You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કેમ નાદિયા મુરાદને મળ્યો શાંતિનો નોબલ પુરસ્કાર?
ચાલુ વર્ષનો શાંતિ માટેનો નોબલ પુરસ્કાર કોંગોનાં સ્ત્રીરોગ વિશેષજ્ઞ ડેનિસ મુકવેગે તથા યઝિદી મહિલા અધિકાર કાર્યકર્તા નાદિયા મુરાદને જાહેર કરવામાં આવ્યો છે.
દુષ્કર્મ વિરુદ્ધ જાગૃતિ ફેલાવવા બદ નાદિયાને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. વર્ષ 2014માં તથાકથિત ઇસ્લામિક સ્ટેટે હાલમાં 25 વર્ષીય નાદિયા મુરાદનું અપહરણ કરી લીધું હતું.
ત્રણ મહિના સુધી નાદિયાને ગોંધી રાખવામાં આવ્યાં હતાં અને તેમની ઉપર જાતીય અત્યાચાર ગુજારવામાં આવ્યા હતા.
બીબીસી રેડિયોના વિશેષકાર્યક્રમ 'આઉટલૂક'માં મૈન્યૂ બૈનિસ્ટર સાથે વાત કરતી વેળાએ નાદિયાએ તેમની આપવીતી સંભળાવી હતી. વાંચો નાદિયાની કહાણી, તેમની જુબાની -
ઇસ્લામિક સ્ટેટના ઉગ્રપંથીઓના આગમન પૂર્વે હું ઈરાકના શિંજા પાસે કોચૂ ગામ ખાતે મારી માતા તથા ભાઈ-બહેનો સાથે રહેતી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
અમારા ગામના મોટાભાગના લોકો ખેતી પર આધારિત હતા. એ સમયે હું છઠ્ઠા ધોરણમાં ભણતી હતી.
લગભગ 1700 લોકોની વસતિ ધરાવતું અમારું ગામ શાંતિપૂર્ણ રીતે રહેતું હતું. આઈએસ અમારા ઉપર હુમલો કરશે તેવા કોઈ અણસાર ન હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્રીજી ઑગસ્ટ 2014ના દિવસે આઈએસે યઝિદી લોકો પર હુમલો કર્યો, કેટલાક લોકો માઉન્ટ શિંજા તરફ નાસી છૂટ્યા, પરંતુ અમારું ગામ ખૂબ જ દૂર હતું એટલે અમે ક્યાંય નાસી શકીએ તેમ ન હતા.
અમને તા. ત્રીજી ઑગસ્ટથી 15મી ઑગસ્ટ સુધી ગોંધી રાખવામાં આવ્યાં હતાં.
ત્યાં સુધીમાં એવા અહેવાલ વહેતા થયા હતા કે લગભગ ત્રણ હજારથી વધુ લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. તેમણે પાંચ હજારથી વધુ મહિલાઓ તથા બાળકોને બાનમાં લીધાં હતાં. ત્યારે અમને સ્થિતિનું ભાન થયું.
દરમિયાન ઉગ્રપંથીઓ આવ્યા અને અમારાં હથિયારોને તેમના કબજામાં લઈ લીધા હતા. અમે ઘેરાઈ ગયાં હતાં અને કશું કરી શકીએ તેમ ન હતાં. બે દિવસમાં ધર્માંતરણ કરવા અમને ચેતવણી આપવામાં આવી.
ઇસ્લામ અંગીકાર કરવાની ધમકી
15મી ઑગસ્ટના દિવસે હું મારા પરિવાર સાથે હતી. અમારી નજરની સામે જે કાંઈ બની રહ્યું હતું, તેનાં કારણે અમે ખૂબ જ ડરેલાં હતાં.
તેમણે પુરુષોને પહેલા માળે અને મહિલાઓ તેમજ બાળકોને બીજા માળે રાખ્યા હતા. તેમણે અમારું સર્વસ્વ લૂંટી લીધું હતું.
તેમણે મોબાઇલ, પર્સ, ઘરેણાં બધું જ લઈ લીધું હતું. તેમણે પુરુષો સાથે પણ આવું જ કર્યું હતું.
ત્યાર બાદ લડાકૂઓના સરદારે જોરથી બૂમ પાડી, 'જે કોઈ પણ ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા ઇચ્છે છે, તે રુમની બહાર જતા રહે.'
અમને ખબર હતી કે રુમ છોડીને જનારા પણ મોતને ભેટશે કારણે કે, તેઓ ક્યારેય એવું નથી માનતા કે યઝિદી છોડીને ઇસ્લામ અંગીકાર કરનારા લોકો ખરા મુસ્લિમ છે.
તેઓ એવું માને છે કે યઝિદીઓએ ઇસ્લામ કબૂલ કરી અને મરી જવું જોઈએ.
અમને ખાતરી હતી કે મહિલા હોવાના કારણે અમને મારવામાં નહીં આવે. તેઓ અમને જીવતાં રાખીને અમારો અલગ રીતે ઉપયોગ કરશે.
તેઓ પુરુષોને શાળાની બહાર લઈ જઈ રહ્યા હતા, ત્યારે હકીકેત શું બન્યું તેની ખબર નથી, પરંતુ ગોળીઓનો અવાજ સંભળાઈ રહ્યો હતો.
અમને ખબર નહોતી કે કોણ મર્યું છે, પરંતુ ત્યારે મારા ભાઈ અને અન્ય લોકોની જ હત્યા થઈ હતી.
તમામ પુરુષોને ગોળી મારી દેવાઈ
આઈએસના ઉગ્રપંથીઓએ એ જોવાની તસ્દી પણ લીધી નહોતી કે સામેની વ્યક્તિ વૃદ્ધ છે કે પુરુષ છે કે પછી બાળક છે.
અમે દૂરથી એટલું જ જોઈ શક્યા કે એ લોકોને ગામની બહાર લઈ જવાઈ રહ્યા છે.
લડાકુઓએ એક વ્યક્તિ પાસેથી તેના બાળકને આંચકી લીધું અને તેને શાળામાં મોકલી દીધું હતું. ત્યાર બાદ અમને જાણ થઈ કે લડાકુઓએ કોઈને છોડ્યા ન હતા તમામ લોકોને મારી નાખ્યા હતા.
લોકોને મારી નાખ્યા બાદ અમને બીજા ગામમાં લઈ જવાયા હતા.
અમે ત્યાં પહોચ્યા ત્યારે રાત થઈ ગઈ હતી, તેમણે અમને એક સ્કૂલમાં રાખ્યાં હતાં.
તેમણે અમને ત્રણ જૂથમાં વહેંચી નાખ્યાં હતાં. પહેલા જૂથમાં જુવાન મહિલાઓ, બીજામાં બાળકો અને ત્રીજામાં અન્ય મહિલાઓને રખાયાં હતાં.
તેમની પાસે દરેક જૂથ માટે યોજના હતી. તેઓ બાળકોને તાલીમ શિબિરમાં લઈ ગયા હતા.
જે મહિલાઓ લગ્નને યોગ્ય ન હતાં તેમની કતલ કરી નખાઈ હતી, મરનારમાં મારાં માતા પણ હતાં.
અમને લડાકુઓ વચ્ચે વહેંચી દેવાયા
રાત્રે અમને મૌસુલ લઈ જવાયાં હતાં. અમને બીજા શહેરમાં લઈ જનારા લોકોએ જ મારા માતા અને ભાઈની કતલ કરી હતી.
તેઓ અમારું ઉત્પીડન અને બળાત્કાર કરતાં, હું કંઈ પણ સમજી વિચારી શકું તેવી સ્થિતિમાં નહોતી.
તેઓ અમને મૌસુલમાં ઇસ્લામિક કોર્ટમાં લઈ ગયા. ત્યાં દરેક મહિલાની તસવીર લેવાઈ હતી. ત્યાં હજારો મહિલાઓની તસવીરો મૂકવામાં આવી હતી.
દરેક તસવીર સાથે એક ફોન નંબર લખાયેલો હતો.
પ્રત્યેક તસવીર નીચે એક લડાકુનો નંબર લખાયેલો હતો. આ નંબર એ લડાકુનો હતો, જેને એ મહિલાની જવાબદારી સોંપવામાં આવી હોય.
આઇએસના લડાકુ તમામ સ્થળોથી ત્યાં આવતા અને તસવીરો જોઈને પોતાના માટે સ્ત્રી પસંદ કરતા હતા.
મહિલાઓનો કબજો ધરાવતા લડાકુઓ સાથે તેને પસંદ કરનાર લડાકુઓ ભાવતાલ કરીને ખરીદી લેતા હતા.
લડાકુઓ ખરીદેલા મહિલાઓને ભાડે આપતા હતા. આ મહિલાઓનો ઉપયોગ ભેટ સોગાદ તરીકે પણ થતો હતો.
અમને પહેલી રાતે લડાકુઓ પાસે મોકલાયા ત્યારે મને પસંદ કરનાર લડાકુ ખૂબ જ મેદસ્વી હતો. મને તે બિલકુલ પસંદ નહોતો.
હું જમીન પર બેસેલી હતી, મેં તે વ્યક્તિના પગ જોયા હતા. હું તેમની સામે કરગરતી રહી કે મારે તમારી સાથે આવવું નથી.
હું કરગરતી રહી પણ મારી યાચના તેમના સુધી પહોંચી શકી નહીં.
એક મુસ્લિમ પરિવારે મને આશરો આપ્યો
એક અઠવાડિયા પછી મેં ભાગવાનો પ્રયાસ કર્યો. હું પકડાઈ ગઈ, મને કોર્ટ લઈ જવાઈ, સજાના ભાગરૂપે છ વ્યક્તિઓએ મારી સાથે બળાત્કાર કર્યો.
સતત ત્રણ મહિના સુધી મારી સાથે દુષ્કર્મ થતું રહ્યું. આ વિસ્તારમાં ચોમેર આઈએસના લડાકુઓ ફેલાયેલા હતા. આ સમય દરમ્યાન મને ભાગવાનો મોકો નહોતો મળ્યો.
એક વખત એવું બન્યું કે હું એક પુરુષ સાથે હતી. તે મને વહેંચવા માંગતો હતો, જેના લીધે તે મારા માટે દુકાનમાં કપડાં લેવા ગયો હતો.
એ જ સમયે મને ભાગવાનો મોકો મળ્યો હતો. હું મૌસુલની શેરીઓમાં દોડી રહી હતી.
મેં એક મુસ્લિમ પરિવારના ઘરનું બારણું ખખડાવ્યું, દરવાજો ખુલ્યો કે તુરંત જ મેં મારી આપવીતી સંભળાવી. એ પરિવારે કુર્દિસ્તાનની સીમા સુધી પહોચવામાં મારી મદદ કરી.
શરણાર્થી શિબિરમાં કોઈએ મારી આપવીતી જાણવાનો પ્રયાસ ન કર્યો.
હું દુનિયાને જણાવવા માંગતી હતી કે મારી સાથે શું થયું અને ત્યાં મહિલાઓ સાથે શું થઈ રહ્યું છે.
મારી પાસે પાસપોર્ટ નહોતો, કોઈ પણ દેશની નાગરિકતા નહોતી.
અનેક મહિનાઓ સુધી દસ્તાવેજો મેળવવા માટે હું ઇરાકમાં જ રોકાઈ હતી.
એ જ સમયે જર્મન સરકારે ત્યાં 1000 લોકોને મદદ કરવાનો નિર્ણય લીધો હતો. સદ્ભાગ્યે હું તેમાની એક હતી.
જ્યારે મારી સારવાર ચાલુ હતી તે સમયે એક સંસ્થાએ મને કહ્યું કે મારે મારી આપવીતી સંયુક્ત રાષ્ટ્રસંઘને જણાવવી જોઈએ.
હું આ કહાણીઓ સંભળાવવા માટે દુનિયાના કોઈ પણ દેશમાં જવા માટે તૈયાર છું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો