You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતમાં લૅસ્બિયન કે સેક્સ જેવા મુદ્દે બની રહ્યા છે વેબ શો
- લેેખક, યોગિતા લિમયે
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતમાં જે ઝડપે સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટનો વપરાશ વધી રહ્યો છે, તેનાથી લોકોના જીવન જીવવાની રીત બદલાઈ ગઈ છે.
નાનકડા સ્ક્રીન ઉપર હવે લગભગ દરેક કામ થઈ રહ્યા છે. બૅન્કિંગ, શૉપિંગ, ટિકિટ બુકિંગ અન્ય ઘણું બધું.
આ બદલાવની અસરથી મનોરંજન ઉદ્યોગ પણ બાકાત નથી. ભારતમાં દેશી યુટ્યૂબર્સનો રાફડો ફાટ્યો છે. તેઓ ઘણાં લોકપ્રિય પણ થઈ રહ્યા છે.
હવે બોલીવૂડના મોટા-મોટા પ્રોડક્શન હાઉસ નાના પડદે પોતાનું સામ્રાજ્ય પ્રસ્થાપિત કરવા પ્રયત્ન કરી રહ્યા છે.
ઑલ્ટ બાલાજી, ઝી ફાઈવ, વૂટ, સોની લિવ, નૅટફ્લિક્સ જેવી કંપનીઓ મોબાઈલના દર્શકો માટે ખાસ શો બનાવી રહી છે.
તાજેતરમાં રજૂ થયેલા વેબ શો 'અપહરણ'ના સ્ટાર અરુણોદયસિંહના કહેવા પ્રમાણે, નવા માધ્યમને કારણે કલાકારો માટે નવી તકો ઊભી થઈ છે.
આ શો અને તેની કથાઓ વાસ્તવિક રૂપમાં ફિલ્માવવામાં આવી રહી છે. તેઓને એ જ રૂપમાં રજૂ કરવામાં આવી રહ્યા છે, જે રીતે સમાજમાં દેખાય છે. જેમ કે, ગાળો, વાતચીતની મિશ્ર ભાષા, પહેરવેશ, વાસ્તવિક સ્થળ વગેરે.
વેબ શોએ આપી નવી નવી આઝાદી
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફિલ્મ નિર્દેશક કૃષ્ણા ભટ્ટ કહે છે, "ઈન્ટરનેટે બોલીવૂડને જે કહેવું છે, તે કહેવાની આઝાદી આપી છે."
કૃષ્ણાએ બે વેબ શો બનાવ્યા છે, એમાંથી એક છે 'માયા 2'. આ વેબ શો લૅસ્બિયનની પ્રેમ કથાઓ ઉપર આધારિત છે.
આ રીતના વિષય ઉપર ભારતમાં સિનેમા અને ટીવી શો બનાવવા બહુ મુશ્કેલ છે.
કૃષ્ણા કહે છે, "સિનેમામાં કોઈ લવ સીનને બતાવવા માટે તેને સેન્સરના ઘણાં નિયમોમાંથી પસાર થવું પડે છે. એટલે સુધી કે ચુંબનના દૃશ્યને પણ મૂર્ખ ગણાવીને કાપી નાખવામાં આવે છે. ટીવી ઉપર પણ આવા દૃશ્યને બતાવી શકાતા નથી."
તમે આ વાંચ્યું કે નહીં?
ભારતમાં ટીવી અને સિનેમા ઉપર સેન્સરશિપ છે, પરંતુ વેબ શો ઉપર હજુ સુધી આ રીતનાં કોઈ ખાસ નિયમો લાગુ પડતાં નથી.
કૃષ્ણા કહે છે, "તમે જે કંઈ પણ બતાવવા ઈચ્છો છો, તે સંપૂર્ણ સ્વતંત્રતાપૂર્વક બતાવી શકો છો. આ એક રીતની નવી સ્વતંત્રતા છે, જે અમને મળી છે."
ભારતીય ટીવી ઉપર પ્રાઈમ ટાઈમ દરમિયાન પારિવારિક શો બતાવવામાં આવે છે અને આ પરંપરા દશકાઓ જૂની છે.
આ શો માટે સીન લખતાં પહેલાં લેખકો અને નિર્દેશકોને ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. તેઓ કથાઓની પસંદગી કરવામાં પણ સતર્કતા વર્તે છે.
આથી હવે એક્ટર, લેખક, નિર્દેશક અને નિર્માતા એક નવી જ જાતની સ્વતંત્રતા અનુભવી રહ્યાં છે.
અઢળક નવી તકો
ઉત્તર મુંબઈના ચાંદિવલી સ્ટૂડિયોમાં એક હિન્દી શો 'અપહરણ'નું શૂટિંગ ચાલી રહ્યું છે. આ શૂટિંગ સવારથી શરૂ થઇ જાય છે અને મોડી રાત સુધી ચાલે છે.
આના 11 એપિસોડનું શૂટિંગ શક્ય એટલું ઝડપથી પૂરું કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે, જેને નવેમ્બરમાં ઑલ્ટ બાલાજી ઉપર પ્રસારિત કરવામાં આવશે.
ઑલ્ટ બાલાજી વીડિયો ઑન ડિમાન્ડ ઍપ અને વેબસાઇટ છે, જે 96 દેશોમાં ઉપલબ્ધ છે.
આ શોમાં અરુણોદય સિંહ એક ભૂતપૂર્વ પોલીસ કર્મીની ભૂમિકામાં છે. તે ઘણી બોલીવૂડ ફિલ્મોમાં પણ નજરે પડ્યા છે.
અરુણોદય કહે છે, "બોલીવૂડ ફિલ્મોમાં મને બહુ લોકપ્રિયતા મળી નહીં, ના હું સ્ટાર બની શક્યો. કાસ્ટિંગ ડાયરેક્ટરને લાગ્યું કે હું એક બહેતર કલાકાર છું અને તેઓએ ઑડીશન વગર મને પસંદ કર્યો."
વેબ શોએ અરુણોદયને નવી તકો આપી છે અને એક આશા પણ કે તેઓ મોબાઈલની નાની સ્ક્રીન જે લોકો માટે મનોરંજનનું સાધન છે તેવાં લોકો સુધી પોતાની ઓળખ સ્થાપિત કરી શકશે.
'અપહરણ' એ ડઝનબંધ વેબ શોમાંથી એક છે, જે ભારતમાં ખાસ કરીને મોબાઈલ માટે બનાવવામાં આવી રહ્યા છે.
અરુણોદય કહે છે, "અદાકારો, લેખકો માટે હવે અઢળક તકો છે અને આ સારી વાત છે કેમકે અહીંયા સ્પર્ધા વધતી જ જવાની છે."
ભારતમાં આના વધતા બજારને જોતાં વિદેશી કંપનીઓ પણ અહીંયા પોતાની સક્રિયતા વધારી રહી છે.
નૅટફ્લિક્સ, એમેઝોન જેવી કંપનીઓ ભારતમાં રોકાણો કરી રહી છે. હાલમાં જ નૅટફ્લિક્સ ની સિરીઝ 'સેક્રેડ ગેમ્સ'એ ભારતીય મનોરંજન બજારમાં સફળતાનો એક દાખલો પૂરો પાડ્યો છે.
કમાણીનું મૉડલ
ભારતમાં લગભગ 30 કરોડ લોકોના હાથમાં સ્માર્ટ ફોન છે અને તેઓ જ આ કંપનીઓના સંભવિત ગ્રાહક છે.
વેબ શો ચલાવનારી મોટાભાગની ઍપ અને વેબસાઇટ સબસ્ક્રિપ્શન દ્વારા કમાણી કરવા ઇચ્છે છે. આ જ કારણ છે કે ઘણી વેબસાઇટ અને ઍપ પહેલાં મહિનાની મફત સેવા આપી રહ્યાં છે અને ઘણાં તો ફક્ત 50 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં મનોરંજન ઉપલબ્ધ કરાવી રહ્યાં છે.
ઑલ્ટ બાલાજીના ચીફ ઍક્ઝિક્યુટીવ નચિકેતા પંતવૈદ્ય કહે છે, "ટીવીની જેમ મોબાઈલ મનોરંજન ઉદ્યોગ એક 'ઓવર ધ ટોપ' અથવા તો ઓટીટી વેપાર છે. એનો મતલબ એ છે કે આ ચેનલ અને ગ્રાહક વચ્ચેના વચેટિયાનો લોપ કરી દેશે, જેને આપણે વિક્રેતા પણ કહીએ છીએ.
ઑલ્ટ બાલાજીનું લક્ષ્ય 20 કરોડ દર્શકો સુધી પહોંચવાનું છે, પરંતુ આ સરળ નથી કારણકે બજારમાં સ્પર્ધા ઘણી છે.
નચિકેતા કહે છે કે આ જ કારણ છે કે સબસ્ક્રિપ્શનની ફી એક રૂપિયો પ્રતિદિનથી પણ ઓછી રાખવામાં આવી રહી છે.
તેઓ કહે છે કે 95 ટકા ભારતીય ઘરોમાં કેબલ એક ટીવી છે. આ સ્થિતિમાં દરેક વ્યક્તિ પોતાની પસંદગીનો શો જોઈ શકતી નથી. મોબાઈલમાં આ સ્વતંત્રતા છે.
મોબાઈલ એ સ્વતંત્રતા પણ આપે છે કે જયારે તેઓ એકલાં હોય તો તેઓ પોતાની પસંદગીની સામગ્રી જોઈ શકે એટલે કે તેઓ એવા વિષયો આધારિત શો જોવા ઇચ્છે છે જે તેઓ પોતાના પરિવાર સાથે નથી જોઈ શકતા.
આ ઉદ્યોગ સીધી રીતે મોબાઈલ અને ઈન્ટરનેટ ડેટા ઉપર આધારિત છે. ટેલીકૉમ કંપનીઓ વચ્ચે ડેટા વૉરનો ફાયદો ફક્ત લોકોને જ નહીં પરંતુ ઑનલાઇન મનોરંજન ઉદ્યોગને પણ થયો છે.
પરંતુ ચિંતાનો વિષય એ પણ છે કે સસ્તા ડેટા આખરે ક્યાં સુધી ભારતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે? જે રીતે મોબાઈલ ઑપરેટર્સની સંખ્યા ઘટી રહી છે અને ઘણી કંપનીઓ બંધ થઈ રહી છે અને ઘણી કંપનીઓ તો બંધ થઇ ગઈ છે, આ સ્થિતિમાં થોડી જ કંપનીઓ જ બજારમાં બચશે.
જોકે, ઑનલાઈન મનોરંજન ઉદ્યોગને એવી આશા છે કે આ સફર હવે અટકવાની નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો