વધશે EMI, 4.5 વર્ષમાં પહેલીવાર વધ્યો રેપો રેટ

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા સાડા ચાર વર્ષમાં પહેલી વખત રેપો રેટમાં વધારો કર્યો છે. 0.25 ટકાના દરના વધારા સાથે રેપો રેટ 6.25 ટકા પર પહોંચ્યો છે.

ત્રણ દિવસ માટે આરબીઆઈની બીજી દ્વિમાસિક બેઠક મળી હતી, જેમાં છ સભ્યોએ સર્વાનુમત્તે આ નિર્ણય લીધો હતો.

ક્રૂડ ઓઇલનાં ભાવોમાં ઉથલપાથલને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.

નાણાંકીય વર્ષ 2019 માટે જીડીપી વિકાસનો દર 7.4 ટકા રહેશે, તેવું અનુમાન યથાવત રાખવામાં આવ્યું છે.

RBIની હવે પછીની બેઠક 31મી જુલાઈ તથા પહેલી ઓગસ્ટના મળશે.

બચતકર્તાઓને લાભ થશે

RBIના નિવેદન પ્રમાણે, "મધ્યમ ગાળા માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનો દર ચાર ટકા (વત્તાંઓછાં બે ટકા)નો દર જાળવી રાખવા માટે આ નાણાંનીતિ અપનાવવામાં આવી હતી."

અરિહંત કેપિટલ માર્કેટ્સના ડાયરેક્ટર અનિતા ગાંધીના કહેવા પ્રમાણે, "તેનાથી લોન લેનારાંઓને મુશ્કેલી પડશે પરંતુ 'બચતકર્તાઓ' માટે સકારાત્મક રહેશે."

જોકે નવી નાણાનીતિને કારણે હોમ તથા ઓટો લોન મોંઘી થશે.

ઇન્ડિયા બુલ્સ હાઉસિંહ ફાઇનાન્સના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર અશ્વિની હુડ્ડાના કહેવા પ્રમાણે, "15-20 બેઝિસ પૉઇન્ટ્સની MCLR (માર્જિનલ કોસ્ટ ઑફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ, જેને ધ્યાને લઈને બેન્કો દ્વારા હોમ લોન લેનારા નવા ગ્રાહકોને ધિરાણ આપવામાં આવે) પર ખાસ અસર નહીં થાય.

"જેના કારણે જેમણે ફ્લોટિંગ રેટ પર હોમ લોન લીધી છે, તેમના હપ્તામાં સામાન્ય વધારો થાય તેવી શક્યતા છે.

"જ્યારે નવી હોમ લોન લેનારા માટે 0.16 ટકા જેટલો વધારો થાય તેવી શક્યતા છે."

આનંદ રાઠી શેર્સ ઍન્ડ સ્ટૉક બ્રૉકર્સના ચીફ ઇકોનોમિસ્ટ સુજાન હાજરાના કહેવા પ્રમાણે, "આરબીઆઈ દ્વારા હવે પછી આવી વૃદ્ધિ કરવામાં આવે તેની શક્યતા નહિવત્ છે.

"કારણ કે ચોમાસું સામાન્ય રહે, ક્રૂડ ઓઇલના ભાવોમાં ખાસ વધારો થવાની શક્યતા નથી અને ઔદ્યોગિક ઉત્પાદનની વધવાની શક્યતા છે."

નાણાં નીતિની મુખ્ય જાહેરાતો

  • રેપો રેટ (ધિરાણ દર)માં 0.25 ટકાનો વધારો, નવો દર 6.25 ટકા થયો
  • સાડા ચાર વર્ષમાં પ્રથમ વખત રેપો રેટમાં વધારો
  • રિવર્સ રેપો રેટ છ ટકા, બૅન્ક રેટ 6.5 ટકા
  • નાણાંકીય વર્ષ 2019 માટે જીડીપી વિકાસનો દર 7.4 ટકા રહેશે
  • ક્રૂડ ઑઇલનાં કારણે મોંઘવારીનો દર વધે તેવી શક્યતા વ્યક્ત કરી
  • ઇનસૉલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્સી કોડને કારણે દબાણ હેઠળનાં સેક્ટર્સમાં રોકાણ વધ્યું

છેલ્લા ત્રણ દિવસથી શેરબજાર નેગેટિવ ઝોનમાં બંધ આવી રહ્યાં હતાં. જોકે, રિઝર્વ બૅન્કની દ્વિમાસિક નાણાંનીતિની સકારાત્મક અસરને પગલે બુધવારે શેરબજારોમાં ઉછાળ આવ્યો હતો.

સેન્સેક્સમાં 276 પોઇન્ટ (35,179 પોઇન્ટ પર બંધ) અને નિફ્ટીમાં 92 પોઇન્ટ (10,685 પોઇન્ટ પર બંધ)નો ઉછાળો આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે બુધવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઇનસૉલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્સી કોડ (સુધાર) અધ્યાદેશ, 2018ની ઉપર મંજૂરીની મહોર મારી હતી. જેના પગલે નૉન પર્ફોર્મિંગ એસેટ્સનાં વહીવટ હસ્તાંતરણ સહિતની બાબતોમાં સુગમતા આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો