You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી : વિપક્ષના ઉમેદવાર પૂર્વ જજ બી. સુદર્શન રેડ્ડી કોણ છે?
સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીને ઇન્ડિયા ગઠબંધને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની આગેવાનીમાં ઇન્ડિયા ગઠબંધનના વરિષ્ઠ નેતાઓને નવી દિલ્હીમાં પ્રેસ કૉન્ફરન્સ કરીને તેની જાણકારી આપી.
આ દરમિયાન ખડગેએ કહ્યું, "અમે તમામ પાર્ટી સાથે મળીને એક કૉમન ઉમેદવારને આ ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઊભા રાખવાનો નિર્ણય લીધો છે. તમામ પાર્ટી એક થઈને આ ચૂંટણી લડવા તૈયાર છે."
તેમણે કહ્યું, "બી. સુદર્શન રેડ્ડી ભારતના કેટલાક પ્રગતિશીલ ન્યાયાધિશો પૈકીના એક છે."
આ પહેલાં બીજેપીની આગેવાની ધરાવતા એનડીએએ દેશના ઉપરાષ્ટ્રપતિપદ માટે સીપી રાધાકૃષ્ણનના નામનું ઍલાન કર્યું હતું.
જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીના નામનું ઍલાન કરતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું, "જ્યારે પણ બંધારણ અને લોકશાહી જોખમમાં હોય છે ત્યારે વિપક્ષના લોકો એક થઈને અન્યાય સામે લડે છે. તેથી અમે નક્કી કર્યું છે કે આ ચૂંટણીમાં એક સારા ઉમેદવારને મેદાનમાં ઉતારવા. અમે એક કાયદાના નિષ્ણાતને મેદાનમાં ઉતારી રહ્યા છે."
"આપણે સૌ જાણીએ છીએ કે તેઓ કેવી રીતે ગરીબોના સમર્થનમાં ઊભા રહ્યા હતા અને બંધારણનું રક્ષણ કર્યું હતું. આ એક વિચારધારાની લડાઈ છે અને તમામ પાર્ટી એકમત છે તેથી અમે ચૂંટણી લડી રહ્યા છે."
કોણ છે બી. સુદર્શન રેડ્ડી?
જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીનો જન્મ આઠમી જુલાઈ, 1946ના રોજ થયો હતો. તેઓ એલએલબી થયા છે. એક વકીલ તરીકે તેઓ આંધ્ર પ્રદેશ બાર કાઉન્સિલ સાથે 27મી ડિસેમ્બર, 1971થી જોડાયેલા રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે આંધ્ર પ્રદેશ હાઇકોર્ટમાં વકીલ તરીકે પ્રૅક્ટીસ કરી હતી.
1980-90ની વચ્ચે તેમણે હાઇકોર્ટમાં સરકારી વકીલ તરીકે પણ કામ કર્યું હતું.
વર્ષ 1990માં બી. સુદર્શન રેડ્ડીએ કેન્દ્ર સરકાર માટે છ મહિના સુધી ઍડિશનલ સ્ટૅન્ડિંગ કાઉન્સિલ તરીકે પણ કામ કર્યું.
તેઓ ઉસ્માનિયા યુનિવર્સિટીના કાયદાકીય સલાહકાર અને વકીલ પણ રહી ચૂક્યા છે.
2જી મે, 1995થી તેઓ આંધ્ર પ્રદેશ હાઇકોર્ટમાં સ્થાયી જજ નિયુક્ત થયા હતા.
વર્ષ 2005માં તેઓ ગુવાહાટી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા હતા.
ત્યાર બાદ વર્ષ 2007માં તેમને સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા અને વર્ષ 2011માં તેઓ નિવૃત્ત થયા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન