You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ પહેલાં સુરતમાં આવેલી એ મહામારી જેણે કેટલાયનો ભોગ લીધો હતો
- લેેખક, સુરેશ ગવાણિયા
- પદ, બીબીસી ગુજરાતી
ભારતમાં 1994માં પશ્ચિમ વિસ્તારમાં ન્યૂમૉનિક પ્લેગ કારણે 50થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને સુરતમાં સૌથી વધુ મહામારી ફેલાઈ હતી.
સુરતમાં વર્ષોથી રહેતા અને જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. મુકુલ ચોકસી મહામારી પહેલાંની એ રાતનું વર્ણન કરતાં કહે છેઃ
"એ રાતે એવા સમાચાર આવ્યા કે શહેરના વેડરોડ વિસ્તારમાં ઘણાબધા લોકોનાં મૃત્યુ થયાં છે અને અફવા ઊડી કે કોઈએ પાણીમાં ઝેર ભેળવી દીધું છે. પછી અફવાનું તરત ખંડન થયું અને એવી વાત આવી કે શહેરમાં પ્લેગ ફેલાયો ગયો છે."
"મળસકા સુધીમાં તો ફોન આવવા લાગ્યા કે શહેરમાં પ્લેગ ફેલાઈ ગયો છે."
"શરૂઆતના ત્રણચાર દિવસમાં તો મેડિકલજગતને પણ મૂંઝવણમાં હતી કે શું કરવું કેમ કે શહેરમાં અગાઉ ક્યારેય આવું થયું નહોતું."
"સમાચાર મળતાં એક કલાકમાં શહેર આખું જાગી ગયું હતું. આખા શહેરે ટૅટ્રાસાયક્લીન બાયૉટિક ખાધી હતી. સવાર સુધીમાં આ દવા શહેરમાંથી ખલાસ થઈ ગઈ હતી."
એ રાતની વાત કરતાં ચોકસી કહે છે કે એ રાતે જ લોકોનાં ટોળાં રસ્તા પર ઊતરી આવ્યાં હતાં અને લોકોને પણ શું કરવું એ ખબર નહોતી.
ચોકસી કહે છે કે બીજા દિવસે બપોરે બાર વાગ્યા પછી શહેરમાં એક પણ માણસ માસ્ક વિનાનો જોવા નહોતો મળ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શહેરમાંથી લોકોનું સ્થળાંતર
સાઉથ ગુજરાત ચૅમ્બર્સ ઑફ કૉમર્સના ભૂતપૂર્વ માનદ મંત્રી અને વિવિધ સંસ્થાઓ અને ઉદ્યોગક્ષેત્રે સંકળાયેલા ડૉ. અનિલ સરાવગીએ પણ સુરતમાં એ સમયનો માહોલ અને પરિસ્થિતિને નજરોનજર નિહાળી હતી.
અનિલભાઈ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "એ સમયે અંદાજે પચીસ ટકા જેટલું સુરત શહેર ખાલી થઈ ગયું હતું. મોટા ભાગના લોકો પોતાના વતન કે સગાંવહાલાને ત્યાં જતા હતા."
"કારીગરો અને મજૂરો પણ ડરના માર્યા ભાગી ગયા હતા. બહારથી આવેલા લોકો જે સુરતમાં હતા એ લોકો માટે જવું સરળ હતું, પણ જે લોકો મૂળ સુરતના હતા, એમની પાસે કોઈ વિકલ્પ નહોતો"
મહામારી દરમિયાન સુરતથી સૌરાષ્ટ્રમાં વતન પરત ફરેલા વીનુભાઈ રામાણી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે:
"તાપીમાં પાણી આવ્યું અને પાણી સાથે ગંદકી પણ આવી. થોડા સમય પછી રોગચાળો વકર્યો અને શહેરમાં અફવા ફેલાવા લાગી."
"અનેક પ્રકારની અફવાને કારણે લોકોમાં ભયનો માહોલ હતો, લોકો ટપોટપ મરી રહ્યા છે એવી વાતો થતી હતી. આથી લોકો જીવ બચાવવા માટે જે કંઈ હાથ લાગ્યું એ લઈને વતન પરત જતા રહ્યા હતા."
"સુરતમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના લોકો પણ વતન જતા રહ્યા હતા."
શહેરની આ મહામારી પછી એસ.આર. રાવ સુરતના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત થયા હતા.
ડૉ. મુકુલ ચોકસી એમના કાર્યકાળને વાગોળતાં કહે છે કે રાવે શહેરમાં સફાઈકામ અને રસ્તા ખુલ્લા કરવાનું અભિયાન છેડ્યું હતું. એની પ્લેગની જેમ આખા ભારતમાં નોંધ લેવાઈ હતી.
રાવે ડિમોલિશન કરીને શહેરના અનેક રસ્તાઓ ખુલ્લા કરાવ્યા હતા. એમના કાર્યકાળનું એ બે-ત્રણ વર્ષનું કામ મહત્ત્વનું હતું. પ્લેગ પછીના બે વર્ષમાં સુરત સ્વચ્છતામાં નંબર વન હતું.
કેવી રીતે મહામારીને કાબૂમાં લેવાઈ?
ડૉ. અનિલ સરાવગી જણાવે છે, "સુરત શહેર પૂરનું શહેર ગણાય છે. અહીં વારેવારે પૂર આવે છે. પૂરનાં પાણી ઓસરી જાય પછી ઘણાં બધાં ઉંદરો દરમાંથી બહાર નીકળતાં હોય છે અને રોગચાળો પણ ફેલાતો હોય છે."
સુરતના પૂર્વ મેયર ફફીરભાઈ ચૌહાણ જણાવે છે કે પૂરનાં પાણી શહેરમાં ભરાઈ ગયાં હતાં. જેના કારણે શહેરમાં મહામારી ફેલાઈ હતી.
તેઓ કહે છે, "ઘણા કર્મચારીઓ પણ ડરના માર્યા શહેર છોડીને ભાગી ગયા હતા. અમે અમારા 200થી વધુ કાર્યકરોએ શહેરમાંથી ગંદકી દૂર કરવાનું કામ કર્યું હતું. પછી વીસેક દિવસ પછી વિવિધ મશીનરી અને સાધનોથી શહેરને સાફ કરાયું હતું."
મુકુલ ચોકસી કહે છે કે મહામારીને નાથવામાં શહેરના કૉર્પોરેશન અને મીડિયાએ પણ મોટી ભૂમિકા ભજવી હતી.
"આવી કોઈ ઘટના બને એટલે કૉર્પોરેશન ઍલર્ટ થઈ જતું હોય છે અને તાત્કાલિક પગલાં લેતું હોય છે. પ્રાઇવેટ ડૉક્ટર, સંસ્થાઓ અને લોકોએ આ સ્થિતિને કાબૂમાં લેવામાં સહયોગ આપ્યો હતો. શહેરમાં સફાઈકામ કરાયું હતું, માસ્કનું વિતરણ થયું હતું."
"આ મરકીને કાબૂમાં લેવા અને લોકોમાંથી ભય દૂર કરવા માટે મીડિયાની ભૂમિકા પણ પૉઝિટિવ હતી. મીડિયા સતત લોકો સુધી ડૉક્ટરનાં સલાહસૂચન, રાજ્ય સરકારની માર્ગદર્શિકા વગેરે છાપતું હતું."
તેઓ કહે છે, "અમે સ્થાનિક ચેનલના માધ્યમથી ફ્રી હેલ્પલાઇન શરૂ કરી હતી. એ આખી રાત લોકોના સવાલો આવ્યા હતા અને અમે તેમને જરૂરી સલાહસૂચનો પણ આપ્યાં હતાં."
"સામાન્ય ઍન્ટિ બાયૉટિક ડૉક્ઝીસાઇક્લીન, ટૅટ્રાસાયક્લીન જ આપવામાં આવતી હતી. શંકાસ્પદ લાગતાં દર્દીઓ માટે સિવિલમાં એક અલગથી આઇસોલેશન વોર્ડ શરૂ કરાયો હતો."
શહેરમાં તેને પણ સાદો તાવ હોય તો પણ તેની નોંધ કરાતી અને તેનો રિપોર્ટ સરકાર, કૉર્પોરેશનને અપાતો હતો.
સુરતમાં શું થયું હતું?
ઑગસ્ટ 1994માં સુરતમાં ન્યૂમૉનિક પ્લેગ ફેલાયો હતો. તબીબી જાણકારોએ એને વિશ્વમાં ફેલાયેલી ગંભીર મહામારી ગણાવી હતી. 'ન્યૂયૉર્ક ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર ન્યૂમૉનિક પ્લેગને કારણે 2 લાખ લોકો સુરત છોડીને જતા રહ્યા હતા.
ન્યૂમૉનિક પ્લેગને કારણે સુરતમાં મૃત્યુની જે પ્રથમ ઘટના ઘટી એના 48 કલાકમાં જ અન્ય 24 લોકો માર્યા ગયા હતા.
આ મહામારીએ સુરતમાં 56 લોકોનો ભોગ લીધો હતો. જોકે, શહેરના તબીબોઓએ આપેલી અનઅધિકૃત માહિતી અનુસાર ન્યૂમૉનિક પ્લેગને કારણે શહેરમાં ઓછામાં ઓછા 100 લોકોનાં મૃત્યુ થયાં હતાં. એ વખતે સુરતની વસતિ 16 લાખ હતી.
સ્વાસ્થ્ય અને માનવસેવાના અમેરિકન વિભાગ અંતર્ગત આવતા સૅન્ટર્સ ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન અનુસાર 26 ઑગસ્ટથી 18 ઑક્ટોબર 1994 દરમિયાન ભારતમાં ન્યૂમૉનિક પ્લેગના કુલ 693 પૉઝિટિવ કેસો નોંધાયા હતા. જે ગુજરાત (77 કેસ), મહારાષ્ટ્ર (448 કેસ), કર્ણાટક (46 કેસ), ઉત્તર પ્રદેશ (10 કેસ) અને મધ્ય પ્રદેશ (4 કેસ) અને દિલ્હી (68 કેસ)માં નોંધાયા હતા. સુરત આ મહામારીનું એપિસેન્ટર ગણાવાયું હતું.
પ્લેગ શું છે અને કેવી રીતે ફેલાય છે?
પ્લેગની બીમારી યેરસીનિયા પેસ્ટિસ નામના બૅક્ટેરિયાના સંક્રમણથી ફેલાય છે.
14મી 17 સદીના સમયગાળાને 'બ્લૅક ડેથ' તરીકે ઓળખાતા પ્લેગે યુરોપ અને એશિયામાં કેર વર્તાવ્યો હતો.1894માં પહેલી વાર જીવવિજ્ઞાની ઍલેકઝાન્ડર યરોશને પ્લેગ જીવાણુની ઓળખ કરી હતી. પોતાના શિક્ષકના નામ પરથી આ જીવાણુનું નામ રાખ્યું હતું.
જો સંક્રમણની શરૂઆતમાં ઇલાજ ન કરાય તો આ બીમારી ઘાતક સાબિત થઈ શકે છે.
પ્લેગ બે પ્રકારના હોય છે. ન્યૂમૉનિક અને બ્યૂબૉનિક.
ઉંદરના શરીર પર ઉત્પન્ન થતાં જીવાણને કારણે પણ પ્લેગની બીમારી ફેલાય છે અને આ અત્યંત સંક્રામક હોય છે.
પ્લેગના દર્દીના શ્વાસ અને થૂંકના માધ્યમથી તેમના સંપર્કમાં આવનારા લોકોને પણ પ્લેગના બૅક્ટેરિયાનું સંક્રમણ થઈ શકે છે.
લક્ષણ અને સંક્રમણ
બ્યૂબૉનિક પ્લેગના બૅક્ટેરિયા શરીરમાં સંક્રમણ થતાં લિમ્ફ ગ્રંથિઓમાં સોજો આવે છે અને તાવ આવે છે.
ભારતમાં 1994માં ન્યૂમૉનિક પ્લેગ ફેલાયો હતો. ન્યૂમૉનિક પ્લેગમાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ખાંસી આવે છે.
પ્લેગની બીમારી ફેલાતા એકથી સાત દિવસ લાગી શકે છે.
બ્યૂબૉનિક પ્લેગ મુખ્યત્વે ઉંદરના શરીર પર ઉત્પન્ન થતાં ચાંચડ (એક જંતુ) કરડવાથી ફેલાય છે.
દર્દીના સંપર્કમાં આવવાથી નહીં પણ દર્દીની ગ્રંથિઓમાંથી નીકળતાં દ્રવ્યોના સીધા સંપર્કમાં આવવાથી બ્યૂબૉનિક પ્લેગ થઈ શકે છે.
જોકે ન્યૂમૉનિક પ્લેગ બહુ ઝડપથી ફેલાય છે. આ બીમારી દર્દીના સીધા સંપર્કમાં આવવાથી તેમના શ્વાસ કે ખાંસીને કારણે નીકળતાં બૅક્ટેરિયાના સંક્રમણથી થાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો