ગ્રાઉન્ડ રિપોર્ટ : શા માટે પરપ્રાંતીયો કરી રહ્યા છે ગુજરાતમાંથી હિજરત?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

એક પરપ્રાંતીય દ્વારા કથિત રીતે 14 માસની બાળકી સાથે દુષ્કર્મ બાદથી હિંમતનગરમાં રહેતા પરપ્રાંતીય શ્રમિકોને શહેર છોડી દેવા ધમકી આપવામાં રહી છે, જેનાં પગલે મોટાપાયે હિજરત શરૂ થઈ ગઈ છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના પરપ્રાંતીય શ્રમિકોમાં ઊભો થયેલો ભયનો માહોલ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ફેલાઈ રહ્યો છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, વૉટ્સઍપ સહિતના સોશિયલ મીડિયા પર પરપ્રાંતીયો વિરુદ્ધ 'ધમકી અને ધૃણા' ફેલાવતા સંદેશાઓને કારણે સ્થિતિ કથળી રહી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ગુજરાત પોલીસ દ્વારા પેટ્રોલિંગ તથા ધરપકડ જેવા પગલાં લેવામાં આવી રહ્યાં છે, પરંતુ તે અપૂરતા નીવડી રહ્યા હોય તેમ જણાય છે.

ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાન અલ્પેશ ઠાકોરે સમાજના લોકોને 'શાંતિ જાળવવા' તથા પરપ્રાંતીયોને 'ભાઈ માનવા' અપીલ કરી છે.

બાળકીના દુષ્કર્મથી મામલો શરૂ થયો

સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈના ઢુંઢર ગામમાં ફેક્ટરીમાં કામ કરતા 19 વર્ષીય છોકરા રવીન્દ્ર ગોંડેએ 14 મહિનાની છોકરીને ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.

રવિન્દ્ર ત્યાં ફેકટરીમાં કામ કરતો હતો અને રોજ ચા-નાસ્તો કરવા માટે પીડિત પરિવારના ગલ્લે આવતો હતો. બાળકી ઊંઘતી હતી એ વખતે તેને લઈ ગયો હતો અને ત્યાંથી 200 મીટર દૂર બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ તે ત્યાંથી નાસી છૂટ્યો હતો.

બાળકીને અમદાવાદની સિવિલ હૉસ્પિટલ ખાતે સારવાર અપાઈ રહી છે.

અમદાવાદ સિવિલ હૉસ્પિટલના પીડિયાટ્રિશિયન વિભાગના હેડ ડૉ. રાજેન્દ્ર જોષીએ કહ્યું, "લોહી વહી જવાના કારણે બાળકીની સ્થિતિ ચિંતાજનક હતી, પણ હવે બાળકી ખતરા બહાર છે."

પીડિતાના દાદા અમરસિંહ ભાઈ(નામ બદલ્યું છે)એ બીબીસી સાથે વાત કરતા કહ્યું, "અમારા ઘર પર આફત ઊતરી આવી છે. મારી પૌત્રી પર દુષ્કર્મ થયું એ પછી પોલીસ સુરક્ષાના કારણે અમારે અમારો ગલ્લો - દુકાન બંધ કરવો પડ્યો છે. આવક બંધ થઈ ગઈ છે. અમારે બે ટાઇમ ખાવાના પણ ફાંફાં પડી ગયા છે."

ધૃણાભર્યા મૅસેજના કારણે ભયનો માહોલ

પોલીસે દુષ્કર્મ કરનાર પરપ્રાંતીય યુવક રવીન્દ્ર ગોંડેની ધરપકડ કરી હતી. જેના પગલે આ મુદ્દો 'ગુજરાતીઓ વિરુદ્ધ પરપ્રાંતીયો'નો બની ગયો હતો.

પરપ્રાંતીયોને હાંકી કાઢવા તથા તેમને શહેર છોડી દેવા ધમકીઓ આપવામાં આવી રહી છે. આ અંગેના મૅસેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા હતા.

આ વિસ્તારમા અંદાજિત સવા લાખ જેટલા પરપ્રાંતીય લોકો રહેતા હોવાની વિગતો છે. આસપાસના વિસ્તારમાં ઉત્તર ભારતીયો પર હુમલા શરૂ થયા હતા.

પરપ્રાંતીયો પર 18 જેટલા હુમલા થયા હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે ઉત્તર ભારતીયોએ હિજરત શરૂ કરી દીધી છે.

હિંમતનગરના શક્તિ નગર વિસ્તારમાં ભાડાના મકાનમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો રહેતા હતા. તેઓ હવે ઘર ખાલી કરીને નીકળી ગયા છે.

ભયના વાતાવરણના પગલે કેટલાક લોકો સુકાતા કપડાં એમ જ છોડીને ઘરને તાળું મારીને નીકળી ગયા છે. લોકો પોતાનાં ટીવી, રેફ્રિજરેટર જેવી ઘરની ચીજો પણ સસ્તા ભાવે વેચીને જઈ રહ્યા છે.

સાબરકાંઠા સિરામિક ઍસોસિયેશનના મંત્રી કમલેશ પટેલ કહે છે, "સાબરકાંઠામાં મહિને 80 થી 90 કરોડનો સિરામિકનો ધંધો છે. જેમાં 50 થી 60 ટકા લોકો એવા છે કો જેઓ પરપ્રાંતથી આવીને કામ કરે છે."

"આ બનાવ બનવાના કારણે લગભગ 30થી 35 ટકા કારીગરો ઉત્તર ભારત પાછા જતા રહ્યા છે. જેના કારણે અહીંના સિરામિક ઉદ્યોગ પર મોટી અસર થઈ રહી છે."

'અમે ત્રણ દિવસથી ઘર બહાર નથી નીકળ્યા'

સાબરકાંઠા હાઈવે પાસેની વસાહતમાં રહેતા મનોજ શર્મા ઉત્તર પ્રદેશના આગ્રાથી અહીં આવીને વસ્યા હતા. 10 વર્ષથી તેઓ અહીં કામ કરે છે.

મનોજભાઈ અને તેમનો પરિવાર પણ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.

મનોજ શર્માએ બીબીસી સાથે વાત કરતા કહ્યું, "મારા પત્નીની તબિયત સારી નથી, પણ હું દવાખાને લઈ જઈ શકતો નથી. ત્રણ દિવસથી સમગ્ર પરિવાર ઘરની બહાર નીકળ્યો નથી."

મનોજભાઈના પત્ની ગિરિશાબહેન કહે છે, "અમને બહાર જવાથી ડર લાગે છે. અમે દાળ અને રોટલી ખાઈને કામ ચલાવીએ છીએ, કારણ કે શાકભાજી ખરીદવા બહાર જવાની હિંમત નથી."

ત્યાં જ રહેતા અન્ય એક પરપ્રાંતીય પરિવાર સાથે પણ બીબીસીએ વાત કરી. હરિઓમ ત્રિવેદી પોતાના પાંચ વર્ષના બાળકને હૉસ્પિટલ લઈ જતા ડરે છે.

તેઓ કહે છે, "હું બાળકને સારવાર માટે લઈ જઈ શકતો નથી. આજુબાજુના વિસ્તારમા જે સ્થિતિ છે એ જોઈને મને ભય છે કે હું બાળકને લઈને બહાર જઉં તો મારા પર હુમલો થવાની શક્યતા છે."

તેમનાં પત્ની રમા ત્રિવેદી કહે છે, "ટીવી પર સમાચારોમાં હિંસાના દૃશ્યો જ દેખાય છે, એ જોઈને મને સતત ડર લાગે છે. એ જોઈને હું ભગવાનને રોજ પ્રાર્થના કરું છું કે અમારા પરિવાર પર આવો હુમલો ન થાય."

ભયનું ચક્ર

હિંમતનગરમાં જે કાંઈ બની રહ્યું છે તેની અસર સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદના ચાંદખેડા, અમરાઈવાડી, બાપુનગર તથા ઓઢવ જેવા વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. જ્યાં પરપ્રાંતીય શ્રમિકો વસે છે.

સુરતમાં સચીન, પાંડેસરા, ડિંડોલી તથા ડુમ્મસ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે.

જોકે, પોલીસ સતર્કતા દાખવી રહી છે અને આ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે, પરંતુ સોશિયલ મીડિયા પર ધૃણા ફેલાવતા સંદેશાઓ થતા નકલી વીડિયોઝને કારણે સ્થિતિ વકરી રહી છે.

ઉપરાંત સસ્તા ડેટાપેકને કારણે મૅસેજિંગ ઍપ્સ તથા અન્ય માધ્યમોથી ચાઇલ્ડ પૉર્નના વીડિયો સહેલાઈથી મળી રહે છે, જે આ પ્રકારના કૃત્યો કરવા પ્રેરે છે.

150થી વધુ લોકોની ધરપકડ

આ અંગે ગુજરાત રાજ્યના ડીજીપી શિવાનંદ જ્હાએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું, "ગુજરાતની અંદર પરપ્રાંતથી કામ કરવા આવતા લોકો સામે હિંસાના ગુજરાતમાં કુલ 18 ગુના નોંધાયા છે."

"અમે અસરગ્રસ્ત વિસ્તારોમાં પેટ્રોલિંગ વધાર્યું છે, એસઆરપીની 20 કંપની ઉતારી છે. અત્યાર સુધીમાં હિંસા મામલે પોલીસે 150થી વધુ લોકોની ધરપકડ કરી છે."

જ્હાએ વધુમાં જણાવ્યું હતું, "જે જે ફેક્ટરી પર પરપ્રાંતના લોકો કામ કરી રહ્યા છે, તે તમામ ફેક્ટરી પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે."

"સોશિયલ મીડિયા પર જે પ્રકારે મૅસેજ વાઇરલ થઈ રહ્યા છે, એના માટે સાયબર સેલને ઍલર્ટ કરી દેવાયું છે."

ઘટનાની તપાસ કરી રહેલા પોલીસ અધિકારી આર. એસ. બ્રહ્મભટ્ટે જણાવ્યું, "સાબરકાંઠા પોલીસે સોશિયલ મીડિયા પર મેસેજ વાઇરલ કરનારા 24ની અટકાયત કરી છે. સર્ક્યુલેટ કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે."

'કડક સજા થવી જ જોઈએ'

રાષ્ટ્રીય જનતા દળના નેતા મનોજ જ્હાએ બીબીસી ગુજરાતીના જયદીપ વસંત સાથે વાત કરતા જણાવ્યું, "જો કોઈ શખ્સે બાળકી સાથે આ પ્રકારનું ઘોર અમાનવીય કૃત્ય કર્યું હોય, તો તેને 'કડકમાં કડક' સજા મળવી જોઈએ. પરંતુ તેના કારણે એ રાજ્યના તમામ લોકોને હિજરત કરવા માટે મજબૂર કરવા અયોગ્ય છે."

જ્હા માને છે કે આ પ્રકારની હિજરત 'આઇડિયા ઑફ ઇંડિયા' અને તેની એકતા માટે હાનિકારક છે.

ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાના કહેવા પ્રમાણે, "હાઈકોર્ટ સાથે પરામર્શ બાદ કેસને ફાસ્ટટ્રેક કરવામાં આવશે અને બે માસની અંદર કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરાશે. રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા બળાત્કાર સંબંધિત કાયદા મુજબ ગુનેગારને ફાંસીની સજા મળે તેવા પ્રયાસ કરવામાં આવશે."

પીડિત બાળકી 14 વર્ષથી નાની ઉંમરની હોવાને તેને રૂ. 4.5 લાખનું વળતર મળવા પાત્ર છે. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પીડિત પરિવારને સહાયપેટે એક પગાર આપવાની જાહેરાત કરી છે.

અલ્પેશ ઠાકોરે કહ્યું, "મેં મારો એક પગાર પીડિત પરિવારને આપવાનું નક્કી કર્યું છે. બળાત્કારનો ભોગ બનેલી બાળકીને ન્યાય અપાવવા જે જોડાયા હતા એ તમામ લોકોનો હું આભાર માનું છું. દુષ્કર્મ કરનારને બે મહિનામાં કડક સજા થશે એવી સરકાર ખાતરી આપી છે."

"હું તમામ લોકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરું છું. સરકાર પાસે માગ કરી છે કે પરપ્રાંતથી આવતા તમામ લોકોનું રજીસ્ટ્રેશન થવું જોઈએ."

BIMARU શ્રમિક

આર્થિક વિકાસની દૃષ્ટિએ નાદુરસ્ત બિહાર (ઝારખંડ તેમાંથી અલગ થયું છે) , મધ્ય પ્રદેશ (હવે છત્તિસગઢ તેમાંથી અલગ થયું છે), રાજસ્થાન તથા ઉત્તર પ્રદેશ (હવે તેમાંથી ઉત્તરાખંડ અલગ થયું છે)ના રાજ્યોને BIMARU રાજ્યો તરીકે ઓળખવામાં આવે છે.

વ્યક્તિની જ્યારે તબિયત નાદુરસ્ત હોય તો તેને 'બિમાર' કહેવામાં આવે છે, એટલે આશિત બોઝ દ્વારા 1980ના દાયકાના મધ્યભાગમાં ઉપરોક્ત રાજ્યો માટે 'બિમારૂ' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ રાજ્યના લાખો લોકો ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં આજીવિકા માટે પહોંચે છે. જ્યાં તેઓ પાણીપુરી વેચી, સિક્યુરિટી ગાર્ડ, ઓટોરીક્ષા ચલાવવી કે શ્રમિક તરીકે અન્ય છૂટક કામ કરીને આજીવિકા રળે છે.

જ્યારે આ પ્રકારની ગુનાહિત ઘટના ઘટે છે, ત્યારે સમગ્ર સમુદાય નિશાન બને છે અને સ્થાનિક રાજનેતાઓ પણ 'આપણાં વિરુદ્ધ ભૈયાઓ' જેવી લાગણીઓને ઉશ્કેરતા હોય છે.

સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીના મતે, "નવી ઔદ્યોગિક નીતિ હેઠળ મોટા ઔદ્યોગિક ગૃહોમાં ગુજરાતીઓને કામ આપવાનું વચન સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું, પરંતુ તેવું થઈ શક્યું નથી.

"જેથી મોટા ઉદ્યોગોની આજુબાજુના વિસ્તારના અર્ધ-કૌશલ્ય ધરાવતા લોકોમાં ઉશ્કેરાટ અને અસંતોષ છે. જે આવા સંજોગોમાં ફૂટી નીકળતો હોય છે."

જાની ઉમેરે છે કે ગાંધીના ગુજરાતમાં 'અગાઉ ક્યારેય' આવું નથી થયું અને આ એક 'ક્ષણિક બાબત' છે.

અફવાઓને કારણે હિજરત

ટેકનિકલ રિસર્ચ ક્ષેત્રે કામ કરતી સાયબરમીડિયા રિસર્ચના ડેટા પ્રમાણે, ગુજરાતના લગભગ 60 ટકા લોકો સ્માર્ટફોન ધરાવે છે.

'સસ્તા ડેટાપેક' તથા 'સ્માર્ટફોનના ફેલાવા'ને કારણે ધૃણા ફેલાવતા તથા હિંસા ફેલાવવા અને ઉશ્કેરતા લોકો અપુષ્ટ સમાચાર તથા અફવાને ખરા માનીને ફોરવર્ડ કરી દે છે, જેનાં કારણે સ્થિતિ વકરી રહે છે.

ઉપરાંત સસ્તા ડેટાપેકને કારણે મૅસેજિંગ ઍપ્સ તથા અન્ય માધ્યમોથી ચાઇલ્ડ પૉર્નના વીડિયો સહેલાઈથી મળી રહે છે, જે આ પ્રકારના કૃત્યો કરવા પ્રેરે છે.

પોલીસે જે લોકોની ધરપકડ કરી છે, તેમાંથી પચ્ચીસેક લોકોની ધરપકડ 'વાંધાજનક સામગ્રી' ફોરવર્ડ કરવા બદલ કરવામાં આવી છે.

આ અંગે ગૌરાંગ જાની માને છે, "સોશિયલ મીડિયા પર તમામ પ્રકારની માહિતી વહેતી થતી હોય છે. ત્યારે ગુજરાતના શિક્ષિત સમાજ તથા સરકારની જવાબદારી છે કે તેઓ અફવાઓને આગળ વધતી અટકાવે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો