You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : ભારતમાં પીડિતોની સંખ્યા ઓછી હોવાનું ખરું કારણ શું?
- લેેખક, ઝુબૈર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા, નવી દિલ્હી
વિશ્વમાં વસતીની દૃષ્ટિએ બીજા ક્રમના દેશ ભારતમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા રવિવાર સુધી માત્ર 110 હતી. કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ઓછી જણાવવામાં આવી રહી છે કે પછી પરીક્ષણ ઓછું કરાવવામાં આવી રહ્યું છે?
તમારા શરીરમાં તાવ કે શરદી જેવાં કોરોના વાઇરસનાં લક્ષણો જણાતાં હોય અને તમે દિલ્હીની કોઈ સરકારી હૉસ્પિટલમાં સીધા જઈને ટેસ્ટ કરાવવા ઇચ્છતા હશો તો તમને પાછા મોકલી આપવામાં આવશે.
દિલ્હી સરકારના આરોગ્ય સચિવનાં સહાયક ડૉ. ઋતુ ચતુર્વેદી જણાવે છે કે આ માટે સૌપ્રથમ કોરોના વાઇરસ માટે શરૂ કરવામાં આવેલી હેલ્પલાઈન પર ફોન કરવો પડશે.
ડૉ. ઋતુ કહે છે, "કોરોના વાયરસથી પીડિત હોવાની શંકા તમને હોય તો પહેલાં હૉસ્પિટલ જવાને બદલે હેલ્પલાઈન પર ફોન કરવો પડશે. હેલ્પલાઈનમાં તમને કેટલાક સવાલ પૂછવામાં આવશે."
"જેમ કે, તમે તાજેતરમાં કોઈ વિદેશયાત્રા કરી હતી? હાલમાં વિદેશયાત્રાએથી પાછી ફરી હોય એવી કોઈ વ્યક્તિ સાથે તમે સમય વીતાવ્યો હતો? તમે આ બીમારીથી પીડાતી કોઈ વ્યક્તિને મળ્યા હતા?"
"આ બધા સવાલના જવાબ હા હશે તો તમને હૉસ્પિટલે ટેસ્ટ કરવા માટે મોકલવામાં આવશે. જવાબ ના હશે તો તમને પરીક્ષણ માટે મોકલવામાં આવશે નહીં."
ડૉ. ઋતુનાં જણાવ્યાં મુજબ, "આ સંબંધે દિલ્હી સરકાર કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનું ભંડોળ મેળવતી સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ(આઈસીએમઆર)ની ગાઇડલાઇન્સ અનુસાર કામ કરી રહી છે.
આઈસીએમઆરની ગાઇડલાઇન્સમાં જણાવવામાં આવ્યું છે કે "આ બીમારી મુખ્યત્વે તેનો વ્યાપક ફેલાવો ધરાવતા દેશોના પ્રવાસે ગયેલી વ્યક્તિ કે જેમને આ વાઇરસનો ચેપ લાગ્યો હોય તેના ગાઢ સંપર્કમાં રહેવાથી થાય છે. તેથી બધી વ્યક્તિઓનું પરીક્ષણ કરવું ન જોઈએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ટેસ્ટ જ ઓછા થઈ રહ્યા છે"
કોરોના વાઇરસ માટે ભારતમાં કેન્દ્રીય હેલ્પલાઈનનો નંબર 011-23978046 છે. એ ઉપરાંત દરેક રાજ્યની હેલ્પલાઈનના અલગ-અલગ નંબર પણ છે.
દિલ્હીના મહારાણી બાગમાં રહેતાં સ્વાતિ નામનાં એક મહિલા થોડા દિવસથી તાવ અને ઉધરસથી પીડાતાં હતાં.
તેઓ કોરોના વાઇરસનો ટેસ્ટ કરાવવા રામ મનોહર લોહિયા હૉસ્પિટલે ગયાં હતાં.
સ્વાતિ ગરીબ પરિવારનાં છે અને તાજેતરમાં જ બિહારથી પાછા ફર્યાં હતાં. હૉસ્પિટલમાં તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો ન હતો.
હૉસ્પિટલવાળાએ તેમને એવું કહીને પાછાં મોકલી દીધાં હતાં કે "તેમણે વિદેશપ્રવાસ કર્યો નથી અને તાવ તથા ઉધરસની તકલીફનો અર્થ એ નથી કે કોરોના વાઇરસ જ હોય."
કોરોના વાઇરસનો ટેસ્ટ કરાવવાની આ સરકારી પ્રક્રિયાથી આરોગ્ય નિષ્ણાતો ચિંતિત છે.
તેમના જણાવ્યા અનુસાર, એક અબજથી વધુ લોકોની વસતી ધરાવતા ભારતમાં ટેસ્ટ બહુ જ ઓછા કરવામાં આવી રહ્યા છે.
ટેસ્ટની પદ્ધતિ
કૉન્ફેડરેશન ઑફ મેડિકલ ઍસોસિએયન્સ ઈન ઇન્ડિયા ઍન્ડ ઓશેનિયા(સીએમએએઓ)ના અધ્યક્ષ ડૉ. કે. કે. અગ્રવાલ આ પદ્ધતિ સાથે સહમત નથી.
તેઓ કહે છે, "આ રીત રેસ્ટ્રિક્ટિવ છે. સાઉથ કોરિયા, હૉંગકૉંગ અને સિંગાપુરમાં લિબરલ રીત અપનાવવામાં આવી છે. ત્યાં કોરોના વાઇરસનાં લક્ષણ ધરાવતા તમામ દર્દીના ટેસ્ટ સરકારી તથા ખાનગી હૉસ્પિટલોમાં તત્કાળ કરવામાં આવે છે."
ડૉ. અગ્રવાલની સંસ્થામાં સાઉથ કોરિયા પણ સામેલ છે અને ત્યાંના ડૉક્ટરો સાથે તેઓ સતત સંપર્કમાં છે.
ભારતમાં પણ સાઉથ કોરિયાનું ટેસ્ટનું મોડેલ અપનાવવામાં આવે એવું ડૉ. અગ્રવાલ ઇચ્છે છે.
ભારતમાં કોરોના વાઇરસની કેસની સંખ્યા ઓછી દર્શાવવામાં આવતી હોય એવી શક્યતા છે ખરી?
ડૉ. અગ્રવાલ કહે છે, "એ હું નહીં કહું. સંખ્યા ઓછી દર્શાવવાનો અર્થ એ થયો કે 100થી વધારે કેસ છે, પણ તમે 60નો આંકડો જ કહી રહ્યા છો. અહીં તો ટેસ્ટ જ ઓછા પ્રમાણમાં કરાવવામાં આવી રહ્યા છે. તેને કારણે ઓછા કેસ બહાર આવી રહ્યા છે."
ડૉ. અગ્રવાલના અનુમાન મુજબ, "ભારત સાઉથ કોરિયાનું ટેસ્ટ મોડેલ અપનાવે તો કોરોના વાઇરસના કેસની સંખ્યા 5000 સુધી પહોંચી શકે છે."
ડૉ. અગ્રવાલ કહે છે, "વધારે કેસ બહાર આવે તેમાં પ્રૉબ્લેમ શું છે? એ કોઈ ખરાબ વાત નથી."
સાઉથ કોરિયામાં પ્રત્યેક 50 લાખ લોકોની વસતીમાંથી 3692 લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ઇટાલીમાં પ્રત્યેક 10 લાખ લોકોની વસતીમાંથી 826 લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
જોકે, ભારતમાં અત્યાર સુધીમાં કેટલાક હજાર લોકોના જ ટેસ્ટ થયા છે. દેશમાં કોરોના વાઇરસના પરીક્ષણની કિટ્સની સંખ્યા દેશની વસતીના પ્રમાણમાં ઘણી ઓછી છે.
આ ઘાતક બીમારીથી દિલ્હીમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે સમગ્ર દેશમાં માત્ર ત્રણ લોકો મૃત્યુ પામ્યાં છે, પણ વિશ્વમાં આ બીમારીએ અત્યાર સુધીમાં 7,500થી વધુ લોકોનો ભોગ લીધો છે.
કોરોના વાઇરસનો પ્રસાર રોકવા માટે દિલ્હી સરકારે જિમ, નાઇટ ક્લબ્સ, સ્પા વગેરે બંધ કરવામાં આવ્યા છે અને 50થી વધુ લોકોના એકઠા થવા પર 31 માર્ચ સુધી પ્રતિબંધ લાદ્યો છે.
ગુજરાતમાં પણ શાળા-કૉલેજ, સ્વિમિંગ પૂલ, આંગણવાડીઓ વગેરે 31 માર્ચ સુધી બંધ કરાઈ છે. અનેક રાજ્યોએ વાઇરસ ન ફેલાય તે માટે લોકોની અવરજવર આંશિક રીતે પ્રતિબંધિત કરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો