ભારતમાં હિંસાની ઘટનાઓ ડરાવનારી: અરુંધતિ રૉય

દુનિયાભરમાં પોતાના લેખનથી ખ્યાતિ પામનારાં અને બુકર પ્રાઇઝથી સન્માનિત ભારતીય લેખિકા અરુંધતિ રૉયે બીબીસી ન્યૂઝનાઇટને એક ઇન્ટરવ્યૂ આપ્યો છે.

આ મુલાકાતમાં અરુંધતિ રૉયે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું.

અરુંધતિ રૉયે એક સવાલના જવાબમાં કહ્યું કે મોદી સરકારમાં જે થઈ રહ્યું છે તે ભય પેદા કરનારું છે.

તેમણે કહ્યું, "જો ભારતમાં વર્તમાન પરિસ્થિતિ જોવા જઈએ તો મુસ્લિમ સમાજને વિખૂટો પાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે."

"રસ્તા પર લોકોને ઘેરીને મારી નાખવામાં આવે છે. તમે જોઈ શકો છો કે મુસલમાનોને આર્થિક પ્રવૃતિઓથી અલગ કરવામાં આવી રહ્યા છે."

"આ પહેલાં તેઓ પોતાની આજીવિકા માટે આ આર્થિક પ્રવૃતિઓમાં સીધી રીતે સામેલ હતા."

"તમે જાણો છો કે માંસનો વ્યવસાય, ચામડાનું કામ અને હસ્તઉદ્યોગ, બધા પર હુમલા કરવામાં આવ્યા છે."

આ ઉપરાંત અરુંધતિએ કહ્યું, "ભારતમાં હિંસાની ઘટનાઓ ડરાવનારી છે. કશ્મીરમાં એક સગીરા પર બળાત્કાર થયો."

"બળાત્કાર પહેલાં પણ થયા છે, પરંતુ હજારો લોકોએ બળાત્કારના આરોપીના સર્મથનમાં રેલી કાઢી. ત્યાં સુધી કે મહિલાઓ પણ તેમાં સામેલ હતી."

"આવું કરીને બળાત્કારની તપાસને પ્રભાવિત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા. ભયાનક રીતે ધ્રુવીકરણ કરવામાં આવી રહ્યું છે."

આ કાર્યક્રમમાં તેમને બીજો સવાલ કરવામાં આવ્યો, શું તમે એવું કહેવા માગો છો કે મોદી ટ્રમ્પ અને બીજા રાષ્ટ્રવાદી નેતાઓથી ખરાબ છે?

અરુંધતિ રૉયે આ સવાલના જવાબમાં કહ્યું, "જુઓ બંનેમાં તફાવત છે. ટ્રમ્પ અનિયંત્રિત છે. પરંતુ અમેરિકાની બધી સંસ્થાઓ તેનાથી સહમત નથી અને ત્યાં ગુસ્સો છે."

"મીડિયા ગુસ્સામાં છે, ન્યાયપાલિકા સહમત નથી, આર્મી પણ સમર્થન નથી કરી રહી. ત્યાંના લોકો ટ્રમ્પને વ્યવસ્થિત કરવાની કોશિશ કરી રહ્યા છે."

અરુંધતિએ આગળ કહ્યું, "બીજી તરફ ભારતની બધી જ મુખ્ય સંસ્થાઓને જુઓ, સ્કૂલના પાઠ્યપુસ્તકના કવર પર હિટલરને દુનિયાના મહાન નેતાઓ સાથે રાખવામાં આવે છે. જેના પર ન્યૂ યૉર્ક ટાઇમ્સે સ્ટોરી પણ કરી હતી."

"સુપ્રીમ કોર્ટના ચાર જજોને મીડિયા સામે આવવું પડ્યું. આવું ભારતમાં ક્યારેય નથી થયું. આ જજોએ પત્રકાર પરિષદ કરી અને કહ્યું કે લોકશાહી ખતરામાં છે. જજોએ કોર્ટ કાર્યવાહીની નિષ્પક્ષતા પર સવાલો કર્યા હતા."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો