આ શહેરમાં દર ત્રીજો પુરુષ બળાત્કારી છે

દક્ષિણ આફ્રિકામાં જોહાનસબર્ગના ડીપસ્લૂટ શહેરની ત્યાંના સૌથી ખતરનાક વિસ્તારોમાં ગણના થાય છે. અહીં મહિલાઓનો બળાત્કાર થવો સામાન્ય વાત છે.

શહેરમાં રહેતા બે યુવકોએ બીબીસીને કૅમેરા સમક્ષ જણાવ્યું કે તેમણે અત્યાર સુધી ઘણી મહિલાઓના બળાત્કાર કર્યા છે.

સૌથી ગંભીર વાત એ હતી કે કૅમેરા સામે આવું જણાવતી વખતે યુવકોમાં જરાય અફસોસની લાગણી નહોતી જોવા મળી.

તેમણે દાવો કર્યો કે તેમને એ વાતની ખબર નહોતી કે તેઓ કંઈક ખોટું કરી રહ્યા છે.

વધુમાં તેમણે ક્યારેય પીડિત મહિલાઓની વ્યથા અનુભવવાની કે સમજવાની કોશિશ પણ ન કરી.

આ યુવકો કૅમેરા પર ચહેરો બતાવવા તૈયાર હતા, પરંતુ નામ ગુપ્ત રાખવા માગતા હતા.

ખૂબ જ સહજતાથી તેમણે તેમના અપરાધની વાતો વર્ણવી.

તેમણે જણાવ્યું, "તે ઘરનો દરવાજો ખોલતી અમે તેના ઘરમાં ઘૂસી જતા અને હથિયાર બતાવીને બળજબરી કરતા."

"મહિલાઓ બૂમો પાડતી એટલે અમે તેમને ચૂપ કહેવાનું કહેતા. તેમના જ બિસ્તરમાં લઈ જઈને અમે તેમના પર બળાત્કાર કરતા હતા."

આપને આ પણ વાંચવું ગમશે

દરમિયાન એક યુવક બીજા યુવક તરફ જોઈને બોલ્યો, "મેં એક વાર આની સામે તેની જ પ્રેમિકાનો બળાત્કાર કર્યો હતો."

આ નિવેદનો ચોંકાવનારા છે, પરંતુ ડીપસ્લૂટમાં તે એક સામાન્ય વાત છે.

દર ત્રીજો પુરુષ બળાત્કારી

આ શહેરમાં દર ત્રણમાંથી એક વ્યક્તિએ કબૂલ્યું કે તેમણે ઓછામાં ઓછો એક વખત બળાત્કાર કર્યો છે. આ સંખ્યા અહીંની વસ્તીના 38 ટકા છે.

આ વાત વર્ષ 2016માં કરવામાં આવેલા સરવેમાં બહાર આવી હતી. સરવે હેઠળ યુનિવર્સિટી ઑફ વિટવૉર્સરન્ડે 2600થી વધુ પુરુષો સાથે વાતચીત કરી હતી.

કેટલાક પુરુષોએ એક જ મહિલા એકથી વધુ વાર પણ બળાત્કાર કર્યો હતો.

મારિયા નામની મહિલાનો તેમના જ ઘરમાં બળાત્કાર કરવામાં આવ્યો હતો. જે સમયે તેમનો બળાત્કાર થયો, ત્યારે તેમની દીકરી બાજુમાં સૂતી હતી.

"હું દીકરી ઊંઘમાંથી ઊઠી ન જાય તેની પ્રાર્થના કરી હતી. મને ડર હતો કે તેઓ તેની સાથે કોઈ દુષ્કર્મ ન કરે."

તેમના બળાત્કારીએ કહ્યું કે તે કોઈને કંઈ નહીં કરે, પરંતુ તેને જે કરવું છે તે મારિયા એને કરી લેવા દે.

મારિયા કહે છે,"મેં કહ્યું તમારે મારી સાથે જે પણ કરવું હોય તે કરી લો. ત્યારબાદ તેમણે મારો બળાત્કાર કર્યો. મારી સાથે તે બીજી વખત દુષ્કર્મ કરી રહ્યો હતો."

કેટલીક પીડિતાઓ જ તેમના બળાત્કારીઓનો વિરોધ કરી શકે છે. શહેરમાં લોકોમાં એવી ધારણા બેસી ગઈ છે કે બળાત્કાર સામાન્ય બાબત છે.

બળાત્કારની કોઈ સજા નહીં

છેલ્લા ત્રણ વર્ષોમાં ડીપલૂસ્ટમાં બળાત્કારની 500 ફરિયાદ દાખલ થઈ, પણ તેમાં કોઈ કાનૂની કાર્યવાહી ન થઈ.

માત્ર બળાત્કાર જ નહીં પરંતુ અન્ય અપરાધોમાં પણ અહીં કાયદો વ્યવસ્થા મજબૂત નથી જણાતી.

સ્થાનિક પત્રકાર ગોલ્ડન એમટિકા ક્રાઇમ રિપોર્ટીંગ કરે છે. તેઓ કહે છે,"રાત્રે ડીપલૂસ્ટના રસ્તા પર નીકળવું ઘણું જોખમી છે. મુસીબતના સમયે મદદ મળવી મુશ્કેલ હોય છે."

"રાત્રે 10 અથવા 11 વાગે કોઈ પણ વ્યક્તિની હત્યા થઈ શકે છે અને પોલીસ આગલા દિવસ સુધી તે વ્યક્તિનો મૃતદેહ પણ નથી ઉઠાવતી."

કાયદો વ્યવસ્થાનું ઉલ્લંઘન

એમટિકા કહે છે કે ડીપસ્લૂકમાં કાયદો વ્યવસ્થાનું અસ્તિત્વ માત્ર કાગળ પર જ છે. આથી ઘણા ગંભીર અપરાધ થતા રહે છે.

સ્થાનિક પ્રસાશનનું નરમ વલણ સામાન્ય લોકો માટે કાયદો વ્યવસ્થા હાથમાં લેવાનું મોકળું મેદાન બની ગયું છે.

જ્યારે બીજી તરફ લોકો અપરાધીઓને સજા આપવા માટે જાતે જ હિંસા કરી નાખે છે. લોકો અપરાધીને માર મારીને મોતને ઘાટ ઉતારી દે છે.

એમટિકા જણાવે છે કે અહીં દર અઠવાડિયે આવી ઘટનાઓ બનતી જ રહે છે.

જ્યારે ભીડે ત્રણને જીવતા સળગાવી દીધા...

એક ઘટના તેમની આંખો સમક્ષ જ બની હતી. આ ઘટના વિશે જણાવતા તેમણે કહ્યું,"ભીડે ત્રણ લોકો પર પેટ્રોલ નાખીને તેમને જીવતા સળગાવી દીધા હતા."

એમટિકા કહે છે કે, કોઈ વ્યક્તિને આપણી નજર સમક્ષ જીવતી સળગતી જોવું ખૂબ જ ભયાનક હોય છે. પરંતુ આ વ્યક્તિની મદદ માટે તેઓ કંઈ કરી ન શક્યા.

કેમ કે જો તમણે કંઈક કરવાની કોશિશ કરી હોત, તો ભીડ તેમને પણ શિકાર બનાવી શકતી હતી.

અહીંની પોલીસ પણ આ મામલે હસ્તક્ષેપ નથી કરતી. ભલે પછી આ ઘટનાઓ તેમની નજર સમક્ષ બનતી હોય.

ડીપલૂસ્ટનાં એક નિવાસી કહે છે, "એમને મારી નાખવામાં આવ્યા એ જ સારું છે, તેઓ અમારા ઘરમાં ઘૂસી જાય છે અને અમારા પતિની સામે જ અમારો બળાત્કાર કરે છે."

"તે અમારા પતિને કહે છે કે, જુઓ હું કંઈ રીતે તમારી પત્નીનો બળાત્કાર કરું છું."

જોકે, ટોળા દ્વારા આરોપીઓને મોતને ઘાટ ઉતારવા છતાં અહીં અપરાધ અટકતા નથી. ડીપસ્લૂટને 'ડીપ ડિચ' એટલે કે ઊંડી ખીણ પણ કહેવામાં આવે છે, જ્યાં લોકોને લાગે છે કે તેઓ કોઈ ઊંડી ખીણમાં ફસાઈ ચૂક્યા છે.

આ શહેર ગરીબી અને બેરોજગારીની સમસ્યાથી પીડાઈ રહ્યું છે. પરંતુ મહિલાઓ સાથે બળાત્કાર અને અપરાધના દૂષણે અહીંની આર્થિક સ્થિતિને વધુ કંગાળ કરી મૂકી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો