You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતની ફેમસ કેરી હાફુસનું નામ કેવી રીતે પડ્યું?
- લેેખક, દીપક ચુડાસમા અને કલ્પિત ભચેચ
- પદ, બીબીસી ન્યૂઝ ગુજરાતી માટે
ઉનાળામાં ધોમ ભલે ધખે, કેરીના રસિયાઓ માટે આ તમામ જફાઓ રસની જયાફત ઉડાડવામાં જતી હોય છે.
કેસર હોય કે હાફુસ, ગુજરાતી પરિવારોનો ઉનાળો કેરી વગર અધૂરો અને અકળાવનારો બની રહેતો હોય છે.
ગુજરાતમાં કેસર કેરીએ ભલે લોકપ્રિયતાના તમામ માપદંડો સર કરી લીધા હોય પણ હાફુસની પ્રસિદ્ધિમાં આજે પણ ઓટ નથી આવી.
હાફુસ કેરીમાં જેટલી મીઠાશ છે, એનો ઇતિહાસ પણ એટલો જ રસાળ છે.
હાફુસ ક્યાંથી આવી?
હાફુસ કેરીનો ઇતિહાસ પોર્ટુગલના લોકો સાથે જોડાયેલો છે.
હાફુસને આલ્ફાન્સો તરીકે પણ ઓળખવામાં આવે છે. Afonso de Albuquerque નામના પોર્ટુગીઝ ઑફિસર પરથી તેનું નામ પડ્યું છે.
Afonso મિલિટરી સ્ટ્રેટેજીસ્ટ હતા અને ભારતમાં પોર્ટુગલનું શાસન સ્થાપવામાં તેમનો ફાળો રહેલો છે.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન જર્નલમાં આપવામાં આવેલા માહિતી પ્રમાણે, de Albuquerque એ ગોવાના અનેક પ્રવાસ ખેડ્યા હતા.
આ દરમિયાન Afonsoએ કેરીની સ્થાનિક જાતો સાથે કલમ કરી, જેમાંથી બનેલી નવી જાતને Afonsoના સન્માનમાં આલ્ફાન્સો નામ આપવામાં આવ્યું.
આ કેરીને સ્થાનિક લોકો 'આફુસ' તરીકે ઓળખતા હતા.
મહારાષ્ટ્રમાં આ જ્યારે આ કેરીની જાત પહોંચી, ત્યારે સ્થાનિકોએ તેને 'હાપુસ' તરીકે ઓળખવાનું શરૂ કર્યું હતું.
જે બાદ 'હાપુસ' અને હાલની આપણી 'હાફુસ' કેરી દક્ષિણ ભારત અને દક્ષિણ ગુજરાત જેવા ભારતના વિવિધ ભાગોમાં પહોંચી હતી.
ગુજરાતમાં આવતા આવતા 'હાપુસ' ધીમેધીમે 'હાફુસ'નાં નામે ઓળખાવા લાગી.
હાફુસનો આંબો 200 વર્ષ સુધી પણ ફળ આપી શકે છે
આંબામાં સામાન્ય રીતે 4 થી 5 વર્ષે કેરી આવવાની શરૂઆત થાય છે અને તે 50 વર્ષ સુધી ફળ આપે છે.
આ મામલે બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વાત કરતાં નવસારી ઍગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડૉ. સતિષ સિંહા કહે છે જો આંબાના વૃક્ષને યોગ્ય પ્રમાણમાં પોષક તત્ત્વો આપવામાં આવે તો 100 વર્ષથી વધુ સમય સુધી પણ ફળ આપી શકે છે.
"આંબાના વૃક્ષનું સરેરાશ આયુષ્ય 100 થી 200 વર્ષનું હોય શકે છે. જોકે, કેટલાક એવા પણ કિસ્સા નોંધાયા છે જેમાં આંબાએ 300 વર્ષ સુધી ફળ આપ્યાં હોય."
"વલસાડના ઉમસાડીના ખેડૂત ગૌતમ નાયકની આંબાની વાડીમાં 112 વર્ષ જૂનું હાફુસ કેરીનું વૃક્ષ છે. તેમાં હજુ ફળ આવે છે."
આ અંગે વાત કરતાં સિંહા કહે છે, "અમે આંબાનો ઘેરાવો માપ્યો હતો, તેમાં દર વર્ષે સરેરાશ 1.3 થી 5.3 સેન્ટિમીટર વૃદ્ધિ થઈ છે."
"આમ, 75 વર્ષમાં તેનો ઘેરાવો 175 સેન્ટિમીટર જેટલો થવો જોઈએ, પણ તેના થડનો ઘેરાવો 244 સેન્ટિમીટર એટલે કે 8 ફૂટ જેટલો છે."
"જો આપણે 2.3 સેન્ટિમીટરની સરેરાશ લેખે તેનો ઘેરાવો ગણીએ તો આ વૃક્ષનું આયુષ્ય 100 વર્ષથી વધુ થાય છે. એટલે કે 112 વર્ષ જેટલું તેનું આયુષ્ય શક્ય છે."
હાફુસ કેરીનાં વળતાં પાણી?
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વાત કરતાં નવસારી ઍગ્રિકલ્ચર યુનિવર્સિટીના આસ્ટિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. અવિનાશ પાંડેએ દાવો કર્યો હતો કે હવે પહેલાં જેવો હાફુસનો ક્રેઝ રહ્યો નથી.
ગુજરાતમાં કેસર બાદ હાફુસ તેના સ્વાદ માટે જાણીતી છે. હાફુસમાં પણ ખાસ કરીને મહારાષ્ટ્રની રત્નાગીરી વધારે લોકપ્રિય છે.
ડૉ. પાંડે કહે છે, "ગુજરાતમાં ખેડૂતો હાફુસને બદલે કેસર અને સોનપરી કેરી તરફ વળી રહ્યા છે, જેના કારણે ગુજરાતમાં તેનું ઉત્પાદન હવે ઘટી રહ્યું છે."
"સોનપરી નીલમ અને આલ્ફાન્સોની જ સંકરણ જાત છે, જેનાં ફળ મોટાં થાય છે."
"હાફુસ સ્વાદ માટે લોકપ્રિય છે, તે જ સ્વાદ સોનપરીમાં આવે છે. જેથી ખેડૂતો હાફુસની સરખામણીએ સોનપરી વધારે પસંદ કરી રહ્યા છે."
ઉપરાંત તેમણે કહ્યું, "ગુજરાતમાં કેસર કેરી ખૂબ પ્રખ્યાત છે, જેની માગ વધી રહી છે. તેથી માગને પણ ધ્યાનમાં રાખીને ખેડૂતો હાફુસને બદલે કેસરને પસંદ કરી રહ્યા છે."
તેમનો દાવો છે કે હવે ગુજરાતમાં હાફુસ હવે એટલી લોકપ્રિય રહી નથી, હજી પણ મહારાષ્ટ્રની રત્નાગીરી દેશમાં લોકપ્રિય છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ હવે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં થતી અનવર રાતોલ નામની કેરી હાફુસને ટક્કર આપી રહી છે.
કેરીના ઉત્પાદનમાં ગુજરાત ક્યાં છે?
દક્ષિણ ગુજરાતમાં હાફુસ કેરીનું મોટાપાયે ઉત્પાદન થાય છે. તેમાં વલસાડ જિલ્લો અવ્વલ છે.
વલસાડ ઉપરાંત નવસારી, સુરત, વડોદરા, ભરૂચ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં કેરીનો વાવેતર વિસ્તાર છે.
મુખ્યત્વે જૂનાગઢમાં કેસર કેરી તો દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં રાજાપુરી અને હાફુસનું ઉત્પાદન થાય છે.
ગુજરાતમાં હાફુસનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. બીજા નંબરે કેસર કેરીનું વાવેતર થાય છે. આ ઉપરાંત રાજાપુરીનું પણ ઉત્પાદન થાય છે.
ઍગ્રી ઍક્સચેન્જ - 2011ના રિપોર્ટ મુજબ ભારતમાં કેરીના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 6 ટકા જેટલો છે.
કેરીના ઉત્પાદનમાં ભારત પ્રથમ સ્થાને
ઍગ્રી ઍક્સચેન્જના 2010-11ના રિપોર્ટ મુજબ ભારતમાં કુલ 2,312 હજાર હેક્ટરમાં આંબાનું વાવેતર થયેલું છે અને કેરીનું કુલ સરેરાશ વાર્ષિક ઉત્પાદન 1,50,00,000 ટન જેટલું થાય છે.
જે વિશ્વના કુલ ઉત્પાદનના 40.48 ટકા જેટલું થવા જાય છે.
ભારતમાં કેરીનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, બિહાર, ગુજરાત અને તામિલનાડુ છે.
જો ભારત આટલા પ્રમાણમાં કેરીનું ઉત્પાદન કરે છે, તો વિશ્વના કયા દેશો છે જે ભારત પાસેથી કેરીઓની ખરીદી કરે છે.
ઍગ્રી ઍક્સચેન્જના 2010-11ના નિકાસ રિપોર્ટ પ્રમાણે, ભારત મુખ્યત્વે યુએઈ, બાંગ્લાદેશ, યુનાઇટેડ કિંગ્ડમ, સાઉદી અરેબિયા કુવૈત અને બહેરિનમાં કેરીની નિકાસ કરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો