સલમાન ખાન : બોલીવૂડમાં ભાઈ-દીકરો નથી ચાલતા, બનેવી તો દૂરની વાત છે

    • લેેખક, સુપ્રિયા સોગલે
    • પદ, બીબીસી ગુજરાતી માટે, મુંબઈથી

સલમાન ખાને પોતાની ફિલ્મો દ્વારા ઘણી અભિનેત્રીઓને લૉન્ચ કરી છે. સુરજ પંચોલી અને અથિયા શેટ્ટી બાદ હવે સલમાન ખાન પોતાના બનેવી આયુષ શર્માને લૉન્ચ કરી રહ્યા છે.

આયુષ સલમાનનાં બહેન અર્પિતા ખાનનાં પતિ છે. તેઓ 'લવયાત્રી'થી બોલીવૂડમાં શરૂઆત કરી રહ્યા છે. ફિલ્મમાં તેમની સામે વારીણા હુસૈન છે.

સલમાન પોતે પણ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સાથે જ એકવાર ફરી બોલીવૂડમાં ભાઈ-ભત્રીજાવાદ ઉપર ચર્ચા શરૂ થઈ ગઈ છે.

જોકે, સલમાન ખાનનું કેહવું છે કે બોલીવૂડમાં ભાઈ-ભત્રીજાવાદ ચાલી શકતો નથી.

બીબીસી સાથેની વાતચીતમાં સલમાને કહ્યું, "અહીંયા માત્ર દર્શક જ આપને સ્ટાર બનાવી શકે છે. તમે કોના પુત્ર છો એનાથી કોઈ ફરક નથી પડતો. તમે ગમે તેટલી તાકાત વાપરીને કોઈને સ્ટાર બનાવી શકતા નથી, અહીંયા ભાઈ-ભત્રીજાવાદ ચાલી શકતો નથી."

સલમાને કહ્યું કે અહીંયા ભાઈ અને પુત્ર નથી ચાલતા, તો બનેવી તો દૂરની વાત છે.

સલમાન કહે છે, "હું લેખકનો દીકરો છું. અજય દેવગણ એક્શન ડાયરેક્ટરના પુત્ર છે, પરંતુ સ્ટાર દર્શકો જ બનાવે છે અને દર્શકને તમારામાં શું સારું લાગશે તેનો તમે અંદાજ લગાવી શકતા નથી."

સલમાન ઉમેરે છે, "આપ ભલે સૌથી સુંદર વ્યક્તિ અથવા શ્રેષ્ઠ અભિનેતા હો, છતાં પણ દર્શક તમને નકારી શકે છે."

દિગ્ગજઍક્ટરોની હીટ ફિલ્મોની ગેરંટી નથી

સલમાન ખાને સ્પષ્ટ કર્યું કે ફિલ્મમાં મોટાં સ્ટાર્સના જોડાવાથી બહુ મોટો ફરક નથી પડતો. ઘણીવાર દિગ્ગજ ઍક્ટરો પણ થિયેટરમાં નિષ્ફળ જાય છે.

સલમાન કહે છે, "જેની પોતાની ફિલ્મો નથી ચાલતી તો તેઓ અન્યોની ફિલ્મો કેવી રીતે ચલાવી શકે? દોસ્તીને કારણે તેઓએ ઘણી ફિલ્મોમાં મહેમાન કલાકાર તરીકે ભૂમિકા ભજવી છે, પરંતુ બૉક્સ ઑફિસ ઉપર તે ફિલ્મો કોઈ ખાસ કમાલ કરી શકી નથી."

સલમાન ખાનનું કહેવું છે કે ફિલ્મ ઉદ્યોગમાં સૌ સ્ટાર બનવા જ આવે છે, પરંતુ બધું જ નસીબ ઉપર આધાર રાખે છે.

સલમાન પોતાને નસીબદાર માને છે કે તેઓ સ્ટાર બન્યા અને તેમની નિષ્ફળ ફિલ્મો પણ 100 કરોડથી વધુ કમાઈ શકી.

તમે આ વાંચ્યું કે નહીં?

ટીવીને ઓછું આંકવું યોગ્ય નથી

તેઓનું માનવું છે કે 'હવે ફિલ્મ ઉદ્યોગ બદલાઈ ગયો છે. હવે એક નિષ્ફળ ફિલ્મથી દર્શક ભલે ના બદલાય, પરંતુ ફિલ્મ ઉદ્યોગના લોકો બદલાઈ જાય છે. હવે ફિલ્મ ઉદ્યોગમાં પ્રતિસ્પર્ધા વધી ગઈ છે, પરંતુ ખરાબ બાબત એ છે કે હવે લોકો અન્યોની સફળતાની ઈર્ષ્યા કરે છે, જે પહેલાં નહોતું બનતું.'

'બિગ બૉસ' અને 'દસ કા દમ' હોસ્ટ કરનારા સલમાન ટીવીને સબળ માધ્યમ માને છે. તેઓ કહે છે, "ટીવીને નબળા માધ્યમ તરીકે આંકવામાં આવે છે. કહેવાય છે કે નિષ્ફળ થયા બાદ ઍક્ટરો ટીવી તરફ વળે છે પરંતુ એ વાસ્તવિકતા નથી. ટીવીની પહોંચ જ અદ્દભુત છે. હું ટીવીમાં કામ કરું છુ. ઘણાં ઍક્ટર્સ અહીંયા સારી કમાણી કરી રહ્યાં છે."

"મને યાદ છે, 'દસ કા દમ'ના એક એપિસોડમાં જયારે આમિર શોમાં આવ્યા હતા, તો ટીઆરપી 3/2 હતી, એ જ શોમાં જયારે ટીવીની ચાર અભિનેત્રીઓ એકસાથે આવી તો ટીઆરપી 5.8 હતી."

નિર્માતા તરીકે સલમાન ખાન પોતાને ખૂબ જ જવાબદાર માને છે. તેમની ફિલ્મ 'લવરાત્રી' શુક્રવારે રિલીઝ થઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો