You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુંબઈ : 'બુલેટ ટ્રેનના કામને લીધે ઘરોમાં તિરાડો પડી, મને ઘરમાં ઊંઘતાં બાળકોની ચિંતા છે'
- લેેખક, દીપાલી જગતાપ
- પદ, બીબીસી સંવાદદાતા
મુંબઈ નજીકના પાલઘર જિલ્લાના જલસાર વિસ્તારના કેટલાક રહેવાસીઓ હાલ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. ક્યારેક તેમના ઘરની બારીઓ જોરથી ખખડે છે, તો ક્યારેક દરવાજા ખખડે છે.
ક્યારેક છત પરનાં પતરાં ખખડે છે, ક્યારેક પંખો આપમેળે હલવા લાગે છે. આ જ કારણસર અહીંના રહેવાસીઓની ઊંઘ હાલ હરામ થઈ ગઈ છે.
એટલું જ નહીં. અહીંનાં કેટલાંક ઘરોમાં તિરાડો પણ પડી ગઈ છે. કેટલીક દીવાલોમાં મોટી તિરાડો પડી છે. કેટલાકને ડર છે કે તેમનાં ઘર ગમે ત્યારે તૂટી પડશે.
અમે જલસાર ગ્રામપંચાયત હેઠળના કરઈપાડા વિસ્તારમાં પહોંચ્યા, ત્યારે અહીંના રહેવાસીઓએ તેમના અનુભવ વર્ણવ્યા હતા.
આ વિસ્તારમાં બુલેટ ટ્રેન માટે ટનલનું કામ ચાલી રહ્યું છે અને એ માટે કરાતા વિસ્ફોટને લીધે આ પરિસ્થિતિ સર્જાઈ છે. ગ્રામજનો તેમના ઘરને નુકસાન થયાની ફરિયાદ કરી રહ્યા છે.
'દીવાલ પડશે તો જીવ જઈ શકે છે'
જલસાર ગ્રામપંચાયતમાં પાંચથી છ પાડા એટલે કે રહેણાક વિસ્તારો છે. અમે કરઈપાડામાંના કૈલાસ પાટીલના ઘરે પહોંચ્યા હતા. ઘરના પ્રવેશદ્વાર પાસે લોખંડના થાંભલા લગાવવામાં આવ્યા છે. આજુબાજુ કેટલીક તિરાડો જોવા મળે છે.
ઘરની અંદર ઘણી જગ્યાએ દીવાલોમાં તિરાડો પડી ગઈ છે. કેટલીક જગ્યાએ તિરાડો એટલી ઊંડી છે કે તેમાંથી આરપાર જોઈ શકાય છે.
કૈલાસ પાટીલ મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. તેમનાં પત્ની સ્વપ્નાલી મુંબઈના દાદરમાં શાકભાજી વેચવા જાય છે. તેમનો આઠ વર્ષનો દીકરો ઘરે દાદી સાથે રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્વપ્નાલીનાં કહેવા મુજબ, અમે રોજ ભય સાથે ઘરની બહાર નીકળીએ છીએ અને અવાજ થાય તો અમારો દીકરો ઘરની બહાર દોડી જાય છે. એટલું જ નહીં, અવાજ એટલો જોરથી આવે છે કે સૂતેલી વ્યક્તિ પણ જાગી જાય છે.
બીબીસી સાથે વાત કરતાં સ્વપ્નાલી કહે છે, "સૂતેલો માણસ જાગી જાય એટલો જોરથી અવાજ આવે છે. તમે પલંગ પર સૂતા હો તો પલંગ ધ્રૂજી જાય એટલા જોરથી વિસ્ફોટ થાય છે."
"ક્યારેક રાત્રે તો ક્યારેક બપોરે તો ક્યારેક રાત્રે. તેનો કોઈ સમય હોતો નથી. અમારો આઠ વર્ષનો દીકરો એટલો ગભરાઈ જાય છે કે ઘરની બહાર દોડી જાય છે."
આ ભય માત્ર નથી. ઘરને પણ નુકસાન થાય છે. તેથી એ માટે સંપૂર્ણ વળતરની માગણી તેઓ કરે છે.
સ્વપ્નાલી કહે છે, "બુલેટ ટ્રેનનું કામ શરૂ થયું ત્યારથી વિસ્ફોટો કરાઈ રહ્યા છે. તેનાથી ઘરમાં તિરાડો પડી ગઈ છે. ટાઇલ્સ તૂટી ગઈ છે. ઘર તૂટી પડવાની શક્યતા છે. અમે પોલીસમાં ફરિયાદ કરી એ પછી આ (લોખંડના થાંભલા) નાખ્યા છે."
"મારાં સાસુ ઘરમાં રહે છે. અમારો નાનો દીકરો છે. અમે બંને કામ પર જઈએ છીએ. કશુંક પડશે ત્યારે કેટલું નુકસાન થશે તેની કલ્પના કરી શકાતી નથી. અમે કામ પર જઈએ છીએ ત્યારે બહુ ગભરાટ થાય છે."
"વિસ્ફોટ થશે અને દીવાલ પડી જશે તો કેટલું નુકસાન થશે? છત પડશે તો કોઈકનો જીવ જઈ શકે છે."
જલસાર ગ્રામ પંચાયત હેઠળ કેટલાક આદિવાસી પાડાઓ પણ છે. અમે ત્યાં ગયા ત્યારે અમારી મુલાકાત બાવન વર્ષના સુંદર પિતામ્બર ઘોદડે સાથે થઈ હતી.
સુંદર ઘોદડેના કહેવા મુજબ, છેલ્લા કેટલાક મહિનાથી આવતા મોટા અવાજને કારણે તેઓ પરેશાન છે. તેમણે તેમના ઘરમાં અને ટાઇલ્સમાં પડેલી તિરાડો દેખાડી હતી.
બાળકો મજૂરી કરીને ગુજરાન ચલાવે છે, ત્યારે આ નુકસાન અમે કેવી રીતે ભરપાઈ કરીશું? એવો સવાલ તેમણે કર્યો હતો.
તેમણે રોષપૂર્વક જણાવ્યું હતું કે પ્રોજેક્ટ ભલે ગમે તે ચાલતો હોય, પરંતુ નુકસાન અમારું જ થાય છે.
સુંદર ઘોદડે કહે છે, "અમારા ઘરમાં તિરાડો પડી છે. કડપ્પા ટાઇલ્સમાં પણ ઠેકઠેકાણે તિરાડો પડી છે. ટાઇલ્સ ફાટી ગઈ છે. અમે તેનું સમારકામ કેવી રીતે કરીશું? અમારી પાસે એટલા પૈસા હોવા જોઈએને?"
"મારાં સંતાનો થોડું કામ કરીને ગુજરાન ચલાવે છે. તેઓ પોતાના ખર્ચે સમારકામ કેવી રીતે કરશે? અમારા ઘરને નુકસાન થયું છે. તે કેવી રીતે ફરી સુંદર બનાવીશું?"
અવાજ ડરામણો હોય છે, એમ કહેતાં તેઓ ઉમેરે છે, "જોરથી, ધડાકા જેવો અવાજ આવે છે. ઊંઘતા હોઈએ ત્યારે પણ આવે છે. તેઓ ગમે ત્યારે વિસ્ફોટ કરે છે. અમે ગ્રામપંચાયતને જણાવ્યું હતું, પરંતુ સર્વેક્ષણ કરવા કોઈ આવ્યું નથી."
વારંવાર વિનંતી કરવા છતાં અમારા ઘરનો સર્વે થયો નથી અને અહીં કોઈ ફરક્યું નથી, એવી ફરિયાદ સુંદરે કરી હતી.
તેઓ ઉમેરે છે, "સર્વે માટે અમને કહેવામાં આવ્યું ત્યારથી કોઈ આવ્યું જ નથી. અમારા ઘરમાં આટલાં વર્ષો સુધી ક્યારેય તિરાડો પડી નથી. અમને ડર લાગે છે."
"બાળકો ઊંઘતા હશે ત્યારે કોઈના પર દીવાલ તૂટી પડશે તો અમે શું કરીશું? આ પ્રોજેક્ટથી અમને શું ફાયદો? નુકસાન કરી રહ્યા છે ત્યારે ફાયદો ક્યાં થવાનો?"
'અમને ચેતવણી કે નોટિસ આપવામાં આવી નથી'
પહેલો વિસ્ફોટ 24 ડિસેમ્બરે કોઈ ચેતવણી આપ્યા વિના કરવામાં આવ્યો હતો અને કેટલાકને ભૂકંપ જેવો અનુભવ થયો હોવાનું હરીશચંદ્ર ઘરત જણાવે છે.
તેઓ જલસાર ગ્રામપંચાયતના દારશેત પાડામાં રહે છે. તેઓ ખેડૂત છે અને મરઘા પાલનનો વ્યવસાય પણ કરે છે.
હરીશચંદ્રે અમને એક વીડિયો દેખાડ્યો હતો. તેમના ઘરની બારીઓ અવાજને કારણે ધ્રૂજતી હોવાનો એ વીડિયો તેમણે રેકૉર્ડ કર્યો હતો.
હરીશચંદ્ર ઘરત કહે છે, "અમારા વિસ્તારમાં બુલેટ ટ્રેનનો એક મોટો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. ગામલોકોને કોઈ સૂચના આપ્યા વિના 24 ડિસેમ્બરે પહેલો વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. ગ્રામપંચાયત કે લોકો તેના વિશે કશું જાણતા ન હતા."
"વિસ્ફોટની તીવ્રતા એટલી હતી કે ઘણા લોકોને ભૂકંપ થયો હોય તેવું લાગ્યું હતું. મારા નાની દીકરી ઘરમાં હતી. તે ચીસો પાડતાં જાગી ગઈ હતી. ભૂકંપ થયો છે કે નહીં, તેની તપાસ કરી ત્યારે ગ્રામપંચાયતે જણાવ્યું હતું કે વિસ્ફોટ કરવામાં આવ્યો છે."
હરીશચંદ્ર ઘરત ઉમેરે છે, "પોલીસ સ્ટેશન, પ્રાંત અને ડીવાયએસપી બધાને જણાવવામાં આવ્યું હતું."
છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘરોની દીવાલોમાં તિરાડો પડી હોવાની ફરિયાદ તેમણે પણ કરી હતી.
હરીશચંદ્ર ઘરત કહે છે, "બ્લાસ્ટ શરૂ થયા ત્યારથી મારા અને અન્યોનાં ઘરોમાં ધીમે ધીમે કરીને મોટી તિરાડો પડી ગઈ છે. ઘરની ટાઇલ્સ તૂટી ગઈ છે. બારીઓ ધ્રૂજે છે. છત ધ્રૂજે છે. છ મહિના થઈ ગયા, પણ કોઈ નિરાકરણ થતું નથી. તમામ ઘરોમાં તિરાડો પડી છે. પાયાને નુકસાન થયું છે."
"વિસ્ફોટની તીવ્રતા એટલી બધી છે કે ઘરો ધ્રૂજી જાય છે. ભીંતો હલબલી જાય છે. બારીઓ ધ્રૂજે છે. એ લોકોએ બ્લાસ્ટ કરતાં પહેલાં કોઈ સૂચના આપી નથી. અહીં બોગદું કરવાનું છે તેથી આ પ્રકારની સમસ્યા સર્જાશે તેની નોટિસ પણ કોઈને આપી નથી. તેઓ ફક્ત એટલું જ કહે છે કે કરીશું. હું ઓછામાં ઓછો 100 વખત તેમની ઑફિસે ગયો છું. 500-550 મીટરનું અંતર છે."
તેમના જણાવ્યા મુજબ, સંબંધિત વ્યવસ્થા કે વહીવટીતંત્રે ગ્રામજનોને વિશ્વાસમાં લઈને આ કામ બાબતે માહિતી આપવી જોઈતી હતી.
હરિશશ્ચંદ્ર ઘરત કહે છે, "અમે તમારા ગામમાં ટનલનું કામ કરી રહ્યા છીએ. તમને તકલીફ થશે અથવા નહીં થાય, પરંતુ ધ્યાનમાં રાખજો, એવી સૂચના અમને આપવી જોઈતી હતી."
'અમારું નુકસાન કરીને વિકાસ કરશો તો લોકો પૂછશે જ'
અમે જલસાર ગ્રામપંચાયતના ઉપસરપંચ વેંકોશ મ્હાત્રેને મળ્યા હતા. બ્લાસ્ટિંગ બાબતે કોઈ સૂચના ન આપવામાં આવી હોવાનું તેમણે પણ જણાવ્યું હતું.
બીબીસી સાથે વાત કરતાં વેંકોશ મ્હાત્રેએ કહ્યું હતું, "ડિસેમ્બરથી બ્લાસ્ટિંગ શરૂ થયું હતું. આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે. મોદીસાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ છે. તેથી ઉત્સાહનું વાતાવરણ હતું, પરંતુ બ્લાસ્ટિંગ શરૂ થયું પછી ગ્રામજનો ફરિયાદ કરવા લાગ્યા હતા."
"બ્લાસ્ટિંગથી ત્રાસ થાય છે. બ્લાસ્ટિંગને કારણે દીવાલોમાં તિરાડો પડવા લાગી. તેથી અમે અનેક વખત તેમની ઑફિસે ગયા હતા. પુરાવા આપ્યા હતા. એ પછી સર્વે પણ કરવામાં આવ્યો હતો, પરંતુ 151ની યાદીમાંથી માત્ર 65ને મંજૂરી આપવામાં આવી છે. તેમને તિરાડોનું વળતર જ આપવામાં આવ્યું છે. તેનો ગ્રામજનોએ વિરોધ કરે છે."
તિરાડો પડી છે ત્યાં જ સમારકામ કરવામાં આવશે, એવું તેમણે જણાવતાં ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે, એવું કહેતાં તેમણે ઉમેર્યું હતું કે ઘરના પાયા હચમચી ગયા છે. એ માટે સર્વેક્ષણની અને નુકસાનના વળતરની પણ અપેક્ષા હતી.
વેંકોશ મ્હાત્રેના જણાવ્યા મુજબ, આ સંદર્ભમાં ગ્રામપંચાયત, જિલ્લા કલેક્ટર કચેરી અને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
વેંકોશ મ્હાત્રેએ કહ્યું હતું, "કોઈનો હાથ તૂટે ત્યારે સાંધાથી સાંધા સુધી સમસ્યા થાય. ઘર પણ એક વખત નબળું પડી જાય કે તેમાં કોઈ સમસ્યા સર્જાય ત્યારે તેની આવરદા ઘટી જાય. એ મુજબ ખાસ વળતર મળ્યું નથી."
"એ પછી અમે પત્રવ્યવહાર કર્યો. બેઠક પણ થઈ. કંપનીએ વચન આપ્યું છે એટલે વળતર આપવું જોઈએ. તેમણે આશ્વાસન આપ્યું છે."
કામ બાબતે કે બ્લાસ્ટ બાબતે કોઈ સૂચના અગાઉથી આપવામાં ન આવી હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું, "અમને વિશ્વાસમાં લેવા જોઈતા હતા. ઘરેઘરે નોટિસ લગાવવી જોઈતી હતી. અમને તેની ખબર ન હતી. બ્લાસ્ટ પછી આવો અવાજ આવે કે ધ્રુજારી થાય અથવા અન્ય કંઈ હોય તો તેમણે અમને નોટિસ આપવી જોઈએ. અમને ત્રણ ચાર વર્ષથી વિશ્વાસમાં લેવા જોઈતા હતા."
વેંકોશ મ્હાત્રેએ ઉમેર્યું હતું, "સરકારી નોકરિયાતોએ 30-40 વર્ષથી ઘર માટે પૈસા રોક્યા છે. ખેતમજૂરોએ પોતાનાં નાનાં-મોટાં ઘર બાંધ્યાં છે. મહેનત કરીને ઘર બાંધ્યાં છે. પછી આ પ્રોજેક્ટ આવ્યો છે."
"અમે પ્રોજેક્ટનો વિરોધ નથી કરતા, પરંતુ અમારું નુકસાન કરીને વિકાસના કામ કરશો તો લોકો સવાલ તો કરશે જ, કારણ કે મારા ઘરને તોડીને વિકાસકાર્ય થવાનું હોય તો એ નહીં થાય."
જંગલી પ્રાણીઓનાં રહેઠાણ પર પણ જોખમ છે?
પાલઘર જિલ્લાના વિવિધ આદિવાસી વિસ્તારોમાં કામ કરતી આદિવાસી સમાજોન્નતિ સેવા સંસ્થાએ અહીંના વન્ય પ્રાણીઓનાં રહેઠાણને પર જોખમ ઊભું કરવાનો મુદ્દો માંડ્યો છે. આ સંદર્ભે સંસ્થાએ વનવિભાગ અને જિલ્લા કલેક્ટર વહીવટીતંત્રને પત્ર પણ લખ્યો છે.
સંસ્થાના પ્રમુખ સાગર સુતારે કહ્યું હતું, "બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આ વિસ્તારમાંથી પસાર થાય છે. ઘણી જગ્યાએ વાહનોના ટ્રાફિક અને ટનલ માટે જે કામ ચાલી રહ્યું છે તેના કારણે પર્યાવરણ, વન્ય જીવન અને પક્ષીઓના કુદરતી આવાસ પર જોખમ સર્જાયું છે.
સ્થાનિક લોકોને ઘર ધ્રૂજી રહ્યાં છે. કેટલાંક ઘર તૂટી ગયાં છે. જાતમહેનત કરીને પેટિયું રળતા આદિવાસીઓ તેમાં રહે છે. તેમના ઘરોના ઑડિટ સંદર્ભે અમે જરૂરી માહિતી એકત્ર કરી રહ્યા છીએ."
સાગર સુતારે ઉમેર્યું હતું, "આસપાસનો વિસ્તાર સંરક્ષિત અને અનામત વનપટ્ટાનો ભાગ છે. તેમાં વિસ્ફોટ થાય છે અને એ વિસ્તારમાં જે વન્ય જીવો રહે છે તેમની દિનચર્યા બદલાઈ ગઈ છે. વન્ય જીવો હવે માનવવસાહતોમાં પ્રવેશ કરી રહ્યા છે."
"એ માટે તેઓ મુખ્ય રસ્તો ઓળંગી રહ્યા છે. એ પરિસ્થિતિમાં જંગલી બિલાડીઓ, શિયાળો અને ડુક્કરો વાહનોની અડફેટે આવીને મૃત્યુ પામ્યાની ઘટનાઓ બની છે. કેટલાક કિસ્સામાં અમે વહીવટીતંત્રના ધ્યાન પર આ બાબત લાવ્યા છીએ."
"જંગલી પ્રાણીઓ રાત્રે શિકાર કરવા નીકળે છે, ત્યારે બ્લાસ્ટ થાય છે. તેથી ડરીને તેઓ સ્થાનિક વસાહતોમાં પ્રવેશે છે. તેમાં જંગલી બિલાડીઓ, શિયાળ અને નાનાં-મોટાં સસલાંનો સમાવેશ થાય છે."
"માણસોને થયેલા નુકસાનની ભરપાઈ સરકાર વળતર આપીને કરશે, પરંતુ પર્યાવરણ અને વન્ય પ્રાણીઓને થયેલા નુકસાનની ભરપાઈ કેવી રીતે કરી શકાશે?" એવો સવાલ તેમણે કર્યો હતો.
વન્ય પ્રાણીઓનાં રહેઠાણની સલામતી બાબતે માહિતી મેળવવા બીબીસીએ વનવિભાગના સંપર્કનો પ્રયાસ કર્યો છે. તેમનો જવાબ મળ્યા પછી આ સ્ટોરી અપડેટ કરવામાં આવશે.
જિલ્લા કલેક્ટર કચેરીએ શું કહ્યું?
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે પાલઘર જિલ્લાના ચાર તાલુકા – વસઈ, દહાણુ, પાલઘર અને તલાસરીમાં કામ ચાલી રહ્યું છે.
પાલઘરના નાયબ જિલ્લા કલેક્ટર તેજસ ચવ્હાણે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, "બુલેટ ટ્રેન માટે ટનલનું કામ ચાલી રહ્યું છે અને કંટ્રોલ્ડ બ્લાસ્ટિંગ માટે પરવાનગી લેવાઈ છે."
"ગ્રામજનો તરફથી ફરિયાદ મળ્યા બાદ અમે બેઠક યોજી હતી. અમે સંબંધિત ખાનગી કંપની અને બુલેટ ટ્રેન વહીવટીતંત્રને પણ જાણ કરી છે. નિરીક્ષણ કરીને અહેવાલ સુપરત કરવા અમે સંબંધિત કંપનીને જણાવ્યું છે. એ ઉપરાંત ક્ષતિગ્રસ્ત ઘરોનું સર્વેક્ષણ 18 ઑગસ્ટથી શરૂ થઈ ગયું છે."
વન્ય પ્રાણીઓ સંબંધે માહિતી મેળવ્યા પછી વધુ વિગત આપીશ, એમ પણ તેમણે જણાવ્યું હતું.
નૅશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડ(એનએચઆરસીએલ)ની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન દેશનો પહેલો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે અને તેની લંબાઈ 508 કિલોમીટર છે.
મુંબઈના બાંદ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ વિસ્તારમાંથી શરૂ થનારી આ ટ્રેન કલાકના 320 કિલોમીટરની ઝડપે દોડશે. તેના થાણે, વિરાર, બોઈસર, વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા તથા અમદાવાદ સહિતનાં દસ શહેરોમાં સ્ટૉપેજ હશે અને છેલ્લું સ્ટૉપ અમદાવાદના સાબરમતી ખાતે હશે.
મર્યાદિત સ્ટૉપેજ સાથેની સમગ્ર મુસાફરીમાં લગભગ બે કલાક અને સાત મિનિટનો સમય લાગશે. આ પ્રોજેક્ટનો કરવેરા સિવાયનો અંદાજે ખર્ચ રૂ. 1,08,000 કરોડ અથવા 17 અબજ ડૉલર છે.
બીબીસીને આપેલા જવાબમાં એનએચઆરસીએલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તિરાડોનું કારણ શોધવા માટે ટેકનિશિયનોની એક ટીમ બનાવવામાં આવી છે.
આ માટે થર્ડ-પાર્ટી ટેકનિશિયનોની નિમણૂંક કરવામાં આવી છે. તેઓ નિરીક્ષણ કરશે અને નુકસાનના કારણ તથા પ્રમાણનું મૂલ્યાંકન કરશે.
તેમના અવલોકનના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલ અસરગ્રસ્ત ઘરોનું સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું છે, એમ પ્રવક્તાએ જણાવ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન