You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું તમારાં ઘરમાં કામ કરતા મેઇડ પણ આવી માગણીઓ કરે છે?
- લેેખક, ભૂમિકા રાય
- પદ, બીબીસી સંવાદદાતા
એક દિવસ કામવાળી બાઈ ન આવે, તો ઘર અસ્તવ્યસ્ત થઈ જઈ જતું હોય છે. ખાસ કરીને એ ઘર જ્યાં પતિ-પત્ની બન્ને નોકરિયાત હોય.
આજના સમયમાં મધ્યમવર્ગીય પરિવારોમાં ઘરકામ કરનારી બહેન જરૂરિયાત બની ગઈ છે. કેટલાક ઘરોમાં સવારની પહેલી ચાથી માંડીને રાતના ડિનર સુધીની જવાબદારી તેમનાં પર જ હોય છે.
પરંતુ શું તમે ક્યારેય તમારી કામવાળી બાઈને (મેઇડ) પૂછ્યું છે કે, તે તમારા ઘરે કામ કરીને ખુશ છે કે નહીં?
આ પ્રકારના ઘણાં સવાલો સાથે દેશના વિવિધ ભાગોમાંથી આવેલા ઘરેલું કામકાજ કરતા કામદારો ગુરુવારે દિલ્હીની પાર્લમેન્ટ સ્ટ્રીટ પર એકઠાં થયાં હતાં.
તેમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનની સાથે-સાથે પૂર્વોત્તરથી આવેલાં કામદારો પણ સામેલ હતાં.
આપને આ પણ વાંચવું ગમશે
પ્રદર્શન
દેશના વિવિધ ભાગોમાંથી આવેલા આ લોકોની સંખ્યા મોટા પ્રમાણમાં હતી, પરંતુ તમામની એક જ માંગ હતી. આ પ્રદર્શન 'નૅશનલ પ્લૅટફૉર્મ ફૉર ડૉમેસ્ટિક વર્કર્સ' અને 'સૅન્ટ્રલ ટ્રૅડ-યુનિયન'નાં નેતૃત્વમાં થયું હતું.
પ્રદર્શન કરી રહેલા લોકોની માગણી છે કે, નવા શ્રમ કાનૂનને પરત ખેંચવામાં આવે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'નૅશનલ પ્લૅટફૉર્મ ફૉર ડૉમેસ્ટિક વર્કર્સ'ના સભ્ય રવિન્દ્ર કુમારે જણાવ્યું કે તેઓ ઘરેલું કામ કરતા કામદારોના અધિકારો માટે એકઠાં થયાં છે.
એકઠાં થયેલા કામદારોની મુખ્ય માગણી
- વેતન અને કામકાજનો સમય નક્કી કરવો
- ચાર અવકાશનો અધિકાર
- માનવતાપૂર્ણ વ્યવહાર
- સામાજિક સુરક્ષા
'નૅશનલ પ્લૅટફૉર્મ ફૉર ડૉમેસ્ટિક વર્કર્સ'ના સંયોજક અનિતા ગુપ્તાનું કહેવું છે કે ભારતમાં ઘરેલું કામ કરતા કેટલાં કામદારો છે, તેનું ચોક્કસ અનુમાન લગાવવું ઘણું મુશ્કેલ છે.
સંગઠનની પ્રેસ રિલીઝ અનુસાર, નૅશનલ સૅમ્પલ સરવે (એનએસએસ)ના 2005ના આંકડા પ્રમાણે, દેશમાં કુલ 47 લાખ ઘરેલું કામદાર હતાં, પરંતુ કેટલાક રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે હવે તેમની સંખ્યા વધીને નવ કરોડની આસપાસ છે.
અનિતા જણાવે છે, "ડૉમેસ્ટિક વર્કર્સની સંખ્યા જાણવા મામલે આજ સુધી કોઈ પણ પ્રકારનો સરવે નથી કરવામાં આવ્યો. જે આંકડાઓ છે તે અલગ-અલગ આધાર પર છે."
તેમનું કહેવું છે કે, વર્ષ 2008માં બનેલા 'અસંગઠિત ક્ષેત્રના કામદારની સામાજિક સુરક્ષા'ના કાયદામાં ભલે ઘરેલું કામ કરતા કામદારોનો સમાવેશ કરી લેવાયો હોય, પરંતુ તેમાં કરવામાં આવેલી જોગવાઈઓ સ્પષ્ટ નથી.
તેમણે વધુમાં ઉમેર્યું, "સરકારે સામાજિક સુરક્ષાના બદલામાં અમારું સમર્થન તો મેળવી લીધું, પરંતુ ઘરેલું કામદારોને કેટલું વેતન મળવું જોઈએ તે નક્કી નથી કર્યું."
જોકે, તેમને એક વાતની ખુશી છે કે ઘરેલું કામદારોને હવે નવા શ્રમ કાનૂન હેઠળ 'શ્રમિક' તરીકેનો દરજ્જો મળી ગયો છે.
ઘરેલુ કામ કરનારા કામદારોની માગણી
આ કાનૂન અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારોનાં વેતનને નિયમિત કરવા, કામ કરવાની પરિસ્થિતિને સુધારવા અને તેમની પર થતાં અત્યાચાર પર નજર રાખવા માટે લાવવામાં આવ્યો છે.
પરંતુ ડૉમેસ્ટિક વર્કર્સ માટે અલગથી કાનૂન બનાવવાની માગણી થઈ રહી છે.
આ વિશે છેલ્લા દસ વર્ષથી આ માગણી થઈ રહી છે, પરંતુ હજુ સુધી સરકારે તેની નોંધ નથી લીધી.
પ્રદર્શનમાં હાજર મોટાભાગની મહિલાઓની ફરિયાદ હતી કે તેમની સાથે સારો વ્યવહાર કરવામાં આવતો નથી.
કરનજીત નામનાં એક ડૉમેસ્ટિક વર્કરે કહ્યું કે, તેઓ નાની ઉંમરથી જ ઘરોમાં સાફ-સફાઈનું કામ કરતાં હતાં, પરંતુ કોઈ પણ ઘરમાં તેમને સન્માન મળ્યું નહીં.
કરનજીત કહે છે, "અમને ના રજા લેવાનો અધિકાર છે, ના સમય પર પગાર મેળવવાનો અધિકાર છે. ગમે તેટલું કામ કરી લઈએ, તો પણ માલિકને એમ જ લાગે કે હજુ વધુ કામ કરાવી લઈએ."
"જવાના સમય પર તેમને નવા કામ યાદ આવી જાય છે. વળી ઘરમાં જો કોઈ સામાન ન મળે તો અમારા પર તેનો આરોપ મૂકી દેવાય છે."
સંગઠનના સભ્ય રવીન્દ્રની માગણી છે કે શ્રમ મંત્રાલય એવો કાનૂન બનાવે જેનાથી ડૉમેસ્ટિક વર્કર્સના અધિકારોને સુરક્ષિત કરી શકાય.
રવીન્દ્ર કહે છે, "કાનૂન બની જાય, તો કામને પણ માન્યતા મળી જશે અને વેતન પણ નક્કી થઈ જશે."
"કામનો સમય નિર્ધારિત થઈ જશે, રજા મળશે. મેડિકલની સુવિધા, દુર્ઘટના થતાં વળતર પણ મળી શકશે."
"કેમ કે હાલ આ માટે કોઈ કાનૂન જ નથી. હાલ આવી કોઈ સગવડ નથી મળતી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો