You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સાઉથના હિરો પવન કલ્યાણ અને ગુજરાતી હિરોઈનના છૂટાછેડા બાદની કહાણી
- લેેખક, પદ્મા મીનાક્ષી
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતી મૂળનાં રેણુ દેસાઈનું સાઉથની ફિલ્મોમાં અભિનેત્રી તરીકે એક આગવું સ્થાન હતું.
તેમણે સાઉથની અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે પરંતુ બાદમાં તેમણે આ ફિલ્મ લાઇન છોડી દીધી હતી.
પૂણેમાં જન્મેલા રેણુ દેસાઈનાં લગ્ન સાઉથના સ્ટાર પવન કલ્યાણ સાથે થયાં હતાં.
લગ્નના ચાર વર્ષ બાદ એટલે કે 2012માં તેઓ પવન કલ્યાણથી અલગ થઈ ગયાં હતાં.
બે બાળકોનાં માતા રેણુએ પવન કલ્યાણ સાથે થયેલા છુટાછેડા બાદની કહાણી અંગે બીબીસી સાથે વાત કરી હતી.
સવાલ : પવન કલ્યાણથી અલગ થયા પછી જીવન કેવું રહ્યું?
આ સવાલના જવાબમાં રેણુ દેસાઈએ કહ્યું કે જ્યારે અલગ થયાં ત્યારે અમે બન્ને ઘણાં યુવાન હતાં.
લગ્નને ચાર વર્ષ જ થયાં હતાં. કોઈ પણ ટેકા વગર મારે બાળકોને ઉછેરવું ઘણું મુશ્કેલ હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વધુમાં મને આરોગ્યની સમસ્યાઓ પણ થવા લાગી હતી.
મેં છૂટાછેડા પછી કોઈ વળતર નહોતું માગ્યુ પરંતુ મારા બાળકો માટે માગણી કરી હતી.
હું તે સમયે કામ કરતી હતી પરંતુ નાણાકીય સમસ્યા સર્જાઈ હતી.
ભારતમાં ઘણી મહિલાઓ લગ્ન પછી કારકિર્દીનો ત્યાગ કરી દે છે મેં પણ આવું જ કર્યું હતું. આથી સફર મુશ્કેલ હતી.
ઘણો સમય માંદગીના કારણે હું હૉસ્પિટલમાં રહી. મને શ્વાસની તકલીફ અને હૃદયને લગતી સમસ્યાઓ હતી.
મારા બાળકોને આ કારણે ખૂબ જ તણાવ સહન કરવો પડ્યો.
મહિલાને તેના મિત્રો અને પરિવાર તરફથી ટેકાની જરૂર રહે છે. મારો પરિવાર એટલો મોટો નથી. પિતા નોકરી માટે લંડન જતા રહ્યા હતા.
મારા મિત્રો અને ભાઈ-બહેનો પુણેમાં રહે છે. આમ મારી સમસ્યાનો ઉકેલ મુશ્કેલ જણાતો હતો.
આજે મિત્રો પરિવાર બની ગયા છે. સ્થિતિમાં બદલાવ આવ્યો છે.
સવાલ : તમે કઈ રીતે આમાંથી બહાર આવ્યાં?
હું માત્ર એક જ મંત્રમાં માનું છું. મારે ભૂતકાળ ભૂલીને વર્તમાન વિશે વિચારવાનું છે.
મારી પાસે ઘર છે અને મારે હૉસ્પિટલ્સના બિલ ચૂકવવાનાં છે.
ઘણા લોકો પાસે મારી પાસે જે છે તે નથી એવું વિચારીને આગળ વધવાનો મેં નિર્ણય કર્યો.
એક દિવસ બધું જ સારું થઈ જશે એવું હું માનવા લાગી. હું મારા હાથમાં મહેંદીથી આ વાત લખતી હતી.
મુશ્કેલીમાં માણસ આધ્યામિક વિચાર તરફ પ્રેરાય છે. મેં શું ભૂલ કરી તેના વિશે વિચારી સુધારવા લાગી.
આ સફરે મને આધ્યાત્મિક વ્યક્તિ બનવામાં મદદ કરી.
સવાલ: સમાજમાં પુરુષ એકથી વધુ વખત લગ્ન કરે તો તેને સ્વીકારી લેવાય છે પરંતુ મહિલા આવું કરે તો?
આ વિશે જણાવતા તેમણે કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણે આજે પણ પિતૃસત્તાક સમાજમાં રહીએ છીએ.
માત્ર ગણતરીના લોકો જ મહિલાઓને સમાનતાની નજરથી જુએ છે.
બાકીના દરેક પુરુષને લાગે છે કે મહિલા તેમની જાગીર છે.
મહિલા પતિનું નામ લે તો પણ અપરાધ ગણાય છે પરંતુ પુરુષ મહિલાને માત્ર એક સાધન જ ગણે તેનું કંઈ નહીં.
મહિલાઓ પુરુષો કરતાં શારીરિક બળની દૃષ્ટિએ થોડી નબળી હોઈ શકે પરંતુ તેની પાસે સમાન અધિકારો છે.
સમાજમાં મહિલાઓને પુરુષ સમોવડી માનવામાં લાંબો સમય લાગે છે.
જો માતાઓ તેમના બાળકોને યોગ્ય રીતે ઉછેરવાનું શરૂ કરી દેશે ત્યારે સમાજમાં સુધારો આવશે.
જેમ કે જો મારો પુત્ર તેની ગર્લફ્રેન્ડ સાથે દુર્વ્યવહાર કરે તો હું આંખ બંધ કરીને તેનો પક્ષ લેવાની જગ્યાએ એક મહિલા તરીકે એ યુવતીને સમજવાની કોશિશ કરી તેને મદદ કરીશ.
સવાલ : સોશિયલ મીડિયા પર પવન કલ્યાણના ચાહકો દ્વારા તમારી સાથે જે વર્તન થયું તેના વિશે શું કહેશો?
મારા નિર્ણયને યોગ્ય અયોગ્ય કહેવાનો કોઈને પણ અધિકાર નથી.
ફિલ્મ સ્ટાર્સની ફિલ્મ તેમાં અમારા અભિનય અને પાત્રો વિશે બોલવાનો દર્શકોને અધિકાર છે પરંતુ અંગત જીવન વિશે તેમને બોલવાનો અધિકાર નથી.
વાણી સ્વાતંત્રયનો આ દુરુપયોગ છે. મોબાઇલ અને સોશિયલ મીડિયાના કારણે હવે લડાઈના મંચ બદલાઈ ગયા છે.
હવે કોઈ પણ બે-ચાર વ્યક્તિ ભેગી થાય એટલે ફિલ્મ, રાજનીતિ, રમતગમત વિશે વાત કરવા લાગે છે.
આ વેળા તેઓ પોતાના જીવનમાં ઝાંકવાની જગ્યાએ કલાકારોના અંગત જીવન વિશે ટિપ્પણીઓ કરવા લાગી જાય છે.
સવાલ : શું તમારા બાળકોએ તમારા નિર્ણયને સમર્થન આપ્યું હતું? બાળકો પર તેની શું અસર થઈ?
જ્યારે અમારા છૂટાછેડા થયા ત્યારે બાળકો નાનાં હતાં. તેમના પર તેની ખૂબ જ ગંભીર અસર થઈ.
મારી દિકરીએ મને હૉસ્પિટલના ધક્કા ખાતા જોઈ છે. તેનાથી તેઓ ખૂબ જ ચિંતિત હતાં.
હું ઘણા સમયથી એકલી રહું છું. મેં લગ્ન કરવાનો વિચાર નહોતો કર્યો.
જ્યારે મને ખાત્રી થઈ ગઈ એ વ્યક્તિ જેની સાથે હું લગ્ન કરું તે બાળકો સાથે રહી શકે છે અને હું પણ રહી શકું છું. સમાજે પણ આ વાત સમજવી જોઈએ.
સવાલ : તમારા મતે મહિલાની સ્વતંત્રતા શું છે?
મહિલાઓએ તેમનું જીવન પરફેક્ટ નથી એવું ન માનવું જોઈએ. એકલી વ્યક્તિને સમાજ ઘણા બધા સવાલ કરે છે.
યુવતી કે મહિલાની ઉંમર 30 વર્ષની હોય તો સમાજના લોકો તેને ફરી લગ્ન વિશે સવાલ પૂછતા હોય છે.
ખરેખર કોઈની રાહ ન જોવી જોઈએ અને પોતાનું જીવન જાતે જ સુધારવું જોઈએ.
તેઓ કહે છે કે મારા બાળકોના જન્મની પળો મારે મન ખૂબ જ ખુશીની પળ છે.
સવાલ : તમારા જીવનની સૌથી મુશ્કેલ પળો કઈ છે?
મારા અને મારા જીવન વચ્ચે દરરોજનો સંઘર્ષ.
સૌથી મુશ્કેલ મારા પોતાના લોકોને માફ કરવું હતું. મારા માતાપિતાને દીકરી પસંદ નહોતી. તેમને દીકરો વધુ પસંદ હતો.
મારા માતાપિતા અને મારા પતિને માફ કરવાનો મારી સામે પડકાર હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો