સુરતના ઉદ્યોગપતિએ કર્મચારીઓને મર્સિડિસ ભેટમાં કેમ આપી?

    • લેેખક, રવિ પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતના સુરતના હીરાના વેપારી તરીકે જાણીતા સવજી ધોળકિયાએ તેમની કંપની હરિકૃષ્ણ ઍક્સપોર્ટ્સમાં કામ કરતા ત્રણ મૅનેજર કક્ષાના કર્મચારીને ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલના હસ્તે એક-એક કરોડ રૂપિયાની મર્સિડીસ કાર ભેટમાં આપી છે.

ઉપરાંત કંપનીમાં કામ કરતી વખતે મૃત્યુ પામેલા યુવકના પરિવારને એક કરોડ રૂપિયાનો ચેક પણ આપવામાં આવ્યો હતો.

દર વર્ષે દિવાળી બોનસ પેટે ધોળકિયા તેમના કર્મચારીઓને ગાડીઓ, ઘર અથવા તો અન્ય મોંઘીદાટ વસ્તુઓ બોનસ રૂપે આપવાને કારણે ચર્ચામાં રહે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ત્યારે સવાલ એ છે કે કર્મચારીઓને આટલી મોંઘી ભેટ આપવા પાછળ ધોળકિયાનો હેતુ શું હોય છે? શું તેના કારણે કર્મચારીની કાર્યક્ષમતા કે વફાદારીમાં કોઈ ફેર પડે?

આ સવાલનો જવાબ આપતા હરિકૃષ્ણ એક્સપોર્ટના માલિક સવજીભાઈ ધોળકિયાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ એક પ્રકારની મોટિવેશનલ સ્કીમ છે.

ધોળકિયા કહે છે, "જે કર્મચારીઓ પાસે ઘર ના હોય તેમને હું ઘર આપું છું અને જેમની પાસે ઘર હોય તેમને ગાડી આપું છું. દરેક કર્મચારીને તેમના પર્ફૉર્મન્સના આધારે ભેટ આપવામાં આવે છે."

આવું કરવાથી શું થાય છે?

આ સવાલનો જવાબ આપતા સવજીભાઈ કહે છે, "દરેક કર્મચારીને એક ટાર્ગેટ આપવામાં આવેલો હોય છે. જે કર્મચારીઓ આ ટાર્ગેટને પૂર્ણ કરે છે તેમને પ્રોત્સાહન આપવામાં આવે છે."

"આ સિવાય અમે કર્મચારીઓને એફડી (ફિક્સ ડિપૉઝિટ)થી લઈને જીવન વીમો પણ કરાવી આપીએ છીએ, જેથી કરીને તેમને ભવિષ્યમાં કંઈ થાય તો તેમના પરિવારને લાભ મળે."

કર્મચારીઓને આટલી મોંઘીદાટ ભેટ આપવાથી કંપનીને કોઈ ફાયદો થાય? એ અંગે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સોશિયલ વર્કનાં પ્રોફેસર અને મૅનેજમૅન્ટમાં પીએચડી થયેલાં સુનિતા નામ્બિયાર સાથે બીબીસીએ વાતચીત કરી.

તેમણે જણાવ્યું, "કર્મચારીઓને આવી ભેટ આપવાથી તેઓ કંપની પ્રત્યે વફાદાર રહે છે અને કંપની છોડીને જતા નથી."

"જો આવું થાય તો કંપનીને નવા કર્મચારીઓને ભરતી કરવા પાછળનો ખર્ચ ઘટી જશે સાથે જ તેમને તાલીમ આપવાનો પણ ખર્ચ ઘટી જાય છે."

આ અંગે એમ. એસ. યુનિવર્સિટીના હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટના સહનિર્દેશક જગદીશ સોલંકી કંઈક અલગ જ માને છે.

સોલંકીના કહેવા અનુસાર, "કોઈપણ વ્યક્તિનો પ્રથમ હેતુ પૈસા કમાવવાનો હોય છે. સદ્ધર થયા બાદ તે કીર્તિ મેળવવા ઇચ્છે છે."

"સાધનથી સુખ નથી મળતું એટલા માટે લોકો વચ્ચે પોતાની સારી છાપ ઊભી કરવા માટે પણ લોકો આવું દાન કરતા હોયછે."

'ભેટ આપવાથી કંપની પ્રત્યે વફાદારી વધે'

પરંતુ આટલા મોટાપાયે ભેટ આપવાથી કર્મચારીઓના મનમાં કેવી કંપની અને માલિક પ્રત્યે કેવી છાપ પડે છે?

આ સવાલનો જવાબ આપતા પ્રો. નામ્બિયાર કહે છે, "એક કર્મચારીને ભેટ મળી હોય તો તે જોઈને અન્ય કર્મચારીઓ પણ વધુ મહેનત કરે છે, જેથી કંપનીના ઉત્પાદન અને નફામાં વધારો થાય છે."

પ્રો. નામ્બિયારની વાત સાથે સમર્થ થતા સોલંકીનું પણ કંઈક આવું જ માનવું છે.

સોલંકી કહે છે, "જ્યારે કર્મચારીઓને આવી ભેટ આપવામાં આવે છે, ત્યારે તે કંપની અને માલિક પ્રત્યે વફાદાર રહે છે. બીજું કે તે પોતાનું કામ પણ સારી રીતે કરે છે, જેથી ગુણવત્તા જળવાઈ રહે."

પરંતુ એક જ કંપનીમાં કામ કરતા અમુક કર્મચારીને ઘર કે ગાડી મળે છે અને અન્યને કંઈ નથી મળતું તો કર્મચારીઓમાં અંતોષની લાગણી ઉદ્ભવવી સહજ બાબત છે.

ધોળકિયા કહે છે, "જે કર્મચારીઓ કંપનીને જેટલો લાભ કરાવતા હોય છે તેના દસ ટકા રૂપિયા કંપની અલગ રાખે છે. આ બાબતનો ખ્યાલ તેમને પણ નથી હોતો, પરંતુ અમારી પાસે દરેક કર્મચારીનો ડેટા હોય છે."

ક્યારથી શરૂ થઈ આ 'પ્રથા'?

ધોળકિયાનું કહેવું છે, "ત્યારબાદ આ રકમને જોડીને તેમને ભેટ સ્વરૂપે કંઈકને કંઈક આપવામાં આવે છે, જેથી અન્ય કર્મચારીઓ પણ આ જોઈને તેમનું કામ નિષ્ઠાપૂર્વક કરે. આ એક કંપનીની સ્કિમ જેવું છે, જેમાં કંપનીને પણ લાભ થાય અને કર્મચારીઓને પણ."

ધોળકિયાનું કહેવું છે કે સૌપ્રથમ તેમણે વર્ષ 1996માં તેમના ચાર કર્મચારીઓને મારૂતિ 800 ગાડી ભેટમાં આપી હતી. ત્યારથી દર વર્ષે આ રીતે કર્મચારીઓને કંઈકને કંઈક આપવામાં આવે છે.

હરિકૃષ્ણ ડાયમંડ સાથે સાત હજાર કર્મચારીઓ જોડાયેલા છે અને તેમનું વાર્ષિક ટર્ન ઓવર આઠ હજાર કરોડની આસપાસ છે. કંપની 80 દેશોમાં હીરા ઍક્સપૉર્ટ કરે છે.

'સાડા બાર વર્ષની ઉંમરે ઘર છોડ્યું'

સવજીભાઈ ધોળકિયા મૂળ અમરેલી જિલ્લાના દૂધાળા ગામના છે. તેમનો જન્મ 12 એપ્રિલ 1962ના રોજ એક ખેડૂત પરિવારમાં થયો.

સંઘર્ષથી લઈને સફળતા સુધીની વાત જણાવતા ધોળકિયા જણાવે છે, "મને શરૂઆતથી જ અભ્યાસમાં રસ નહોતો. પાંચ ધોરણ સુધી અભ્સાસ કરીને મેં ભણવાનું છોડી દીધું હતું. ત્યારબાદ સાડા બાર વર્ષની ઉંમરમાં હું સુરત આવી ગયો હતો."

"મારા માતા-પિતા મને દુધાળામાં રહેવા દેવા નહોતા માગતા અને હું ત્યાં જ રહેવા માગતો હતો. ત્યારબાદ મેં સુરતમાં આ કંપનીમાં જ એક કર્મચારી જોડાયો."

"સખત મહેનત અને કામ પ્રત્યેની નિષ્ઠાને કારણે હું આ કંપનીનો મેનેજર બની ગયો હતો. ત્યારબાદ વર્ષ 1992માં અમે ચાર ભાઈઓએ આ કંપની ખરીદી લીધી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો