મધ્ય પ્રદેશમાં 'કમલ'ને કચડી 'કમળ'નાથ

મધ્ય પ્રદેશમાં લાંબા રાજકીય ડ્રામા પછી બહુમત પરીક્ષણ અગાઉ મુખ્ય મંત્રી કમલનાથે રાજીનામું આપવાની જાહેરાત કરી છે.

તેઓ બપોરે એક વાગે રાજ્યપાલની મુલાકાત લેશે અને રાજીનામું આપશે.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપ છોડી કૉંગ્રેસમાં પ્રવેશ કર્યો અને કૉંગ્રેસના 22 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા તેને પગલે મધ્ય પ્રદેશમાં પોલિટિકલ ડ્રામા આજે બહુમત પરીક્ષણ થકી અંત આવવાનો હતો.

અનેક વળાંકો પછી મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર પર ઊભી થયેલી રાજકીય કટોકટી સુપ્રીમ કોર્ટના આદેશ પછી આજે નિર્ણાયક તબક્કામાં પહોંચી હતી.

સુપ્રીમ કોર્ટે આજે સાંજે 5 વાગ્યા સુધીમાં વિધાનસભામાં બહુમત પરીક્ષણનો આદેશ આપેલો હતો.

આ દરમિયાન વિધાનસભાના સ્પીકર એન.પી. પ્રજાપતિએ કૉંગ્રેસના 22 બળવાખોર ધારાસભ્યોમાંથી 16 ધારાસભ્યોના રાજીનામાં સ્વીકારી લીધા હતા.

આ રાજીનામા પછી વિધાનસભામાં કૉંગ્રેસનું સંખ્યાબળ 108માંથી ઘટીને 92 થઈ ગયું હતું.

ભાજપ પાસે 107 ધારાસભ્યો છે અને કૉંગ્રેસ પાસે 92 ધારાસભ્યો છે. આ ઉપરાંત અપક્ષ તથા સપા-બસપાના 7 ધારાસભ્યો છે.

2 ધારાસભ્યોના અવસાન પછી હાલ વિધાનસભાની કુલ સંખ્યા 228 ધારાસભ્યોની છે અને એ સ્થિતિમાં કમલનાથને સરકાર બચાવવા 104 ધારાસભ્યનું સમર્થન જરૂરી છે.

જો અપક્ષો અને સપા-બસપા સાથે ગણીએ તો પણ તેમની પાસે 99 ધારાસભ્યો છે જે બહુમતથી 5 ઓછા છે અને તેની સામે ભાજપ પાસે 107 ધારાસભ્યો છે બહુમતથી 3 વધારે છે.

ઉલ્લેખનીય છે કે ત્રણ અઠવાડિયાથી ચાલી રહેલા આ પોલિટિકલ ડ્રામામાં સુપ્રીમ કોર્ટે બહુમત પરીક્ષણનો આદેશ આપ્યો છે.

બહુમતને લઈને પહેલાં ભાજપ અને પછી કૉંગ્રેસે સુપ્રીમ કોર્ટની દાદ માગી હતી.

દિગ્વિજય સિંહની ભૂખ હડતાળ

એક તરફ બેંગલુરુની હોટલમાં રાખવામાં આવેલા ધારાસભ્યો સાથે સંપર્કને મામલે કૉગ્રેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે તો રાજ્યસભાની ચૂંટણી માટે કૉંગ્રેસના ઉમેદવાર એવા દિગ્વિજય સિંહ બેંગલુરુની રામદા હોટલની બહાર ઘરણાં પર બેસી ગયા અને પોલીસે તેમની અટકાયત કરી હતી..

અટકાયત પછી દિગ્વિજય સિંહને બેંગુલુરુના અમરુથહાલી પોલીસ સ્ટેશન લઈ જવાયા છે અને ત્યાં તેઓ ભૂખ હડતાળ પર બેસી ગયા હતા.

બુધવારે દિગ્વિજય સિંહ કૉંગ્રેસના ધારાસભ્યોને મળવા રામદા હોટલ પર પહોંચ્યા હતા. જોકે, તેમને મળવા ન દેવાયા અને તે પછી તેઓ હોટલની બહાર ધરણાં પર બેસી ગયા.

દિગ્વિજય સિંહે કહ્યું કે, હું રાજ્યસભાનો ઉમેદવાર છું અને 26 માર્ચે મતદાન થવાનું છે. હું મારા ધારાસભ્યોને મળવા અને તેમની સાથે વાત કરવા આવ્યો છું. જોકે, મારો ફોન છીનવી લેવામાં આવ્યો અને મને પોલીસે મળવા ન દીધો.

સોમવારે સત્રમાં બબાલ

આ પહેલાં સોમવારે મધ્ય પ્રદેશ વિધાનસભામાં બજેટસત્ર શરૂ થયું, જેમાં રાજ્યપાલ લાલજી ટંડને પોતાનું પ્રાસંગિક ભાષણ કર્યું.

ટંડને કહ્યું કે દરેકે બંધારણીય નિયમોનું પાલન કરવું જોઈએ, જેથી કરીને મધ્યપ્રદેશની ગરિમા જળવાઈ રહે.

બાદમાં કોરોના વાઇરસના કારણે 26મી માર્ચ સુધી ગૃહને મોકૂફ કરી દેવાયું હતું.

વિધાનસભાની સોમવારની કાર્યસૂચિમાં 'શક્તિપરીક્ષણ'નો ઉલ્લેખ જ ન હતો જેનો ભાજપે વિરોધ કર્યો અને મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો.

રવિવારનું 'રણ'

રવિવારે મોડી રાત્રે મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી કમલનાથના નિવાસસ્થાને જયપુરથી ભોપાલ પરત ફરેલાં કૉંગ્રેસના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી.

બીજી બાજુ, મધ્યપ્રદેશના ભાજપના ધારાસભ્યો ગુરુગ્રામથી ભોપાલ પહોંચ્યા હતા, પાર્ટીએ તત્કાળ વિશ્વાસનો મત યોજવા સ્પીકર સમક્ષ માગ કરી હતી.

નિષ્ણાતોના કહેવા મુજબ સદનમાં કેવી રીતે કામ ચલાવવું તેનો વિશેષાધિકાર સ્પીકર પાસે છે.

અગાઉ રવિવારે મુખ્ય મંત્રી કમલનાથે કૅબિનેટની મીટિંગ યોજી હતી અને રાજ્યપાલ સાથે પણ મુલાકાત કરી હતી, જેમાં વિધાનગૃહની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે ચાલે તે માટે ચર્ચા કરવામાં આવી હતી.

કમલનાથે તારીખ 13મીએ રાજ્યપાલને પત્ર લખીને ફ્લોર ટેસ્ટ નહીં કરવાનો આગ્રહ કર્યો હતો.

બેઠક બાદ કમલનાથ સરકારના મંત્રી પ્રદીપ જ્યસ્વાલે સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું, "અમારી પાસે સંખ્યા છે. મુખ્ય મંત્રી કૉન્ફિડન્ટ છે. રાહ જુઓ."

એએનઆઈના અહેવાલ અનુસાર બીજી તરફ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના નિવાસસ્થાને ભાજપના વરિષ્ઠ નેતાઓની બેઠક મળી હતી.

આ બેઠકમાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ભાજપના નેતા નરેન્દ્રસિંહ તોમર અને જ્યોતિરાદિત્ય સિંધિયા હાજર રહ્યા હતા.

રાજ્યપાલે વિધાનસભા અધ્યક્ષને કહ્યું કે વિશ્વાસમત પર વોટિંગ વખતે વીડિયોગ્રાફી કરવામાં આવે.

આ પહેલાં શનિવારે ભારતીય જનતા પાર્ટીના એક પ્રતિનિધિ મંડળે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી અને વિધાનસભામાં ઝડપથી ફ્લો ટેસ્ટ કરાવવાની માગ કરી હતી.

કૉંગ્રેસના બળવાખોર 22 ધારાસભ્યોને રાજીનામું આપ્યા પછી કમલનાથના નેતૃત્વવાળી કૉંગ્રેસ સરકાર પોતાની બહુમતી ગુમાવી ચૂકી છે.

જ્યારે કમલનાથ સરકારના છ મંત્રીઓએ પહેલાં જ રાજીનામાં ધરી દીધાં છે. જેનો વિધાનસભાના અધ્યક્ષ એન. પી. પ્રજાપતિએ સ્વીકાર કરી લીધો હતો.

આ પહેલાં કૉંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થનમાં આવેલા કૉંગ્રેસના 22 ધારાસભ્યોએ પણ મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે પોતાની સુરક્ષાની માગણી કરી છે.

સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે આ 22માંથી 19 ધારાસભ્યો બેંગ્લુરુમાં હાજર છે. તેમણે રાજ્યપાલને એક ઈમેલ કયો અને સુરક્ષાનાં કારણોથી પ્રદેશમાંથી પરત ફરવામાં અસમર્થતા દર્શાવી.

આ વચ્ચે મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી કમલનાથના એક પત્રે ચર્ચા જગાવી છે, જે તેમણે દેશના ગૃહમંત્રી અમિત શાહના નામે લખ્યો છે.

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે આ પત્રમાં તેમણે અમિત શાહને ભલામણ કરી હતી કે બેંગ્લુરુ ગયેલા તેમના 22 ધારાસભ્યોને સુરક્ષિત પરત લાવવામાં આવે, જેથી તેઓ 16 માર્ચથી શરૂ થઈ રહેલા વિધાનસભાના સત્રમાં ભાગ લઈ શકે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો