You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચાલતી ટ્રેનમાં બગાસું આવ્યું અને યુવાનનું મોં ખુલ્લું જ રહી ગયું, આખરે નિરાકરણ કેવી રીતે થયું?
- લેેખક, ઝેવિયર સેલ્વાકુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
બગાસું ખાધા પછી મોં બંધ જ ન થાય એની કલ્પના સુધ્ધાં કરવી મુશ્કેલ છે, પરંતુ કેરળના કોચીમાં કામ કરતા પશ્ચિમ બંગાળના યુવાન અતુલ બિશ્વાસને આવો અસામાન્ય અનુભવ વાસ્તવમાં થયો હતો.
24 વર્ષના અતુલ બિશ્વાસ કન્યાકુમારી-ડિબ્રુગઢ ટ્રેનમાં પ્રવાસ કરતા હતા ત્યારે પલક્કડ જંકશન પર રાતે બે વાગ્યાની આસપાસ તેમણે આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તેમના સહપ્રવાસીઓએ ટિકિટ ચેકરને જાણ કરી હતી અને તેમણે તરત જ રેલવે મેડિકલ ઑફિસરનો સંપર્ક કર્યો હતો.
રેલવેના ડૉક્ટર જીતિન વિલંબ કર્યા વિના પલક્કડ સ્ટેશને પહોંચ્યા હતા અને યુવાનની સારવાર કરી હતી. અતુલ બિશ્વાસનું ખુલ્લું રહી ગયેલું મોં ફરીથી રાબેતા મુજબ બંધ થઈ ગયું હતું અને તેમણે ટ્રેનમાં તેમનો પ્રવાસ ચાલુ રાખ્યો હતો.
બધું પાંચ જ મિનિટમાં ઠીક થઈ ગયું હતું, પરંતુ મુસાફરી દરમિયાન અતુલ બિશ્વાસને થયેલો અસામાન્ય અનુભવ સમાચાર સંસ્થાઓ અને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સમાં વાઇરલ થયો હતો.
સામાન્ય બગાસું ખાતાં આવી સમસ્યા કેમ સર્જાય છે?
અતુલ બિશ્વાસની સારવાર કરનારા ડૉ. જીતિને કહ્યું હતું, "મોં ખૂલીને ખૂબ પહોળું થયું હોય ત્યારે આવી સમસ્યા સર્જાય છે. આ સ્થિતિને ટેમ્પોરોમેન્ડિબ્યુલર જૉઇન્ટ (ટીએમજે) ડિસ્લોકેશન કહેવામાં આવે છે."
બીબીસી સાથે વાત કરતાં ડૉ. જીતિને કહ્યું હતું, "હું આંખ, નાક, કાનના રોગોનો નિષ્ણાત છું. એ દિવસે સવારે હું પલક્કડ રેલવે હૉસ્પિટલમાં ડ્યૂટી પર હતો. લગભગ સવા બે વાગ્યે મને સંદેશો મળ્યો હતો અને હું તરત જ પ્લૅટફૉર્મ પર દોડી ગયો હતો. યુવકે લગભગ 45 મિનિટ પહેલાં બગાસું ખાધું હતું અને તે ફરીથી મોં બંધ કરી શક્યો ન હતો. મળેલી વિગત પરથી અનુમાન કરતાં મને લાગ્યું હતું કે આ ટીએમજેનો કેસ છે. હું જરૂરી સાધનો સાથે પ્લૅટફૉર્મ પર પહોંચ્યો હતો."
તેમણે ઉમેર્યું હતું, "યુવક રિઝર્વ કોચમાં પ્રવાસ કરતો હતો. અમે તેને પ્લૅટફૉર્મ પર ઉતારીને બેન્ચ પર બેસાડ્યો હતો. મેં ગ્લૉવ્ઝ પહેરીને મારી આંગળીઓ તેના નીચલા જડબાના સાંધા પર મૂકીને લોક ખોલ્યું હતું. પાંચ જ મિનિટમાં યુવાન નૉર્મલ થઈ ગયો હતો. અગાઉ તેણે મોં અને ચહેરામાં દુખાવાની ફરિયાદ કરી હતી. તેને આવો અનુભવ પહેલી વાર થયો હતો."
ડૉ. જીતિનના જણાવ્યા મુજબ, ટ્રેન થ્રિસુર રેલવે સ્ટેશનથી રવાના થઈ પછી તરત જ યુવાનને એ તકલીફ થઈ હતી અને પલક્કડમાં તેનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. તેની વય નાની હોવાને કારણે તેના સ્નાયુઓ અને હાડકાં મજબૂત હતાં. તેથી પીડા વધુ તીવ્ર હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉ. જીતિનના કહેવા મુજબ, આવી સમસ્યાનું નિરાકરણ સામાન્ય રીતે થોડી વારમાં કરી શકાય છે અને સર્જરીની જરૂર ભાગ્યે જ પડે છે. અલબત્ત, દરેક વ્યક્તિને આવી સ્થિતિમાં દુખાવો થતો નથી.
ટીએમજી શું છે અને તે શા માટે થાય છે?
ઑર્થોડેન્ટિસ્ટ ડૉ. બાલાચંદરે ટીએમજી ડિસ્લોકેશનની સમસ્યા વિગતવાર સમજાવતાં બીબીસીને કહ્યું હતું, "બંને કાનની નીચેના સાંધાઓને ટેમ્પોરોમેન્ડિબ્યુલર સાંધા કહેવામાં આવે છે. ઉપરના ટેમ્પરલ બૉન તથા નીચેના મેન્ડિબલનું કોન્ડાઇલ અને તેમની વચ્ચેની ડિસ્ક આ સાંધો બનાવે છે. તે સાથે મળીને ટેમ્પોરોમેન્ડિબ્યુલર જૉઇન્ટ સમૂહ બને છે."
"મોં ખોલવામાં આવે છે ત્યારે નીચેનું હાડકું થોડું સરકે છે. મોંને વધારે પહોળું ખોલવામાં આવે ત્યારે નીચેનું હાડકું તથા ડિસ્ક થોડાં આગળ ખસે છે અને એમિનન્સ નામની સ્ટોપરને સ્પર્શે ત્યાં સુધી આગળ વધે છે. કેટલાક કિસ્સામાં આ હાડકું તથા ડિસ્ક સ્ટોપરની આગળ પહોંચી જાય છે અને પૂર્વવત્ થઈ શકતાં નથી."
"તેને અમે ટેમ્પોરોમેન્ડિબ્યુલર જૉઇન્ટ ડિસ્લોકેશન કહીએ છીએ. તે સામાન્ય રીતે બંને બાજુએ થાય છે. તેનું મુખ્યત્વે મોં વધુ પડતું પહોળું કરવાથી થાય છે," એમ ડૉ. બાલાચંદરે કહ્યુ હતું.
આ સમસ્યાની તબીબી સારવાર શું છે?
આ સમસ્યાની સારવાર પદ્ધતિ સમજાવતાં ડૉ. બાલાચંદરે કહ્યું હતું, "આ સમસ્યાનો ભોગ બનેલી વ્યક્તિના દાંતની વચ્ચે સોફ્ટ ગોઝ પીસ મૂકવામાં આવે છે અને તેને ધીમેથી ચાવવાનું વ્યક્તિને કહેવામાં આવે છે. એ સમયે ડૉક્ટર જડબાને સહેજ ઉપર અને પાછળની તરફ પૂર્વસ્થિતિમાં ધકેલી દે છે. કેટલીક વાર ડૉક્ટર પોતાની આંગળી પર જાળીવાળો પાટો લપેટે છે અને નીચલા જડબાનાં હાડકાં તથા ડિસ્કને ધીમેથી દબાવીને તેને સામાન્ય સ્થિતિમાં લાવે છે."
ઑર્થોપેડિક નિષ્ણાત ડૉ. કાર્તિકના મતાનુસાર, "ટીએમજે ડિસ્લોકેશન માનવ શરીરમાંના સાંધાઓના સૌથી દુર્લભ ડિસ્લોકેશન પૈકીનું એક છે. ખભાના સાંધાના ડિસ્લોકેશનની સમસ્યા સામાન્ય છે. એ પછીના ક્રમે કોણી અને આંગળીના સાંધાનું ડિસ્લોકેશન આવે છે. ટીએમજી ડિસ્લોકેશન દુર્લભ છે. તે સામાન્ય રીતે અકસ્માતો દરમિયાન કે રમતી વખતે થાય છે."
ઉદાહરણ આપતાં તેમણે ઉમેર્યું હતું, "એક માણસે એક જ વારમાં આખું પાન ખાવાનો પ્રયાસ કર્યો હતો અને પછી ખુદનું મોં બંધ કરી શક્યો ન હતો. મેં ફક્ત મારી આંગળી તેના મોંમાં મૂકીને જડબાનાં હાડકાંને પૂર્વવત કર્યાં હતાં. તે એક મિનિટમાં નૉર્મલ થઈ ગયો હતો. આવા કિસ્સાઓ દુર્લભ હોય છે, પરંતુ અચાનક બને છે. તેથી આવો અનુભવ પહેલી વાર થયો હોય તેવા લોકો ડરી જાય છે."
નજીકમાં ડૉક્ટર ન હોય તો શું કરવું?
ડૉ. બાલાચંદર સલાહ આપે છે કે જે લોકોને વારંવાર બગાસાં કે છીંક આવતી હોય તેમણે તેમનું મોં વધારે પડતું પહોળું ન થઈ જાય એટલા માટે તેમના નીચલા જડબાને હળવેથી આધાર આપવો જોઈએ. મોં વધુ પહોળું કરવાનું ટાળવું જોઈએ. વાંસળી અને સેક્સોફોન જેવાં વાદ્યોના વાદકોએ પણ સાવચેત રહેવું જોઈએ.
તેમણે ઉમેર્યું હતું, "આ કોઈ ગંભીર સમસ્યા નથી, પરંતુ આવું વારંવાર થાય તો દંત ચિકિત્સકની સલાહ લેવી જોઈએ. ડૉક્ટર તાત્કાલિક ઉપલબ્ધ ન હોય તો તમારો અંગૂઠો નીચલા જડબા પર અને આંગળીઓ ગાલ પર રાખીને નીચલા જડબાને ધીમેધીમે નીચે ખેંચવું જોઈએ."
તેમના કહેવા મુજબ, "કેટલાક લોકો ગભરાઈ જાય છે. તેનાથી શ્વાસ લેવામાં તકલીફ સર્જાઈ શકે છે, પરંતુ તે ખતરનાક નથી. ગભરાવું નહીં. આવું વારંવાર બને તો તબીબી સારવાર જરૂરી બની જાય છે."
અન્ય પ્રકારના ડિસ્લોકેશન
ડૉ. કાર્તિકના જણાવ્યા મુજબ, ટીએમજે જેવા નેચરલ ડિસ્લોકેશન સિવાયના અન્ય ડિસ્લોકેશન અકસ્માતો અથવા રમતગમતને કારણે થાય છે.
તેમણે કહ્યું હતું, "ખાસ કરીને વધુ વજન ધરાવતી સ્ત્રીઓના ઘૂંટણમાં ડિસ્લોકેશન વધુ સામાન્ય છે. વજનદાર સ્ત્રીઓનાં હિપ બૉન્સ વધારે પહોળાં હોય છે. તેથી ઘૂંટણનો ઉપરનો ભાગ આસાનીથી સરકી જાય છે."
"મોટા ભાગે કસરત ન કરતી હોય તેવી સ્ત્રીઓને આ સમસ્યા સર્જાય છે. તેનું નિરાકરણ ઘણી વાર આપમેળે થઈ જાય છે, પરંતુ તે ક્ષણિક પીડાનું કારણ જરૂર બને છે. પગ, થાપા અથવા ખભાના ડિસ્લોકેશનના નિરાકરણ માટે સામાન્ય રીતે એનેસ્થેસિયાની જરૂર પડે છે. આંગળીઓમાં ડિસ્લોકેશન થાય ત્યારે લોકલ એનેસ્થેસિયાનો ઉપયોગ કરવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે ઇન્જેક્શનને કારણે થતો દુખાવો ઘણી વાર સાંધાને પૂર્વવત્ કરવાથી થતા દુખાવા કરતાં વધારે તીવ્ર હોય છે," એમ ડૉ. કાર્તિકે કહ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન