You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મજૂરે અકસ્માતમાં બંને હાથ ગુમાવ્યા, મહિલા ડૉક્ટરોએ કપાયેલા ડાબા હાથમાંથી જમણો હાથ કેવી રીતે બનાવી દીધો?
આ અહેવાલની કેટલીક વિગતો વાચકને વિચલિત કરી શકે છે.
ચેન્નાઈની રાજીવ ગાંધી ગવર્નમેન્ટ હૉસ્પિટલમાં ઉત્તર ભારતના એક મજૂર પર દુર્લભ સર્જરી કરાઈ છે.
ટ્રેન અકસ્માતને કારણે આ મજૂરે બંને હાથ ગુમાવવા પડ્યા હતા અને તેમના ડાબા હાથનો અમુક ભાગ તેમના જમણા હાથમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાની આ સર્જરી હતી. જે સફળતાપૂર્વક પાર પડી હતી.
ડૉક્ટરોનું કહેવું છે કે ભારતમાં આવી હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી ખૂબ જ દુર્લભ છે.
બિહારના આ મજૂર સાથે શું બન્યું હતું?
બિહારના 28 વર્ષીય યુવાન ચેન્નાઈમાં છૂટક મજૂરી કરતા હતા. 26 સપ્ટેમ્બરના રોજ ચેન્નાઈમાં પુંગકાનગર રેલવે સ્ટેશન નજીક પાટા ઓળંગવાનો પ્રયાસ કરતી વખતે તેમને અકસ્માત નડ્યો હતો.
અકસ્માતમાં તેમના બંને હાથ પર ગંભીર ઈજા થઈ હતી. ડાબા હાથની વાત કરીએ તો એ ખભાથી કોણી સુધી ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે જમણા હાથની હથેળી સુધી ઈજા થઈ હતી.
તેમને ખૂબ ગંભીર અવસ્થામાં નજીકની રાજીવ ગાંધી ગવર્નમેન્ટ હૉસ્પિટલમાં દાખલ કરાયા. આ સ્થિતિમાં તેમની સારવાર અંગે ચર્ચા થઈ.
તેમનો ડાબો હાથ તો ખભાની નીચેથી હથેળી સુધી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેથી એ વાત સમજાઈ ગઈ હતી કે તેમનો ડાબો હાથ નહીં બચાવી શકાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, હથેળીની આસપાસના ભાગ ઠીક હતા. અને જમણો હાથ હથેળી સુધી ઈજાગ્રસ્ત હતો.
ડૉક્ટરોનો નિર્ણય
રાજીવ ગાંધી ગવર્નમેન્ટ હૉસ્પિટલ ખાતે ટ્રાન્સપ્લાન્ટ સર્જરી ડિપાર્ટમેન્ટનાં પ્રમુખ પ્રોફેસર ડૉ. પી. રાજેશ્વરી કહે છે કે, "અમે નિર્ણય કર્યો કે અમે તેના હાથનો કેટલોક ભાગ ફરી ઉપયોગી બની શકે તેવું કરી શકીએ. તેથી અમે ક્રૉસ હેન્ડ રિપ્લાન્ટેશન કરવાનું ઠરાવ્યું. જેમાં ડાબા હાથની હથેળી નીચેનો જમણા હાથમાં જોડવાનો હતો."
આમ તો માત્ર રાજીવ ગાંધી ગવર્નમેન્ટ હૉસ્પિટલમાં જ નહીં, પરંતુ ઘણી હૉસ્પિટલોમાં કપાયેલા હાથ અને આંગળીઓ ફરી જોડવાની સર્જરીઓ અગાઉ થઈ ચૂકી છે. જોકે, હાથ જોડવાની સર્જરી એ દુર્લભ કિસ્સો છે. ડૉક્ટરોને લાગ્યું કે જો આ વ્યક્તિનો એક હાથ બચાવી લેવાય તો એ પોતાનાં રોજિંદાં કામો સ્વતંત્રપણે કરી શકશે, આ વિચાર સાથે તેમણે આ જટિલ અને પડકારજનક સર્જરી કરવાનો નિર્ણય કર્યો.
ડૉ. રાજેશ્વરીના વડપણવાળી આ ટીમમાં ડૉ. રાશીદા બેગમ, ડૉ. વીએસ વલારમથી, ડૉ. વી. સ્વેથા, ડૉ. શોનુ, ડૉ. અન્નાપુરની, ડૉ. સંતોષિની અને ડૉ. જી. શણમુગપ્રિયા સામેલ હતાં. આ ડૉક્ટરોએ મળીને સર્જરીની શરૂઆત કરી. આ સર્જરી દસ કલાક સુધી ચાલી. સર્જરી દરમિયાન હાડકાંના માળખાનો સુધારો, માંસપેશીઓની મેળવણી, ચેતા અને લોહીની નસો જોડવા જેવાં જટિલ કામો કરાયાં.
ડૉ. પી. રાજેશ્વરીએ કહ્યું, "લોહીની નસો ફરી બનાવતાં જ ટ્રાન્સપ્લાન્ટ કરાયેલો હાથ જીવિત થઈ ગયો."
આખા વિશ્વમાં કપાયેલા હાથને બીજા હાથ સાથે જોડવાની સર્જરી ખૂબ જ દુર્લભ છે, અને ખાસ કરીને ભારતમાં તો એ ઓછી જ થાય છે.
કપાયેલા હાથને જોડવાની સર્જરી ખૂબ જ જટિલ ઑપરેશન છે. પરંતુ તેના કરતાં પણ આવી હેન્ડ રિપ્લેસમેન્ટ સર્જરી જટિલ હોય છે.
ઑપરેશન કરનારાં ડૉક્ટર્સ કહે છે, "આનું કારણ એ છે કે ડાબા હાથની આંગળીઓનું માળખું જમણા હાથ કરતાં સાવ અલગ હોય છે. મગજને આ સમજવામાં અમુક દિવસનો સમય લાગે છે. મગજ આ સમજે એ માટે દર્દીએ કાચની સામે ઊભા રહીને પ્રૅક્ટિસ કરવાની હોય છે."
હવે સર્જરી કરાયાને 18 દિવસનો સમય વીતી ચૂક્યો છે. હવે ઑપરેશન કરીને સજીવન કરાયેલા હાથને ફરી કામ કરતા કેટલો સમય લાગશે?
પી. રાજેશ્વરીએ કહ્યું, "આ ઈજા અમુક દિવસોમાં ભરાઈ જશે. ચેતાતંત્રનું પુનરોદ્ભવ એક કલાકમાં એક મિલિમિટરના દરે થાય છે. જેથી દર્દી તેની ઇચ્છા પ્રમાણે આંગળીઓ હલાવી શકે."
દર્દીને હવે ઇન્ટેન્સિવ કેર યુનિટમાંથી જનરલ વૉર્ડમાં મોકલી અપાયા છે.
ડૉક્ટરો કહે છે કે, "હવે જમણા હાથમાં લોહીનું પરિભ્રમણ સારું છે અને સુધારો પણ છે. હાથનો સંપૂર્ણ ઉપયોગ હાંસલ કરવા માટે શારીરિક અને માનસિક પુન: તાલીમની આવશ્યકતા રહેશે."
આ પડકારજનક સર્જરીની એક ધ્યાનાકર્ષક બાબત છે. એ એ કે આ સર્જરી કરનાર તમામ ડૉક્ટર્સ મહિલા હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન