એઆર રહમાને બીબીસી ઇન્ટરવ્યૂ બાદ ઊભા થયેલા વિવાદ અંગે નિવદેન બહાર પાડી શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ભારતીય સંગીતકાર અને ગાયકે બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂ બાદ વિવાદ ઊભો થયો છે, ત્યારે રહમાને કહ્યું કે તેમને ભારતીય હોવા ઉપર ગર્વ છે.

રહમાને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામ ઉપર એક વીડિયો મૂક્યો, જેમાં તેમણે અનેક વાતો કહી હતી. જેમાં તેમણે બોલીવૂડમાં તેમને કામ ન મળવા વિશે તથા ભેદભાવ વિશે ટિપ્પણી કરી હતી.

એઆર રહમાને કહ્યું, "મારા માટે સંગીત હંમેશાં કલ્ચરને કનેક્ટ કરવાનું, તેને સેલિબ્રેટ કરવાનું અને સન્માન આપવાનું માધ્યમ છે. ભારત મારી પ્રેરણા, મારા ગુરુ અને મારું ઘર છે."

રહમાને કહ્યું, "મને લાગે છે કે ક્યારેક કોઈકની નિયતને ખોટી સમજી લેવાય છે, પરંતુ મારો હેતુ હંમેશાંથી સંગીત મારફત સન્માન આપવાનો તથા સેવાભાવનો રહ્યો છે."

"મારી ઇચ્છા ક્યારેય કોઈને દુઃખ પહોંચાડવાની નથી રહી તથા મને આશા છે કે મારી ઇમાનદારી અનુભાવશે."

રહમાને કહ્યું, "મને ભારતીય હોવાનો ગર્વ છે, કારણ કે આ ઓળખ મને મારી વાત રજૂ કરવાની તક આપે છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે તથા ભિન્ન-ભિન્ન સંસ્કૃતિઓનો અવાજ સાંભળે છે."

એઆર રહેમાને અલગ-અલગ સંસ્કૃતિઓ સાથે જોડાયેલા પોતાના સંગીતનાં કામોને યાદ કર્યાં અને કહ્યું કે આ બધાએ તેમના ધ્યેયને મજબૂત કર્યું છે.

આર્ટેમિસ મિશનના ક્રૂએ ચંદ્ર ઉપર જતાં પહેલાં શું કહ્યું?

નાસાનું 'આર્ટેમિસ ટૂ' મિશન લૉન્ચ થવાની તૈયારીમાં છે. ત્યારે આ મિશન સંદર્ભે પ્રેસ કૉન્ફરન્સ યોજવામાં આવી હતા, જેમાં ચાલકદળનાં સભ્યોએ કહ્યું હતું કે તેઓ 'જવા માટે તૈયાર છે.'

મિશનના કમાન્ડર રીડ વાઇસમૅન, પાઇલટ વિક્ટર ગ્લોવર, મિશન નિષ્ણાત ક્રિસ્ટિના કોચ અને કૅનેડાની સ્પેસ એજન્સીના નિષ્ણાત જેરેમી હૅનસેન એમ કુલ ચાર સભ્યો ચંદ્ર ઉપર જશે.

રીડ વાઇસમૅને કહ્યું કે ચાલકદળ 'જવા માટે તૈયાર છે.' તેમણે કહ્યું કે બે વર્ષ કરતાં વધુ સમયથી ચાલકદળ આ મિશન ઉપર કામ કરી રહ્યું છે.

ક્રિસ્ટિના કોચે કહ્યું હતું કે આ મિશનનો મૂળ હેતુ "સંશોધન અને જ્ઞાનને ધરતી ઉપર પરત લાવવાનો છે."

પાઇલટ વિક્ટર ગ્લોવર 10 દિવસના મિશન માટે પોતાની સાથે બાઇબલ તથા "પોતાનાં પત્ની અને પુત્રી સાથે સંબંધિત વસ્તુઓ" લઈ જશે. જ્યારે જેરેમી હૅન્સન 'ફૉર મૂન પેન્ડન્ટ' લઈ જશે.

એવું માનવામાં આવે છે કે તા. છઠ્ઠી ફેબ્રુઆરીના આ મિશન રવાના થશે, જોકે, નાસાએ અનેક તારીખોના વિકલ્પ નક્કી કર્યા છે.

ડિસેમ્બર-1972માં અપોલો-17ના લૅન્ડિંગ બાદ ચંદ્ર સુધી પહોંચનારું આ પ્રથમ માનવ મિશન હશે. જોકે, આર્ટેમિસ-ટૂની ચંદ્ર ઉપર લૅન્ડિંગ માટેની યોજના નથી.

આ મિશન આર્ટેમિસ-થ્રી મારફત અંતરીક્ષયાત્રીઓ ચંદ્ર ઉપર લૅન્ડિંગ કરી શકે તે માટે જરૂરી અભ્યાસ કરશે. નાસાનું કહેવું છે કે આ લૅન્ડિંગ "વર્ષ 2027 પહેલાં" નહીં થાય.

ઉલ્લેખનીય છે કે ભારત, યુરોપીયન સંઘ, રશિયા અને ચીન સહિત અનેક દેશો ચંદ્રની ધરતી ઉપર પગ મૂકવાની મહત્ત્વકાંક્ષા ધરાવે છે.

ગ્રીનલૅન્ડ મુદ્દે અમેરિકાએ યુરોપિયન દેશો ઉપર ટેરિફ લાદ્યા, આ રાષ્ટ્રોના નેતાઓએ શું કહ્યું ?

ગ્રીનલૅન્ડ ઉપર કબજો કરવાના અમેરિકાના ઇરાદાનો વિરોધ કરનારા આઠ દેશો ઉપર અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે ટેરિફ લાદ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, ડેનમાર્ક, નૉર્વે, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, યુકે, નૅધરલૅન્ડ અને ફિનલૅન્ડથી અમેરિકામાં નિકાસ થતાં સામાન ઉપર 10 ટકા ટેરિફ લાદવામાં આવશે, જે પહેલી ફેબ્રુઆરીથી અમલમાં આવશે.

આ સાથે જ અમેરિકાએ ચીમકી ઉચ્ચારી છે કે જો કોઈ ડીલ ન થઈ, તો ટેરિફની ટકાવારી વધારીને 25 ટકા કરી દેવામાં આવશે.

યુકેના વડા પ્રધાન કેઅર સ્ટાર્મરે આ પગલાને "સદંતર ખોટું" જણાવ્યું છે, જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મૈક્રોને તેને "અસ્વીકાર્ય" કહ્યું છે. જ્યારે સ્વીડનના વડા પ્રધાને કહ્યું છે કે તેમનો દેશ બ્લૅકમેઇલ સામે ઝૂકશે નહીં.

ડેનમાર્કના વિદેશ મંત્રીએ અમેરિકાના પગલાને આશ્ચર્યજનક ગણાવ્યું હતું, જ્યારે યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષે કહ્યું હતું કે "યુરોપિયન કાઉન્સિલ આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન થાય, તેના માટે પ્રતિબદ્ધ છે. જેની શરૂઆત યુરોપિયન યુનિયનના સભ્ય દેશોથી થાય છે."

અમેરિકાનું કહેવું છે કે તેની સુરક્ષા માટે ગ્રીનલૅન્ડ ઉપર કબજો અનિવાર્ય છે અને સૈન્ય કાર્યવાહીની શક્યતાને પણ નકારી નથી. ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પ્લૅટફૉર્મ ઉપર લખ્યું, આ દેશો ખૂબ જ "ભયાનક રમત" રમી રહ્યા હતા. ટ્રમ્પે લખ્યું કે "આ ગ્રહની સલામતી, સુરક્ષા અને અસ્તિત્વ માટે આમ કરવું જરૂરી છે."

બીજી બાજુ, અમેરિકાના સ્પીકર માઇક જૉન્સને બીબીસી સાથેના ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે "ડિપ્લોમેટિક ચેનલ જ આગળ વધવા માટેનો એકમાત્ર રસ્તો છે."

અમેરિકાના ઇરાદા સામે શનિવારે ગ્રીનલૅન્ડ અને ડેનમાર્કમાં હજારો લોકો રસ્તા ઉપર ઊતર્યા હતા.

ગ્રીનલૅન્ડ એ ડેનમાર્કને અધીન અર્ધ-સ્વાયત્ત ક્ષેત્ર છે.

ડેનમાર્ક સિવાયના સાત દેશોએ તેમની "આગોતરી માહિતી મેળવવા માટેની" સૈન્ય ટુકડીઓને ગ્રીનલૅન્ડ મોકલી છે.

અમેરિકાનાં ઠેકાણાં ઉપર હુમલા વિશે ઈરાને શું કહ્યું?

ઈરાન દ્વારા મધ્યપૂર્વ એશિયામાં અમેરિકન સૈન્યઠેકાણાં ઉપર હુમલા કરવા માટે તૈયારી હાથ ધરવામાં આવી છે, એવા અહેવાલોને ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકઈએ નકારી કાઢ્યા છે.

બીબીસીની પર્શિયન સર્વિસના જણાવ્યા પ્રમાણે, બકઈએ આવા અહેવાલોને "આ ભૂભાગને ઉશ્કેરવાની અમેરિકાની નીતિ" ગણાવી હતી.

બકઈએ કહ્યું હતું, "કોઈપણ આક્રમક પગલાંનો ઈરાન પૂરી શક્તિ સાથે જવાબ આપશે, એ સ્પષ્ટ છે."

અમેરિકાના વિદેશ મંત્રાલયના ફારસી પેજ ઉપર ઈરાન દ્વારા અમેરિકાનાં સૈન્યમથકો ઉપર હુમલા કરવાની તૈયારી કરવામાં આવી રહી હોવાની વાત કહેવામાં આવી હતી, સાથે જ આવી રમત નહીં કરવા ચેતવણી ઉચ્ચારી હતી.

બીજી બાજુ, ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતોલ્લાહ ખામેનેઈએ શનિવારે સાર્વજનિક રીતે સ્વીકાર્યું હતું કે તાજેતરનાં વિરોધપ્રદર્શનો દરમિયાન હજારો લોકો "અમાનવીય અને ક્રૂર" મોત મર્યા હતા.

તેમણે આ મૃત્યુ તથા નુકસાન માટે અમેરિકા અને ઇઝરાયલ સાથે સંકળાયેલા તત્ત્વોને જવાબદાર ઠેરવ્યા હતા.

ઈરાનમાં હજુ ઇન્ટરનેટ ચાલી રહ્યું નથી થયું અને કેટલાક સ્વૈચ્છિક સંગઠનો મરણાંક ત્રણ હજાર 100 આસપાસ હોવાનું જણાવે છે.

ગર્ભવતી મહિલાઓ પેરાસિટામોલ લઈ શકે ? અભ્યાસમાં શું બહાર આવ્યું?

લૅન્સેટ જનરલમાં નિષ્ણાતોએ એક શોધપત્ર પ્રકાશિત કર્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન પેરાસિટામોલ લઈ શકે છે અને તેનાથી બાળકોમાં ઑટિઝમ, એડીએચડી કે વિકાસસંબંધિત અન્ય સમસ્યાઓનું જોખમ વધે છે, તેવા કોઈ પુરાવા નથી.

જાણકારોનું કહેવું છે કે, આ નિષ્કર્ષો બાદ સગર્ભા મહિલાઓએ 'આશ્વસ્તી અનુભવવી જોઈએ.' આ શોધ સઘન વૈજ્ઞાનિક પરિમાણો ઉપર આધારિત છે અને તે સલામત છે કે કેમ, તેના વિશેની ચર્ચા સમાપ્ત થઈ જવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે પેરાસિટામોલ "બરાબર નથી" અને સગર્ભા મહિલાઓએ તેને ન લેવા માટે "પૂરી તાકત સાથે લડવું જોઈએ."

એ સમયે વિશ્વભરના મેડિકલ સંગઠનોએ તેની ટીકા કરી હતી.

જોકે, અમેરિકાના આરોગ્યવિભાગના અધિકારીઓનું કહેવું છે કે ગર્ભાવસ્થા દરમિયાન પેરાસિમાટોલ લેવા વિશે "અનેક નિષ્ણાતો"એ ચિંતા વ્યક્ત કરી છે.

પેરાસિટામોલ કે ટાઇલેનૉલ જેવી દવાઓને સગર્ભા મહિલાઓ માટે વિશ્વસનીય દર્દશામક માનવામાં આવે છે.

જોકે, ટ્રમ્પ સરકારે દાવો કર્યો હતો કે ગર્ભાવસ્થા દરમિયાન તેને લેવાથી બાળકોમાં ઑટિઝમ માટે કારણભૂત હોય શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન