કોરોના વાઇરસનો ચેપ કેવી રીતે લાગે છે?

    • લેેખક, જેમ્સ ગૅલેગર
    • પદ, બીબીસી સંવાદદાતા

જોકે કોરોના વાઇરસ સામે લડી રહેલા ડૉક્ટરો હજુ આ વાઇરસ સાથે પરિચિત નથી અને અજાણ્યા દુશ્મન સામે લડી રહ્યા હોય તેવી સ્થિતિ છે, કેટલાક પ્રશ્નોના જવાબ હજી મળ્યા નથી.

આ વાઇરસ કેવી રીતે શરીર પર હુમલો કરે છે? ચેપ લાગ્યા પછી શરીર પર કયાં ચોક્કસ લક્ષણો દેખાય છે?

આ વાઇરસને કારણે કોણ જલદી બીમારી પડી શકે છે અને આની સારવાર કેવી રીતે થઈ શકે છે?

ચીનના વુહાન શહેરના જિન્યિન્તાન હૉસ્પિટલમાં આ મહામારીથી પીડાતા લોકોની સારવાર કરી રહેલા ડૉક્ટરોની ટીમ હવે આ પ્રશ્નોનો જવાબ આપી રહી છે.

કોરોના વાઇરસની ચપેટમાં આવનાર 99 રોગીઓની સારવારનો વિસ્તૃત રિપોર્ટ લાંસેટ મેડિકલ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.

ફેફસાં પર હુમલો

વુહાનના જિન્યિન્તાન હૉસ્પિટલમાં જે 99 રોગીઓને લાવવામાં આવ્યા હતા તેમનામાં ન્યુમોનિયાનાં લક્ષણો હતાં.

તેમનાં ફેફસાંમાં તકલીફ હતી અને ફેફસાંના જે ભાગમાંથી ઑક્સિજન લોહીમાં પ્રવાહી બનીને ભળે છે, ત્યાં પાણી ભરાયેલું હતું.

અન્ય લક્ષણો

કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓના અભ્યાસ પરથી કોરોના વાઇરસનાં કેટલાંક લક્ષણો તારવવામાં આવ્યાં છે.

જેમ કે માથું દુખવું, તાવ આવવો, ઉધરસ આવવી, શ્વાસ લેવામાં તકલીફ થવી, માંસપેશીમાં દુખાવો થવો.

જિન્યિન્તાન હૉસ્પિટલમાં દાખલ કરાયેલા લોકો પૈકી 82 લોકોને તાવ આવતો હતો અને 81ને ઉધરસ આવતી હતી.

આ ઉપરાંત 31 લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી, 11 લોકોને માંસપેશીમાં દુખાવો હતો.

આઠ લોકોને માથું દુખતું હતું, જ્યારે પાંચ લોકોને ગળામાં ફોડલી થઈ હતી.

મૃત્યુના શરૂઆતી કેસ

કોરોના વાઇરસથી પીડાતા બે લોકોનું પહેલાં મૃત્યુ થયું હતું, તેઓ સ્વસ્થ દેખાઈ રહ્યા હતા.

તેમને લાંબા સમયથી સિગારેટની ટેવ હતી, શક્યતા છે કે એના કારણે તેમનાં ફેફસાં નબળાં થઈ ગયાં હતાં.

61 વર્ષની એક વ્યક્તિને કોરોના વાઇરસથી સંક્રમિત હોવાની શક્યતાને પગલે તેમને હૉસ્પિટલ લાવવામાં આવી, તેમનામાં ન્યુમોનિયાનાં લક્ષણો જોવાં મળ્યાં હતાં.

તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. સરળ શબ્દોમાં સમજીએ તો તે વ્યક્તિનાં ફેફસાં તેના શરીરને જીવતું રાખવા માટે જરૂરી ઑક્સિજન પહોંચાડી નહોતાં શકતાં.

વૅન્ટિલેટર પર રાખવા છતાં તે વ્યક્તિનાં ફેફસાંએ કામ કરવાનું બંધ કરી દીધું અને તેમનું હૃદય પણ ધબકતું બંધ થઈ ગયું હતું.

અન્ય એક 69 વર્ષના દર્દીને પણ શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તેમને કૃત્રિમરૂપે ઑક્સિજન આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ તેનાથી તેમને બચાવી ન શકાયા.

તેમનું બ્લડપ્રેશર નીચું આવ્યું ત્યારે ન્યુમોનિયાને કારણે તેમનો જીવ જતો રહ્યો.

કોરોના વાઇરસને કારણે 25 જાન્યુઆરી સુધીમાં 99 લોકોનો ભોગ લેવાઈ ગયો હતો. એ દિવસ સુધી 57 લોકો હૉસ્પિટલમાં હતા અને 31 લોકોને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.

આમાંથી 11 લોકોનાં મૃત્યુ થયાં એનો એ અર્થ નથી કે કોરોના વાઇરસને કારણે મરનાર લોકોની ટકાવારી 11 ટકા થઈ.

માર્કેટ-સ્ટાફ

માનવામાં આવી રહ્યું છે કે વુહાનના હુઆનાન સીફૂડ માર્કેટમાં મળતા સમુદ્રી જીવો કોરોના વાઇરસના ચેપનું કારણ છે.

વુહાનના જિન્યિન્તાન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા 99 લોકોમાંથી 49 લોકો આ માર્કેટ સાથે જોડાયેલા હતા.

47 લોકો હુઆનાન સીફૂડ માર્કેટમાં મૅનેજર તરીકે કામ કરી રહ્યા હતા અથવા દુકાન ચલાવતા હતા.

જેમને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો એમાંથી માત્ર બે વ્યક્તિઓ જ એવી હતી, જેઓ આ માર્કેટમાં ખરીદી કરવા આવી હતી.

મોટાભાગના શિકાર આધેડ વયના

99 રોગીઓમાં મોટાભાગના લોકો આધેડ વયના હતા. તેમાંથી 67 પુરુષ હતા અને તેમની સરેરાશ ઉંમર 56 વર્ષ હતી.

જોકે તાજેતરના આંકડા પ્રમાણે કોરોના વાઇરસથી પ્રભાવિત થયેલાં મહિલાઓ અને પુરુષોમાં બહુ ફેર નથી.

ચીનના સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શનનું કહેવું છે કે છ પુરુષોની સરખામણીમાં પાંચ મહિલાઓ કોરોના વાઇરસથી પ્રભાવિત થયાં છે.

આ અંતરને આવી રીતે સમજી શકાય. માનવામાં આવી રહ્યું છે કે કોરોના વાઇરસના ચેપને કારણે ગંભીર રીતે બીમાર પડેલા પુરુષોને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે.

સામાજિક અને સાંસ્કૃતિક કારણોસર પણ માની શકાય કે પુરુષોને આ પ્રકારનો ખતરો વધારે હોય છે.

જન્યિન્તાન હૉસ્પિટલના ડૉક્ટર લી ઝાંગ કહે છે, "કોરોના વાઇરસના ચેપની શક્યતા મહિલાઓમાં ઓછી છે કારણકે તેમનામાં ઍક્સ ક્રોમોઝૉમ અને સેક્સ હૉર્મોનને કારણે વધારે પ્રતિરોધક ક્ષમતા રહે છે. "

જે લોકો પહેલાંથી બીમાર હતા

99 રોગીઓમાંથી મોટાભાગનાં લોકો પહેલાંથી બીમાર હતા, તેમને કોઈને કોઈ રોગ હતો. આ કારણસર કોરોનાનો ચેપ લાગશે તેવી શક્યતા પહેલાંથી હતી.

ડૉક્ટરો માને છે કે પહેલાંથી બીમાર હોવાને કારણે તેમની પ્રતિરોધક ક્ષમતા ઘટી ગઈ હશે એટલે તેઓ કોરોના વાઇરસના શિકાર થયા હશે.

40 રોગીઓનું હૃદય નબળું હતું અથવા રક્તવાહિનીમાં સમસ્યા હતી અને 12 લોકો મધુમેહના દર્દી હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો