You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Bullet train : ઉદ્ધવ ઠાકરે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને 'સફેદ હાથી' કેમ ગણાવે છે?
- લેેખક, સુરેશ ગવાણિયા
- પદ, બીબીસી ગુજરાતી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતાં અમદાવાદ-મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન મામલે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીના નિવેદનથી ફરી વિવાદ શરૂ થયો છે.
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 'સફેદ હાથી' ગણાવ્યો છે.
તો ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે આ પ્રોજેક્ટને દેશ માટે મહત્ત્વનો ગણાવી તેનાથી બંને રાજ્યોના મુસાફરોને લાભ થશે એમ જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો મહારાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતો વિરોધ કરતાં આવ્યા છે.
બુલેટ ટ્રેન 'સફેદ હાથી' છે
શિવસેનાના મુખપત્ર સામનામાં આપેલા ઇન્ટરવ્યૂમાં મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ બુલેટ ટ્રેનનો મુદ્દો ઉઠાવ્યો હતો.
તેમણે કહ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 'સફેદ હાથી' છે, આનાથી રાજ્યના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે કે કેમ એ વિચાર્યા પછી આગળનો નિર્ણય લેવાશે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે "આ પરિયોજનાથી ખેડૂતો અને આદિવાસીઓનો મોટા પ્રમાણમાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આથી તેના માટે વ્યાપક ચર્ચા થવી જોઈએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"બુલેટ ટ્રેનથી કોને ફાયદો થશે? મહારાષ્ટ્રમાં વેપાર અને ઉદ્યોગોને કેવી રીતે વેગ મળશે? શું આ ઉપયોગી છે? મને ખાતરી આપો અને પછી લોકો પાસે જઈને નક્કી કરીએ કે શું કરવું છે."
તેમણે કહ્યું કે "બુલેટ ટ્રેન વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હોઈ શકે છે, પરંતુ તમે જાગો છે ત્યારે આ સપનું રહેતું નથી. તમારે વાસ્તવિકનો સામનો કરવો જોઈએ."
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીના આ નિવેદન પર ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે મીડિયાને જણાવ્યું કે અમદાવાદ-મુંબઈને જોડતો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ દેશનો સૌથી પહેલો અને ઝડપી પ્રોજેક્ટ છે.
"જાપાન સરકારના સહયોગથી તદ્દન નજીવા વ્યાજદરથી જાપાન સરકારની સંપૂર્ણ મદદથી આ પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે."
"વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું ખાતમુહૂર્ત કર્યા પછી ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ પ્રોજેક્ટ ઘણો આગળ વધી ગયો છે. આ કોઈ રાજ્ય નહીં પણ દેશનો પ્રોજેક્ટ છે. મુંબઈ દેશનું મોટામાં મોટું મહાનગર છે અને મુંબઈ સાથે ગુજરાતનો મોટો વ્યવહાર છે."
"હજારો પ્રવાસીઓ દરરોજ ટ્રેન, વિમાન, રોડ મારફતે ગુજરાત-મુંબઈ વચ્ચે પ્રવાસ કરે છે. આથી લોકોનો સમય બચે અને સરળતા રહે, રેલવે પર ટ્રાફિકનું ભારણ ઓછું થાય એ માટે બુલેટ ટ્રેન રાષ્ટ્રીયકક્ષાએ જરૂરી છે."
નીતિન પટેલે એમ પણ કહ્યું કે "ઉદ્ધવ ઠાકરેએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ચોક્કસ અભ્યાસ કરવો જોઈએ, એમને પણ ચોક્કસ એવું લાગશે કે આ રાજ્યનો નહીં દેશનો પ્રોજેક્ટ છે."
'આટલી મોંઘી ટ્રેનની શું જરૂર છે?'
ઉદ્ધવ ઠાકરેના "સફેદ હાથી"વાળા નિવેદન પર વરિષ્ઠ પત્રકાર હરિ દેસાઈ કહે છે કે હાલના સમયમાં દેશમાં જે ટ્રેનો ચાલી રહી છે તેને સરખી કરવી જોઈએ.
હરિ દેસાઈ કહે છે, "જે ટ્રેનો ચાલે છે એને સમયસર ચલાવી શકતા નથી અને તમારે બુલેટ ટ્રેન જેવી મોંઘી ટ્રેન લાવવાની ખરેખર જરૂર છે કે કેમ, આ મોટો સવાલ છે."
મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકારણ અને વાસ્તવિકતાને સમજતાં વરિષ્ઠ પત્રકાર જતીન દેસાઈ પણ હરિ દેસાઈની જેમ જ દેશની વર્તમાન ટ્રેન સિસ્ટમને સરખી કરવાનું કહે છે.
તેઓ કહે છે, "હાલના સમયમાં જે ટ્રેન ચાલે છે એને સરખી કરવી જોઈએ. ટ્રેનને સમયસર કરવી જોઈએ."
હરિ દેસાઈ કહે છે, "તમે જાપાન પાસેથી આટલી મોટી લોન લો છો, તમે લાખો કરોડો રૂપિયાની લોન લઈને જે પ્રોજેક્ટ શરૂ કરી રહ્યા છો એનો ખરેખર લાભ કેટલા લોકોને થશે એ સવાલ છે."
"આટલી મોટી લોન લઈને તમે દેવું તો કરી જ રહ્યા છો, તમારી પાસે નાણાં હોય તો એ જુદી વાત છે."
ખેડૂતોની જમીનસંપાદન મામલે હરિ દેસાઈ કહે છે, "તમે (સરકાર) જે ખેડૂતોની જમીન સંપાદન કરી રહ્યા છો એને પૂરતું વળતર પણ આપતા નથી અને એ હાઈકોર્ટના આદેશ પછી અપાય છે."
હરિ દેસાઈ વધુમાં કહે છે કે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી પોતાની પ્રજાને રાજી કરવા માટે કે પોતાની જે ભૂમિકા હતી એને આગળ વધારવા માટે આવું નિવેદન આપી રહ્યા છે.
"કેમ કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે અગાઉથી જ બુલેટ ટ્રેનનો વિરોધ કરી રહ્યા છે. આથી હવે ઉદ્ધવ ઠાકરે મુખ્ય મંત્રી બન્યા છે તો એનો વિરોધ કરે એ સ્વાભાવિક છે."
બુલેટ ટ્રેનનો વિરોધ કેમ?
ગુજરાતના ખેડૂતોની જેમ મહારાષ્ટ્રના પણ ખેડૂતો બુલેટ ટ્રેનનો વિરોધ કરી રહ્યા છે.
આ યોજનાની વિરુદ્ધ મહારાષ્ટ્ર, દાદરાનગર હવેલી અને ગુજરાતના આદિવાસી સમુદાયો અને ખેડૂતો પણ અગાઉ વિરોધ કરી ચૂક્યા છે અને ઘણાં સ્થળોએ વિરોધપ્રદર્શન કર્યું હતું.
તો આ પ્રોજેક્ટથી સામાન્ય માણસને કોઈ લાભ નહીં થાય, આ પ્રોજેક્ટ માત્ર અમીરો માટે જ એવો આરોપ પણ લાગ્યો હતો.
વરિષ્ઠ પત્રકાર જતીન દેસાઈએ પણ કહે છે કે બુલેટ ટ્રેન દેશની પ્રાથમિકતા નથી.
"માત્ર શિવસેના જ નહીં પણ મહારાષ્ટ્રનો આખો આદિવાસી વિસ્તાર (જે વિસ્તારમાંથી બુલેટ ટ્રેન નીકળવાની છે ત્યાંના લોકો) બુલેટ ટ્રેનનો વિરોધ કરે છે."
"મહારાષ્ટ્રના કોંકણમાં અત્યાર સુધી ઘણા પ્રોજેક્ટ થયા છે. જમીનસંપાદન કરાઈ છે. લોકોનું કહેવું છે કે અમને કંઈ મળતું નથી, અમારી જમીન છીનવાય છે. અમારું જીવન જમીન સાથે જોડાયેલું છે. એ અમે શા માટે સરકારને આપીએ?"
"અમને પૈસા મળશે એ પણ ટકવાના નથી. તેનાથી અમારી જીવનપદ્ધતિ ખતમ થઈ જશે. આ વિસ્તારની હરિયાળી ખતમ થઈ જશે."
જતીન દેસાઈ વધુમાં કહે છે, "ચૂંટણી સમયથી લોકો કહેતા હતા કે અમને બુલેટ ટ્રેન નથી જોઈતી નથી. તો શિવેસના, એનપીસી, કૉંગ્રેસ કહે છે કે લોકોને જો ટ્રેન ન જોઈતી હોય તો અમે શા માટે તેમના માથે મારીએ. તેમજ અહીંની આદિવાસીઓ માટે કામ કરતી સંસ્થા પણ કહે છે કે અમે બુલેટ ટ્રેન માટે જમીન આપવાના નથી."
તેઓ કહે છે કે ઉદ્ધવ ઠાકરેનું આ નિવેદન (સફેદ હાથીવાળું) એ તરફ ઇશારો કરે છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એ સરકારની પ્રાથમિકતા નથી. તેઓ લોકોની ભાવના વ્યક્ત કરે છે.
તો બીબીસી મરાઠી સેવાના સંપાદક આશિષ દીક્ષિત કહે છે કે મહારાષ્ટ્રના લોકોને એવી ધારણા બંધાઈ છે કે બુલેટ ટ્રેનનો સૌથી વધુ લાભ મહારાષ્ટ્રને નહીં પણ ગુજરાતને થવાનો છે.
દીક્ષિત વધુમાં જણાવે છે, "બની શકે કે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને અધૂરો મૂકી દે અથવા તો કેન્દ્ર સરકારને પૂરતો સહયોગ ન પણ આપે. આથી ભવિષ્યમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પડતો મૂકવો પડે."
તો શું મહારાષ્ટ્ર સરકાર આ પ્રોજેક્ટ નહીં થવા દે, એના પર જતીન દેસાઈ કહે છે, "પ્રોજેક્ટ મામલે મહારાષ્ટ્ર સરકાર જ આગળ ન વધે તો કેન્દ્ર સરકાર શું કરી શકે. એટલે અત્યારની સ્થિતિ જોતાં બુલેટ ટ્રેન કોઈ પણ સંજોગોમાં શરૂ થાય એવી શક્યતા નથી."
અમદાવાદ-મુંબઈને જોડતો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શું છે?
બુલેટ ટ્રેનની યોજનાને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે કેન્દ્ર સરકારે એક કંપની બનાવી છે.
નેશનલ હાઈ-સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડ (NHSRCL) નામે ઓળખાતી આ કંપની ભારત સરકાર અને જે રાજ્યોમાં વિવિધ હાઈ-સ્પીડ રેલવેના પ્રોજેક્ટ્સ હાથ ધરાઈ રહ્યા છે, ત્યાંની રાજ્ય સરકારોનું સંયુક્ત સાહસ છે.
મુંબઈથી અમદાવાદ વચ્ચે 508.17 કિલોમિટરનો હાઈ-સ્પીડ રેલ કૉરિડૉર બનશે, જેના પર હાઈ-સ્પીડ ટ્રેન દોડાવવામાં આવશે.
તેમાં મુંબઈ-અમદાવાદ વચ્ચે 12 સ્ટેશન બનાવવામાં આવશે, જ્યાં આ ટ્રેન ઊભી રહેશે.
કુલ 508.17 કિલોમિટરના અંતરમાંથી માત્ર 21 કિલોમિટરનો ટ્રૅક જ જમીનમાં રહેશે અને બાકીનો ટ્રૅક એલિવેટેડ હશે.
આ માટે જાપાન સરકાર સાથે ભારત સરકારે કરાર કર્યા છે. જાપાન સરકાર ભારતને 50 વર્ષ માટે 0.01 ટકાના દરે રૂપિયા 88 હજાર કરોડનું ધિરાણ આપશે.
બાકીના પૈસા ભારતીય રેલવે બજાર કે સરકારની ગ્રાન્ટમાંથી ઊભા કરાશે.
2014-15ના અંદાજ પ્રમાણે પ્રોજેકટ ખર્ચ રૂપિયા 98 હજાર કરોડ થતો હતો. હવે આ પ્રોજેક્ટનો ખર્ચ રૂપિયા 1 લાખ 10 હજાર કરોડનો થઈ ગયો છે.
- આઈઆઈએમ અમદાવાદના એક અભ્યાસ પ્રમાણે આ પ્રોજેક્ટને વાયેબલ બનાવવા માટે દૈનિક એક લાખ પેસેન્જરની મુસાફરી કરવી જરૂરી છે.
- ટ્રેનનું ભાડું પ્રતિ પેસેન્જર રૂપિયા 4000થી 5000 હોય તો પ્રોજેકટ નફો કરતો થાય.
- આ ટ્રેનથી મુંબઈ-અમદાવાદ વચ્ચેનું અંતર 2.07 કલાક કાપી શકાશે.
- શરૂઆતમાં પ્રતિ ટ્રેન માત્ર 750 પેસેન્જરને એક સમયે લઈ જઈ શકાશે અને બાદમાં ક્ષમતા 1250ની કરાશે.
- દર 20 મિનિટે એક ટ્રેન દોડશે.
- ટ્રાવેલ કંપની ક્લિયર ટ્રિપ મુજબ હાલમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે અઠવાડિયે 70 જેટલી ટ્રેન દોડે છે.
- અમદાવાદ-મુંબઈ વચ્ચે દૈનિક 10 ફ્લાઇટ છે જેમાં દૈનિક 2500થી 3500 પેસેન્જરો મુસાફરી કરે છે.
- નેશનલ હાઈ-સ્પીડ રેલ કૉર્પોરેશન દૈનિક બુલેટ ટ્રેનની 70 ટ્રીપ દોડાવવા માગે છે. એટલે કે દૈનિક 52,500 મુસાફરો સફર કરશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો