You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'હું મારા પરિવારની તસવીર ચંદ્ર પર મૂકતો આવ્યો..', નાસાના અંતરિક્ષ યાત્રીઓના અનોખા અનુભવો
7 ડિસેમ્બર 1972ના રોજ અમેરિકાનું ઍપોલો 17 યાન ચંદ્ર પર જવા માટે ઉપડ્યું હતું, તે ચંદ્ર પરનું છેલ્લું મિશન હતું.
યાનમાં ગયેલા ઍસ્ટ્રૉનૉટ્સ ત્રણ દિવસ ચંદ્રની ધરતી પર રહ્યા હતા. કેટલાક નમૂના લીધા હતા અને કેટલાક પ્રયોગો પણ ત્યાં કર્યા હતા.
ચીન 2030 સુધીમાં ચંદ્ર પર માનવીને મોકલવા માગે છે.
પરંતુ ઍપોલો 17 મિશન પછી આટલા વર્ષોમાં કોઈ સમાનવ મિશન ચંદ્ર પર મોકલવાયું નથી.
હાલમાં ફક્ત ચાર એવા જીવિત વ્યક્તિઓ પૃથ્વી પર છે જે ચંદ્ર પર ડગલાં માંડવાનો અનુભવ ધરાવતા હોય.
તેમના લખાણો અને ઇન્ટર્વ્યૂના આધારે તેમના અનુભવો અહીં ટાંકવામાં આવ્યા છે.
ચાર્લ્સ ડ્યુકઃ જન્મ 3 ઑક્ટોબર, 1935
ઐતિહાસિક રીતે અમેરિકાનો સૌથી અગત્યનો અવાજ એટલે ચાર્લ્સ ડ્યુક, જેમણે ઍપોલો 11ના મિશનમાં કૉમ્યુનિકેટર તરીકે કામ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે વખતે નીલ આર્મસ્ટ્રૉંગ ચંદ્ર પર ડગ માંડનારા સૌપ્રથમ મનુષ્ય બન્યા હતા.
નોર્થ કેરોલિનામાં જન્મેલા ડ્યુકનો અવાજ લગભગ 60 કરોડ લોકોએ ટીવી પર સાંભળ્યો હતો.
ચંદ્ર પર પહોંચ્યા પછી તેમણે ભારેખમ અવાજ સાથે મિશન કન્ટ્રોલને કહ્યું હતું, "અમે અહીં ફરી શ્વાસ લઈ રહ્યા છીએ."
આપને આ પણ વાંચવું ગમશે
થોડાં વર્ષો બાદ તેમની જ આગેવાનીમાં ચંદ્ર મિશન યોજાયું હતું.
1972માં ઍપોલો 16 મિશન પર રવાના થતા પહેલાં તેમણે પોતાના બાળકોને પૂછ્યું હતું કે "બોલો, મારી સાથે ચાંદ પર આવવું છે?"
લ્યુનાર મૉડ્યુલના પાઇલટ તરીકે તેમણે ચંદ્રના ખડકાળ પ્રદેશમાં તપાસણી કરવાની હતી અને નમૂના પણ લઈને આવવાના હતા.
બાળકોએ કહ્યું કે અમને તો તમારી સાથે આવવું ગમે, ત્યારે ડ્યુકે આખા પરિવારની તસવીર પોતાની સાથે ચંદ્ર પર લઈ અને ચંદ્ર પર જ મૂકતા આવ્યા.
ડ્યુકે 2015માં બિઝનેસ ઇનસાઇડરને કહ્યું હતું, "મારી ગણતરી પહેલાંથી જ તે તસવીર ત્યાં છોડીને આવવાની હતી."
"મેં ચંદ્ર પર મારા પરિવારની તસવીર છોડી દીધી, કેમ કે હું મારા બાળકોને બતાવવા માગતો હતો કે હું ખરેખર ચંદ્ર પર હું તે મૂકીને આવ્યો છું."
"1999માં ડ્યુકે નાસા સાથે ચર્ચા કરી હતી કે ચંદ્ર પર એક છેડેથી બીજા છેડે રોવરમાં પ્રવાસ કરવો જોઈએ."
ડ્યૂક કહે છે, " હું જે તસવીરો લેતો હતો, તેની ટેરેઇનનું વર્ણન પણ સાથે સાથે કરતો જતો હતો. કાર પણ બહુ અદભૂત હતી.
"તે ફૉર-વ્હીલ ડ્રાઇવ ઇલેક્ટ્રિક કાર હતી, જે 25 ડિગ્રીના ઢોળાવ ઉપર પણ ચડી શકે તેમ હતી."
"નજર પહોંચે ત્યાં સુધી બધે જ ખુલી જમીન જ દેખાતી હતી."
"બહુ પ્રભાવી દૃશ્ય તે હતું. મને એટલો જ અફસોસ છે કે વ્યક્તિઓ પણ દેખાતી હોય તે રીતે અમે ચંદ્ર પર વધારે તસવીરો લઈ શક્યા નહોતા."
ડેવિટસ્કૉટઃ જન્મ 6 જૂન, 1932
ટેક્સાસના સાન એન્ટોનિયોમાં જન્મેલા ડેવિટ સ્કૉટ યુએસ ઍરફોર્સમાં ગ્રૅજ્યુએટ થયા હતા અને બાદમાં 1963માં નાસામાં જોડાયા હતા.
સ્કૉટે ત્રણવાર અંતરીક્ષ યાત્રા કરી હતી. ઍપોલો 15 મિશનના કમાન્ડર તરીકે ચંદ્ર પર ડગ માંડનારા તેઓ સાતમા મનુષ્ય હતા.
ચંદ્રની સપાટી પર ડ્રાઇવ કરનારા તેઓ પ્રથમ વ્યક્તિ બન્યા હતા અને પૃથ્વીનું પરિભ્રમણ એકલાં હાથે કરનારા તેઓ છેલ્લા અમેરિકન અંતરિક્ષયાત્રી છે.
'ટુ સાઇડ્સ ઑફ મૂન' એ નામનું પુસ્તક તેમણે લખ્યું હતું."
તેમાં વર્ણન કરતાં ડેવિટે જણાવ્યું હતું, "મને યાદ છે... મેં એ દિશામાં આંગળી ચીંધી હતી, ત્યાં ઉપર કાળા આકાશમાં પૃથ્વી ઝળૂંબી રહી હતી."
"મેં ધીમે ધીમે મારો હાથ ઊંચો કર્યો હતો અને ગ્લોવની અંદર બહેરાશ મારી ગયેલા મારા અંગૂઠાને ટટ્ટાર કર્યો હતો."
સ્કૉટ લખે છે, "મેં એવી રીતે અંગૂઠો આડે ધર્યો કે સમગ્ર પૃથ્વી તેની પાછળ દબાઈ જતી હતી."
"જરાક ઊંચો હાથ કરો એટલે પૃથ્વી દેખાતી ગાયબ થઈ જાય."
સ્કૉટ કહે છે કે ઘણા લોકો તેમને પૂછતા હોય છે કે ચંદ્ર પર કેવું લાગતું હતું અને તેના કારણે તમારામાં કોઈ પરિવર્તન આવ્યું ખરું.
"મેં ચંદ્ર પરના ખડકોના સૌંદર્યનું વર્ણન કર્યું હતું."
"જવાળામુખીના કારણે સર્જાયેલા પટ્ટા દેખાતા હતા અને પથ્થરોમાં રહેલા ક્રિસ્ટલ પણ અનોખી રીતે ચળકતા હતા."
સ્કૉટ વધુમાં કહે છે : "માત્ર કોઈ કલાકાર કે કવિ જ અવકાશની અસલી સુંદરતાનું વર્ણન કરી શકે."
હેરિસન શ્મીટઃ જન્મ 3 જુલાઇ 1935
ન્યૂ મૅક્સિકોના સાન્ટા રિટામાં જન્મેલા હેરિસન શ્મીટનું બેકગ્રાઉન્ડ તેમના સાથી ઍસ્ટ્રૉનૉટ્સ કરતાં જુદું જ હતું.
તેઓ એક જિયોલૉજિસ્ટ અને શિક્ષણશાસ્ત્રી હતા. તેમણે ઍરફોર્સમાં કામ કર્યું નહોતું, પણ નાસા સાથે ઍસ્ટ્રોજિયોલૉજિસ્ટ તરીકે કામ કર્યું હતું.
નાસાના અંતરિક્ષયાત્રીઓની જિયોલૉજિકલ ફિલ્ડ ટ્રીપ્સ થાય, ત્યારે તેમને માર્ગદર્શન આપવાનું કામ તેઓ કરતા હતા.
બાદમાં 1965માં તેઓ પોતે જ નાસાના વિજ્ઞાની કમ ઍસ્ટ્રૉનૉટ્સ બન્યા હતા.
ઍપોલો 17 મિશન ઑગસ્ટ 1971માં યોજાયું હતું, તેમાં તેમણે જવાનું હતું.
આ છેલ્લું મૂન મિશન હતું, જેમાં જો ઇગલની જગ્યાએ તેમને લ્યુનાર મૉડ્યુલના પાઇલટ તરીકે મોકલાયા હતા.
કમાન્ડર જ્યાં કર્મેન સાથે ડિસેમ્બર 1972માં શ્મિટ પણ ચંદ્રની ધરતી પર પહોંચ્યા હતા.
તે લોકોએ "Blue Marble" તરીકે પ્રસિદ્ધ થયેલી તસવીર લીધી હતી. ઇતિહાસની તે સૌથી જાણીતી અને સૌથી વધુ પ્રગટ થયેલી તસવીર બની રહી છે.
નાસા સાથેના ઇન્ટર્વ્યૂમાં 2000માં શ્મીટે કહ્યું હતું કે ચંદ્ર પર પ્રકાશના શેરડાના કારણે ખૂબ સારી રીતે તસવીરમાં ડિટેઇલ નોંધાઈ જાય છે.
તેઓ કહે છે, "તમે દરેક ફિચર બહુ સ્પષ્ટપણે જોઈ શકો છો."
"અમે જે ભવ્ય ખીણમાં પહોંચ્યા હતા તે જોવાની મને તક મળી હતી. ગ્રાન્ડ કેન્યન કરતાંય તે ઊંડી હશે... બંને તરફ છથી સાત હજાર ફૂટ ઊંચા પહાડો અને 35 લાંબી ખીણ."
"અમે જ્યાં લૅન્ડ થયા હતા ત્યાં લગભગ ચાર માઇલ પહોળી ખીણ તે હતી."
શ્મીટ કહે છે કે સૌથી વધુ તકલીફ ઘોર અંધકારની આદત પાડવાની હતી.
"મને લાગે છે કે અવકાશમાં તસવીરો લેવામાં ફોટોગ્રાફરને સૌથી વધુ મુશ્કેલી બ્લૅક રંગને ઝડપવામાં અને પ્રિન્ટ કરવામાં થાય છે.
તમે જે સ્લાઇટ બતાવશો, તેમાં થોડું બ્લ્યૂ બેકગ્રાઉન્ડ દેખાશે. અમને ચંદ્ર પર જે કૉન્ટ્રાસ્ટ જોવા મળતો હતો તેને તસવીરોમાં ઉપસાવવો લગભગ અશક્ય છે, કેમ કે આકાશ તદ્દન કાળું હતું."
એડવીન 'બઝ' આલ્ડ્રીન: જન્મ 20 જાન્યુઆરી 1930
ન્યૂ જર્સીમાં જન્મેલા બઝ આલ્ડ્રીન 1963માં નાસાના ઍસ્ટ્રૉનૉટ બન્યા હતા.
તેઓ 1969માં યોજાયેલા એપોલો 11 મિશનનો હિસ્સો બન્યા હતા. ચંદ્ર પર ઍસ્ટ્રૉનૉટ્સ મોકલવાનું તે પ્રથમ મિશન હતું.
આ મિશનમાં તેમની સાથે નીલ આર્મસ્ટ્રૉંગ હતા, જેમણે સૌપ્રથમ ડગલું ચંદ્ર પર માંડ્યું હતું.
તેની એક મિનિટ પર આલ્ડ્રીન પોતે પણ ચંદ્રની ધરતી પર ઉતરી પડ્યા હતા. બંનેએ ચંદ્ર પર લગભગ 21 કલાક અને 36 મિનિટ ગાળી હતી.
તેમનું સ્પેસક્રાફ્ટ ઇગલ લ્યુનાર મૉડ્યુલ સી ઑફ ટ્રાન્કવિલિટી તરીકે ઓળખાતા ચંદ્રના હિસ્સા પર લૅન્ડ થયું હતું. તેમણે ચંદ્રની ધરતીની સપાટીનો અભ્યાસ કર્યો હતો.
ઇગલના પાઇલટ આલ્ડ્રીન હતા. આર્મસ્ટ્રૉંગ નીચે ઉતર્યા પછી તેમણે બહાર રહીને ઇગલમાંથી નીચે ઉતરી રહેલા આલ્ડ્રીનની તસવીરો લીધી હતી.
ચંદ્રની ધરતી પર ચાલતા આલ્ડ્રીનની તે તસવીરો જગતભરમાં મશહૂર થઈ હતી.
1998માં ચંદ્રની ધરતીનું વર્ણન કરતાં આલ્ડ્રીને કહ્યું હતું કે તે ઝીણી ડાર્ક ગ્રે માટીથી ઢંકાયેલી હોય તેવી છે. એકદમ ટૅલ્કમ પાઉડર જેવી ઝીણી માટી.
તેમાં જાતજાતના કાંકરા, પથરા અને ઢેખાળા પણ જોવા મળે.
સ્કૉલૅસ્ટિકમાં પ્રકાશિત ઇન્ટર્વ્યૂમાં આલ્ડ્રીને કહ્યું, "માઇક્રોસ્કોપીથી તેને જોવામાં આવે તો ખ્યાલ આવે કે તે બહુ નાના, સોલીડ થઈ ગયેલા ખડકનો હિસ્સો છે.
અત્યંત તેજ ગતિને કારણે સળગી ગયેલા ખડકના નાના ટુકડા ટુકડા જેવા તે લાગે."
વજન જ ના હોય અને હવામાં તરતા હોઈએ તેવા અનુભવનું વર્ણન કરતાં આલ્ડ્રીને કહ્યું હતું કે "તે સૌથી મજાનો અને આનંદદાયક અનુભવ હતો. પડકાભર્યો, સંતોષ આપનારો અને સ્પેસ તથા લાઇટનો અનોખો અનુભવ".
ચંદ્રની યાત્રા કરી આવ્યા પછી આલ્ડ્રીને વાંરવાર એવી આશા વ્યક્ત કરી છે કે : "એક દિવસ આપણે મંગળ પર પણ મનુષ્યને અવશ્ય મોકલીશું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો