છેલ્લાં 10 વર્ષોમાં ભારતીય બૅન્કોના સૌથી વધારે રૂપિયા ડૂબ્યા, તમને શું અસર થશે?

રેટિંગ એજન્સી આઈસીઆરએના આંકડા પ્રમાણે વર્ષ 2018માં છેલ્લાં 10 વર્ષોની તુલનામાં ભારતીય બૅન્કોના સૌથી વધારે પૈસા ડૂબ્યા છે. એજન્સી પ્રમાણે ભારતીય બૅન્કોએ આ વર્ષે માર્ચ સુધીમાં 1 લાખ 44 હજાર કરોડ રૂપિયા ડૂબ્યા હોવાનું માનીને તેની માંડવાળ કરી છે.

જેમાંથી 83 ટકા પૈસા સરકારી બૅન્કોના હતા. ગયાં વર્ષની તુલનામાં આ રકમ 62 ટકા જેટલી વધારે છે.

સામાન્ય લોકો માટે તેનો શું અર્થ છે, આ સમજવા માટે બીબીસી સંવાદદાતા કુલદીપ મિશ્રે આર્થિક બાબતોના જાણકાર આશુતોષ સિંહા સાથે વાત કરી.

બૅન્કિંગ સિસ્ટમનો સૌથી ખરાબ સમય

આઈસીઆરએના આંકડા પ્રમાણે બૅન્કોએ જે વાત માની છે એ એનપીએ (નૉન પર્ફૉર્મિંગ એસેટ્સ) કરતા પણ ખતરનાક છે, તેને 'રાઇટ ઑફ' કહેવાય છે.

જે પ્રમાણે બૅન્કોએ માની લીધું છે કે આ વર્ષે માર્ચ સુધી લૉન સ્વરૂપે આપેલી રકમ 1.44 લાખ કરોડ હવે પરત નહીં આવે. જ્યારે એનપીએમાં નાણાં પરત આવવાની શક્યતાઓ હોય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ નુકસાનમાં 83 ટકા ભાગ સરકારી બૅન્કોનો છે, જેનો સીધો સંબંધ એ છે કે સામાન્ય માણસ જ્યારે બૅન્કમાં લૉન લેવા માટે જશે તો લૉન જ નહીં મળે અથવા તો બહુ મુશ્કેલીથી મળશે.

કારણકે સરકારી બૅન્કો પાસે હવે લૉન આપવા માટે પૈસા બચ્યાં જ નથી.

કોઈ પણ બૅન્ક કંઈ રીતે લૉન આપે છે એ સમજવું જરૂરી છે. ધારો કે તમે બૅન્કમાં એક લાખ રૂપિયા જમા કર્યા, પણ બૅન્ક આ એક લાખ રૂપિયા પોતાની પાસે રાખતી નથી. આ પૈસા લૉન સ્વરૂપે બીજા કોઈને આપે છે.

જમા રકમ પર વ્યાજ મળવું પણ મુશ્કેલ થશે

સામાન્ય માણસે જમા કરેલી રકમ પર બૅન્ક 4 ટકા વ્યાજ આપે છે. બીજી તરફ જેને લૉન આપે છે તેમની પાસેથી વધારે દર પર વ્યાજ લે છે. જો તે હોમ લૉન હોય તો આશરે 8.5 ટકા અને જો કંપનીની લૉન હોય તો એથી પણ વધારે વ્યાજના દરે લૉન આપે છે.

ઓછું રેટિંગ ધરાવતી કંપનીઓને 11 થી 12 ટકાના દરે લૉન આપે છે. વ્યાજના દર ગ્રાહકો પર આધાર રાખે છે.

4 ટકા અને 12 ટકા વચ્ચેનું અંતર એ બૅન્કની આવક છે. જેને 'નેટ ઇન્ટરેસ્ટ માર્જિન' કહેવાય છે.

લૉન સ્વરૂપે આપેલી રકમ જ્યારે પાછી આવશે ત્યારે જ બૅન્ક આગળ બીજા લોકોને લૉન આપશે અને ત્યારે જ આપણને 4 ટકા વ્યાજ આપશે. પણ હવે સરકારી બૅન્કોની સ્થિતિ બહુ ખરાબ છે.

ઉદાહરણ માટે આપણે આઈડીબીઆઈ બૅન્ક લઈએ, જેમાં સારી એવી સરકારી ભાગીદારી છે. આ બૅન્કની કુલ એનપીએ 30 ટકા જેટલી છે. તેની તુલનામાં કોટક મહિન્દ્રા બૅન્ક લઈએ જે એક ખાનગી બૅન્ક છે, તો તેની એનપીએ માંડ એક ટકા જેટલી હશે.

તો આ રીતે એક સરકારી બૅન્કની એનપીએ ખાનગી બૅન્કની તુલનામાં 30 ટકા વધારે છે.

આ સ્થિતિમાં બૅન્ક ચાલે એ શક્ય નથી. જો 100 રૂપિયામાંથી 30 રૂપિયા પરત ન આવે તો બૅન્ક ચાલી જ ન શકે.

સરકારી યોજનાઓ અને નોકરીઓ પર અસર

સામાન્ય લોકોને અપાતી લૉન પર તેની અસર થશે, ઉપરાંત લોકોપયોગી યોજનાઓ પર પણ અસર થશે. તમને યાદ હશે કે સરકારે આ વખતના બજેટમાં કહ્યું હતું કે ખેડૂતને સરળ હપતેથી લૉન આપવા માગે છે.

હવે સરકારી બૅન્કો જ્યારે લૉન આપવા માટે સક્ષમ જ નથી તો ખેડૂતોને લૉન આપવા માટે પૈસા ક્યાંથી આવશે?

બીજી અસર થશે લઘુ અને મધ્યમ ઉદ્યોગો પર, જે ભારતીય અર્થવ્યવસ્થા માટે કરોડરજ્જુ સમાન છે. ભારતની અર્થવ્યવસ્થામાં આશરે 45 ટકા ભાગીદારી લઘુ ઉદ્યોગોની છે. એક થી પાંચ લાખ રૂપિયાની રકમની લૉન પર આ ઉદ્યોગો ચાલે છે.

પણ બૅન્કોની ખરાબ હાલતના કારણે તેમને પણ રકમ મળવી મુશ્કેલ થઈ જશે. લઘુ ઉદ્યોગો સૌથી વધારે રોજગારી પૂરી પાડે છે. લૉન ન મળવાથી આ રોજગારીની તકો પણ ઘટી જશે.

આટલી રકમ 'રાઇટ ઑફ' કરવાનું કારણ?

કેવી પરિસ્થિતિમાં બૅન્કે કોઈ રકમને રાઇટ ઑફ કરવી પડે છે. એનું સીધું કારણ છે કે જ્યારે બૅન્ક લૉન આપે છે ત્યારે કરાતું જે કેવાયસી યોગ્ય ન થયું હોય. એટલે કે આપવામાં આવેલી લૉનની યોગ્ય સુરક્ષા ગેરંટી લેવામાં આવતી નથી.

આ બજારમાં ખાનગી બૅન્કો પણ છે, તો તે નફો કેવી રીતે કરી રહી છે? એવી કોઈ બાબત તો હશે જ ખાનગી બૅન્કોમાં યોગ્ય રીતે થાય છે અને સરકારી બૅન્કોએ શીખવાની જરૂર છે.

જ્યારે પણ બૅન્ક લૉન આપે છે ત્યારે અલગ-અલગ પ્રકારની ગેરંટી લેવામાં આવે છે. બૅન્કોએ આ ગેરંટીને 'સિક્યોરિટાઇઝ' કરવી પડશે. તેની સુરક્ષાની ગેરંટી લેવી પડશે.

તેનો અર્થ થયો કે જો બૅન્ક કોઈ કંપનીને લૉન આપે તો શરૂના બે વર્ષ સુધી કોઈ વ્યાજ વસૂલતી નથી. પણ ત્યારબાદ 25મા મહિનાથી કંપની પાસે જે નફાની રકમ હશે એમાંથી તે સૌથી પહેલા બૅન્કને લૉનનો હિસ્સો આપવાનું શરૂ કરશે.

આ સ્થિતિ કેમ સર્જાઈ?

એ પણ વિચારવું પડશે કે આવી સ્થિતિ કેમ સર્જાઈ. જો બૅન્ક કામ કરવા લાયક નથી તો સામાન્ય લોકો તેનો ભાર કેમ ઉઠાવે. તમને યાદ હશે કે અદાણી ગ્રૂપના ઓસ્ટ્રેલિયાના ખનન પ્રોજેક્ટ માટે એસબીઆઈએ આશરે 6 હજાર કરોડ રૂપિયાની લૉન આપવાની વાત કરી.

એ પણ એવા સમયે જ્યારે અદાણી ગ્રૂપ પહેલાંથી જ 72 હજાર કરોડ રૂપિયાની લૉન લઈ ચૂક્યું હતું. આ સ્થિતિમાં વધારે લૉન આપવી કદાચ યોગ્ય નથી.

આ સ્થિતિમાં તો બૅન્ક જ બંધ કરી દેવી જોઈએ. આપણે વિચારવું જોઈએ કે બૅન્કોની કામ કરવાની રીતને જનતા કેમ સબ્સીડાઈઝ કરે. બૅન્કોએ લૉન આપી અને યોગ્ય રીતે સિક્યોરિટાઇઝ ન કરી.

બૅન્ક પોતાના પૈસા રિકવર ન કરી શકી. હવે આ અંગે કોઈ એવું કહે કે જો બૅન્ક યોગ્ય રીતે કામ નથી કરી શકી એ માટે આપણે ફરી ટેક્સ આપીએ કે પૈસા આપીએ. એ તો નિરર્થક જ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો