You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
છોકરીઓના ચહેરા પર દાઢી-મૂછ કેમ ઊગે છે?
- લેેખક, ભૂમિકા રાય
- પદ, બીબીસી સંવાદદાતા
"લોકો માત્ર શરીર ઢાંકવા માટે કપડાં પહેરે છે પણ મારે તો મોઢાં પર પણ કપડું બાંધવું પડતું હતું. હું ચહેરા પર કપડું બાંધ્યા વગર ઘર બહાર નીકળી નથી. પછી એ ગરમી હોય કે વરસાદ, તડકો હોય કે છાંયડો. દસ વર્ષ સુધી મારે ચહેરા પર કપડું બાંધી રાખવું પડતું હતું."
દિલ્હીના મહારાણી બાગમાં રહેતી પાયલ (નામ બદલ્યું છે) આજે પણ એ દિવસોને યાદ કરીને ઉદાસ થઈ જાય છે. જિંદગીના વીતેલાં દસ વર્ષ તેમના માટે ઘણા મુશ્કેલ હતા કારણકે તેમના ચહેરા પર વાળ હતા.
કોમળ રુવાંટી નહીં પુરુષો જેવા કાળા કઠણ વાળ હતા.
"જ્યારે સ્કૂલમાં હતી ત્યારે વધારે વાળ નહોતાં પણ કૉલેજમાં આવતાં-આવતાં ચહેરાના અડધાં ભાગ પર અચાનક વાળ ઊગવા લાગ્યા. પહેલાં નાના વાળ ઊગ્યા, ત્યારે મેં બહું ધ્યાન ન આપ્યું."
"પણ અચાનક તે કાળા અને લાંબા થવા લાગ્યા, વૅક્સ કરાવતી હતી પણ પાંચ દિવસમાં વાળ પાછા ઊગી જતા હતા. પછી મેં શેવ કરવાનું શરૂ કરી દીધું."
તેઓ કહે છે, "એક દિવસ પપ્પાને રેઝર નહોતું મળતું. મમ્મી પણ પપ્પાની સાથે રેઝર શોધતા હતા તેમને પણ ના મળ્યું. થોડી વાર પછી પપ્પાએ કહ્યું પાયલને પૂછી જો...કદાચ એ તો શેવ કરવા માટે નથી લઈ ગઈને."
આવી તો ઘણી ઘટનાઓ છેલ્લાં દસ વર્ષમાં ઘટી છે. દવા લેવા છતાં કોઈ ફાયદો ના થયો તો પાયલે લેઝર ટ્રીટમેન્ટ કરાવવાનો નિર્ણય કર્યો.
પહેલાં લેઝર ટ્રીટમેન્ટ કરાવવા અંગે તેઓ ચિંતિત હતાં. આખરે દર અઠવાડિયાની ઝંઝટથી મુક્તિ મેળવવા માટે તેમણે લેઝર ટ્રીટમેન્ટ કરાવી જ દીધી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દિલ્હીમાં રહેતાં ડર્મેટૉલૉજિસ્ટ ડૉ. સુરુચિ પુરી કહે છે, "આપણા સમાજમાં કોઈ છોકરીના ચેહરા પર વાળ ઊગવાને શરમની બાબત ગણવામાં આવે છે. લોકોને ખબર જ નથી હોતી કે આ બાયૉલૉજીકલ સાઇકલમાં ગડબડ થઈ જવાથી થાય છે.
સૌથી પહેલા કારણ જાણવાનો પ્રયાસ કરો
ડૉ. સુરુચિ ફેમિના મિસ ઇન્ડિયા 2014ના સત્તાવાર ડર્મેટૉલૉજિસ્ટ રહી ચૂક્યાં છે.
તેઓ કહે છે, "ચહેરા પર વાળના બે કારણો હોઈ શકે છે. ચહેરા પર વાળ માટે જિનેટિક કારણો હોઈ શકે છે અથવા હૉર્મોન્સમાં ગડબડ થવાથી પણ આવું થઈ શકે છે. હૉર્મોન્સમાં સંતુલન બગડવાથી પણ ચહેરા પર વાળ ઊગી નીકળે છે."
માનવ શરીર પર થોડા વાળ તો હોય જ છે. એવામાં છોકરીઓના શરીર પર જો થોડા ઘણા વાળ હોય તો એમાં પરેશાન થવાની જરૂર નથી પણ જો વાળ બહું વધારે હોય તો ડૉક્ટરની મુલાકાત લેવી જરૂરી છે.
ડૉ. સુરુચિ પ્રમાણે, "ચહેરા પર વધારે વાળ હોય તો તેને 'હાઇપર ટ્રાઇકોસિસ' કહેવાય છે."
"જો જિનેટિક કારણોથી ચહેરા પર વાળ ઊગતા હોય તો તેને 'જિનેટિક હાઇપર ટ્રાઇકોસિસ' કહેવાય છે અને જો આ સમસ્યા હૉર્મોન્સના અસંતુલનના કારણે આવું થતું હોય તો તેને 'ઇરસ્યુટિઝ્મ' કહેવાય છે."
ડૉ. સુરુચિ માને છે કે હૉર્મોનમાં ગડબડ થવા પાછળ એક મહત્ત્વનું કારણ પીસીઓડી (પૉલી સીસ્ટિક ઓવેરિયન ડિસઑર્ડર) હોઈ શકે છે અને વર્તમાન સમયમાં એ ઝડપથી વધી રહ્યું છે.
જોકે પીસીઓડીના દરેક દર્દના મોઢાં પર વાળ હોય એ જરૂરી નથી. પીસીઓડી માટે સૌથી વધારે આપણી લાઇફસ્ટાઇલ જવાબદાર હોય છે.
આપણી ખાણીપીણી, બૉડી બિલ્ડિંગ માટે સ્ટેરૉએડ્સનો ઉપયોગ, કલાકો સુધી જ એક જ સ્થિતિમાં બેસી રહેવું, તણાવ જેવી સ્થિતિ રહેવી, પીસીઓડી થવા પાછળ આ મહત્ત્વનાં કારણો છે.
ડૉ. સુરુચિ માને છે કે આ બધાનું એક પરિણામ એ હોય છે કે મહિલાઓમાં પુરુષ હૉર્મોન જેમકે ટેસ્ટેસ્ટેરૉન વધવા લાગે છે.
"જો કોઈ છોકરીના મોઢા પર વધારે વાળ હોય તો સૌથી પહેલાં તેનું કારણ જાણવાનો પ્રયાસ કરવો જોઈએ. જો તે હૉર્મોન્સ છે તો લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરવાની જરૂર છે. પણ મોટભાગના કિસ્સાઓમાં દવા લેવાની જરૂર પડે જ છે."
તો શું લેઝર જ એકમાત્ર ઉપાય છે?
પાયલનું તો એવું જ માનવું છે કે દવાની કોઈ જ અસર થતી નથી.
"મેં દસ વર્ષ સુધી હોમિયોપથીક દવા લીધી. લોકોને એવું લાગે છે કે સસ્તો ઇલાજ કરાવ્યો હશે એટલી ફાયદો નથી થયો પણ એવું બિલકુલ નથી.”
“મેં દિલ્હીમાં ઘણા સારા હોમિયોપથીક ડૉક્ટર્સ પાસે ઇલાજ કરાવ્યો પણ કોઈ જ ફાયદો ન થયો."
પાયલે આશરે બે વર્ષ પહેલાં જ લેઝર ટ્રીટમેન્ટ કરાવી છે. ત્યારબાદ તેમના ચહેરા પર નવા વાળ નથી ઊગ્યા.
તેઓ ડૉ. સુરુચિની વાત સાથે સંપૂર્ણ રીતે સંમત છે.
"મારી સમસ્યા હૉર્મોનલ હતી કારણકે મને માસિક પણ સમયસર નહોતું આવી રહ્યું. માસિક આવતું ત્યારે માત્ર એક દિવસ માટે આવતું હતું. એના કારણે મારા ચહેરા પર વાળ આવ્યા એની સાથે મારું વજન પણ વધવા લાગ્યું."
"લેઝર લેતા પહેલાં મેં વજન ઘટાડ્યું, ખાવાપીવાનું ઠીક કર્યું, લાઇફસ્ટાઇલમાં ફેરફાર કર્યા. હવે મને પહેલાં કરતાં સારું લાગે છે."
પણ શું આ આટલી મોટી સમસ્યા છે?
દિલ્હી સ્થિત મિરેકલ બ્યુટી-પાર્લરમાં કામ કરતા રચના કહે છે કે અમારે ત્યાં મોટાભાગે કસ્ટમર થ્રેડિંગ કરાવવા આવે છે. આઈબ્રો અને અપર લિપ્સ સિવાય કેટલીક છોકરીઓ તો આખા ચહેરા પર થ્રેડિંગ કરાવે છે.
"કેટલીક યુવતીઓ આખા ચહેરા પર થ્રેડિંગ કરાવે છે કારણકે તેમના ચહેરા પર અન્ય યુવતીઓની તુલનામાં વધારે વાળ હોય છે. કેટલીક તો વૅક્સ પણ કરાવે છે. એમની માટે બ્લીચનો ઑપ્શન નથી હોતો કારણકે તેમના વાળ ઘણા મોટા હોય છે."
રચના કહે છે કે જે યુવતીઓ એમની પાસે આવે છે તેઓ ચહેરા પરના વાળ માટે વધારે જ કૉન્શિયસ રહે છે.
ડૉ. સુરુચિનું પણ માને છે કે ચહેરા પર વાળની સૌથી વધારે અસર દિમાગ પર થાય છે. એનાથી કૉન્ફિડન્સ પર અસર થાય છે.
દિલ્હી સ્થિત મૅક્સ હેલ્થ કેયરના એંડોક્રિનૉલૉજી ડિપાર્ટમેન્ટના મુખ્ય ડૉક્ટર સુજીત જ્હા જણાવે છે કે મહિલાઓમાં પણ પુરુષોવાળા હૉર્મોન હોય છે પણ બહુ ઓછા પ્રમાણમાં હોય છે. પણ જ્યારે આ હૉર્મોનનું પ્રમાણ વધી જાય છે ત્યારે ચહેરા પર વાળ આવી જાય છે.
ડૉ.સુજીત પણ માને છે કે પીસીઓડી એનું સૌથી મહત્ત્વનું કારણ હોય છે જેના કારણે હૉર્મોન અસંતુલિત થઈ જાય છે. વધારે વજન ધરાવતા લોકોમાં પીસીઓડીની સમસ્યા વધારે જોવા મળે છે.
"સૌથી પહેલા તો એ સમજવાની જરૂર છે કે વાળ ઊગવાનું કારણ શું છે? શું તે જિનેટિક છે કે હૉર્મોનના કારણે છે. એના સિવાયજો ચહેરા પર અચાનક વાળ ઊગી ગયા છે તો આ કૅન્સરનું પણ લક્ષણ હોઈ શકે છે પણ તેની શક્યતા ખૂબ ઓછી છે."
પીસીઓડીનો વર્લ્ડ રેકર્ડમાં નોંધાયેલો કિસ્સો
બ્રિટનમાં રહેતા હરનામ કૌરનું નામ આખી દાઢી ધરાવતા સૌથી નાની વયના મહિલા તરીકે ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકર્ડમાં નોંધાયેલું છે.
જ્યારે હરનામ 16 વર્ષનાં હતાં ત્યારે ખબર પડી કે તેમને પૉલિ સીસ્ટિક ઑવરી સિન્ડ્રોમ છે જેના કારણે તેમના ચહેરા અને શરીર પર વાળ વધવા લાગ્યા.
શરીર અને ચહેરા પર વધારે વાળના કારણે શાળામાં તેમને દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો અને ઘણી વખત તો સ્થિતિ એટલી ખરાબ થઈ જતી કે તેમને આત્મહત્યા કરવાના વિચારો આવતા હતા.
પણ હવે તેમણે પોતાનું આ સ્વરૂપ સ્વીકારી લીધું છે. છેલ્લાં ઘણાં વર્ષોથી તેમણે પોતાના ચહેરા પરના વાળ કાઢ્યા નથી.
તેઓ કહે છે, "વૅક્સિંગથી ત્વચા ફાટે છે, ખેંચાય છે. મારી ત્વચા પર ઘણ વખત ઘાવ પણ થયા. આ સ્થિતિમાં દાઢી વધારવામાં જ રાહત હતી."
"હરનામ માને છે કે આ સફર ઘણી મુશ્કેલીઓથી ભરપૂર છે પણ હવે તેઓ આનાથી પરેશાન થતા નથી."
"હરનામ તરીકે મને મારી દાઢી પ્રત્યે પ્રેમ છે. મેં પોતાની દાઢીને એ ઓળખ આપી છે. તે કોઈ પુરુષની નહીં પણ એક મહિલાની દાઢી છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો