ચીન આકાશમાં તરતો મૂકશે કૃત્રિમ ચંદ્ર, પણ તેની આટલી ચર્ચા કેમ?

તમે એવું વિચાર્યું છે કે તમે રાત્રે આકાશમાં જુવો અને કાયમી ચંદ્ર જોવા મળે! કુદરતી રીતે તો આવું શક્ય નથી પરંતુ ચીને આ કલ્પનાને હકીકતમાં ફેરવવાનું આયોજન કરી લીધું છે.

એક ચીની કંપનીએ જાહેરાત કરી છે કે તેમના દ્વારા તૈયાર થયેલો કૃત્રિમ ચંદ્ર આકાશમાં મોકલવામાં આવશે.

ચીનના એક અખબાર પીપલ્સ ડેઇલીના અહેવાલ મુજબ ચેંગડુ વિસ્તારમાં કાર્યરત એક ખાનગી ઍરોસ્પેસ કંપનીના અધિકારીઓએ દાવો કર્યો છે કે તેઓ વર્ષ 2020 સુધી પૃથ્વીની કક્ષામાં એક ચમકતો ઉપગ્રહ મોકલવાની યોજના બનાવી રહ્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ યોજનાના કારણે સ્ટ્રીટ લાઇટની જરૂર પડશે નહીં.

આ સમાચાર પ્રકાશિત થયા બાદ વૈજ્ઞાનિકોમાં કુતૂહલ સાથે શંકા પણ જન્મી છે.

આ યોજના શું છે?

આ યોજના અંગે હજુ સુધી વિશેષ માહિતી સાર્વજનિક થઈ નથી. જે માહિતી ઉપલબ્ધ છે તેના વિશે અનેક પ્રકારના સવાલો સર્જાઈ રહ્યા છે.

સૌથી પહેલાં ગત સપ્તાહે પીપલ્સ ડેઇલી અખબારે આ સમાચાર પ્રકાશિત કર્યો હતો.

તેમણે આ સમાચારમાં આ પ્રોજેક્ટ પર કામ કરી રહેલી કંપનીના ચેર-પર્સન વુ ચેનફેંગનું નિવેદન પ્રકાશિત કર્યું હતું.

પોતાના નિવેદનમાં વુએ કહ્યું હતું કે આ યોજનાની કામગીરી પાછલાં કેટલાંક વર્ષોથી શરૂ છે.

યોજના હવે અંતિમ ચરણમાં છે અને વર્ષ 2020 સુધીમાં આ ઉપગ્રહ મોકલવાનું આયોજન છે.

ચાઇના ડેઇલી અખબારે વુના નિવેદનને ટાંકીને લખ્યું હતું કે વર્ષ 2022 સુધીમાં ચીન આ પ્રકારના ત્રણ ઉપગ્રહો મોકલી શકે છે.

જોકે, એક પણ અહેવાલમાં એવો ઉલ્લેખ નથી કે આ યોજનામાં સરકાર કોઈ પણ પ્રકારે જોડાયેલી છે કે નહીં.

કેવી રીતે કામ કરશે નકલી ચંદ્ર

ચાઇના ડેઇલીના અહેવાલ મુજબ આ નકલી ચંદ્રનું કામ કાચ જેવું હશે. આ ચંદ્ર સૂર્યનો પ્રકાશ પરાવર્તિત કરીને પૃથ્વી પર મોકલશે.

આ ચંદ્ર પૃથ્વીથી 500 કીમી દૂર ધરી પર કાર્યરત રહેશે. આટલા જ અંતરે આંતરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પણ કાર્યરત છે.

અસલી ચંદ્રનું નકલી ચંદ્રથી અંતર 3 લાખ 80 હજાર કિલોમીટર જેટલું છે.

આ ચંદ્રના દેખાવ અંગે એક પણ અહેવાલમાં ઉલ્લેખ કરાયો નથી.

જોકે, કંપનીના ચેર-પર્સનને ટાંકીને એવી માહિતી આપવામાં આવી છે કે આ ચંદ્રનો પ્રકાશ 10થી 80 કિલોમીટર વચ્ચે રહેશે અને અસલી ચંદ્ર કરતાં 8 ગણો વધુ પ્રકાશિત થશે.

સ્ટ્રીટ લાઇટથી સસ્તો ચંદ્ર!

ચેંગડુ ઍરોસ્પેસના અધિકારીઓના મત મુજબ અવકાશમાં નકલી ચંદ્ર મોકલવાનો હેતુ પૈસા બચાવવાનો છે.

અધિકારીઓના મતે આ ચંદ્ર સ્ટ્રીટ લાઇટ કરતાં સસ્તો પ્રકાશ પ્રસરાવશે.

ચાઇના ડેઇલીએ વુને ટાંકીને પોતાના અહેવાલમાં લખ્યું છે કે નકલી ચંદ્ર દ્વારા 50 વર્ગ કિલોમીટર વિસ્તારમાં થનારા અજવાળાથી દર વર્ષે વીજળીની 17.3 કરોડ ડૉલરની બચત કરી શકાશે.

આ ઉપરાંત કુદરતી આપદાના સમયમાં નકલી ચંદ્ર અજવાળું પાથરી શકે છે.

ગ્લાસ્ગો યુનિવર્સિટીના સ્પેસ સિસ્ટમ એંજિનયરિંગ વિભાગના પ્રવક્તા ડૉ. મૈટિયો સિરિઓટીએ બીબીસીને જણાવ્યું હતું કે આ યોજના રોકાણની દૃષ્ટીએ જોવામાં આવી રહી છે.

તેમણે જણાવ્યું "રાતના સમયે વીજળીનો ખર્ચ વધુ થાય છે. આવા સંજોગોમાં જો કોઈ ચીજ દ્વારા આવનારાં 15 વર્ષો સુધી એકજ ખર્ચમાં મફત વીજળી મળે તો તે ખૂબ જ સસ્તું સાબિત થશે."

નકલી ચંદ્ર બનાવવો કેટલો મુશ્કેલ

ડૉ. સિરિઓટીના મંતવ્ય મુજબ વૈજ્ઞાનિક રીતે આ પ્રકારનું કામ કરવું શક્ય છે.

જોકે, સૌથી મોટો પડકાર અંતરનો છે. આ નકલી ચંદ્રને ચેંગડુ વિસ્તાર ઉપર એવી જગ્યાએ સ્થાપિત કરાશે જેના દ્વારા તેનો પ્રકાશ અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચી શકે.

આવી રીતે સમગ્ર પૃથ્વી સામે આ વિસ્તાર ખૂબ જ નાનો સાબિત થશે.

આનો બીજો અર્થ એ થાય કે આ ઉપગ્રહ માટે એક સ્થિર કક્ષાની જરૂર જણાશે જેનું અંતર પૃથ્વીથી 37 હજાર કિલોમીટર દૂર છે.

ડૉક્ટર સિરિઓટી કહે છે, "સૌથી મોટી સમસ્યા એ છે કે આ વિશેષ વિસ્તારમાં અજવાળું કરવા માટે આ ઉપગ્રહને ચોક્કસ જગ્યાએ પહોંચાડવો પડશે."

"જો તમારે આ ઉપગ્રહ દ્વારા 10 કિલોમીટર વિસ્તારને અજવાળું આપવું હોય તો તેમાં એક ડિગ્રીના 100માં ભાગની ભૂલ થાય તો પણ તેનો પ્રકાશ અન્ય વિસ્તારને મળશે."

પ્રકૃતિ પર અસર

હાર્બિન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજીના નિયામક કેંગ વીમિને પીપલ્સ ડેઇલીને જણાવ્યું હતું કે આ નકલી ચંદ્ર ઝાંખો દેખાશે અને તેની પ્રાણીઓ પર કોઈ પણ પ્રકારની અસર થશે નહીં.

જોકે, ચીનના સોશિયલ મીડિયામાં આ નકલી ચંદ્રની ચર્ચાઓ અને ચિંતાઓના કારણે ગરમી છવાઈ ગઈ છે.

કેટલાક લોકોના મતે રાત્રે જાગનારા પ્રાણીઓ પર આ ચંદ્રની વિપરીત અસર થશે.

જ્યારે કેટલાક લોકો એવું માને છે કે ચીનમાં અગાઉથી જ પ્રદૂષણની સમસ્યા છે. આ ચંદ્રના કારણે પ્રદૂષણમાં વધારો થશે.

આંતરાષ્ટ્રીય ડાર્ક સ્કાઈ ઍસોસિયેશનમાં પબ્લિક પૉલિસીના નિયામક તરીકે કામ કરી રહેલા જૉન બૈરેન્ટીને ફૉર્બ્સના જણાવ્યા મુજબ, "ચેંગડુ વિસ્તારના રહીશોને આ નકલી ચંદ્રના અજવાળાથી પ્રદૂષણનો સામનો કરવો પડશે."

"આ વિસ્તાર અગાઉથી જ બિનજરૂરી પ્રકાશના કારણે પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહ્યો છે."

ડૉક્ટર સિરિઓટીએ બીબીસીને જણાવ્યું કે આ નકલી ચંદ્રનો પ્રકાશ વધારે હશે તો પ્રાણીઓ પર તેની વિપરીત અસર થશે.

તેમણે કહ્યું, " જો આ નકલી ચંદ્રનો પ્રકાશ પૂરતો નહીં હોય તો પણ સવાલો ઊભા થશે કે તેને અવકાશમાં મૂકવાનું કારણ શું હતું?"

શું આ પ્રથમ પ્રયાસ છે?

આ સવાલનો જવાબ 'ના' છે. અગાઉ પણ રાતમાં અજવાળું પાથરવા માટે નકલી ચંદ્ર તૈયાર કરવાની યોજનાઓ બની હતી.

વર્ષ 1993માં રશિયાના વૈજ્ઞાનિકો દ્વારા 20 મીટર પહોળું રિફ્લેક્ટર મિર સ્પેસ સ્ટેશન તરફ મોકલવામાં આવ્યું હતું.

આ રિફ્લેક્ટરની ભ્રમણકક્ષા 200થી420 કિલોમીટરની વચ્ચે હતી.

90ના દાયકાના અંતે નામ્યા નામનો એક વિશાળ ઉપગ્રહ તૈયાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે નિષ્ફળ નિવડ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો