YouTubeમાં જોઈને ઘરમાં પ્રસૂતિ કરાવવી કેટલી સલામત

    • લેેખક, અપર્ણા રામમૂર્તિ
    • પદ, બીબીસી તામિલ

ઘરમાં જ પ્રસૂતિ કરવાને કારણે તામિલનાડુના તિરુપુર જિલ્લામાં એક મહિલાનું મૃત્યુ થયું છે. સમગ્ર રાજ્યના લોકોને આ ઘટનાને લીધે જોરદાર આઘાત લાગ્યો છે.

મહિલાના પતિ અને દોસ્તોએ પ્રસૂતિ ક્રિયા માટે યૂ ટ્યૂબ વીડિયોમાંથી માર્ગદર્શન મેળવ્યાનું કહેવાય છે.

વિખ્યાત ગાયનેકૉલૉજિસ્ટ કમલા સેલ્વરાજના જણાવ્યા મુજબ, આવું કરવું અત્યંત વાહિયાત ગણાય.

બીબીસી સાથે વાત કરતાં ડૉ. કમલા સેલ્વરાજે કહ્યું, "કયા પેશન્ટને કેટલું બ્લીડિંગ થશે એ કોઈ કહી શકતું નથી. હૉસ્પિટલો રક્તનો પુરવઠો હંમેશાં તૈયાર રાખતી હોય છે. આવી તૈયારી ઘરમાં કોણ કરી શકે?

"આધુનિક સારવાર અમલમાં આવી એ પહેલાં દાયણો પ્રસૂતિનું કામ કરતી હતી અને સમગ્ર પ્રક્રિયા પાર પાડતી હતી. આપણે દાયણોને અશિક્ષિત ડૉક્ટર કહી શકીએ.

"બધું સારી રીતે પાર પડે તો બાળકની જિંદગી બચી જાય, અન્યથા મૃત્યુ થાય. તેથી જ પ્રસૂતિને મહિલાનો બીજો જન્મ ગણવામાં આવે છે."

પ્રસૂતિ માટે મોટો ખર્ચ

હાલના સમયમાં પ્રસૂતિ એકાદ લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે.

આટલા મોટા ખર્ચને કારણે લોકો ઘરે પ્રસૂતિ કરાવે છે કે કેમ, એવા સવાલના જવાબમાં ડૉ. કમલા સેલ્વરાજે કહ્યું હતું, "સરકારી હોસ્પિટલોમાં કોઈ ખર્ચ વિના કે ઓછા ખર્ચે પ્રસૂતિ કરાવી શકાય છે.”

"પ્રસૂતિ તો હોસ્પિટલ્સમાં જ કરાવવી હિતાવહ હોય છે. તમે ખર્ચનો જ વિચાર કરો છો, પણ કોઈના મૃત્યુથી તમને પીડા નહીં થાય?"

તમે આ વાંચ્યું કે નહીં?

નોર્મલ ડિલિવરી માટે શું જરૂરી છે?

ડૉ. કમલા સેલ્વરાજના જણાવ્યા મુજબ, ગર્ભવતી મહિલાએ રોજ સવારે પ્રાણાયામ કરવા જોઈએ. તેઓ ઘરની અગાસી કે ગાર્ડનમાં જઈને ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકે છે.

આ પ્રકારની કસરત ઉપરાંત ગર્ભવતી મહિલાએ સક્રિય રહેવું પણ જરૂરી છે. જમીન પર બેસીને શાકભાજી સમારવાથી અને ભોજન લેવાથી મદદ મળતી હોય છે.

જમીન પરથી બેસવામાં અને ઊભા થવામાં ગર્ભવતી મહિલાના થાપાના હાડકાં અને સ્નાયુઓ વિસ્તરતાં હોય છે.

તેનાથી મહિલાને ગર્ભકાળમાં ફાયદો થવા ઉપરાંત ગર્ભાશયમાંથી બાળકનું મસ્તક બહાર આવવાની પ્રક્રિયામાં પણ મદદ મળે છે.

આરોગ્યપ્રદ ખોરાક

ડૉ. કમલા સેલ્વરાજે કહ્યું હતું, "આજે ગર્ભવતી મહિલાઓ ડાઈનિંગ ટેબલ પર જમે છે અને કિચનમાં ઊભા રહીને શાકભાજી સમારે છે. તેના પરિણામે ઑપરેશન કરવું પડે છે."

આરોગ્યપ્રદ ખોરાક લેવા પર ભાર મૂકતાં ડૉ. કમલા સેલ્વરાજે કહ્યું હતું, "ગર્ભવતી મહિલાએ આરોગ્યપ્રદ, કુદરતી ખોરાક લેવો જોઈએ. તેમણે રોજ ભાજી ખાવી જોઈએ.”

"ગર્ભવતી મહિલાઓએ રોજ એક ફળ ખાવાની ટેવ પણ પાડવી જોઈએ. ખોરાકમાં સફરજન, દ્રાક્ષ અને કેળાંનો સમાવેશ કરવો જોઈએ. તેમણે સૂકોમેવો પણ ખાવો જોઈએ."

"તેની સાથે ગર્ભવતી મહિલાએ માનસિક તાણમુક્ત રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. સારી ઊંઘ લેવામાં યોગ મદદરૂપ થઈ શકે છે."

હોમિયોપથી ડૉક્ટર શ્યામલાએ કહ્યું હતું, "ગર્ભવતી મહિલાઓ તમામ નિયમોને અનુસરતી હોવા છતાં કેટલીક અન્ય મર્યાદાઓને કારણે તેમણે ઑપરેશન કરાવવું પડે છે."

ડૉ. શ્યામલાના જણાવ્યા મુજબ, તિરુપુરની મહિલા મોટા પ્રમાણમાં બ્લીડિંગ થવાને લીધે મૃત્યુ પામી હશે. માનસિક આઘાત અને મૂર્છાને લીધે તેનું મૃત્યુ થયું હોય એ પણ શક્ય છે.

કારણ ભલે ગમે તે હોય પણ ડો. શ્યામલાના જણાવ્યા મુજબ, "વર્તમાન પરિસ્થિતિમાં ઘરમાં પ્રસૂતિ કરવાનું સલામતીભર્યું નથી."

સિઝેરિયનની સલાહ ક્યારે આપે ડૉક્ટર્સ?

ગર્ભમાંના બાળકનું માથું વધારે પડતું મોટું હોય અને એ કુદરતી રીતે બહાર આવી શકે તેમ ન હોય ત્યારે ડૉક્ટર્સ સિઝેરિયનની સલાહ આપતા હોય છે.

બાળક ગર્ભાશયમાં ઊંધું થઈ ગયું હોય ત્યારે અને ગર્ભનાળ બાળકના ગળાની આસપાસ વીંટળાઈ ગઈ હોય ત્યારે પણ આવી સલાહ આપવામાં આવતી હોય છે.

ડૉ. શ્યામલાના જણાવ્યા મુજબ, 99 ટકા સગર્ભાઓની કુદરતી રીતે ડિલિવરી થાય એવું ઇચ્છતા હોવા છતાં બાળક તથા માતાને બચાવવા માટે ઘણીવાર સિઝેરિયનની સલાહ આપવી પડતી હોય છે.

સિઝેરિયન ડિલિવરીનું પ્રમાણ વધવાના કારણો શું છે?

ડૉક્ટર્સના જણાવ્યા મુજબ, આપણી જીવનશૈલી બદલાઈ ગઈ છે. આપણે યોગ્ય સમયે ઊંઘતા નથી. જંક ફૂડ ખાઈએ છીએ. પૂરતી કસરત કરતા નથી અને માનસિક તાણમાં હોઈએ છીએ. આ બધાં મહત્ત્વનાં કારણો છે.

આ જાણીને આઘાત લાગશે, પણ કેટલીક મહિલાઓ પોતે સિઝેરિયન મારફત ડિલિવરી કરાવવા ઇચ્છતી હોય છે. આજની પેઢી પ્રસૂતિની પીડાથી ડરે છે. તેથી સિઝેરિયન ડિલિવરી કરાવે છે.

તેથી દંપતિ બાળકનો નિર્ણય કરે ત્યારે જ ડૉક્ટર્સ પાસેથી સમગ્ર પ્રક્રિયાની બરાબર માહિતી મેળવી લે તે જરૂરી છે, એમ ડૉ. શ્યામલા જણાવે છે.

અગાઉના સમયમાં ઘરે પ્રસૂતિ કેવી રીતે થતી?

ડૉ. શ્યામલાએ કહ્યું, "ઘરમાં તો દાયકાઓ પહેલાં પ્રસૂતિ કરાવવામાં આવતી હતી, પણ એ સમયે શિશુઓનો મૃત્યુદર ઘણો વધારે હતો, જેમાં હવે ઘટાડો થયો છે.

"ઘરમાં પ્રસૂતિ કરો ત્યારે નવજાત શિશુને ચેપ લાગવાનો કે સંક્રામક રોગ થવાની શક્યતા પણ હોય છે."

ડૉ. શ્યામલાએ ઉમેર્યું હતું કે હવે પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે. તેથી પ્રસૂતિ માટે હોસ્પિટલમાં જવું હિતાવહ છે.

બાળકના જન્મના વીડિયો

YouTube પર 'હોમ બર્થ'ના અનેક વીડિયો ઉપલબ્ધ છે. એ પૈકીના ઘણા વીડિયોમાં મહિલાઓ પાણીની અંદર બાળકને જન્મ આપતી જોવા મળે છે.

બાળકના જન્મ દરમિયાન મદદ કરવા માટે માત્ર તેમના પતિ જ હાજર હોય છે.

જોકે, આ પ્રક્રિયા કેટલી સલામતીભરી છે એ મુદ્દો શંકાસ્પદ છે. તેમ છતાં દેશમાં અનેક ઘરોમાં સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવવામાં આવી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો