You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચાચા ચૌધરી અને ચંપક દ્વારા હિંદી શિખડાવીને લાખો કમાનારી યુવતી
ભારતમાં જ્યાં ગલીગલીમાં અંગ્રેજી શીખવાનાં કોચિંગ સેન્ટર ખુલેલાં છે, ત્યાં એવી એક છોકરી છે જે હિંદીના કોચિંગ દ્વારા લાખો કમાઈ રહી છે.
દિલ્હીની રહેવાસી 26 વર્ષની પલ્લ્વી સિંહ દેશમાં આવેલા વિદેશીઓને તો હિંદી શીખવે જ છે પણ સાથે સાથે મૉડલ, સિંગર, બૉલીવુડ સ્ટારને પણ હિંદી શીખવામાં મદદ કરે છે.
તેની ખાસિયત એ છે કે તે ચાચા ચૌધરી, પિંકી, ચંપક, નંદન અને પ્રેમચંદની વાર્તા સંભળાવી લોકોને હિંદી શીખવે છે.
આ જ એમની સફળતાનું રહસ્ય છે. લગભગ પાંચ વર્ષ પહેલાં એમણે હિંદી શિખવવાનું કામ શરૂ કર્યું હતું અને આજે તે સેલિબ્રિટી ટીચર બની ચૂકી છે.
પલ્લવીની પદ્ધતિ શું છે?
પલ્લવીની હિંદી શીખવવાની પદ્ધતિ બધા કરતાં થોડીક અલગ છે. તે પોતાના સ્ટૂડન્ટના ઘરે જઈને કે પછી કોઈ કાફેમાં કૉફીનાં પીતાં-પીતાં આરામથી હિંદી શીખડાવે છે.
પલ્લ્વી જણાવે છે કે,''હું મારા ક્લાસમાં હાસ્યનો ઉપયોગ કરું છું. જેથી મારા વિદ્યાર્થીઓને ભણવામાં રસ પડે. એટલે જ હું હિંદી કૉમિક ચાચા ચૌધરી, પિંકી અને ચંપક વાંચવા માટે આપું છું."
"આ વાર્તાઓમાં બહુ સરળ હિંદી શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે અને એની સાથે બનેલાં ચિત્રો શું કહે છે એ સમજવામાં ખૂબ મદદ મળે છે.''
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે આગળ જણાવે છે કે,"આ કૉમિક્સ આપણી સંસ્કૃતિ અને પહેરવેશને દર્શાવે છે. દાખલા તરીકે ચાચા ચૌધરીની પાઘડી અને એની સાથે જોડાયેલી માન-સન્માનની વાતો."
"પિંકી નામના કૉમિક્સમાં પિંકીના માતા સાડી પહેરે છે અને ઘરની વસ્તુઓ અંગેની વાતો જણાવે છે."
"આવી ઘણી નાનીનાની વાતો જેનો આપણે રોજબરોજના જીવનમાં ઉપયોગ કરતાં હોઈએ છીએ એનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ કારણે જ મારા વિદ્યાર્થીઓ બોલચાલની ભાષા શીખી લે છે."
બોલીવૂડ ફિલ્મોનો આશરો
પલ્લવી હિંદી શીખવવા માટે માત્ર હિંદી કૉમિક્સ જ નહીં પણ બોલીવૂડ ફિલ્મોનો પણ આશરો લે છે.
તે પોતાના વિદ્યાર્થીઓને બોલીવૂડ ફિલ્મોની ડીવીડી પણ આપે છે.
તે જણાવે છે,"હું મારા વિદ્યાર્થીઓને બિમલ રૉય, સત્યજીત રેની ફિલ્મોની ડીવીડી આપું છું. એ ફિલ્મોમાં આપણા ભારતની છબી ઊભરે છે. હું માનું છું કે હિંદી શીખવા માટે બોલીવૂડ ફિલ્મો ઉમદા વિક્લ્પ છે."
એમના વિદ્યાર્થીઓ 20 વર્ષના યુવાનોથી માંડીને 70 વર્ષના લોકો સુધી છે.
પલ્લવી જણાવે છે, ''આ લોકો ઘણા કારણોસર હિંદી શીખવા માગે છે. કેટલાક લોકો એવા હોય છે જે નોકરી કે ધંધા માટે ભારત આવતા હોય છે. એમને પોતાનાં રોજબરોજનાં કામ માટે હિંદી શીખવી પડતી હોય છે.''
"કેટલાક વિદેશી પર્યટકોને ખરીદી કરવા માટે પણ હિંદી શીખવવી પડતી હોય છે. અત્યારસુધી હું અમેરિકા, કેનેડા,બ્રિટેન, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, આફ્રિકા સહિત ઘણા દેશોના લોકોને હિંદી શીખવવામાં મદદ કરી ચૂકી છું."
"મારું કામ મને ત્યારે સાર્થક જણાયું જ્યારે મને અમેરિકાના વાણિજ્ય દૂતાવાસના લોકોને હિંદી શીખવવાની તક સાંપડી.''
અત્યારસુધી પલ્લવી ભારતમાં હજારો વિદેશીઓને હિંદી શીખવી ચૂકી છે. મલ્ટીનૅશનલ કંપનીઓ પોતાના સ્ટાફ અને કુંટુબીજનોને હિંદી શીખવવા માટે એમનો સંપર્ક કરે છે.
એમના વિદ્યાર્થીઓની યાદીમાં જાણીતા લેખક વિલિયમ ડેલરિમ્પલ, બૉલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ, લિસા રે, નટાલિયા ડિ લુઇસો અને લુસિંડા નિકોલસનો સમાવેશ થાય છે.
''હિંદી શીખવવામાં શરમ કેવી?''
એન્જિનિયરિંગ અને સાયકૉલોજીના ભણતર બાદ હિંદી ટ્યૂટર તરીકે પોતાની કેરિયર બનાવવાનો નિર્ણય કરનાર પલ્લવી જણાવે છે કે કેરિયરની શરૂઆતમાં એમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
શરૂઆતમાં તેમના માતાપિતાએ પણ સાથ આપ્યો ન હતો. તેઓનું માનવું હતું કે એન્જિનિયરિંગ ભણ્યા બાદ આ કેવું ભૂત સવાર થઈ ગયું છે.
તેઓ પલ્લવી પર ઘણાં નારાજ રહ્યાં અને મિત્રોએ પણ એમના કામને કાંઈ ખાસ મહત્ત્વ આપ્યું ન હતું. તેઓ હંમેશા એમની મજાક કરતા હતા.
પલ્લવી જણાવે છે, ''તેઓ કહેતા હતા કે હું ગાંડી થઈ ગઈ છું. તને બીજું કશું કામ મળતું નથી? આ કામથી કેટલી કમાણી થશે? કોણ આવશે હિંદી શીખવા માટે? પાર્ટ ટાઇમ તો બરાબર છે પણ આને પોતાની કેરિયર બનાવવી મૂર્ખામીભર્યું કામ છે.
'કામથી સંતોષ છે'
પલ્લવીએ લોકોની વાતો પર બહુ ધ્યાન ના આપ્યું. તે પોતાની મસ્તીમાં જ રહી અને હિંદી શીખવવા પાછળ ખૂબ મહેનત કરી.
તે જણાવે છે, ''મને મારા કામથી સંતોષ છે. હું એ નસીબદાર માણસોમાંની એક છું જેમને પોતાનું કામ કરવામાં મજા આવે છે.''
''હું જો મારા અનુભવની વાત કરું તો મારા પણ સારા અને ખોટા વિદ્યાર્થીઓ હોય છે."
"આમ જોવા જઈએ તો આપણા સમાજમાં હિંદી શિક્ષકની એક સામાન્ય છબી છે. જેનાથી હું અલગ છું."
"એટલે લોકોને જ્યારે મારા વિશે ખબર પડે છે ત્યારે તેઓ અચંબિત થઈ જાય છે. મારો પહેરવેશ અને સ્ટાઇલ જોઈ આશ્ચર્યમાં મૂકાઈ જાય છે.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો