સુપ્રીમ કોર્ટે માગી સલાહ: લિવ-ઇન રિલેશનશિપ તૂટે તો યુવકે વળતર ચૂકવવું જોઈએ?

સુપ્રીમ કોર્ટે અટર્ની જનરલ પાસે એ બાબતની સલાહ માગી છે કે કે શું લિવ-ઇન રિલેશનશિપ તૂટી જવાથી છોકરાએ "નૈતિક જવાબદારી" હેઠળ છોકરીને વળતર ચૂકવવું જોઈએ?

કર્ણાટક હાઈકોર્ટમાં એક મુદ્દે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં આ બાબત સામે આવી હતી.

અરજીકર્તા આલોકકુમાર પોતાની ગર્લફ્રેન્ડ સાથે છેલ્લાં છ વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા. પણ આલોકે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

જે બાદ છોકરીએ આલોક પર બળજબરીથી શારીરિક સંબંધ બાંધી રૅપ કરવાનો આરોપ મૂક્યો હતો.

કેસ નોંધવામાં આવ્યા બાદ આલોક હાઈકોર્ટ પહોંચ્યા પણ ત્યાં એમની અરજીને ફગાવી દેવામાં આવી. ત્યારબાદ આલોકે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

આ મુદ્દે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે રૅપ અને બીજા ગુનાને બાજુમાં રાખી લિવ-ઇન રિલેશનશિપ મુદ્દે "નૈતિક જવાબદારી'' નક્કી કરવા માટે અટર્ની જનરલ પાસે સલાહ માંગી છે.

કોર્ટે સવાલ કર્યો છે- શું લિવ-ઇન રિલેશનશિપને પણ લગ્નની જેમ જ જોવું જોઈએ અને આ સંબંધમાં રહેનારી છોકરી કે સ્ત્રીના અધિકારો કોઈ પરણિત સ્ત્રી જેવા જ હોઈ શકે ખરા?

શું છે લોકોના આ અંગે વિચારો?

લિવ-ઇન રિલેશનશિપ હવે એટલી નવી નથી. ગ્રામીણ વિસ્તારોને છોડી શહેરમાં તો એ સામાન્ય બની ગઈ છે.

સામાન્ય લોકોનું માનવું છે કે લિવ-ઇનમાં એવા લોકો રહેવા માગે છે જે લગ્ન જેવી જિંદગી તો જીવવા માગે છે પણ જવાબદારી ઉઠાવવાથી દૂર ભાગે છે.

લિવ-ઇન રિલેશનશિપ સંપૂર્ણ રીતે બે લોકોની પરસ્પરની સંમતિ પર આધાર રાખે છે જેમાં ના તો કોઈ સામાજિક દબાણ હોય છે ના તો કોઈ કાયદાકીય બંધન.

તમે આ વાંચ્યું કે નહીં?

એવામાં છોકરો જો લિવ-ઇન રિલેશનશિપ તોડી નાખે, તો શું તેણે વળતર ચૂકવવું જોઈએ?

આ સવાલ અમે અમારા વાચકોને પૂછ્યો તો આશ્ચર્યજનક રીતે 90 ટકા સ્ત્રીઓએ કહ્યું કે વળતર ના મળવું જોઈએ.

આ સવાલ અમે અલગઅલગ ગ્રૂપ્સમાં પૂછ્યો. અમારા લેડીઝ સ્પેશયલ ગ્રૂપ 'લેડીઝ કોચ' પર ઘણી મહિલાઓએ કમેન્ટ્સ કરી અને બધાએ એમ જ કહ્યું કે સંબંધમાં પૈસા જેવી બાબતને લાવવી યોગ્ય નથી.

મહાવિશ રિઝવીનું માનવું છે કે જો છોકરી આર્થિક રીતે આત્મનિર્ભર છે તો વળતર આપવાનો સવાલ જ પેદા થતો નથી.

રિઝવી કહે છે, "વળતર એમને મળે છે કે જે નિર્ભર હોય. લિવ-ઇનમાં રહેનારી 99 ટકા છોકરીઓ આત્મનિર્ભર હોય છે."

"લિવ-ઇન રિલેશનશિપ લગભગ લગ્ન જેવી જ છે પણ તે લગ્ન નથી. કારણ કે તેમાં લગ્નનું સર્ટિફિકેટ નથી. આ એક ઑપન મૅરેજ છે."

"છોકરા અને છોકરી બન્નેની વફાદારીનું પ્રમાણપત્ર મળવું મુશ્કેલ છે."

"એવું પણ નથી કે સાથે રહેવાનું શરૂ કર્યું ત્યારે કોઈ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હોય અને જેમાં લગ્ન અંગે કોઈ વચન આપવામાં આવ્યું હોય."

"સઘન તપાસ બાદ જ આ અંગે કોઈ પુરાવા પ્રાપ્ત થઈ શકે છે. હાં, લગ્નના વચનમાંથી ફરી જવા બદલ સજાની જોગવાઈ થઈ શકે છે.''

અમને જે કમેન્ટ મળી એમાં ઘણી એવી પણ હતી કે લોકોએ પૂછ્યું હતું કે શું છોકરી સંબંધ તોડે તો તે વળતર આપશે?

જોકે, આ સવાલ પૂછનારા મોટા ભાગના પુરુષ જ હતા, પણ કેટલીક મહિલાઓએ પણ આવો સવાલ કર્યો હતો.

કુમારી સ્નેહા જણાવે છે કે શું પુરુષ પ્રત્યે પણ મહિલાની કોઈ જવાબદારી રહેશે, જો તે છોડીને જાય છે તો...અને ઘણીવાર તો પ્રેમ જ બચતો નથી, તો પછી લગ્ન કરીને પણ શું કરવાનું.

રિદમ ત્રિપાઠી લખે છે કે પુરુષ જ જવાબદારી શા માટે ઉઠાવે? સ્ત્રી શા માટે નહીં? તે પણ છેતરી શકે છે.

તેઓ કહે છે, "જો માત્ર પુરુષો માટે જ આવો નિયમ બનાવવામાં આવ્યો તો કેટલીક સ્ત્રીઓ માટે આ પૈસા કમાવવાનો ધંધો બની જશે."

"બન્ને માટે નિયમ બનવો જોઈએ જેનાથી યોગ્ય તથ્યની તપાસ અને યોગ્ય ન્યાય મળી શકે."

ડી કુમાર જણાવે છે કે ભારતમાં પરંપરાગત વિચારધારા હોવાથી લિવ-ઇન રિલેશનશિપમાંથી છૂટી થયેલી સ્ત્રીઓને સમાજ ભાગ્યે જ સ્વીકારે છે. જો તે સ્ત્રી આર્થિક રીતે નબળી છે તો પછી તો આ ઘણું મુશ્કેલ છે. જો સંબંધ તોડનાર પુરુષ હોય તો તેણે વળતર તો આપવું જ જોઈએ.

કેટલાક લોકોએ લિવ-ઇન રિલેશનશિપના મુદ્દે એક પગલું આગળ વધીને પોતાની વાત રજૂ કરી છે.

શોભા પાંડે જણાવે છે, "જો લિવ-ઇનમાં રહેતાં જ મહિલા ગર્ભવતી બની જાય અને છોકરો લગ્ન કરવાની ના પાડે, તો જવાબદારી અને સજાની જોગવાઈ હોવી જોઈએ. જો 2-4 વર્ષ બાદ કોઈ એક સંબંધ રાખવા ના માગતું હોય તો બળજબરી શું કામ કરવાની?'

સંદીપ નૈયર માને છે, "લિવ-ઇનમાં અવકાશ હોવો જોઈએ, લિવ-ઇનમાં આઉટ પણ જોડવું જોઈએ, માત્ર ઇન તો લગ્ન જેવું છે."

અનિલ સિંહ જણાવે છે, "જે સંબંધને કોઈ નિશ્ચિત નિયમ, ઉપ-નિયમ કે કાયદા દ્વારા માન્યતા પ્રાપ્ત ના હોય તેને ભંગ કરવા બદલ કોઈ સજા કેવી રીતે નક્કી કરી શકાય?

જુનેદ અલી જણાવે છે, "જો લિવ-ઇન રિલેશનશિપમાં જવાબદારી નક્કી કરી દેવામાં આવે, તો પછી એ લિવ-ઇન રિલેશનશિપ ક્યાંથી રહેશે.

તેઓ કહે છે, "તે તો લગ્નમાં પરિવર્તિત થઈ જશે જેમાં બન્ને પક્ષોના કર્તવ્ય નિર્ધારિત કરવામાં આવેલા હોય છે.

"લિવ-ઇન રિલેશનશિપનો વાસ્તવિક આધાર સ્વછંદતા છે તો પછી આને કેવી રીતે નિયમ અંતર્ગત લાવી શકાય?"

ઘણા ઓછા પ્રમાણમાં પણ કેટલાક લોકોએ "નૈતિક જવાબદારી'' નું સમર્થન કર્યું છે.

જસવંત જણાવે છે, "જવાબદારી તો બને જ છે. લગ્નનું વચન આપી શોષણ કરવું અને લિવ-ઇનમાં હોવું એક અલગ બાબત છે."

રિંકી સિંહ જણાવે છે, "વળતર તો આપવું જ જોઈએ કારણ કે આપણો સમાજ આવા સંબંધોને સ્વીકારતો નથી તેમ છતાં આવા સંબંધોનું પ્રમાણ સમાજમાં વધી રહ્યું છે."

"આજે લોકો લગ્નથી દૂર ભાગે છે અને જો લગ્ન કરી પણ લે છે તો લગ્ન તોડી લિવ-ઇનમાં રહેવા માંડે છે."

"એમને આમાં કોઈ જોખમ દેખાતું નથી એટલે જો વળતર આપવાની શરૂઆત કરવામાં આવે તો એક ડર ઊભો થશે અને લોકો આ રિલેશનશિપને ગંભીરતાથી લેવાની શરૂઆત કરશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો