You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
India Vs Ban Under 19 World Cup Final : ફાઇનલ હારવા છતાં મૅન ઑફ ધ સિરીઝ બનનાર યશસ્વી જયસ્વાલની કહાણી
- લેેખક, આદેશ કુમાર ગુપ્ત
- પદ, બીબીસી ગુજરાતી માટે
"યશસ્વી જ્યારે 11, સાડા 11 વર્ષના હતા, ત્યારે મેં પહેલી વખત તેને રમતા જોયા હતો. તેની સાથે વાત કરીને જાણ થઈ કે તે મૂળભૂત વસ્તુઓ માટે સંઘર્ષ કરી રહ્યો છે."
"તેની પાસે જમવા માટે પૈસા નહોતા અને રહેવા માટે જગ્યા પણ નહોતી. તે મુંબઈના એક ક્લબમાં ગાર્ડ સાથે ટેન્ટમાં રહેતો. તે દિવસ દરમિયાન ક્રિકેટ રમતો અને રાત્રે પાણીપુરી વેચતો."
"સૌથી મોટી વાત હતી કે તે ઉત્તર પ્રદેશના ભદોહી સ્થિત પોતાના ઘરથી દૂર મુંબઈમાં હતો. "
આ શબ્દો છે યશસ્વી જયસ્વાલના કોચ જ્વાલા સિંહના.
વર્ષ 2020માં અન્ડર-19 ક્રિકેટ વિશ્વ કપમાં પાકિસ્તાન સામે શાનદાર સદી ફટકારી યશસ્વી જયસ્વાલે ભારતની ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી. તેમણે એ મૅચમાં 105 રન કર્યા હતા.
કોચ જ્વાલાસિંહ આગળ કહ્યું હતું કે, "એ યશસ્વી માટે મુશ્કેલ સમય હતો કારણકે બાળકોને પોતાનું ઘર પણ યાદ આવે છે."
"એક રીતે તો તેણે પોતાનું બાળપણ ગુમાવી દીધું હતું. પરંતુ યશસ્વી પોતાના જીવનમાં કંઈક કરવા માગતો હતો. મારી કહાણી પણ આવી જ હતી."
"હું પણ નાની વયે ગોરખપુરથી કંઈક કરવા માટે મુંબઈ આવી ગયો હતો. મેં એ બધું સહન કર્યું હતું જે યશસ્વી કરી રહ્યો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તેની મુશ્કેલીને હું સમજી શકતો હતો. ઘરથી થોડા પૈસા મળતા હતા. પોતાના પરિવારને કંઈ કહી ન શકાય કારણકે એવો ડર લાગતો કે જો પરિવારજનોને આ વિશે ખબર પડે તો તેઓ પરત ન બોલાવી લે. ત્યારે મેં નક્કી કર્યું કે હું આ છોકરાની મદદ કરીશ, તેને ટ્રેનિંગ આપીશ, તેની જરૂરિયાત પૂરી કરીશ, ત્યારથી એ છોકરો મારી સાથે છે. "
પ્રતિભા અને પ્રદર્શન
તેઓ દક્ષિણ આફ્રિકામાં હાજર છે અને બીબીસી સાથે ખાસ વાતચીતમાં તેમણે યશસ્વીના સંધર્ષની વાત કરી હતી.
આ અન્ડર-19 વિશ્વ કપમાં યશસ્વીના પ્રદર્શન વિશે જ્વાલા સિંહે કહ્યું હતું, "જ્યારે તમે ભારત માટે આટલા મોટા સ્તર પર રમી રહ્યા હો તો, સિનિયર ટીમ હોય કે જૂનિયર ટીમ, તમારે તમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડે. અન્ડર-19 વિશ્વ કપમાં જે રીતે ભારત રમ્યું છે અને યશસ્વી જયસવાલ સારું રમ્યો છે, તે વખાણ કરવા યોગ્ય છે."
જ્વાલા સિંહ કહે છે, "પરંતુ તેઓ 50-50 રન બનાવ્યા પછી આઉટ થઈ રહ્યા હતા. મેં તેમને કહ્યું કે મારે સેમિફાઇનલમાં પાકિસ્તાન વિરુદ્ધ મોટી ઇનિંગ જોઈએ છે અને તેમણે સદી ફટકારીને આ કરી દેખાડ્યું હતું. જ્યારે વિદેશમાં ખાસ કરીને પાકિસ્તાન વિરુદ્ધ ભારતની ટીમ સારું રમે ત્યારે બહુ સારું લાગે છે. મારા માટે આ ગૌરવની પળ છે. બધાની નજર ભારત-પાકિસ્તાન મૅચ પર રહેતી હોય છે. પાકિસ્તાન વિરુદ્ધ આવી ઇનિંગ રમે એટલે રાતો રાત હીરો બની જાય. "
યશસ્વી જયસવાલે હજુ સુધી અન્ડર-19 વિશ્વ કપમાં પાંચ મૅચમાં 156ની એવરેજ સાથે 312 રન બનાવ્યા હતા. પાકિસ્તાન વિરુદ્ધ તેમણે નૉટ આઉટ 105 રન બનાવ્યા, ત્યારે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ 62 રન, ન્યૂઝિલૅન્ડ વિરુદ્ધ નૉટ આઉટ 57 રન બનાવ્યા, જાપાન વિરુદ્ધ 29 રન અને શ્રીલંકા સામે 59 રન બનાવ્યા હતા.
વિશ્વ કપમાં તેમની સફળતા પાછળનાં રહસ્ય પરથી પરદો ઉઠાવતા કોચ જ્વાલા સિંહ કહે છે કે, આ પ્રકારની પ્રતિભા ધરાવતા ખેલાડીની સંભાળ લેતી વખતે સાવધ રહેવું પડે છે.
તેઓ કહે છે, "એક ભૂલ ખેલાડીને બહુ પાછળ ફેંકી શકે છે. જો તેમનો રૅકર્ડ જોઈએ તો પુષ્કળ મહેનત કરનાર ખેલાડીઓ તો ઘણાં છે, પરંતુ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને પ્રદર્શન કરવાવાળા ખેલાડી બહુ ઓછા હોય છે."
પરંતુ યશસ્વીના કૅરિયર માટે આ સદી મહત્ત્વપૂર્ણ પુરવાર થશે?
જ્વાલાસિંહ માને છે કે, નાની-નાની સફળતા મહત્ત્વપૂર્ણ નથી હોતી. આ બધુ અસ્થાયી છે. એક મૅચમાં સારું પ્રદર્શન કર્યા બાદ બીજી મૅચમાં પણ જબરદસ્ત રમવું પડે. મેં પહેલાં જ સમજાવ્યું છે કે એક સારી ઇનિંગને લાંબા સમય સુધી યાદ ન રાખે અને પોતાની ભૂખને જાળવી રાખે."
કોચ જ્વાલાસિંહ જણાવે છે કે, સેમિફાઇનલ પહેલાં તેમણે યશસ્વીને કહ્યું કે મહાન ખેલાડી 100માંથી 80 વખત સારું રમે છે પરંતુ 20 વખત અસફળ પણ થાય છે. આ બધા વચ્ચે સતત સારું રમવું પડે. યશસ્વીમાં આ સુસંગતિ આવી ગઈ છે અને તે બીજા કેટલાક ખેલાડીઓ કરતા અલગ છે.
યશસ્વીએ આર્થિક તંગીમાં ટ્રેનિંગ લીધી. શું આ દરમિયાન તેમને કોઈ મદદ મળી હતી? જ્વાલાસિંહ કહે છે કે, એવું કંઈ થયું નથી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો