BBC EXCLUSIVE: મેં જે કર્યું તે ઓશોના પ્રેમમાં કર્યું-મા આનંદ શીલા

    • લેેખક, ઇશલીન કૌર
    • પદ, બીબીસી ગુજરાતી માટે, સ્વિટ્ઝરલૅન્ડથી

શું મારા જીવનમાં કોઈ વાત અંગે મને અફસોસ છે ખરો? તો મારો જવાબ છે- ના ' પલક ઝબકાવ્યા વગર શીલા આમ જણાવે છે.

એક સમયે મા આનંદ શીલા તરીકે ઓળખાતાં શીલા બર્ન્સટીલ અત્યારે સ્વિટ્ઝરલૅન્ડની માઇસપ્રખ વૅલીમાં એક શાનદાર ઘરમાં રહે છે.

તેઓ 'ભગવાન રજનીશ' એટલે ઓશોનાં પ્રવક્તા અને અંગત સલાહકાર હતાં.

ઑનલાઈન સ્ટ્રીમિંગ સેવા 'નેટફ્લિક્સ' પર હમણાં જ રિલીઝ થયેલી સિરીઝ 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી'એ ભારતનાં સૌથી વિવાદિત રહેલા ગુરુઓમાંથી એક એવા ઓશો રજનીશ અંગે ચર્ચાઓનો પટારો ફરીથી ખોલી દીધો છે.

કોણ હતા ભગવાન રજનીશ?

ઓશો એટલે કે રજનીશ, 1970ના દાયકામાં ભારતમાં લોકપ્રિય અને વિવાદિત આધ્યાત્મિક ગુરુ હતા.

જેમને દાવો કર્યો હતો કે એમને પોતાના આત્માને જગાડ્યો છે.

તેઓ પોતાના અનુયાયીઓને ડાયનેમિક ધ્યાન અને શારીરિક ક્રિયાઓ દ્વારા ધ્યાન કરાવડાવતા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

પણ સેક્સ અંગેના તેમના વિચારોએ એમને ઘણા વિવાદિત બનાવી દીધા હતા.

લોકો એમને 'સેક્સ ગુરુ' પણ કહેવા માંડ્યા હતા કારણ કે તેઓ મુક્તપણે સેક્સના હિમાયતી હતા.

1990માં પુનામાં આવેલા પોતાના આશ્રમમાં ઓશોનું નિધન થયું હતું અને તેમનું મૃત્યુ આજે પણ એક રહસ્ય જ છે.

નેવુંના દાયકામાં જયારે હું નાની હતી-મારા ઘરમાં મોટે ભાગે ઓશોની કૅસેટ વાગતી હતી અને હું તેને સાંભળતી હતી. મારા પિતા એમના દર્શનને માન આપતા હતા.

નેટફ્લિક્સ લાવ્યું 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી'

જ્યાં સુધી હું પહેલી વખત વર્ષ 2000માં એમના પુનામાં આવેલા આશ્રમમાં ગઈ નહોતી ત્યાં સુધી મને ઓશોમાં કોઈ રસ ન હતો. ત્યાં કંઈક રહસ્યમય અને આકર્ષક હતું.

માર્ચ 2018માં નેટફ્લિક્સ પર 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી' નામથી રજૂ થયેલી છ એપીસોડની એક સિરીઝ ભગવાન ઓશો અને તેમની અંગત સલાહકાર મા આનંદ શીલાનાં જીવનને દર્શાવે છે.

સિરીઝમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે ઓશોનાં 15 હજાર અનુયાયીઓએ પોતાની સંપત્તિ આ ચમત્કારિક ગુરુને અમેરિકામાં પોતાનું એક શહેર વસાવવા માટે દાનમાં આપી દીધી.

આ સિરીઝનાં મુખ્ય પાત્ર મા આનંદ શીલા જ છે જે પોતાના ગુરુના સપનાને અંતિમ ઓપ આપવા માટે કામ કરી રહ્યાં હતાં.

સિરીઝમાં એમને 'રજનીશપુરમ' શહેરનાં વિચાર માટે માસ્ટરમાઈન્ડ ગણાવવામાં આવ્યા છે.

'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી' રિલીઝ થયા બાદ રજનીશનાં જીવનમાં શીલાની ભૂમિકા અંગે ખૂબ ચર્ચાઓ થઈ રહી છે.

રજનીશની એક સામાન્ય અનુયાયીમાંથી તેમનો જમણો હાથ બની જવા સુધીની તેમની સફર અંગેની વાતો અચંબામાં મૂકી દે તેવી છે.

મને લાગ્યું કે એક મહિલા કઈ રીતે એક શક્તિશાળી દેશ અને એફબીઆઈ જેવી સંસ્થા સામે જંગ લડી શકે?

મેં વિચાર્યું કે કેમ એમને નેટફ્લિક્સની એક સિરીઝમાં પોતાની વાતો જાતે જ રજૂ કરવાનો નિર્ણય લીધો?

હું મારા સવાલો સાથે મા આનંદ શીલાને મળવા માટે સ્વિટ્ઝરલૅન્ડ પહોંચી.

ઇન્ટરવ્યૂ પહેલાં

69 વર્ષનાં શીલા બર્ન્સટીલ અત્યારે સ્વિટ્ઝરલેન્ડમાં બે કૅર હોમનાં કર્તાધર્તા છે. એમાંથી એકનું નામ છે માતૃસદન એટલે માતાનું ઘર.

ઘરમાં પ્રવેશતાં જ શીલા અને એમની ટીમે અમારું ઉમળકાભેર સ્વાગત કર્યું.

એમની ટીમના મોટા ભાગનાં સભ્યો એમને દસ કરતાં પણ વધુ વર્ષોથી ઓળખે છે.

વાતચીત શરૂ કરતાં પહેલાં અમારા માટે ભારતીય ચા અને ખાવા માટે કુકીઝ લાવવામાં આવ્યાં.

અમે ઇન્ટરવ્યૂ માટે એમના ઘરના બગીચામાં કેમેરા સેટ કર્યા. શીલાએ પોતાનાં ગોળ ચશ્માં પહેરી લીધાં.

એમનાં વાળ સૂરજના પ્રકાશમાં ચમકી રહ્યા હતા જાણે એમનાં અનુભવોને વાગોળી રહ્યા હોય.

તેઓ મને જણાવે છે, ''તું સવાલ પૂછવા માટે ખૂબ ઉતાવળી જણાય છે. હું હકારમાં માથુ હલાવું છું.''

'લોકો સ્કૅન્ડલમાં ભારે રસ ધરાવે છે'

મેં એમને પૂછ્યું કે તમે નેટફ્લિક્સની આ સિરીઝ જોઈ ત્યારે શીલાએ જણાવ્યું, ''હું ખૂબ ઝડપથી એમાંથી પસાર થઈ ગઈ. હું મારા જીવન અંગે જાણું છું અને મારે દરેક વસ્તુ જોવાની કોઈ જરૂર નથી.''

શીલાએ કહ્યું લોકોના પોતાના વિચારો હોય છે અને તેમને કોઈના વિચારોની કોઈ પરવા નથી.

તેમણે કહ્યું કે લોકો માત્ર સ્કૅન્ડલમાં જ રસ ધરાવે છે કારણ કે એમનું આખું જીવન સ્કૅન્ડલથી ભરેલું હોય છે.

મેં એમને પૂછયું કે એને તેઓ સ્કૅન્ડલ શા માટે કહે છે? ત્યારે તેમણે કહ્યું, ''ભગવાને (રજનીશ) ઘણાં સ્કૅન્ડલો કર્યાં અને હું આ કહેવાની હિંમત ધરાવું છું."

"મેં એમના સમક્ષ આ વાત કહી છે. વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રીમાં પણ મેં આ જોયું છે.''

આ વાતચીતમાં એમના તરફથી વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રીનો આ ત્રીજી વખત ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

જ્યારે પહેલાં એમણે જણાવ્યું હતું કે તેમણે આ સિરીઝ ફૉરવર્ડ કરી કરીને જોઈ છે.

'જ્યારે મેં ભગવાનને જોયા'

પોતાનાં તમામ ઇન્ટરવ્યૂ અને પુસ્તકોમાં શીલાએ રજનીશ માટે તેમના પ્યાર અંગે જણાવ્યું છે.

પહેલી વખત હું એમની આંખોમાં જોઈ શકતી હતી કે રજનીશ વિશે વાત કરતા શીલાની આંખોમાં કેવી ચમક આવી ગઈ હતી.

રજનીશ સાથે પોતાની પહેલી મુલાકાતને યાદ કરતા એમણે જણાવ્યું, ''એવું લાગ્યું કે જાણે એમની વિપુલતા મારા પર વરસી પડી છે અને હું માત્ર વાહ(વાઓ) જ કહી શકી.''

''જો આટલો જ પ્રેમ હતો તો પછી છોડી કેમ દીધા?'' મેં પૂછ્યું.

તેમણે કહ્યું, ''પ્રેમનો અર્થ છે પ્રગતિ અને પોતાની અખંડિતતા. હવે એ વ્યક્તિએ મારા કામ પર, મારા શિક્ષણ પર અને પોતાના લોકો સાથેનાં સંબંધ અંગે ભરોસો દાખવ્યો."

"જો હું આ ભરોસા પર ખરી પૂરવાર ના થતી હોઉં તો એનો અર્થ છે મારા પ્રેમમાં કંઈક ઉણપ છે.''

સ્પષ્ટ છે કે શીલાએ આ સવાલનો સીધો જવાબ ના આપ્યો પણ હું એટલું જરૂર કહી શકું કે આ સવાલે એમને વિચલિત તો કરી જ દીધાં.

એમનાં કેટલાક ઘા કદાચ હજી સુધી રૂઝાયા નથી. તેમણે ભરોસા અંગે, પોતાનાં ઉત્પીડન અંગે જણાવતા કહ્યું,

''હું આપણો શૉ જોનારી એશિયાની તમામ મહિલાઓને કહેવા માંગીશ કે પ્રેમનાં નામે તમારું ઉત્પીડન, ભાવનાત્મક ઉત્પીડન થવા ના દો. પોતાના પગભર થવાનો પ્રયાસ કરો. બહાદુર બનો.''

'હું હંમેશા ભગવાનને પ્રેમ કરીશ'

પોતાની વાત પૂરી કરે તે પહેલાં ત્યાં આવેલાં એમનાં એક દર્દી ક્રિસ્ટીના આંગણામાં બેઠાંબેઠાં કંઈક ગણગણવા માંડ્યાં.

શીલાએ એમને બોલાવ્યાં અને એમની સાથે જર્મન ભાષામાં વાત કરવા માંડી.

શીલાએ કહ્યું કે ક્રિસ્ટીનાને ગીત ગાવા અને ડાન્સ કરવો ખૂબ ગમે છે. 52 વર્ષની ક્રિસ્ટીના ખરેખર એક શાનદાર પરફૉર્મર છે.

એમણે અમારા માટે પોતાને ગમતાં ગીત પર ડાન્સ પણ કર્યો. જ્યારે ક્રિસ્ટીના શાંત થઈ ત્યારે આગળ ઇન્ટરવ્યૂ ફરી શરૂ થયો.

એમણે પૂછ્યું, "આપણે કેટલે હતાં."

મારા આગળના સવાલ પર તે હસી પડ્યાં. મેં એમને પૂછ્યું કે શું તાકાતનું ભૂત એમના પર સવાર હતું અને આ જ ઝનૂને એમને ઓશોથી અલગ કરી દીધાં?

તેમણે જવાબ આપ્યો, ''હું ગાંડી નથી. હું જાણતી હતી કે આ સમુદાયની તાકાત ભગવાન હતા."

"હું એ જણાવવા માંગું છું કે જો અત્યારે ભગવાન પાછા આવી જાય તો હું એમને એ જ રીતે પ્રેમ કરીશ જે રીતે કરતી હતી. આ સ્થિતિ ક્યારેય પણ નહીં બદલાય.''

આટલું કહી સ્મિત કરતાં તે ખુરશી પર એવી રીતે ટેકો લઈ લે છે જાણે રજનીશ એમની કલ્પનામાં ઊતરી આવ્યા હોય.

'તે એક ભ્રમણા હતી'

હું એ જાણવા માંગતી હતી કે શીલા રજનીશનાં દર્શન, એમના વિચારો અંગે શું અભિપ્રાય ધરાવે છે. મેં પૂછ્યું કે લોકો રજનીશ પાછળ ગાંડા કેમ હતા?

એમણે જણાવ્યું, ''ભગવાને પોતાના લોકો સામે એક સરસ લક્ષ્ય રાખ્યું હતું-ધ્યાન અને પોતાની જાગૃતિ."

"જયારે તેઓ મારી મદદ કરવા માગતા ત્યારે કેટલાક લોકોને જાગૃત થયેલા જાહેર કરી દેતા હતા.''

''તો આ એક ભ્રમણા હતી તો હાં. પણ આના માટે ગુનેગાર માત્ર ભગવાન જ નહોતા, એ લોકો પણ એટલા જ ગુનેગાર છે કે જેઓ સંપૂર્ણ સભાન અવસ્થામાં આ ભ્રમણા પાછળ દોડ્યા ''

બીજા ગુનાઓની વાત

હવેનો સમય શીલા સાથે એમના ગુનાઓ વિશે વાત કરવાનો હતો.

મેં પૂછ્યું, ''તમે કહો છો કે તમારે તાકાત કે સત્તા જોઈતી નહોતી. પણ ગુનાઓનું શું? ભોજનમાં ઝેર ભેળવવું?''

શીલાની આંખોમાંથી તણખા ઝરવા માંડ્યા. હવે એમનો અવાજ એટલો મક્કમ નહોતો લાગતો-એમના ઉચ્ચાર પણ સ્પષ્ટ નહોતા.

તેઓ સીરિયા અને અસદ અંગે વાત કરવા માંડ્યાં.

જ્યારે મેં એમની સાથેની મારી વાતચીતને પાછી પાટા પર લાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ગુસ્સામાં એમણે કહ્યું, "હું આ વિશે એટલા માટે કોઈ વાત કરવા માંગતી નથી કારણ કે મેં 39 વર્ષ જેલમાં પસાર કર્યાં છે.

"લોકો મને આખી જિંદગી સજા આપી ના શકે. તમે બધાએ નક્કી કરી રાખ્યું છે કે રજનીશના બધા જ અનુયાયીઓ ખોટા હતા.''

ના હું તમને પૂછું છું શીલા, હું વાત પૂરી કરું તે પહેલાં જ તેમણે કહ્યું, ''હું કહી રહી છું પણ તમે સાંભળવા માટે તૈયાર જ નથી તો આ વાતને અહીં જ પૂરી કરી દઈએ.''

અને આ રીતે આ સવાલ સાથે અમારી વાતચીત પૂરી થઈ.

'હું એક સામાન્ય જીવન જીવું છું'

એમણે વિરોધ કરતા કહ્યું, ''જે કોઈ પણ મને અપરાધી ગણતા હોય, મેં કોઈ ગુનો કર્યો નથી.''

એમણે મારી આંખોમાં જોતા કહ્યું, ''હું એ ખાતરી સાથે વાત કરું છું, જે ખાતરી સાથે હું ભગવાનને પ્રેમ કરું છું.''

વાતો ચાલતી રહી અને સૂરજ પણ માથા પર આવી ગયો. અમે બન્ને પરસેવાથી રેબઝેબ થઈ ગયાં.

શીલા અટકી અને આગળ બોલી, ''મને અહીંયા ગરમી લાગે છે, હું પરસેવો લૂછવા માટે રૂમાલ લઈ આવું છું.''

અમે રેકોર્ડિંગ અટકાવી દીધું, એક-એક ગ્લાસ પાણી પીધું, પોતાનાં મોં લૂછ્યાં અને આ ઊંડી વાતચીતમાંથી થોડા વિરામ લીધો.

શીલાને પોતાનું ઘર અને એમાં રહેતા લોકો પ્રત્યે ખૂબ પ્રેમ છે અને એમને સામે એનું ફળ પણ મળે છે.

ઇન્ટરવ્યૂના અંતમાં થોડીક મિનિટ માટે અમે ફરીથી બેઠાં.

મેં એમનાં નવા જીવન વિશે પૂછ્યું, એ અંગે એમણે કહ્યું આ નવું જીવન નથી, ''હું પહેલાં જેવી હતી એવી જ છું."

"હું રજનીશ સમુદાય સાથે મારા જીવનનો આનંદ માણી રહી છું અને અહીં સેવા કરું છું.''

''હું એક સામાન્ય જીવન જીવું છું. મને લોકોની સાથે રહેવાનું ગમે છે. ત્યાં હું સ્વસ્થ લોકોનું ધ્યાન રાખતી હતી અને અહીં હું બીમાર લોકોનું ધ્યાન રાખું છું''

ઇન્ટરવ્યૂ પૂરું થતાં સુધીમાં તો શીલા ખુશ જણાતાં હતાં. એમણે મને પૂછ્યું , 'શું તું ખુશ છે? શું તને તારા બધા સવાલોનાં જવાબ મળી ગયા?' મેં હસીને જવાબ આપ્યો.

એમણે મને અને મારા કૅમેરાપર્સન પૉલને લંચ માટે આમંત્રણ આપ્યું. અમે એકબીજા સામે જોયું અને સ્વીકાર કરી લીધું.

ભોજનમાં સલાડ, ફિશ કરી અને ભાત હતા. જોકે, હું શાકાહારી છું એટલે એમનાં બહેન મીરાએ મને પોતાના માટે બનાવેલા ગુજરાતી ભોજનની ઑફર કરી.

લંચના ટેબલ પર શીલા એમની ટીમ અને અમે એમ 11 લોકો ખુશખુશાલ જણાતા હતા. તે જેલના પોતાના એ દિવસો અંગે વાત કરવા માંડ્યાં.

મેં મીરાને પૂછ્યું કે તેઓ આ ઇન્ટરવ્યૂ વિશે શું વિચારે છે?

એક માતાની જેમ ખભા હલાવી તેમણે કહ્યું, ''મને આ ગમતું જ નથી. એમની તબિયત નરમ રહે છે, એમને આ બધું બંધ કરી સમયસર ભોજન લેવું જોઈએ, પણ એ સાંભળે તો ને...''

શીલાને ત્યાં એક દિવસ આખો પસાર કર્યા બાદ હું એ કહી શકું છું કે વાસ્તવિક શીલાને સમજવાં કાઠું કામ છે.

તેઓ ખૂબ જ જાગરૂક, દયાળુ અને લાગણીશીલ જણાય છે પણ એ જ સમયે એમના દ્વારા પીડિત વ્યક્તિઓ માટે એમની કઠોરતા પણ નજરે ચઢે છે.

જોકે, હું એ જરૂર કહેવા માંગીશ કે તે લોકોમાં પ્રિય છે અને એક શાનદાર મેજબાન છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો