You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મનિષ સિસોદિયાએ પોતાના OSD ની ધરપકડ વિશે શું કહ્યું?
શનિવારે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે, તે પહેલાં એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમે આકાર લીધો છે.
સી.બી.આઈ. (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન)એ ગુરુવારની મોડીરાત્રે દિલ્હીના નાયબમુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાના ઓ.એસ.ડી. (ઓફિસર ઑન સ્પેશિયલ ડ્યૂટી) ગોપાલ કૃષ્ણ માધવની રૂ. બે લાખના લાંચકેસમાં ધરપકડ કરી છે.
ચોક્કસ બાતમીના આધારે જી.એસ.ટી. (ગુડ્સ ઍન્ડ સર્વિસિઝ ટૅક્સ)ને લગતા એક કેસમાં કથિત રીતે રૂ. બે લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા.
વર્ષ 2015માં દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બની અને ત્યારે તેમને સિસોદિયાની ઓફિસમાં તહેનાત કરવામાં આવ્યા હતા. આરોપી DANICS (દિલ્હી, અંદમાન નિકોબાર આઇલૅન્ડ સિવિલ સર્વિસીઝ)ના અધિકારી છે.
આ અંગે ટ્વિટર ઉપર પ્રતિક્રિયા આપતા મનીષ સિસોદિયાએ લખ્યું, "મને જાણ થઈ છે કે આ અધિકારી મારી કચેરીમાં તહેનાત GST ઇન્સ્પેક્ટરની સીબીઆઈએ ધરપકડ કરી છે."
"સી.બી.આઈ.એ ત્તકાળ તેમને કડકમાં કડક સજા કરાવડાવી જોઈએ. ગત પાંચ વર્ષ દરમિયાન મેં ખુદ આવા અનેક ભ્રષ્ટાચારી અધિકારી પકડાવ્યા છે."
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી કે 'આમ આદમી બનવાનો માત્ર અભિનય કરે છે, હવે ખબર પડી કે શા માટે લોકપાલનો કાયદો ન બન્યો.'
'વાણી મૂળભૂત અધિકાર છે, પરંતુ તે પૂર્ણ નથી'
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર અમદાવાદ પોલીસે ગુજરાત હાઇકોર્ટમાં જણાવ્યું હતું વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા મૂળભૂત અધિકાર છે, પરંતુ તે સંપૂર્ણ નથી અને તેના પર પણ કેટલાક નિયંત્રણ મૂકવામાં આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમદાવાદ પોલીસે શહેરના જાહેર સ્થળે પોલીસ પરવાનગી વિના ચારથી વધારે લોકો એકઠાં ન થાય તેવી સી.આર.પી.સી. (ક્રિમિનલ પ્રોસિજર કોડ)ની કલમ 144 લાગુ કરી હતી.
જેની સામે ગુજરાત હાઈકોર્ટમાં ગત ડિસેમ્બર માસમાં પી.આઈ.એલ. (પબ્લિક ઇન્ટ્રેસ્ટ લિટિગેશન, જાહેર હિતની અરજી) કરવામાં આવી હતી. હાઇકોર્ટે આ અંગે જવાબ માંગ્યો હતો.
જવાબમાં પોલીસે ઍફિડેવિટ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ જોગવાઈ જાહેર રેલીઓ પર પ્રતિબંધ મૂકવા માટે નથી. પોલીસે 10 સી.એ.એ. (સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ) સામેની રૅલીને પરવાનગી આપી છે અને હાલ પણ શહેરના રખિયાલ વિસ્તારના બે અલગ-અલગ સ્થળે સી.એ.એ.ની સામે વિરોધ ચાલી રહ્યો છે.
પોલીસે પોતાના બચાવમાં ઍફિડેવિટમાં કહ્યું, "શહેરમાં ભૂતકાળમાં અનેક વિરોધ પ્રદર્શન અને રેલી યોજાયા છે. હાલમાં સી.એ.એ.ના વિરોધમાં અને સમર્થનમાં પણ યોજાયા. ખૂબ જ પોલીસ હાજર હોવા છતાં, કેટલાંક પ્રદર્શનકર્તાઓએ ફરજ બજાવી રહેલાં અધિકારીઓ પર હુમલો કર્યો. જાહેર અને ખાનગી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું."
લેન બદલનાર ખેડૂતની હત્યા
ઉત્તર પ્રદેશના વેસ્ટર્ન ટોલ પ્લાઝાના બે વરિષ્ઠ અધિકારી તથા કેટલાક બાઉન્સરની સામે હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ, ત્રીજી ફેબ્રુઆરીના દિવસે ટોલ પ્લાઝાના અધિકારીઓ તથા બાઉન્સર્સે કથિત રીતે સોહનવીર ચૌહાણ નામના ખેડૂતને માર માર્યો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું.
રોકડથી ટોલ ભરવાની લાઇન લાંબી હોવાથી ચૌહાણે તેમનું શેરડી ભરેલું ટ્રેક્ટર ફાસ્ટટૅગ માટેની લાઇનમાંથી પસાર કર્યું હતું, ત્યારે તેમની સાથે મારઝૂડ કરવામાં આવી હતી.
સોહનવીરના ભાઈ રવિન્દ્ર પણ તેમની સાથે હતા. તેમનો આરોપ છે કે ટોલ પ્લાઝાના અધિકારીઓએ ગળામાં દોરડું વિંટાઈ જવાથી સોહનવીરનું મૃત્યુ થયું હોવાનું જૂઠાણું ચલાવ્યું હતું.
મેરઠ (સિટી)ના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (એસ.પી.) અખિલેશ નારાયણ સિંહના કહેવા પ્રમાણે, આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલમાં તેઓ ફરાર છે.
આ ઘટના બાદ ઉશ્કેરાયેલા ખેડૂતોએ હાઈવે બ્લૉક કરી દીધો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો