ચાલો, જંગલો-દરિયાકાંઠા અને હરિયાળા પ્રદેશોમાંથી પસાર થતા દુનિયાના અદ્ભુત નવ ટ્રેન રૂટ્સની સફરે

    • લેેખક, લીન બ્રાઉન
    • પદ, બીબીસી સંવાદદાતા

સમગ્ર ઇંગ્લૅન્ડના પત્રકારો અને જિજ્ઞાસુઓ 1825ની 27 સપ્ટેમ્બરે લંડનથી લગભગ 420 કિલોમીટર દૂર આવેલા ડાર્લિંગ્ટન શહેરમાં એક એવી શોધને નિહાળવા એકઠા થયા હતા, જે પરિવહનમાં ક્રાંતિ લાવવાની હતી.

વરાળથી ચાલતી ટ્રેન એ દિવસે પ્રતિ કલાક 25 માઇલની ઝડપે નજીકના સ્ટોકટન શહેર તરફ જઈ રહી હતી. ટ્રેનના 20 પૈકીના એક ડબ્બો પ્રવાસીઓથી ખીચોખીચ ભરાયેલો હતો. તે ટૂંકી, ઐતિહાસિક યાત્રા પ્રથમ પેસેન્જર ટ્રેન અને આધુનિક રેલ પ્રવાસની શરૂઆત હતી.

છેલ્લાં 200 વર્ષના ઇતિહાસ પર નજર નાખીએ તો રેલ મુસાફરીનો ઇતિહાસ હાઈ-સ્પીડ ટ્રેનો સુધી પહોંચી ગયો છે. 1950 અને 1960ના દાયકામાં વિમાનો લોકપ્રિય બન્યાં હોવા છતાં રેલવેમાં મુસાફરી લોકો માટે કાયમ એક યાદગાર અને અદ્ભુત અનુભવ હોય છે.

ટ્રેન પરિવહનના પર્યાવરણને અનુકૂળ માધ્યમો પૈકીની એક છે.

પરિવહનના આ માધ્યમની દ્વિશતાબ્દી નિમિત્તે અમે વિશ્વના સૌથી અદ્ભુત અને અનોખા ટ્રેન પ્રવાસ વિશેની વિગત પ્રદાન કરીએ છીએ.

'મિસ્ટર હેન્ડરસનની રેલવે'

મિસ્ટર હેન્ડરસનની રેલવે નામે જાણીતી વિક્ટોરિયન યુગની આ ટ્રેન અંડાલૂસિયાના ગ્રામ્ય પ્રદેશોમાંથી પસાર થાય છે અને તે બ્રિટિશ-સ્પેનિશ ઇતિહાસનો એક અનન્ય હિસ્સો છે.

આ રૂટનું નામ બ્રિટિશ રેલવે ફાઇનાન્સર ઍલેકઝેન્ડર હેન્ડરસનના નામે રાખવામાં આવ્યું છે. ઍલેકઝેન્ડર હેન્ડરસને 1892માં બ્રિટન નિયંત્રિત જિબ્રાલ્ટરને બાકીના સ્પેન સાથે જોડવાની એક યોજનાને માટે નાણાકીય ભંડોળ આપ્યું હતું.

અલ્જેસિરાસ બંદરને રેલવે દ્વારા અંડાલૂસિયા સાથે જોડવાના પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા, કારણ કે અત્યારે જે રૂટ પર ટ્રેન ચાલે છે તે રૂટ પરના જંગલ અને પહાડોમાં ડાકુઓનો જબરો પ્રભાવ હતો.

વિશાખાપટ્ટનમ-કિરંદુલ સ્પેશ્યલ પેસેન્જર ટ્રેન

આ ટ્રેન દેશના હરિયાળા પૂર્વીય ઘાટોમાં ચાર કલાકનો પ્રવાસ કરે છે.

આ માર્ગમાં 58 ટનલો સામેલ છે. ટ્રેન ધુમ્મસથી ઢંકાયેલા પહાડો અને ઓકના જંગલમાંથી પસાર થાય છે તથા અરકુ શહેરમાં સમાપ્ત થાય છે. અરકુમાં પ્રવાસીઓ કોફી ઉદ્યોગની મુલાકાત લઈ શકે છે.

બાલ્ટિક એક્સપ્રેસ

તાજેતરમાં જ શરૂ થયેલી બાલ્ટિક ઍક્સપ્રેસ મધ્ય યુરોપનાં મુખ્ય શહેરોને જોવાની તક આપે છે.

ચેક રિપબ્લિકના પ્રાગ શહેરથી શરૂ થતો આ રૂટ ચીડ તથા ઓક વૃક્ષોના જંગલમાંથી પસાર થાય છે અને બાલ્ટિક સમુદ્રની સામે આવેલા પોલૅન્ડના તટીય શહેર ગ્ડીનિયા સુધી પહોંચે છે.

આઠ કલાકના એ ટ્રેન પ્રવાસમાં એ ટ્રેન તમને ઓછા પ્રસિદ્ધ પારદુબિસ શહેરમાં લઈ જાય છે, જ્યાં તમે આછા રંગોવાળા ઘર અને ચેક ચર્ચ જોઈ શકો છો. પોલૅન્ડની સાંસ્કૃતિક રાજધાની પોઝનાનનો ઐતિહાસિક ચોક કોઈ ડિઝની ફિલ્મના દૃશ્ય જેવો લાગે છે.

જાપાનની શિકાનસેન

જાપાનની શિકાનસેન બુલેટ ટ્રેન તરીકે ઓળખાય છે. 2024માં તેને 60 વર્ષ થઈ ગયાં. એ પ્રતિ કલાક 321 કિલોમીટરની ઝડપે ચાલે છે. એ દુનિયાની સૌથી પહેલી હાઈ-સ્પીડ રેલવે લાઇન છે. તેની વિશેષતા ચુસ્ત સમયપાલન અને ગતિ છે.

આ ટ્રેનનો જાપાનમાં ટ્રાવેલ પર બહુ મોટો પ્રભાવ છે. પ્રારંભના છ દાયકા પછી હવે જાપાનમાં નવ અલગ-અલગ શિકાનસેન ટ્રેન લાઇનો છે.

ટોકાઇદો શિકાનસેન રૂટને "નવો સ્વર્ણિમ માર્ગ" કહેવામાં આવે છે. તે ટોક્યોથી રાજધાનીના દક્ષિણ-પશ્ચિમ દિશામાં 456 કિલોમીટર દૂર આવેલા સુરગા શહેર સુધી પહોંચે છે.

મેક્સિકોની ટકિલા ઍક્સપ્રેસ

મેક્સિકોમાં ટકિલા પર્યટન વિકસી રહ્યું છે. ટકિલા એક પીણું છે. તાજેતરમાં ફરીથી શરૂ થયેલી ટકિલા ઍક્સપ્રેસ ટ્રેન દેશની સૌથી વધુ લોકપ્રિય નિકાસો પૈકીના એક ટકિલા વિશે વધુ જાણવાની તક પ્રવાસીઓને આપી રહી છે.

એ ઉપરાંત જાલિસ્કોમાં વાદળી-હરિયાળા ખેતરોની સુંદરતાનો આનંદ પણ માણી શકાય છે.

બે કલાકની આ મુસાફરી ગુઆડાલહારા શહેરમાંથી શરૂ થાય છે અને ટકિલા શહેરમાં સમાપ્ત થાય છે. ટકિલામાં જ ટકિલા નામના પીણાની શોધ થઈ હોવાની દંતકથા છે.

વાઉગુઆ હિસ્ટૉરિક ટ્રેન

આ ટ્રેન પોર્ટુગલની વાઉગુઆ ખીણની ટેકરીઓમાંથી પસાર થાય છે અને મનોહર યાત્રાની તક આપે છે. એ દેશની એકમાત્ર નૅરોગેજ રેલ્વે લાઇન છે, જે આજે પણ કાર્યરત છે.

આ ટ્રેનમાં ચમકતા લાલ, લીલા અને શાહી વાદળી રંગના લાકડાના કોચ, ફુદીના રંગનો આંતરિક હિસ્સો, લાકડાની બેઠકો અને ખુલ્લા તથા હવાદાર પ્લેટફોર્મ્સ છે. એ કારણે પ્રવાસીઓ છ કલાકની મુસાફરી દરમિયાન તાજી હવા શ્વાસમાં ભરી શકે છે.

આ ટ્રેન ફક્ત ઉનાળામાં ચાલે છે. તે માસિન્હા ડો વોગા સહિતનાં અનેક સ્થળોએ ઊભી રહે છે. માસિન્હા દોડ વોગા ખાતે પ્રાદેશિક પોશાકમાં સજ્જ દસ સભ્યોનું એક જૂથ લોકસંગીત વડે પ્રવાસીઓનું સ્વાગત કરે છે.

એ પછીનો સ્ટૉપ અગુડા છે, જે તેની કળાકૃતિ અને શહેરી આકર્ષણ માટે જાણીતું રંગીન શહેર છે.

સ્નેફેલ્સનેસ રેલવે

સ્નેફેલ્સન માઉન્ટન રેલવે એક અનોખો અનુભવ પ્રદાન કરે છે. તે બ્રિટિશ ટાપુઓમાંની એકમાત્ર પર્વતીય રેલવે છે, જે આઇરિશ સમુદ્રમાં સ્થિત આઇલ ઑફ મૅનના પહાડોમાંથી પસાર થાય છે.

આ ટ્રેનની શરૂઆત 1893માં થઈ હતી. મનક્સ ઇલેક્ટ્રિક સાથે મળીને આ ટ્રેને ટાપુ પર પ્રવાસીઓને આકર્ષવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

બંને લાઇનોમાં હજુ પણ વિક્ટોરિયન યુગની ટ્રેનો જેવી વિશેષતાઓ છે. તેમાં લાકડાના આંતરિક હિસ્સા અને કાચની પેનલ્સનો સમાવેશ થાય છે.

સ્કૉટલૅન્ડની ફાર નૉર્થ રેલવે

ઇન્વરનેસ અને થર્સો શહેરને જોડતી ફાર નૉર્થ રેલવે લાઇન સ્કૉટિશ હાઇલૅન્ડ્સના દૂરના વિસ્તારોમાં કુદરતી સૌંદર્યસભર સફરનો અવસર પ્રદાન કરે છે.

ચાર કલાકની યાત્રામાં ટ્રેન 270 કિલોમીટરનું અંતર કાપે છે. તે વિશ્વનો સૌથી મોટો આદ્રભૂમિ પ્રદેશ છે અને તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યો છે.

એમ ટ્રૅકની માર્ડી ગ્રાસ સર્વિસ

કેટરિના વાવાઝોડાએ આ પ્રદેશમાં વિનાશ વેર્યો તેના બે દાયકા પછી 2025ની 18 ઑગસ્ટે એમટ્રેકે ગલ્ફ કોસ્ટ લાઇન પર ફરીથી ટ્રેન સેવા શરૂ કરી હતી.

હવે માર્ડી ગ્રાસ સર્વિસ તરીકે ઓળખાતી આ ટ્રેન અલબામા, ન્યૂ ઓર્લિયન્સ અને લુઇસિયાના જેવા દરિયાકાંઠાનાં શહેરોમાંથી પસાર થાય છે તેમજ અનેક ઐતિહાસિક શહેરોને જોડે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન