સિયાચીનમાં ભારતીય સૈનિકોને કપડાં અને ખોરાકની અછત?

    • લેેખક, ફૈસલ મોહમ્મદ અલી
    • પદ, બીબીસી સંવાદદાતા

જે સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના કડકડડુમામાં ભારતીય સૈન્યની સ્થિતિ સુધારવા અંગે પોતાની પીઠ થાબડી રહ્યા હતા ત્યારે જ સિયાચીન, લદ્દાખ અને ડોકલામમાં હાજર સૈનિકોને પૌષ્ટિક ખોરાક, બરફની સપાટી પર પરિવર્તન પામતા સૂર્યપ્રકાશથી બચવા માટે પહેરવાં પડતાં ચશ્માં અને જોડાં પણ પૂરતાં પ્રમાણમાં ન મળવાના સમાચાર આવ્યા છે.

18000-23000 ફૂટની ઊંચીઈવાળા સિયાચીન અને બીજા બરફવાળી ફૉરવર્ડ પોસ્ટ પર જવાનો પાસે આ વસ્તુઓની અછત અંગે મહાલેખા પરીક્ષક એટલે કે સીએજીના રિપોર્ટમાં ખુલાસો થયો છે. થોડા દિવસ પહેલાં જ આ રિપોર્ટ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો છે.

ભારત-પાકિસ્તાનની સરહદ પર સ્થિત સિયાચીન ફૉરવર્ડ પોસ્ટ ભારત માટે સુરક્ષાની દૃષ્ટિએ બહુ જ મહત્ત્વની છે.

સૈન્યવડાએ સમાચાર એજન્સી એએનઆઈ સાથેની એક વાતચીતમાં જણાવ્યું, "સીએજીનો રિપોર્ટ વર્ષ 2015-16ની સ્થિતિને દર્શાવે છે, જે જૂની વાત થઈ ગઈ છે. હું તમને આશ્વસ્ત કરવા માગું છું કે વર્તમાન સમયમાં અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. અમે એ વાતને સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે જવાનોની તમામ જરૂરિયાતનું ધ્યાન રાખવામાં આવે. "

સૈન્યના પૂર્વ મેજર જનરલ અશોક મહેતાએ બીબીસીને જણાવ્યું, "સીએજીના રિપોર્ટમાં જે પણ કંઈ કહેવાયું છે, એ ભારે ગંભીર બાબત છે અને દર્શાવે છે કે આપણે કોઈ પણ પ્રકારની આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર નથી. "

જોકે, મહેતાએ એવું એવું પણ કહ્યું કે જવાનો સમક્ષ 'આ પ્રકારની અછત કંઈ પ્રથમ વખત નથી ઊભી થઈ.' તેમણે એવું પણ કહ્યું કે ભારતીય સૈન્ય પાસે હથિયાર અને બીજા સામાનની અછતનો મામલો સ્પષ્ટ રીતે વર્ષ 1999ના કારગીલ યુદ્ધ વખતે પણ સામે આવ્યો હતો.

એ યુદ્ધનાં 16 વર્ષ બાદ જનરલ વીપી મલિકે પોતાના એક લેખમાં લખ્યું હતું કે ભારત સૌથી શ્રેષ્ઠ છે પણ સૈન્ય આજે પણ હથિયારો અને અન્ય ઉપકરણોની અછત સામે ઝૂઝવી રહ્યું છે.

જનરલ મહેતાનું કહેવું હતું કે આ સ્થિતિ સૈન્ય માટેના ફંડની અછતને કારણે સર્જાઈ રહી છે. બજેટમાં તમામ સરકાર ફંડ વધારવા માટે દાવો કરે છે પણ ઍક્સચેન્જ રૅટ અને વસ્તુઓની વધેલી કિંમતોને ધ્યાને લેતાં એ ફંડ પૂરું પડતું નથી.

થોડા સમય પહેલાં અંગ્રેજી અખબાર 'ધ ટેલિગ્રાફ'ના એક રિપોર્ટમાં જણાવાયું હતું કે સશસ્ત્ર સીમાદળના 90 હજાર જવાનોને પૈસાની અછતને કારણે કેટલાય પ્રકારના ભથ્થાં નથી મળી રહ્યાં.

સીએજીના હાલના રિપોર્ટમાં કહેવાયું છે કે જવાનોને જે જોડાં મળી રહ્યાં છે, એ રિસાઇકલ્ડ છે અને બરફમાં પહેરવાનાં ખાસ ચશ્માંની અછત પણ ગંભીર છે.

સિયાચીનમાં સ્થિતિ બહુ જ આકરી છે અને ત્યાં પૌષ્ટિક ભોજન અને ઉપકરણો વગર જીવન ભારે કઠણ બની જતું હોય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો