SacredGames2 : એ ગુજરાતી જેમણે 'સેક્રેડ ગેમ્સ'ના સિમ્બૉલ્સ બનાવ્યા છે

    • લેેખક, રવિ પરમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

'સબ મર જાયેંગે... સિર્ફ ત્રિવેદી બચેગા...' ગણેશ ગાયતોંડેના આ ડાયલૉગમાં ફાઇનલી ત્રિવેદી કોણે છે, તેના રહસ્ય પરથી પડદો ઊઠી ગયો છે, ગુરુવારે 'સેક્રેડ ગેમ્સ-2' નેટફ્લિક્સ પર રજૂ થઈ.

'સેક્રેડ ગેમ્સ' નેટફ્લિક્સ પર રજૂ થયેલી ભારતની પહેલી વેબસિરીઝ છે, જેમાં એક માસૂમ બાળકના બાળપણની 'હત્યા'થી લઈને સમાજમાં સાંપ્રદાયિકતાનું ઝેર ભળતા જ મરતી માનવતાની વાત દર્શાવામાં આવી છે.

સાથે જ તેમાં 'લવ, સેક્સ ઔર ધોખા'ના તડકાથી લઈને ક્યારેય ન સૂતા શહેર તરીકે ઓળખાતા મુંબઈને ધ્વસ્ત કરી દેવાના કાવતરાની વાત દર્શાવવામાં આવી છે.

આ સિરીઝના દરેક એપિસોડના નામમાં હિંદુ માઇથૉલૉજીની છાપ જોવા મળે છે જેને યુનિક રીતે સિમ્બૉલ્સમાં દર્શાવવામાં આવ્યા છે.

આ સિમ્બૉલ્સ પાછળ એક ગુજરાતીનું દિમાગ છે.

કોણ છે આ ગુજરાતી?

આ સિમ્બૉલ્સ તૈયાર કરનાર ગુજરાતી યુવક અનિરુદ્ધ મહેતા છે.

28 વર્ષના અનિરુદ્ધ ડિઝાઇનિંગ આર્ટિસ્ટ છે જેમનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો છે, પરંતુ પરિવારનાં મૂળિયાં ગુજરાતમાં છે.

બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા અનિરુદ્ધે જણાવ્યું કે વર્ષોથી મુંબઈ જ તેમની કર્મભૂમિ રહી છે.

મહેતા બે વર્ષ યુકેની લંડન કૉલેજ ઑફ કૉમ્યુનિકેશનમાં ડિઝાઇન ફૉર ગ્રાફિક કૉમ્યુનિકેશનનો અભ્યાસ કર્યા બાદ કારકિર્દી બનાવવા માટે સ્વદેશ પરત ફર્યા હતા.

કારકિર્દીના સોપાન તરીકે મહેતા દુનિયાના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ફેસબુકમાં પણ પોતાનો હુન્નર બતાવી ચૂક્યા છે.

તેમણે બીબીસીને જણાવ્યું, "ભારત સહિત વિશ્વની અન્ય ફેસબુક ઑફિસ દ્વારા 'ફેસબુક આર્ટિસ્ટ ઇન રેસિડન્સ' નામનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં મને પણ સામેલ કરવામાં આવ્યો હતો. મેં ત્યાં સમકાલીન ભારતના ડિઝાઇનિંગ વર્કને મૉડર્ન ટચ આપી એક ડિઝાઇન તૈયાર કરી હતી."

સેક્રેડ ગેમ્સની પ્રથમ સિરીઝ જો તમે જોઈ હશે તો તેના દરેક એપિસોડની શરૂઆત એક ખાસ પ્રકારના સિમ્બૉલ્સથી થાય છે.

શરૂઆતમાં આવતા મંડલાનો અર્થ શું છે?

સિરીઝના પ્રથમ ભાગની શરૂઆતમાં એક કલરફુલ આકૃતિ જોવા મળે છે જે મંડલાને દર્શાવે છે.

અહીં જે મંડલા બતાવવામાં આવ્યું છે તેની આકૃતિમાં વિશિષ્ટ રીતે લાઇન્સ અને પૅટર્નનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે હિંદુ અને ઇસ્લામ બન્ને ધર્મને રજૂ કરે છે.

સેક્રેડ ગેમ્સનું મંડલ પોતાની રીતે સમગ્ર ભારતનું પ્રતિબિંબ રજૂ કરે છે.

મંડલમાં ઉપયોગમાં લેવાયેલ કેસરી અને લાલ રંગ હિંદુ ધર્મને રજૂ કરે છે, જ્યારે લીલો અને બ્લૂ રંગ ઇસ્લામ અને અન્ય ધર્મોને રજૂ કરે છે.

શું છે મંડલા?

પ્લૅક્સિસ સ્ટુડિયોના ડિરેક્ટર યશોદાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે મંડલા હિંદુ અને બૌદ્ધ ધર્મનું ધાર્મિક ચિહ્ન છે જે બ્રહ્માંડને દર્શાવે છે.

તેઓ કહે છે, "હિંદુ ધર્મમાં શુભપ્રસંગ દરમિયાન આ મંડલાને દોરવામાં આવે છે. એવું મનાય છે કે કોઈ ઇચ્છા પૂરી કરવા કે પરિવારની સુખ અને સમૃદ્ધિ માટે મંડલાનો ઉપયોગ થાય છે જે એક પવિત્ર ચિહ્ન છે."

એવું કહેવાય છે કે બહ્માંડની ચિત્રકૃતિના ડાયાગ્રામ, ચાર્ટ કે ભૂમિતિને વાસ્તવિક કે પ્રતીકાત્મક રીતે દર્શાવવા માટે મંડલાનો ઉપયોગ કરવામાં આવે છે.

શરૂઆતમાં બતાવવામાં આવતા વીડિયોનો શું મતલબ છે?

પ્રથમ ભાગની શરૂઆતમાં બ્લૅક ઍન્ડ વ્હાઇટ કલરમાં આવતા વીડિયોમાં રાજીવ ગાંધીથી લઈને બાબરી ધ્વંસ અને સાંપ્રદાયિક હુલ્લડોથી લઈને પ્રાચીન ભારતની શકલ રજૂ કરવામાં આવી છે તે ગાયતોન્ડે (નવાઝુદ્દીન સિદ્દિકી)ના દિમાગમાં બની રહેલા ભારતની તસવીર રજૂ કરે છે.

સાથે ગાયતોન્ડેના દિમાગમાં ભારતમાં ચાલી રહેલું રાજકારણ અને બદલાતા ભારત પ્રત્યે અત્યંત ગુસ્સો અને પૂર્વગ્રહો છે જે વીડિયોમાં જોવા મળે છે.

વીડિયોના માધ્યમથી એવું બતાવવામાં આવ્યું છે કે ગાયતોન્ડેનું દિમાગ એવું માની બેઠું છે કે હિંસાના મૂળમાં ધર્મ રહેલો છે.

સાથે જ પ્રાચીન સ્થાપત્યોની જે ઝલક રજૂ કરવામાં આવી છે તે એવું દર્શાવે છે કે ભારતીય માઇથૉલૉજીમાં યુદ્ધ અને હિંસાને હંમેશાં વીરતાના સ્વરૂપે જોવામાં આવી છે.

આ સિરીઝ વિક્રમ ચંદ્રાની થ્રીલર નૉવેલ પર આધારિત છે જેનું નિર્દેશન અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાનીએ કર્યું છે.

એપિસોડ-1: અશ્વત્થામા

મહાભારતના યુદ્ધમાં અશ્વત્થામા કૌરવો તરફથી લડ્યા હતા.

એમ મનાય છે કે અશ્વત્થામા શિવના અવતાર હતા અને તેમનો જન્મ કપાળ પર રત્ન સાથે થયો હતો અને તે અમર છે.

આ એપિસોડમાં ગાયતોન્ડેની કહાણી બતાવી છે, જે પોતે અમર હોવાનું રટણ કરતો રહે છે.

અશ્વત્થામા યુદ્ધના મેદાનમાં શસ્ત્ર તરીકે 'નારાયણાસ્ત્ર'નો ઉપયોગ કરતા હતા, જે અત્યંત શક્તિશાળી હતું અને તેમાંથી એકસાથે લાખો તીર નીકળી શકતાં હતાં.

આ સિમ્બૉલમાં વચ્ચે એક રત્ન છે જે અશ્વત્થામાના કપાળના રત્નને રજૂ કરે છે. બીજી તરફ તે રત્નની ચારેતરફ તીર નીકળતાં હોય તેવું દર્શાવવામાં આવ્યું છે જે અશ્વત્થામાના શક્તિશાળી શસ્ત્ર હોવાનું રજૂ કરે છે.

એપિસોડ-2: હલાહલા

આ શબ્દનો ઉલ્લેખ હિંદુ માઇથૉલૉજીમાં વિષ્ણુ પુરાણ, ભગવદ્ પુરાણ અને મહાભારતમાં જોવા મળે છે.

દુર્વાસા નામના ઋષિએ ઇંદ્રને શ્રાપ આપ્યો હતો કે તેઓ પોતાની વિશિષ્ટ અને અસાધારણ શક્તિ ખોઈ બેસશે.

આ શ્રાપથી બચવા માટે દેવોએ વિષ્ણુની સલાહ પર સમુદ્રમંથન કર્યું જેમાંથી અત્યંત ઘાતક ઝેર નીકળ્યું તે હતું હળાહળ (હલાહલા).

અહીં સિમ્બૉલમાં એક ગોળાકાર આકૃતિ છે જે સમુદ્રમંથન સૂચવે છે, જ્યારે વચ્ચે શંખની આકૃતિ છે જે હલાહલા ઝેરના પ્રતિબિંબ તરીકે રજૂ કરાઈ છે.

એપિસોડ-3: અતાપી-વતાપી

હિંદુ પૌરાણિકશાસ્ત્ર મુજબ અતાપી-વતાપી નામના બે દાનવ હતા. તેઓ નિર્દોષભાવે ભૂખ્યા અતિથિઓને તેમના ઘરે જમવા માટે આમંત્રણ આપતા હતા.

વતાપી બકરાનું રૂપ ધારણ કરી લેતો હતો. ત્યારબાદ અતાપી અતિથિઓને ભોજનમાં તે બકરાનું માંસ પીરસતો.

અતિથિ ભોજન આરોગી થોડે દૂર જતા ત્યારે અતાપી તેના ભાઈ વતાપીને બોલાવતો. ત્યારબાદ વતાપી અતિથિનું પેટ ચીરીને બહાર આવી જતો.

સેક્રેડ ગેમ્સના આ એપિસોડનું નામ 'અતાપી-વતાપી' છે જેના સિમ્બૉલના મધ્યમાં બે દાનવની કૃતિ રજૂ કરવામાં આવી જે અતાપી-વતાપી છે.

આ એપિસોડમાં બદ્રી બ્રધર્સની વાત કરવામાં આવી છે, જે ગાયતોન્ડે સાથે કામ કરે છે અને લોકોની હત્યા કરવામાં તેમનો મોટો ફાળો હોય છે.

એપિસોડ-4: બ્રહ્મહત્યા

વિશ્વાપુરા નામના બ્રાહ્મણ, દૈત્યો તરફથી આપવામાં આવેલું દાન/યજ્ઞબલિ દેવોને ધરી દેતા હતા. આ વાતથી ગુસ્સે થઈ ઇંદ્રે તેની હત્યા કરી નાખી હતી.

પરંતુ આ ઘટના ઇંદ્રને કોરી ખાતી હતી. આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે ઇંદ્રે વિષ્ણુની સલાહ પર ત્રણ નારીજાતિ પૃથ્વી, મહિલા અને વૃક્ષને પસંદ કરી તેના આ પાપમાં ભાગીદારી કરાવી.

આ વાતને કેન્દ્રમાં રાખી આ સિમ્બૉલ ડિઝાઇન કરવામાં આવ્યો છે જેમાં સર્કલની અંદર ત્રિકોણ દોરવામાં આવ્યું છે જેની ત્રણેય બાજુએ પૃથ્વી, નારી અને વૃક્ષને રજૂ કરવામાં આવ્યાં છે.

અહીં બતાવવામાં આવ્યું છે કે ગાયતોન્ડે પોતે બ્રાહ્મણ હોવા છતાં લોકોની હત્યા કરી સાંપ્રદાયિક તણાવ ઊભા કરે છે.

એપિસોડ-5: સરમા

હિંદુ માઇથૉલૉજી મુજબ સરમાનો ઉલ્લેખ ઋગ્વેદમાં દેવોની કૂતરી તરીકે કરેલો છે જેણે પાનીની (દાનવોની જાતિ)થી ગાયોની રક્ષા કરવા માટે ઇંદ્રને મદદ કરી હતી.

આ સિમ્બૉલના કેન્દ્રમાં એક કૂતરાની આકૃતિ દર્શાવામાં આવી છે જે સરમાને રજૂ કરે છે.

સાથે જે આ એપિસોડમાં સરતાજ (સૈફ અલી ખાન)નાં માતા તેને પારસીના કૂતરાની વાત કહે છે જે તેના પિતાએ શોધવામાં મદદ કરી હતી.

એપિસોડ-6: પ્રેતકલ્પ

પ્રેતકલ્પ હિંદુ ધર્મનાં અઢાર પુરાણોમાંથી એક ગરુડ પુરાણનો ભાગ છે. જેમાં જીવનચક્ર અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેની સાથે મૃત્યુ અને મૃત્યુ પછી શું થાય છે તે વાત કરવામાં આવી છે.

આ સિમ્બૉલની મધ્યમાં એક ચિતા છે જે માણસોના મૃત્ય સાથે સંબંધ ધરાવે છે. સાથે જ આસપાસની ડિઝાઇન આત્માને દર્શાવે છે જે ઉપર અને નીચે તરફ જાય છે.

અહીં એવું બતાવવામાં આવ્યું છે કે ઉપર જતી ઊર્જા સ્વર્ગ તરફ જાય છે અને નીચ તરફ જતી નરક તરફ. આ એપિસોડનો સંબંધ પોલીસ કૉન્સ્ટેબલ કાટેકરના મૃત્યુ સાથે જોડાયેલો છે.

એપિસોડ-7: રુદ્ર

ઋગ્વેદ મુજબ હવા, તોફાન અને શિકારના દેવ રુદ્ર છે અને તેમને હિંદુ દેવતા શિવના અંશ માનવામાં આવે છે.

આ સિમ્બૉલમાં વચ્ચેની ડિઝાઇન તોફાન દર્શાવે છે જ્યારે આસપાસની આકૃતિ તેની પ્રચંડ તાકાતને રજૂ કરે છે.

આ એપિસોડમાં ગાયતોન્ડેની પત્નીની હત્યા થાય છે. તે પોતે જેલમાં જાય છે અને આ બધી બાબતોથી તેની અંદર ગુસ્સો વધે છે.

આ એપિસોડમાં ગાયતોન્ડેનું રૌદ્ર સ્વરૂપ બતાવવામાં આવ્યું છે.

એપિસોડ-8: યયાતિ

યયાતિનું લગ્ન અસુરોના પુરોહિત શુક્રાચાર્યની દીકરી દેવયાની સાથે થયું હતું. આદિ પુરાણ અને ભગવદ્ પુરાણ મુજબ શુક્રાચાર્યે યયાતિને શ્રાપ આપ્યો હતો કે તે યુવાનીમાં જ વૃદ્ધ બની જશે.

આ શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે યયાતિએ તેનું પાપ તેના દીકરા પર નાખી દીધું.

આ એપિસોડમાં પિતાપુત્રના સંબંધની વાત કરવામાં આવી છે જેની પર સિમ્બૉલ ડિઝાઇન કરાયો છે. તેમાં મંડલાનાં કેન્દ્રમાં એક ત્રાજવું બતાવ્યું છે જે પિતાપુત્રના સંબંધના સંતુલનને દર્શાવે છે.

આ એપિસોડમાં સરતાજ અને તેમના પિતાના સંબંધ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

સરતાજ વારંવાર એ જ જાણવાના પ્રયત્નો કરે છે કે ગાયતોન્ડે અને તેમના પિતા વચ્ચે શું સંબંધ છે.

અનિરુદ્ધ અને સેક્રેડ ગેમ્સ?

અનિરુદ્ધે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે કેવી રીતે તેમની યાત્રા સેક્રેડ ગેમ્સ સાથે શરૂ થઈ.

અનિરુદ્ધે જણાવ્યું, "મુંબઈ સ્થિત પ્લૅક્સિસ મોશન સ્ટુડિયો છે જે ડિઝાઇનિંગ, ઍનિમેશન અને અન્ય ક્રીએટિવ કામ કરે છે. તેમનાં ડિરેક્ટર વિજેશ રાજન અને યશોદાએ મારો સંપર્ક કર્યો હતો."

પ્લૅક્સિસ મોશનની વેબસાઇટ પરથી મળતી માહિતી મુજબ તેમણે બોલીવૂડમાં યશરાજ પ્રોડક્શન, દિબાકર બેનરજી ફિલ્મ્સ, ફેન્ટમ ફિલ્મ્સ, મદ્રાસ ટૉકીઝ વગેરે સાથે કામ કર્યું છે.

અનિરુદ્ધ ઉમેરે છે, "મેં જિયોમિટ્રી (ભૂમિતિ) ડિઝાઇનિંગ પર ઘણું કામ કર્યું છે એટલા માટે વિજેશે મને આ કામ માટે પસંદ કર્યો.”

"હું વિક્રમાદિત્ય મોટવાનીને મળ્યો હતો. લેખક વરુણ ગ્રોવર દ્વારા સિરીઝના એપિસોડનાં ટાઇટલ્સ નક્કી કર્યાં હતાં."

"વાતચીતમાં નક્કી કરવામાં આવ્યું હતું કે દરેક એપિસોડનાં સિમ્બૉલ્સની ડિઝાઇન મંડલાને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો