You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાળકને જન્મના એક કલાકની અંદર માતાનું દૂધ ન મળે તો શું થાય?
- લેેખક, ભૂમિકા રાય
- પદ, બીબીસી સંવાદદાતા
બાળક માટે માતાનું ધાવણ વરદાનરૂપ છે પરંતુ તેને જન્મના એક કલાકમાં પહેલું ધાવણ ન મળે તો તેના જીવન સામે જોખમ સર્જાઈ શકે છે.
યુનિસેફ અનુસાર ઓછી અને મધ્યમ સ્તરની આવક ઘરાવતા મોટાભાગના દેશોમાં દર પાંચમાંથી માત્ર બે બાળકોને જ જન્મ પછી તરત પ્રથમ ધાવણ મળી શકે છે.
આનાથી બાળકોના આરોગ્ય પર અસર થાય છે. વધુમાં તેમના જીવન સામે જોખમ પણ ઊભું થાય છે.
યુનિસેફનો રિપોર્ટ વિશ્વના 76 દેશોમાં થયેલા અભ્યાસ પરથી તૈયાર કરાયો છે.
રિપોર્ટ અનુસાર 7 કરોડ 80 લાખ બાળકો એવાં છે જેમને માતાનું પહેલું ધાવણ નથી મળી શકતું.
પહેલા એક કલાકમાં ધાવણ ન મળે તો શું થાય?
જો કોઈ મહિલા તેમના બાળકને જન્મના પહેલા એક કલાકમાં સ્તનપાન ન કરાવે તો તેની શું અસર થઈ શકે?
રિપોર્ટ અનુસાર આવું થાય તો બાળકનું મૃત્યુ થવાની શક્યતા 33 ટકા વધી જાય છે.
વળી જો જન્મના 24 કલાક સુધી સ્તનપાન ન કરાવવામાં આવે તો મૃત્યુનું જોખમ બમણું થઈ જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આપને આ પણ વાંચવું ગમશે
દાવો કરવામાં આવે છે કે જે બાળકોને જન્મના એક કલાકમાં જ માતાનું પ્રથમ ધાવણ મળી જાય છે, તે બાળકો વધું સ્વસ્થ હોય છે.
વળી કેટલાક પ્રકારના ઇન્ફેક્શન સામે તેમની રોગ પ્રતિકારક ક્ષમતામાં પણ વધારો થાય છે.
માતા અને બાળકનો આ સંપર્ક સ્તનપાન માટે જરૂરી દૂધ બનવા માટે આવશ્યક છે. આ પ્રથમ સંપર્કથી કોલોસ્ટ્રોમ બનવામાં પણ મદદ મળે છે.
સાયન્સ ડેલી અનુસાર કોલોસ્ટ્રોમને પ્રથમ ધાવણનું દૂધ પણ કહેવામાં આવે છે. માતા બન્યા બાદ કેટલાક દિવસો સુધી કોલોસ્ટ્રમ જ ઉત્પન્ન થાય છે.
તે ઘટ્ટ, ચીકણું અને પીળા રંગનું હોય છે. તેમાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, પ્રતિકારક ક્ષમતા વિકસાવતા પોષક તત્ત્વો હોય છે.
તેમાં ફેટ ઘણું ઓછું હોય છે આથી બાળક તેને સરળતાથી પચાવી શકે છે. બાળકના પ્રથમ સ્ટૂલ (મેકોનિયમ) માટે પણ એ જરૂરી છે.
રિપોર્ટ અનુસાર માતાના પ્રથમ ધાવણને બાળક માટે રસી તરીકે પણ માનવામાં આવે છે.
ભારતમાં શું સ્થિતિ છે?
યુનિસેફના રિપોર્ટ અનુસાર પૂર્વ અને દક્ષિણ આફ્રિકામાં સ્તનપાન મામલે સૌથી વધુ જાગૃતિ છે. અહીં 65 ટકા જાગરૂકતા છે. જ્યારે પૂર્વ એશિયામાં સૌથી ઓછી 32 ટકા જાગરૂકતા છે.
76 દેશોની યુનિસેફની આ યાદીમાં ભારત 56મા ક્રમે છે. પાકિસ્તાનનો 75મો અને શ્રીલંકા પ્રથમ ક્રમે છે.
શું સી-સેક્શનની પણ અસર થઈ શકે?
રિપોર્ટમાં કહેવાયું છે કે સી-સેક્શન એટલે કે ઑપરેશન દ્વારા થતી પ્રસૂતીના કારણે બાળક અને માતા એક કલાકની અંદર સંપર્કમાં નથી આવી શકતા.
આથી બાળકને માતાનું પહેલું ધાવણ નથી મળી શકતું.
વર્ષ 2017ના આંકડાઓ અનુસાર સી-સેક્શન દ્વારા થતી પ્રસૂતીમાં 20 ટકાનો વધારો નોંધાયો છે.
ઇજિપ્તનું ઉદાહરણ આપીને તેની આ પ્રભાવને સમજાવવાની કોશિશ કરવામાં આવી છે.
અહીં સી-સેક્શન દ્વારા જન્મેલા માત્ર 19 ટકા જ બાળકોને પહેલાં એક કલાકમાં માતાનું દૂધ મળ્યું જ્યારે સામાન્ય પ્રસૂતીથી જન્મેલા અને પહેલા એક કલાકમાં દૂધ મેળવી શકેલાં બાળકોનું પ્રમાણ 39 ટકા હતું.
સી-સેક્શન સિવાય એક અન્ય કારણ પણ છે જેના કારણે બાળકોને પહેલા એક કલાકની અંદર માતાનું ધાવણ નથી મળી શકતું.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંબંધિત દેશોની સરકારોને એક આગ્રહ કરવામાં આવ્યો છે કે માતાના દૂધના વિકલ્પ તરીકે ઉપલબ્ધ પ્રોડક્ટ્સના વેપારીકરણ પર રોક લગાવવામાં આવે.
એક કડક કાનૂન પ્રક્રિયા હાથ ધરવામાં આવે જેથી બાળકને પહેલા એક કલાકમાં માત્ર માતાનું જ દૂધ મળી રહે.
ભારતીય મહિલાઓનું શું કહેવું છે?
યુનિસેફના રિપોર્ટ મામલે બીબીસીએ લેડીઝ કૉચ નામના ફેસબુક પેજના યૂઝર્સ એવા એક મહિલા સમૂહના અનુભવ જાણવાની કોશિશ કરી.
મોટાભાગની મહિલાઓનું માનવું છે કે માતા બાળકને પહેલા એક કલાકમાં સ્તનપાન કરાવે તેનો આધાર મહદઅંશે હૉસ્પિટલ, ડૉક્ટર, નર્સ અને એ સમયે હાજર લોકો પર રહેલો હોય છે.
અનુમેઘા પ્રસાદનું કહેવું છે કે ભારતમાં કેટલીક બાબતોને વધુ મહત્ત્વ નથી આપવામાં આવતું. જ્યારે વિકસિત દેશોમાં બાળકના જન્મ સાથે જ તેને માતાને આપી દેવામાં આવે છે.
ત્યારબાદ નાડી કાપવામાં આવે છે અને ટુવાલથી સાફ કરવામાં આવે છે.
તેમણે કહ્યું, "મોટાભાગના લોકો એવું માને છે કે જન્મના તરત જ બાળકને સ્તનપાન કરાવતી વખતે દૂધ આવતું નથી. પરંતુ બાળકને માત્ર ધાવણ માટે નહીં, પણ ભાવનાત્મક લગાવ માટે તે જરૂરી હોય છે."
અનુમેઘાના બન્ને બાળકો સામાન્ય પ્રસૂતી દ્વારા જન્મ્યાં હતાં. તેમણે કહ્યું કે તેમના પિતા ડૉક્ટર હોવાથી તેમને પહેલાં એક કલાકમાં જરૂરી સ્તનપાન વિશેના મહત્ત્વ વિશે જાણકારી હતી.
દિપ્તી દુબેને પણ પહેલા એક કલાકના સ્તનપાનના મહત્ત્વ વિશે જાણકારી હતી. આથી તેમણે પણ બાળકને પહેલા એક કલાકમાં સ્તનપાન કરાવ્યું હતું.
દરમિયાન ખદીજાને બન્ને બાળકો સી-સેક્શનથી થયાં હતાં. તેમના અનુસાર સી-સેક્શનમાં પડકાર હોય છે, પરંતુ જો સ્તનપાન કેવી રીતે કરાવાનું છે તેની ખબર હોય તો વધુ મુશ્કેલી નથી આવતી.
ખદીજાના એક બાળકનો જન્મ લંડનમાં થયો હતો. તેમને ડૉક્ટરોએ જણાવી દીધું હતું કે તેમને ટાંકા આવેલા હોવાથી બેસવાની જરૂર નથી તેઓ સૂતાં સૂતાં જ સ્તનપાન કરાવી શકે છે.
ખદીજાએ કહ્યું,"મેં મારા બાળકને અડધા કલાકમાં જ સ્તનપાન કરાવવાનું શરૂં કરી દીધું હતું.
પરંતુ દિલ્હીમાં બીજી વખત પ્રસૂતી થઈ ત્યારે ડૉક્ટરો તરફથી વધુ મદદ મળી નહીં."
"મારી બાળકી મને બે દિવસ બાદ મળી હતી. મને ટાંકા આવ્યા હતા તેમાં દુખાવો થતો હતો. આથી હું બાળકીને પહેલું ધાવણ ન આપી શકી."
ખદીજા માને છે કે સાચી અને યોગ્ય જાણકારી હોય, તો સી-સેક્શનમાં પણ બાળકોને સ્તનપાન કરાવી શકાય છે. પરંતુ કેટલીક વાર જાણકારીના અભાવે બાળક તેનાથી વંચિત રહી જાય છે.
પ્રથમ ધાવણ આટલું જરૂરી કેમ છે?
દિલ્હીના ચાઇલ્ડ કેરના ડૉક્ટર ડૉ. દિનેશ સિંઘલનું કહેવું છે કે, એ વાતમાં કોઈ શંકા નથી કે બાળક માટે પહેલા એક કલાકનું માતાનું દૂધ ખૂબ જ જરૂરી છે.
ડૉ. સિંઘલ અનુસાર,"બાળકને જન્મ બાદ તરત જ દૂધ મળી જવું જોઈએ પરતું જો સ્તનપાનમાં કોઈ મુશ્કેલી આવે તો બ્રેસ્ટપંપની મદદ લઈ શકાય છે."
"પરંતુ જો માતા સ્તનપાન કરાવવાની સ્થિતિમાં ન હોય તો ફૉર્મ્યુલા મિલ્ક જ આપવાનો વિકલ્પ બચે છે."
રિપોર્ટમાં આ વાતનો પણ ઉલ્લેખ છે. રિપોર્ટ અનુસાર ઘણા દેશોમાં બાળકને માતાના પહેલા ધાવણની જગ્યાએ મધ, ખાંડનું પાણી અને ફૉર્મ્યુલા મિલ્ક આપવાની બાબતને પ્રાધાન્ય આપવામાં આવે છે.
આ કારણે માતા અને બાળક વચ્ચે સંપર્ક-સ્પર્શ થવામાં વિલંબ થઈ જાય છે.
ડૉ. સિંઘલ માને છે કે માતાનું દૂધ બાળકને આજીવન બીમારીઓથી બચાવશે એ વાત સંપૂર્ણ સાચી નથી.
પરંતુ જન્મ થતાં જ બાળકોને કેટલાક ઇન્ફેક્શન થવાની શક્યતા રહેલી હોય છે.
કોઈ અન્ય દૂધ આપવામાં આવે તો...
તેમનું માનવું છે કે બાળકને માતાનું પહેલું ધાવણ મળી રહે તેની શક્ય તેટલી કોશિશ કરવી જોઈએ.
જો આવું ન થાય તો બાળકના આરોગ્યને પૂરતી સુરક્ષા નથી મળી શકતી.
ડૉ. સિંઘલનું કહેવું છે કેટલીક વાર એવું બને છે કે જો બાળકને માતાના દૂધ સિવાય કોઈ અન્ય દૂધ આપવામાં આવે, તો બાળક માતાના દૂધ સાથે અનુકૂળતા નથી કેળવી શકતું.
આથી પાછળથી સ્તનપાન નથી કરતું. આ સ્થિતિ વધુ ખતરનાક થઈ જાય છે.
સમગ્ર વિશ્વમાં 1થી 7 ઑગસ્ટ દરમિયાન વર્લ્ડ બ્રેસ્ટફિડિંગ વીક મનાવવામાં આવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો