ટર) ડૉક્ટર અમરેન્દ્ર કુમાર કહે છે કેનાઇટિસમાં હૅર કલર પિગમેન્ટ પેદા કરતા સેલમાં સમસ્યા થાય છે, જેના કારણે વાળ સફેદ થવા લાગે છે.
એની પાછળ અનેક કારણો હોય છે. ડૉક્ટર અમરેન્દ્ર પ્રમાણે ઘણી વખત ઓછી વયે વાળ સફેદ થવા પાછળ જિનેટિક કારણો હોઈ શકે છે તો ઘણી વખત ખાવા-પીવામાં પ્રોટીન અને કૉપરની ઊણપ અને હોર્મોનિકલ કારણોથી પણ આ સમસ્યા થતી હોય છે.
શરીરમાં હિમોગ્લોબિનની ઊણપ હોય. એનીમિયા, થાઇરૉઇડની સમસ્યા, પ્રોટીનની ઊણપ આ બધા કારણોથી વાળ ઓછી વયે સફેદ થઈ જતા હોય છે.
વર્ણિકા જ્યારે ક્ટરને મળી તો એમને ખ્યાલ આવ્યો કે તેમની વાળની સમસ્યા જિનેટિક છે.
તેમના પિતા વિશે વાત કરતા વર્ણિકા કહે છે, "મારા પિતાના વાળ પણ નાની વયે સફેદ થઈ ગયા હતા. મારી એક નાની બહેન પણ છે, તેના વાળ પણ મારા જેવા જ છે. અમારા પરિવારમાં આ સમસ્યા ઘણા લોકોને છે."
વિશ્વભરમાં ઘણી જગ્યાએ ઓછી વયે સફેદ વાળ કેમ હોય છે,એના પર સંશોધન થયું છે.
બ્રિટનની યુનિવર્સિટી ઑફ બ્રૅડફોર્ડના પ્રોફેસર ડેસમંડ ટોબીનના પ્રમાણે યૂરોપમાં રહેતા લોકો માટે 20 વર્ષની ઉંમરમાં વાળ સફેદ થવા એ સામાન્ય બાબત ગણવામાં આવે છે.
પ્રોફેસર ટોબીન હૅર અને સ્કિન પિગમેન્ટ સ્પેશિયાલિસ્ટ છે.
આ વિષય પર થયેલા સંશોધનોના અધ્યયન બાદ તેઓ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે માનવ શરીરમાં મળતા 'જીન', વાળમાં મળતા રંગ-રૂપ માટે જવાબદાર હોય છે.
રિસર્ચથી એ પણ ખ્યાલ આવે છે કે અલગ-અલગ વંશના લોકોમાં અલગ-અલગ સમય પર વાળ સફેદ થવાનો ટ્રૅન્ડ જોવા મળ્યો છે.
આફ્રિકા અને પૂર્વ-એશિયાના લોકોમાં વાળ એક ઉંમર પછી જ સફેદ થવાનું શરૂ થાય છે.
ભારતમાં જો 40 વર્ષની ઉંમર પછી વાળ સફેદ થાય તો તેને બીમારી ગણવામાં આવતી નથી.
ઓછી ઉંમરમાં સફેદ વાળ પર અલગ-અલગ લોકોની પ્રતિક્રિયા પણ અલગ-અલગ છે.
ઘણાં લોકો ઓછી ઉંમરે સફેદ વાળ સ્વીકારતા નથી. તેને છુપાવવાના પ્રયત્નો કરે છે.
ઘણાં લોકો તેને ફૅશન સ્ટેટમેન્ટ કે પછી સ્ટાઇલ સ્ટેટમેન્ટમાં બદલી કાઢે છે.
સત્યભાન એમાંથી જ છે જે 20 વર્ષની ઉંમરે સફેદ વાળ સાથે રહેવા ઇચ્છતા નથી. એટલે જ તેમણે વાળ ડાઈ કરવાનું શરૂ કરી દીધું છે.
જોકે, ડૉક્ટર દીપાલી તેને સાચું માનતા નથી. તેમના પ્રમાણે તેનાથી વાળને નુકસાન થાય છે.
થોડા સમય માટે તે અસર કરે છે, પણ જેવા જ તમે તેનો ઉપયોગ કરવાનું બંધ કરો તો વાળ સફેદ થવા લાગે છે.
વર્ણિકા કુંડુ એમાંથી છે જેમણે પહેલાં દિવસથી જ આ સ્થિતિને સ્વીકારી લીધી છે.
બીબીસી સાથેની વાતચીતમાં વર્ણિકા કહે છે, "કેટલાક લોકોને લાગે છે કે મેં વાળ હાઈ-લાઇટ કરાવ્યા છે. પણ એવું જરાય નથી."
"કેટલાક લોકો એવું પણ કહે છે કે તેમણે મારા જેવા વાળ જોઈએ છે પણ હું તેમને કેવી રીતે સમજાવું કે મારા વાળ કુદરતી રીતે જ આવા છે."
શું તેમના વાળને તેમની ઉંમર સાથે જોડીને લોકો જોતા હતા?
વર્ણિકા પહેલાં તો જોરજોરથી હસે છે પછી કહે છે એક વખત નહીં અનેક વખત આવું થયું છે.
તેઓ કહે છે, "ઘણી વખત લોકો મને જોઈને પહેલી નજરમાં જ ઉંમરલાયક સમજી બેસે છે અને પછી વાતચીતમાં જ્યારે તેમને મારી વાસ્તવિક ઉંમર ખબર પડે છે, તો તેઓ માફી માંગે છે."
ઘણા લોકોમાં એ જોવા મળ્યું છે કે આ બીમારીના કારણે લોકો સ્ટ્રેસ અને ટ્રૉમામાં જતા રહે છે.
ડૉક્ટર અમરેન્દ્ર પ્રમાણે દુનિયામાં આશરે 5 થી 10 ટકા લોકો કોનાઇટિસના શિકાર છે.
આખરે સફેદ વાળથી છુટકારો કેવી રીતે મળી શકે?
આ સવાલના જવાબમાં ડૉક્ટર અમરેન્દ્ર કહે છે, "આ બીમારીનો ઇલાજ મુશ્કેલ છે. એક વખત વાળ સફેદ થઈ ગયા પછી જેટલી મુશ્કેલી તેને પાછા કાળા કરવામાં થાય છે એટલી જ મુશ્કેલી બાકી બચેલા વાળને સફેદ થતા રોકવામાં થાય છે."
કેનાઇટિસ માટે દવાઓ અને શૅમ્પૂ પણ બજારમાં ઉપલબ્ધ છે પણ તેનાથી માત્ર 20 થી 30 ટકા જેટલી જ સફળતા મળી શકે છે.
ડૉ.દીપાલીનું માનીએ તો ઓછી ઉંમરમાં વાળ સફેદ ન થાય એ માટે ખાવા-પીવા પર શરૂઆતથી જ ધ્યાન આપવાની જરૂર છે.
ખાવામાં બાયોટિન(એક પ્રકારનું વિટામિન)નો ઉપયોગ કરો, વાળમાં કોઈ પ્રકારનું કેમિકલ ન લગાવો.
મોટાભાગના ઍન્ટી ડેન્ડરફ શૅમ્પૂમાં વાળને નુકસાન કરતા કેમિકલનો ઉપયોગ કરાતો હોય છે.
આ પ્રકારના શૅમ્પૂનો સપ્તાહમાં ફક્ત બે વખત જ ઉપયોગ કરવો જોઈએ.
ડૉ.દીપાલી પ્રમાણે વાળમાં તેલ વધારે લગાવવાથી આ બીમારીમાં કોઈ ફરક પડતો નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો