કૉંગ્રેસ છોડી ભાજપમાં જનારા ધારાસભ્યોની હાલ શું સ્થિતિ છે?

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસના પાંચ ધારાસભ્યોએ આપેલાં રાજીનામાંને પગલે ભાજપના રાજ્યસભાના ઉમેદવાર નરહરિ અમીનને ફાયદો થશે એવું મનાઈ રહ્યું છે.

નરહરિ અમીન વર્ષ 2012માં વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપમાં જોડાયા હતા.

આજે સાત વર્ષ પછી ભાજપે તેમને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે.

ગુજરાતમાં વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી પછી કૉંગ્રેસના સાત ધારાસભ્યોએ ભાજપમાં પ્રવેશ કર્યો છે.

આ પક્ષપલટુ નેતાઓમાંથી કેટલાકને મંત્રીપદ મળ્યાં તો કેટલાકને વિધાનસભાની ટિકિટ મળી છે.

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસના દિગ્ગજ નેતા કુંવરજી બાવળિયા, જવાહર ચાવડાએ રાજીનામાં ધરી દીધાં હતાં.

આ ઉપરાંત ઊંઝાનાં ધારાસભ્ય આશા પટેલ, ધ્રાંગધ્રાના પરસોત્તમ સાબરિયા, જામનગરના વલ્લભ ધારવિયાએ પણ રાજીનામાં આપ્યાં હતાં.

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી પછી ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર અને તેમના સાથી ધવલસિંહ ઝાલા રાજીનામાં આપીને ભાજપમાં જોડાયા હતા.

કુંવરજી બાવળિયાને મળ્યું મંત્રી પદ

2017ની વિધાનસભાની ચૂંટણી પછી કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાયા હતા.

કુંવરજી બાવળિયા કૉંગ્રેસમાંથી પાંચ વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. તો વર્ષ 2009માં તેઓ લોકસભાની ચૂંટણી પણ જીત્યા હતા.

ભાજપમાં જોડાયા એટલે કુંવરજી બાવળિયાને પાણી-પુરવઠો અને પશુપાલનખાતાના મંત્રી બનાવાયા.

આ ઉપરાંત તેમને ગ્રામ અને ગૃહનિર્માણ ખાતું પણ સોમવામાં આવ્યું.

જવાહર ચાવડા પણ મંત્રી બન્યા

માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા કૉંગ્રેસમાં પ્રભુત્વ ધરાવતા હતા. તેઓ ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

આહીર જ્ઞાતિમાં મોટું નામ ગણાતા જવાહર ચાવડા ધારાસભ્ય તરીકે રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા.

જવાહર ભાજપમાં જોડાયા, ફરીથી ચૂંટણી લડ્યા અને જીત્યા એટલે પક્ષે તેમને પ્રવાસન અને મત્સ્યઉદ્યોગખાતના મંત્રી બનાવ્યા.

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહને ટિકિટ

તાજેતરમાં ગુજરાતમાં જે યુવા નેતૃત્વે ચર્ચા જગાવી હતી એમાં એક નામ ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરનું પણ હતું. અલ્પેશ વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી વખતે કૉંગ્રેસમાં જોડાયા હતા.

કૉંગ્રેસે તેમને રાધનપુરની બેઠક પર ટિકિટ આપી અને તેઓ જીતી ગયા.

જોકે, વર્ષ 2019માં તેઓ ભાજપમાં જોડાયા અને ઑક્ટોબર મહિનામાં રાધનપુરની બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં તેઓ કૉંગ્રેસના રઘુ દેસાઈ સામે હારી ગયા.

ધવલસિંહ ઝાલા અલ્પેશ ઠાકોરના સાથી છે.

વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં બાયડથી તેઓ ચૂંટણી લડીને વિજેતા બન્યા હતા અને અલ્પેશ ઠાકોરની સાથે તેઓ ભાજપમાં જોડાયા હતા.

જોકે, 2019માં બાયડની પેટાચૂંટણીમાં તેઓ કૉંગ્રેસના જશુ પટેલ સામે હારી ગયા.

લુણાવાડાના અપક્ષ નેતા બન્યા સાંસદ

ડિસેમ્બર-2017ની વિધાનસભાની ચૂંટણીમાં પંચમહાલ જિલ્લાની લુણાવાડા બેઠક ઉપરથી રતનસિંહ રાઠોડ અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા અને ભાજપે તેમને લોકસભાની ચૂંટણીમાં પંચમહાલની બેઠક પર ટિકિટ આપી હતી અને તેઓ જીત્યા પણ હતા.

ઊંઝા અને ધ્રાંગધ્રામાં શું થયું?

લોકસભાની ચૂંટણી અગાઉ ઊંઝાનાં ધારાસભ્ય આશાબહેન પટેલ અને ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા ભાજપમાં જોડાયાં હતાં.

ભાજપે બન્નેને વિધાનસભાની ટિકિટ આપી અને બંને જીતી ગયાં.

2017માં કૉંગ્રેસના 11 ધારાસભ્યોમાંથી ભાજપે આપી 7ને આપી ટિકિટ

એનડીવીના અહેવાલ અનુસાર 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કૉંગ્રેસ છોડીને આવેલાં 11 માંથી 7 ધારાસભ્યોને ટિકિટ આપી હતી.

તેમાંથી માત્રે બે જ ધારાસભ્ય ચૂંટણી જીતી શક્યા હતા.

વિરમગામ, જામનગર ગ્રામ્ય, બાલાસિનોર, ઠાસરા અને માણસા બેઠક પર પક્ષપલટુ ધારાસભ્યો હારી ગયા હતા.

ગોધરા વિધાનસભા બેઠક પરથી સી. કે. રાઉલજી અને જામનગર ગ્રામ્ય બેઠક પરથી ધર્મેન્દ્ર જાડેજા વિજેતા બન્યા હતા.

ધર્મેન્દ્રસિંહ જાડેજા અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકસુરક્ષા, કુટીરઉદ્યોગના રાજ્યકક્ષાના મંત્રી બન્યા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો