દૃષ્ટિકોણ : 'નરેન્દ્ર મોદી જ રાહુલ ગાંધીના સૌથી મોટા શિક્ષક છે'

    • લેેખક, આર.કે. મિશ્રા
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી માટે

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ગુજરાતમાં ફરી એકવાર ભાજપની સરકાર બનશે.

પરિણામ પહેલાં એવું અનુમાન હતું કે આ વખતે ગુજરાતમાં ભાજપને કોંગ્રેસથી જબરદસ્ત ટક્કર મળી શકે છે.

રાહુલ ગાંધીની રેલીઓ અને યુવા નેતા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીની ત્રિપુટીને જોઈને આ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું.

વાંચો, ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ પર વરિષ્ઠ પત્રકાર અને ગુજરાતના રાજકારણનું ખૂબ જ નજીકથી નિરીક્ષણ કરી ચૂકેલા આર.કે. મિશ્રાનો મત તેમના જ શબ્દોમાં.

તમને આ પણ વાંચવું ગમશે

ગ્રામીણ વિસ્તારમાં કોંગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું છે, પરંતુ ભાજપને હરાવવા અને સરકાર બનાવવા માટે તેમણે તે પ્રદર્શન શહેરી વિસ્તારોમાં પણ બતાવવાની જરૂર હતી.

જો કે એ વાત પણ સાચી છે કે શહેરી વિસ્તાર ભાજપના ગઢ તરીકે ઓળખાય છે.

ગત ચૂંટણીમાં પણ શહેરી વિસ્તારની 64માંથી 60 બેઠક ભારતીય જનતા પક્ષની જ હતી.

અત્યાર સુધી જે પરિણામો જાહેર થયા છે તેનાંથી એ સ્પષ્ટ છે કે કોંગ્રેસ પાર્ટી આ શહેરી વિસ્તારોમાં ભાજપના ગઢને ધ્વસ્ત કરી શકી નથી.

કોંગ્રેસના તમામ પ્રયાસ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જેવા શહેરી વિસ્તારોમાં આવી રોકાઈ ગયા છે.

મોદી Vs રાહુલ

આ વખતે ચૂંટણીમાં કોઈ સ્થાનિક નેતા કે મુદ્દો સામે ન આવ્યા. આખી ચૂંટણીમાં મોદી Vs રાહુલ જ જોવા મળ્યું.

આ કોંગ્રેસની ઉપલબ્ધિ છે કેમ કે પહેલી વખત કોંગ્રેસે નરેન્દ્ર મોદીને એંગેજ કર્યા છે.

અત્યાર સુધી મોદીજી આગળ દોડતા હતા અને કોંગ્રેસ પાછળ ખસકી જતી હતી.

પરંતુ આ વખતે રાહુલ આ રાજ્યમાં એક પડકારની જેમ સામે આવ્યા.

આ વખતે મતદાનની ટકાવારીમાં પણ ફેરફાર જોવા મળી રહ્યા છે.

સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે મતદાનમાં કોંગ્રેસની ટકાવારી વધી છે.

એક સમય હતો જ્યારે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને પડકાર સ્વરૂપે કોઈ જોતું ન હતું.

પરંતુ આ વખતે મુકાબલો એવો જોવા મળ્યો કે વડાપ્રધાન મોદીએ 'ગુજરાતનો દીકરો' અને 'ચા વાળો' જેવા કાર્ડનો ઉપયોગ કરવો પડ્યો.

કોંગ્રેસની સફળતા

ગુજરાતની ચૂંટણીમાં હાર છતાં કોંગ્રેસને તેના ઘણા ફાયદા મળશે. કેમ કે તેમાં રાહુલ ગાંધી એક નવા રૂપમાં સામે આવ્યા છે.

આ ચૂંટણી બાદ રાહુલ ગાંધીને એક નવો આત્મવિશ્વાસ મળશે. પાર્ટીને નવી ઊર્જા મળશે અને વિપક્ષના નેતા તરીકે રાહુલનું કદ પણ વધશે.

બીજી તરફ રાહુલે મણિશંકર ઐયર વિરૂદ્ધ જે નિર્ણય સંભળાવ્યો અને ચૂંટણી બાદ એ કહેવું કે અમે પ્રેમની રાજનીતિ કરવા માગીએ છીએ, તે તેમને આગળ વધવામાં મદદ કરી શકે છે.

આ વાતને બધા જ લોકો માને છે કે જો કેન્દ્ર અને રાજ્યમાં એક જ પાર્ટીની સરકાર છે તો ફાયદો તો થાય જ છે.

બીજું, પ્રચાર અભિયાન વચ્ચે ભાજપે કેટલાક એવા નિર્ણય કર્યા છે કે જેનો ફાયદો તેમને તુરંત મળ્યો.

સુરતમાં GSTને લઇને લોકોમાં ગુસ્સો હતો. તો તેમણે કેમ્પેઇન વચ્ચે તેમાં ફેરફાર કરી દીધા.

ત્રીજું, નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીની હંમેશા રણનીતિ રહી છે કે તેઓ મોટા નેતાઓને ટાર્ગેટ કરે છે.

જેમ કે તમે અહીં પણ જોશો તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિ સિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ અને અર્જુન મોઢવાડિયાનું પ્રદર્શન સારૂં રહ્યું નથી.

આત્મમંથનની જરૂર

આ પરિણામો બાદ કોંગ્રેસ અને ભાજપ, બન્નેએ આત્મમંથન કરવાની જરૂર છે.

વડાપ્રધાને વિચાર કરવો પડશે કે આખરે ક્યાં સુધી તેઓ 'મારી સાથે અન્યાય થયો' જેવી વાતો પર ચૂંટણી લડી અને જીતી શકે છે.

તેમણે સરકાર ભલે બચાવી લીધી, પણ તેમણે એ સમજવું પડશે કે ગ્રામીણ વિસ્તારોમાં તેમની લોકપ્રિયતા ઘટી ગઈ છે.

બીજું, મજબૂત બનતું વિપક્ષ તેમના માટે આગળ મુશ્કેલી ઊભી કરી શકે છે.

કોંગ્રેસનું અત્યારે ગુજરાતના શહેરી વિસ્તારોમાં જમીની સ્તર પર કોઈ સ્ટ્રક્ચર જ નથી બચ્યું. તેમ છતાં જો કોંગ્રેસ તમને દોડાવી શકે છે તો સ્પષ્ટ છે કે શક્તિ મેળવ્યા બાદ તો પડકાર વધી જશે.

ત્રીજું, આ પરિણામો બાદ રાષ્ટ્રીય સ્તર પર પણ કોંગ્રેસમાં નવો જીવ આવશે. એટલે કે ત્યાં પણ ભાજપે વધારે પડકારનો સામનો કરવો પડશે.

આ સિવાય ભાજપે વિચારવું પડશે કે માત્ર એક વ્યક્તિના નામ પર રાજકારણ કરતા રહેવાથી શું થશે?

કોંગ્રેસ પણ એક સમયે ઇંદિરા ગાંધીના કારણે મોટી પાર્ટી બની ગઈ હતી.

'ઇંદિરા ઇઝ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇઝ ઇંદિરા'ના જમાનામાં કોંગ્રેસને જમીની સ્તર પર જે નુકસાન થયું તેમાંથી કોંગ્રેસ આજ દિવસ સુધી બહાર નીકળી શકી નથી.

ભાજપનું કોંગ્રેસીકરણ થવાથી આ બધી મુશ્કેલીઓ તેમના ભાગે પણ આવશે.

તો આ તરફ રાહુલ ગાંધીએ જમીની સ્તર પર કંઇક કામ કરવાની જરૂરિયાત છે. કેમ કે શહેરી મતદાતાઓ પર કબજો જમાવવા માટે તેમણે નીચલા સ્તરથી શરૂઆત કરવી પડશે.

ભાજપ પણ નીચેથી જ ઉપર આવી છે. કોંગ્રેસે પણ એ જ કરવાની જરૂર છે.

એક તરફ જોવામાં આવે તો રાહુલ ગાંધીના સૌથી મોટા ટીચર નરેન્દ્ર મોદી જ છે.

તેમને જોઈને રાહુલ ગાંધી શીખી શકે છે કે તેમણે શું કરવું જોઈએ.

તેમને ખબર પડી જશે કે હું આ નહીં કરું ત્યારે જ એક વિકલ્પ તરીકે સામે આવીશ.

(વરિષ્ઠ પત્રકાર આર કે મિશ્રા સાથે બીબીસી સંવાદદાતા પ્રજ્ઞા માનવની વાતચીત પર આધારિત)

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો