શું 'માતાનું ધાવણ' ગુજરાતમાંથી કુપોષણની સમસ્યા દૂર કરી શકે?

    • લેેખક, દિપલકુમાર શાહ
    • પદ, બીબીસી ગુજરાતી

'માતાનું દૂધ અમૃત સમાન છે. આ અમૃતનું દાન મહાદાન છે.' સુરતમાં માતાનું ધાવણ એકત્ર કરતી 'મિલ્ક બૅન્ક'ના અભિયાનનું આ સૂત્ર છે.

દેશમાં 1થી 7 ઑગસ્ટ સુધી નેશનલ બ્રેસ્ટફિડિંગ વીક (રાષ્ટ્રીય સ્તનપાન સપ્તાહ) તરીકે ઊજવાય છે.

નવજાત બાળકના પોષણ અને જીવન માટે માતાનું દૂધ ખૂબ જ જરૂરી હોય છે, પરંતુ દેશમાં મહિલાઓ અને બાળકોના આરોગ્ય મામલે કેટલીક સમસ્યાઓ હજુ પણ જોવા મળી રહી છે.

સ્તનપાન મામલે ભારતની સ્થિતિ

યુનિસેફ (યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ) અને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબલ્યૂએચઓ) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડાઓ મુજબ, બાળકને જન્મના એક કલાકની અંદર જરૂરી માતાનું પહેલું ધાવણ મળવા મામલેની ભારતની સ્થિતિ જોઈએ એટલી સારી નથી.

વિશ્વભરમાં આ મામલે ભારતનો 56મો ક્રમ છે. આ વૈશ્વિક સંસ્થાઓના આંકડા અનુસાર, વર્ષ 2015માં દેશમાં માતાનું પહેલું ધાવણ મેળવી શકેલા બાળકોનું પ્રમાણ 41.5 ટકા હતું.

બાળકને વિવિધ ઇન્ફેક્શનથી બચાવવા માટે પહેલા એક કલાકમાં માતાનું દૂધ મળી રહી તે ઘણું જરૂરી હોય છે. ત્યાર પછી પણ છ મહિના સુધી બાળકને માત્ર માતાનું દૂધ જ આપવાનું હોય છે.

માતાના દૂધમાં બાળકના વિકાસ માટેના જરૂરી પોષકતત્વો હોય છે અને તેમના માટે તે ખૂબ જ આવશ્યક હોવાથી સ્તનપાનનું ઘણું મહત્ત્વ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ગુજરાતમાં સ્તનપાન અને કુપોષણની સ્થિતિ

બીબીસીએ માતાનાં પોષણ સાથે બાળકનું પોષણ કઈ રીતે જોડાયેલું છે અને કુપોષણ માટે સ્તનપાનની સમસ્યાનો શું સંબંધ છે તે જાણવાની કોશિશ કરી.

ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે અને માથાદીઠ આવકના ક્ષેત્રમાં વૃદ્ધિ કરી છે, પણ માનવ વિકાસ બાબતે હજુ ઘણું કરવાનું બાકી છે.

સરકારી આંકડાઓ મુજબ, ગુજરાતમાં દાહોદ (7419) અને પંચમહાલ (5790) જિલ્લામાં કુપોષિત બાળકોનું પ્રમાણ વધુ છે.

વર્ષ 2007માં સીએજી (કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ)એ રિપોર્ટ જાહેર કર્યો હતો, જેમાં દેશમાં ગુજરાતમાં કુપોષિત બાળકોનું પ્રમાણ સર્વાધિક 70 ટકા હતું.

ઉપરાંત નેશનલ ફૅમિલી હેલ્થ સરવે - 4 (2015-16) અનુસાર, ગુજરાતમાં આ પ્રમાણ 41 ટકા નોંધાયું હતું.

છેલ્લા દસ વર્ષમાં આ બાબતે સુધારો જોવા મળ્યો છે, પરંતુ તેમ છતાં ગુજરાત આ મામલે અન્ય રાજ્યો કરતા ઘણું પાછળ છે.

જો કે, ગુજરાતના બાળ અને મહિલા વિકાસ વિભાગની વેબસાઇટ પર ઉપલબ્ધ આંકડાઓ અનુસાર, આ પ્રમાણ 16 ટકા છે.

સૅમ્પલ રજિસ્ટ્રેશન સીસ્ટમ સ્ટેટેસ્ટિકલ રિપોર્ટ - 2015 અનુસાર ભારત આ મામલે કેરળ, પંજાબ, તામિલનાડુ અને મહારાષ્ટ્ર કરતાં પણ પાછળ છે.

ક્યા વિસ્તારોમાં બાળકોમાં કુપોષણનું પ્રમાણ વધુ છે?

ગુજરાતમાં કુપોષિત બાળકોનું સૌથી વધુ પ્રમાણ ટ્રાઇબલ વિસ્તાર ગણાતા દાહોદ અને પંચમહાલ જિલ્લામાં જોવા મળ્યું છે.

બીબીસીએ આ વિસ્તારોમાં પ્રવર્તતી કુપોષણની સમસ્યા અને તે સંબંધે માતાના સ્તનપાનની તેમાં કેટલી અને કેવી ભૂમિકા છે તે જાણવાની કોશિશ કરી.

મહિલા અને બાળકોના આરોગ્ય મામલે કાર્ય કરતા અમદાવાદના એનજીઓ 'ચેતના'ના પ્રોજેક્ટ ડિરેક્ટર ડૉ. સ્મિતા બાજપાઈના જણાવ્યા અનુસાર, બાળકોના કુપોષણ માટે મહિલાઓનું સ્વાસ્થ્ય અને તેમને ગર્ભાવસ્થામાં તથા બાળકના જન્મ પછી જરૂરી આરામ-ખોરાક નહીં મળવાની બાબત મહદઅંશે જવાબદાર છે.

તેમણે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, નાના બાળકોને ઉંમર વધતા જરૂરી પૂરતો ખોરાક અને પોષણયુક્ત ખોરાક નહીં મળવાથી બાળકો કુપોષણનો શિકાર બનતાં હોય છે. ઉપરાંત વારંવાર થતી માંદગીને કારણે પણ બાળક નબળું થઈ જાય છે.

કેમ ટ્રાઇબલ વિસ્તારોમાં બાળકો કુપોષણનો શિકાર બને છે?

આ પ્રકારના વિસ્તારોમાં કુપોષિત બાળકોના વધુ પ્રમાણ વિશે તેમણે કહ્યું કે,"આ ક્ષેત્રમાં રહેતા ટ્રાઇબલ પરિવારોની આર્થિક-સામાજિક સ્થિતિનું સ્તર નબળું હોય છે."

"ઉપરાંત મોટાભાગના આદિવાસી વિસ્તારોની ભૌગોલિક સ્થિતિ પણ કપરી હોય છે."

"મહિલાઓએ ઘરનું અને બહારનું કામ કરવું પડતું હોય છે. નાણાંના અભાવે તેઓ બાળકોને પૂરતો સારો ખોરાક નથી આપી શકતા."

"ગર્ભાવસ્થા દરમિયાન મહિલાને ખૂબ જ પૌષ્ટિક આહારની જરૂર હોય છે. અને આરામની પણ જરૂર હોય છે. જોકે, આ વર્ગના લોકો આર્થિક-સામાજિક પડકારોને લીધે આ સગવડ નથી મેળવી શકતા."

'પૂરતું દૂધ નથી એટલે બાળકોને ચા-ગાંઠીયા આપું છું'

ડૉ. સ્મિતાએ એક કિસ્સો વર્ણવ્યો જેમાં કુપોષણ મામલેની સ્થિતિ કેટલી દયનીય છે તે જાણી શકાય છે.

તેમણે આ વિશે કહ્યું, "એક મહિલાને જ્યારે અમારી સંસ્થાએ પૂછ્યું કે તમે તમારા બાળકોને ખોરાકમાં શું આપો છો? ત્યારે મહિલાએ જવાબ આપ્યો કે ચા-ગાંઠિયા આપું છું."

"આ મહિલાને જ્યારે એવી સલાહ આપી કે ચા કરતાં બાળકને દૂધ કેમ નથી આપતાં. ત્યારે મહિલાએ જવાબમાં કહ્યું કે દૂધમાં પાણી ઉમેરીને તેની ચા બનાવું, તો અન્ય બાળકોને પણ તે આપી શકું. બધા જ બાળકોને આટલું ઓછું દૂધ પૂરતું ન થઈ રહે."

રાજ્યમાં બાળકોના કુપોષણને દૂર કરવા સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે, છતાં આવી સ્થિતિ કેમ છે, તે વિશે ડૉ. સ્મિતાએ કહ્યું કે, સરકાર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે.

"પરંતુ જે યોજના લાવવામાં આવે છે તેની ડિઝાઇનમાં રહેલી ખામી અને તેની કામગીરી કરવાની પદ્ધતિના કારણે યોજનાનો સંપૂર્ણ લાભ છેવાડાની વ્યક્તિ સુધી નથી પહોંચી શકતો."

સ્થિતિમાં સુધાર લાવવા વિશે તેમણે વધુમાં કહ્યું કે, જાગૃતિ લાવીને યોજનાનું મજબૂત માળખું તૈયાર કરી તેનું યોગ્ય અમલીકરણ સુધાર લાવવામાં મદદરૂપ થઈ શકે છે.

બાળકના પોષણ માટે માતાનું ધાવણ કેટલું જરૂરી છે?

નવજાત બાળકના વિકાસ માટે જરૂરી કાળજી અને છ મહિના સુધી બાળકને માતાના ધાવણની જરૂરિયાત વિશે જણાવતાં સુરતની ગવર્નમેન્ટ મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. પારૂલ વડગામાએ કહ્યું કે, મેડિકલ સાયન્સમાં માતાના પ્રથમ ધાવણને 'કોલોસ્ટ્રમ' કહીએ છીએ અને તે એક સંપૂર્ણ આહાર છે.

"તેમાં મલ્ટિ-વિટામીન, કાર્બોહાઇડ્રેટ્સ, ફેટ, પાણી અને પ્રોટીન સહિતના અન્ય પોષક તત્વો હોય છે. માતાના દૂધથી બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધે છે."

"વળી છ મહિના સુધી માતાનું જ ધાવણ ઇન્ફેક્શન સામે પણ રક્ષણ આપે છે. બાળકને બહારનું દૂધ કે પાણી અથવા ખોરાક આપવાથી તેને ડાયેરિયા થઈ શકે છે."

"ઘણા સમુદાયમાં બાળકને મધ, પાણી, ગૌમૂત્ર પીવડાવવામાં આવે છે. આ માન્યતાને કારણે બાળકના આરોગ્યને નુકસાન થવાનું જોખમ રહે છે."

મહિલાના આરોગ્ય માટે સ્તનપાનનું કેટલું મહત્ત્વ છે?

સ્તનપાનના મહત્ત્વ વિશે જણાવતા તેમણે કહ્યું, "સ્તનપાન માતાના પોતાના આરોગ્ય માટે પણ લાભદાયક છે. તેનાથી બ્રેસ્ટ કૅન્સર થાવનું જોખમ ઘટી જાય છે."

"ઉપરાંત 'સ્કિન-ટુ-સ્કિન' સ્પર્શથી માતા અને બાળક બન્નેને માનસિક બીમારીના જોખમ સામે પણ રક્ષણ મળે છે."

નવજાત બાળકને કેવી કાળજી મળવી જોઈએ તે અંગે તેમનું કહેવું છે કે, બાળકને ગરમી મળી રહી તે માટે માતા પાસે તેને એક કપડાંમાં વીંટીને રાખવું જોઈએ.

"તેને કાંગારુ કૅપ કહેવાય છે. ઉપરાંત બહારનો કોઈ પણ ખોરાક ન આપવો જોઈએ."

મહિલાઓના ગર્ભાવસ્થા દરમિયાનના પોષણ વિશે તેમણે કહ્યું કે સાતમા અને આઠમા મહિને વધુ પોષકતત્વોની જરૂર હોય છે. ખોરાકમાં કૅલ્શિયમ, આયર્ન અને શાકભાજીનું સારું પ્રમાણ જળવાઈ રહેવું જોઈએ.

"વધુમાં બ્રેસ્ટનું ચેકએપ અને માતા બનવા સંબંધિત બાબતોની તાલીમ પણ આપવી જોઈએ."

"સૌથી મહત્ત્વનું તેમણે કઈ રીતે સ્તનપાન કરાવવું તેની જાણકારી આપવી જોઈએ."

મહિલાઓને ધાવણ ઓછું કેમઆવે છે?

મહિલાઓન પૂરતું ધાવણ નહીં આવવાની સમસ્યા વિશે તેમનું કહેવું છે કે, વધુ પડતાં તણાવ અને અપૂરતા પોષણના લીધે આ સમસ્યા સર્જાતી હોય છે.

"જોકે, આવી સમસ્યા હોય, તો તેની કાળજી રાખીને તેને સુધારી શકાય છે. બ્રેસ્ટપંપની મદદ પણ લઈ શકાય છે."

"માતાને સારું પોષણ મળી રહે, તો બાળકને પણ સારું પોષણ મળી રહે છે. મહિલાએ બાળકને દર બે કે ત્રણ કલાકે સ્તનપાન કરાવવું જોઈએ."

કુપોષણ દૂર કરવા કેવા પ્રયત્નો થઈ રહ્યા છે?

દાહોદ જિલ્લામાં પોષણ મામલે ચાલતા સરકારના પ્રોજેક્ટ સાથે જોડાયેલા જયશ્રીબહેનના જણાવ્યા અનુસાર, રાજ્યમાં બાળકો કુપોષણનો શિકાર ન બને તે માટે સરકારના વિવિધ પ્રોજેક્ટ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

દાહોદ સહિતના ટ્રાઇબલ વિસ્તારો ધરાવતા જિલ્લાઓમાં બાળકોનું કુપોષણનું પ્રમાણ વધારે કેમ છે? તે વિશે તેમનું કહેવું છે કે આ વિસ્તાર મુખ્યત્વે આદિવાસી વિસ્તાર છે અને ત્યાંના લોકોમાં ગરીબી અને નિરક્ષરતાનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે.

તેમણે કહ્યું, "આ વિસ્તારમાં નાની ઉંમરમાં લગ્ન, પ્રથમ ધાવણ વિશેની રૂઢિગત માન્યતાઓને કારણે પણ કુપોષણનું પ્રમાણ વધારે જોવા મળે છે."

"વર્ષ 2015માં બે હજારથી વધુ કુપોષિત બાળકોની ઓળખ થઈ હતી અને તેમની સારવાર કરવામાં આવી હતી."

"'આશા' કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને મહિલાઓને પોષ્ટિક આહાર અને જરૂરી દવાઓ આપે છે, કેમ કે ખરેખર આ વિસ્તારોમાં મહિલાઓમાં રહેલા કુપોષણના કારણે તેમના બાળકો પણ કુપોષણનો શિકાર બને છે."

"તાતેજરમાં જ ડેમોસ્ટ્રેટીવ ફિડિંગ નામનો કાર્યક્રમ શરુ કરાયો છે, તેના અંતર્ગત મહિલાઓને આંગનવાડીમાં મમતા દિવસ પર પૌષ્ટિક આહાર આપવામાં આવે છે."

"વધુમાં સરકારના કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત બાળકોનું ચેકઅપ અને સારવાર પણ કરવામાં આવે છે."

"આદિવાસી વિસ્તારોમાં મહિલાઓમાં પોષણના અભાવે ધાવણ પણ ઓછું આવવાની સમસ્યા જોવા મળતી હોય છે."

આમ, માતાનું ધાવણ બાળકોના પોષણ માટે કેટલું જરૂરી છે તે સમજી શકાય છે.

સુરતમાં બાળકો માટે 'મિલ્ક બૅન્ક'

મહિલાઓને ઓછું ધાવણ આવતા બાળકને માતાનું દૂધ નહીં મળવાની સમસ્યાના નિરાકરણ માટે સુરતની સ્મીમેર હૉસ્પિટલમાં એક વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

અહીં મહિલાઓ માટે 'મિલ્ક બૅન્ક' સ્થાપવામાં આવી છે.

સુરત સ્મીમેર હૉસ્પિટલના ડૉ. નિરાલી મહેતાએ આ બૅન્ક વિશે જણાવતાં કહ્યું:

"હૉસ્પિટલમાં મહિલા દર્દીની હાલત ગંભીર હોય કે જોડિયાં બાળકો આવ્યાં હોય અથવા મહિલાને ધાવણ સંબંધિત કોઈ સમસ્યા હોય તેમના બાળકોને આ બૅન્કનું દૂધ આપવામાં આવે છે."

"નવજાત બાળકના પોષણ માટે માતાનું ધાવણ જ સૌથી શ્રેષ્ઠ હોય છે. આથી આ બૅન્ક શરુ કરવામાં આવી."

શું છે આ મિલ્ક બૅન્ક?

"મહિલાઓ તેમની ઇચ્છાથી અહીં દૂધનું દાન કરે છે. બ્લડ બૅન્કની જેમ જ આ બૅન્ક એક રીતે કામ કરે છે."

"અમે કૅમ્પનું પણ આયોજન કરીને દૂધ એકત્ર કરીએ છીએ. બૅન્ક માટે સૌપ્રથમ વર્ષ 2008માં આવો કૅમ્પ કરાયો હતો. તેમાં લગભગ 3500 એમએલ દૂધ એકત્ર થયું હતું."

"આ બાબત લિમ્કા બુક ઑફ રેકર્ડમાં પણ નોંધાઈ હતી. છેલ્લા દસ વર્ષથી આ બૅન્ક કાર્યરત છે."

ડૉ. નિરાલીનાં મતે, "ગુજરતામાં આ પ્રકારની માત્ર બે જ મિલ્ક બૅન્ક છે."

"અમારી બૅન્કના મૉડલનો અભ્યાસ કરવા યુનિસેફની ટીમે પણ મુલાકાત લીધી હતી અને તેની પ્રશંસા પણ કરી હતી."

"જો કે, આ મિલ્ક બૅન્કનો હૉસ્પિટલમાં દાખલ મહિલાઓના બાળકોને જ લાભ મળી શકે છે, કેમ કે અમારી પાસે પુરવઠો મર્યાદિત રહેતો હોય છે."

"અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે વધુ સપ્લાય મળે અને વધુથી વધુ બાળકોને લાભ મળે"

મિલ્ક બૅન્કમાં અત્યાર સુધી 4.7 લાખ એમએલ દૂધ એકત્ર કરાયું છે અને 3715 બાળકને તેનો લાભ મળ્યો છે. અત્યાર સુધી પાંચ હજારથી વધુ મહિલાઓ દૂધનું દાન કરી ચૂકી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો