કોરોના વાઇરસના ડરથી લોકોમાં ગાંજો ખરીદવા પડાપડી

નેધરલૅન્ડ્સ દ્વારા કોરોના વાઇરસનો ફેલાવો અટકાવવા માટે નિષેધાત્મક આદેશ લાગુ કરવામાં આવ્યા છે. ઍમ્સટર્ડમના ચર્ચિત રેડલાઇટ ડિસ્ટ્રિક્ટમાં સેક્સ ક્લબ્સને બંધ કરી દેવાના નિર્દેશ આપ્યા છે.

અહીં અનેક સ્ટ્રિપક્લબ, ઍડલ્ટ મ્યુઝિયમ, ઍડલ્ટ ક્લબ તથા વેશ્યાગૃહો આવેલાં છે.

ન્યૂઝ એજન્સી રૉઇટર્સના રિપોર્ટ મુજબ, છઠ્ઠી એપ્રિલ સુધી રેસ્ટોરાં, કાફે તથા શાળાઓ બંધ કરી દેવામાં આવ્યાં છે.

આ જાહેરાત થયા બાદથી જ લોકો એ ગાંજો અને હશીશ ખરીદવા માટે લાઇનો લગાવી હતી.

અહીં વ્યક્તિગત મનોરંજન માટે અમુક ગ્રામ સુધી નશાકારક પદાર્થ રાખી શકાય છે તથા તેનું સેવન પણ કરી શકાય છે. ઉપરાંત તે કૉફીની જેમ દુકાનોમાં પણ મળી રહે છે.

યુરોપિયન સમય મુજબ રવિવાર સુધી નેધરલૅન્ડ્સમાં કોરોનાના 1135 કેસ નોંધાયા હતા, જ્યારે 20 લોકોનાં મૃત્યુ થયાં છે.

'હમ દેખેંગે...' અંગે તપાસ બંધ

આઈ. આઈ. ટી. કાનપુરએ પરિસરમાં ફૈઝ અહેમદ ફૈઝની કવિતા 'હમ દેખેંગે...'ના પઠન અંગેની તપાસ બંધ કરી દીધી છે.

ધ હિન્દુના અહેવાલ મુજબ, સી.એ.એ. (સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ) વિરોધપ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીએ માફી માગી લેતા તપાસને 'બંધ' કરી દેવામાં આવી છે.

શહેરમાં 144ની કલમ લાગુ હોવા છતાં તા. 17મી ડિસેમ્બરે આ કાર્યક્રમ યોજાયો હતો.

છ સભ્યોની સમિતિના વડા મહેન્દ્ર અગ્રવાલના કહેવા પ્રમાણે, વિદ્યાર્થીએ કવિતાપઠન અંગે ખેદ વ્યક્ત કર્યો તથા જો કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માગી લીધી હતી, એટલે કવિતાનું અર્થઘટન કરવાની જરૂર ઊભી નહોતી થઈ.

કમિટીએ વિદ્યાર્થીનું કાઉન્સેલિંગ કરવા પણ ભલામણ કરી છે.

નિર્ભયા કેસ: ગુનેગારો ઇન્ટરનેશનલ કોર્ટના શરણે

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર, નિર્ભયા દુષ્કર્મ અને મર્ડર કેસના દોષિતોએ ફાંસીથી બચવા માટે ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ (ICJ)ના શરણમાં પહોંચ્યાં છે.

ચાર ગુનેગારોમાંથી ત્રણ ગુનેગારોએ ફાંસીથી બચવા માટે ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં ફાંસીથી બચવા માટે પિટિશન કરી છે.

હાલ તો તેમની પિટિશનનો સ્વીકાર કરવામાં આવી કે નહીં. તેની જાણકારી મળી નથી.

સોમવારે સુપ્રીમ કોર્ટે મુકેશ સિંહે ક્યૂરેટિવ અને મર્સી પિટિશન ફરી કરવાની પિટિશન કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે રદ કરી હતી.

ઉલ્લેખનીય છે કે નિર્ભયા કેસમાં દોષિતોને 20 માર્ચે સવારે પાંચ વાગ્યે ફાંસી થવાની છે.

બ્લાઇન્ડ પરીક્ષાર્થીને તસવીરો ઓળખવાનું કહેવાયું

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ગુજરાતમાં ચાલી રહેલી ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં બ્લાઇન્ડ વિદ્યાર્થીઓને તસવીર ઓળખવાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

સમાજ વિજ્ઞાનની પરીક્ષામાં સાત માર્કના બે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાં તસવીરો ઓળખવાનું કહેવામાં આવ્યું હતું.

એક વિદ્યાર્થી વિનોદ નાયકના પિતાએ કહ્યું, "વહીવટીતંત્ર કેવી રીતે આ પ્રકારનું બ્લન્ડર કરી શકે છે? અમે બોર્ડ સમક્ષ આની રજૂઆત કરી હતી. તેમણે અને યોગ્ય નિર્ણય કરવાનું આશ્વાસન આપ્યું છે."

આ પરીક્ષા 13 માર્ચે યોજાઈ હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં 5600 વિકલાંગ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જેમાંથી 3000 બ્લાઇન્ડ વિદ્યાર્થી છે.

અખબાર સૂત્રોને ટાંકીને લખે છે કે બ્લાઇન્ડ વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે ક્યા પ્રકારની કાર્યવાહી કરી શકાય તેનો નિર્ણય બોર્ડના ચૅરમૅન એ. જે. શાહ કરશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો