મૅન્યુફૅક્ચરિંગ સૅક્ટર બાદ સર્વિસ સૅક્ટરમાં પણ હવે સુધારાની શરૂઆત

    • લેેખક, ડૉ. જયનારાયણ વ્યાસ
    • પદ, અર્થશાસ્ત્રી, બીબીસી ગુજરાતી માટે

હજુ પરચેસ મૅનેજર્સ ઇન્ડૅક્સ આઠ વર્ષ બાદ હકારાત્મક બની અને જે રીતે ઉત્પાદન ક્ષેત્રે જાન્યુઆરી મહિનામાં જ સુધારાનો રાહ પકડ્યો એ 2020ના વર્ષ માટેના સૌથી સારા સમાચાર છે.

ઉત્પાદન ક્ષેત્ર પછી હવે સેવા ક્ષેત્ર એટલે કે સર્વિસ સૅક્ટરમાં પણ સુધારા તરફી ચાલ જોવા મળી છે.

સર્વિસ સૅક્ટર જાન્યુઆરીમાં છેલ્લાં સાત વર્ષની ટોચે પહોંચ્યું છે જેનું મૂળ કારણ નવા બિઝનેસ ઑર્ડર્સમાં ધરખમ વધારો, જેને પગલે પગલે નવી નોકરીઓ અને નોકરી માટેની તકોમાં વધારો થતાં હકારાત્મક વાતાવરણ ઊભું થવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

ધ આઈ.એચ.એસ. માર્કેટ ઇન્ડિયા સર્વિસિસ બિઝનેસ ઍક્ટિવિટીઝ ઇન્ડેક્સ ડિસેમ્બરમાં 53.3 હતો ત્યાંથી વધીને જાન્યુઆરીમાં 55.5 થયો છે, જે છેલ્લાં સાત વર્ષમાં મોટામાં મોટો વધારો હોવાનું દર્શાવે છે.

2020ની શરૂઆતમાં જ ભારતનું સર્વિસ સૅક્ટર નબળા આશાવાદની બધી જ ધારણાઓને ફગાવીને આગળ વધ્યું છે.

આને પગલેપગલે છેલ્લાં સાત વર્ષમાં નવી રોજગારીની તકો પણ વધી છે.

નિકાસ મોરચે ભલે પ્રોત્સાહક સમાચાર ન હોય, પણ ઘરઆંગણાની માગને કારણે નવા ઑર્ડર્સની સંખ્યા વધવા પામી છે.

આની સરખામણીમાં ચીન, યુરોપ અને અમેરિકાની નબળી માગને કારણે નિકાસ ઘટી છે.

ધંધો વિસ્તારતા વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડનાર સર્વિસ પ્રોવાઇડર્સે ફરી એક વાર પોતાની ક્ષમતા વધારવાનું કામ હાથમાં લીધું છે.

પહેલા PMIમાં વધારો અને હવે સર્વિસ બિઝનેસ ઍક્ટિવિટી ઇન્ડેક્સ ઊંચકાતા નવી નોકરીઓ માટેની તકો ઝડપથી વધી રહી છે, તે નોકરીઓની શોધમાં મીટ માંડીને બેઠેલા બેકારો માટે સારા સમાચાર છે.

મૅન્યુફૅક્ચરિંગ સૅક્ટર એટલે કે ઉત્પાદન વ્યવસ્થામાં કામ કરતી ફેકટરીઓએ ઑગસ્ટ 2012 પછી નોકરીઓની તકોમાં ખૂબ મોટો વધારો નોંધાવ્યો છે.

મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સૅક્ટર બંનેના વિકાસને પ્રતિબિંબિત કરતી કમ્પોઝિટ PMI આઉટપુટ ઇન્ડેક્સ જે ડિસેમ્બરમાં 53.7 હતો, તેણે જાન્યુઆરીમાં સાત વરસનું સૌથી ઊંચું શિખર 56.3 સર કર્યું છે.

વધતો ફુગાવો ચિંતાનો વિષય

જ્યાં સુધી ભાવને લાગેવળગે છે ત્યાં સુધી ફુગાવાજનક પરિબળો પણ સેવાકીય ક્ષેત્રની પરિસ્થિતિ સુધારવાની સાથોસાથ વધી રહ્યા છે.

ઇનપુટ કોસ્ટ ફેબ્રુઆરી 2013 પછી સતત વધતી રહી છે.

ફુગાવો આ ક્ષેત્રમાં અનુભવાઈ રહ્યો છે. એક ચિંતાની બાબત વધતો જતો ફુગાવો છે.

છેલ્લાં સાત વરસમાં ઉત્પાદનોની ઇનપુટ કિંમતોમાં સારો એવો વધારો થયો છે.

આમ છતાં બજારમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા માટે ઉત્પાદકોએ આ વધારો ગ્રાહકો ઉપર નાખવાને બદલે શક્ય તેટલો પોતે જ વેઠીને પોતાના ઉત્પાદનોની કિંમત સ્થિર રાખવાનો પ્રયત્ન કર્યો છે.

હવે જ્યારે માગ નીકળશે ત્યારે અત્યાર સુધી દબાવી રાખેલી ભાવની આ સ્પ્રિંગ ઉછળશે અને વેચાણ કિંમતો ઉછળશે એમ ચોક્કસ કહી શકાય.

પોતાના માલની વેચાણ કિંમત હજુ પણ નહીં વધારતી હોય કે કંપનીઓ પોતાના નફાનો માર્જિન જળવાઈ રહે તે માટે નવી નોકરીઓની ભરતી ટાળશે એમ પણ કરી શકાય.

વધતો જતો ફુગાવો અને પ્રમાણમાં ઘણી ધીમી ગતિએ વધતી જતી અર્થવ્યવસ્થાના બેવડા પ્રેસર હેઠળ ભારતીય રિઝર્વ બૅન્ક ચાલુ નાણાકીય વરસ માટેની એની છેલ્લી નીતિ ગુરુવાર 6 ફેબ્રુઆરી 2020ના દિવસે જાહેર કરશે.

સર્વિસના ક્ષેત્રમાંથી સારા સમાચાર

મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્ર તેમજ સર્વિસનું ક્ષેત્ર જાન્યુઆરી 2020માં સારા સમાચાર લઈને આવ્યું છે.

ઘણા લાંબા સમયથી ચાલતી મંદી હવે બોટમ આઉટ એટલે કે તળિયું પકડી લે અને અર્થવ્યવસ્થા હવે પછીના સમયમાં સુધારા તરફી ચાલ પકડે તેવી પરિસ્થિતિ દેખાય છે.

નિર્મલા સીતારમણે 2020-21ના નાણાકીય વર્ષ માટે 10 ટકારિયલ જીડીપી ગ્રૉથની વાત અંદાજપત્રમાં કરી.

ઇકૉનૉમિક સર્વે આ જ સમયગાળા માટે 6થી 6.5 ટકાના વિકાસદરની વાત કરે છે.

ફુગાવા ઉપર કડક નિયંત્રણ આવે અને એ ચાર ટકાથી નીચે રહે તો જ આ શક્ય છે.

આવું ન થાય તો વળી પાછો ફુગાવો જીડીપીના વિકાસદરને ખાઈ જાય અને 2020-21ના નાણાકીય વરસ માટેનો વિકાસ દર 5થી 5.5 ટકાની વચ્ચે ફંગોળાયા કરે.

અત્યારે તો મૅન્યુફૅક્ચરિંગ સૅક્ટર અને સર્વિસ સૅક્ટર બંનેમાં સુધારો જોવાયો છે તેનો આનંદ લઈએ અને આવતા નાણાકીય વર્ષમાં અર્થવ્યવસ્થા તેજી તરફી રહે તેવું વિચારીએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો