You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હજૂરિયા-ખજૂરિયાથી લઈને જયપુરિયા-અવસરિયા રિસોર્ટ પૉલિટિક્સનું ગુજરાત મૉડલ
- લેેખક, ડૉ. ધીમંત પુરોહિત
- પદ, બીબીસી ગુજરાતી માટે
કોરોના વાયરસને કારણે દેશ અને દુનિયાનાં બજારો ઠપ છે. આવા વાતાવરણમાં પણ એક બજાર છે, જે ધમધમે છે - ઘોડાના ખરીદવેચાણનું બજાર - હૉર્સ-ટ્રૅડીંગ.ગુજરાતમાં પણ અને પાડોશી મધ્યપ્રદેશમાં પણ.
મધ્યપ્રદેશમાં તો જીવલેણ કોરોનાએ એક અપવાદરૂપ કિસ્સામાં કમલનાથને - ભલે કેટલાક દિવસ માટે પણ - જીવતદાન આપ્યું.
ગુજરાતમાં રાજ્યસભાની ઔપચારિક અને નીરસ ગણાતી ચુંટણીમાં આ વખતે પણ આઈપીએલ જેવો જ રોમાંચ છે - ભલે કોરોનાને કારણે આઈપીએલ મોકૂફ રાખવી પડી હોય.
ગુજરાતમાંથી રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકોમાંથી ધારાસભ્યોના સંખ્યાબળ મુજબ બે ભાજપ અને બે કૉંગ્રેસને ફાળે જાય એમ હતી.
એના માટે ભાજપે અભય ભારદ્વાજ અને રમીલાબહેન બારા તથા કૉંગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને રાજીવ શુકલનાં નામો જાહેર કર્યાં.
બહારના ઉમેદવાર રાજીવ શુકલા સામે ભરતસિંહ સોલંકીના જુથે વિરોધ કર્યો અને જ્યોતિરાદિત્ય સિંધિયાના માર્ગે કૉંગ્રેસ છોડી ભાજપમાં જવાની ચિમકી આપી.
કૉંગ્રેસે આ ધમકી સામે ઝૂકી ગઈ, રાજીવ શુકલાનું નામ રદ કરી, ભરતસિંહ સોલંકીને બીજા ઉમેદવાર જાહેર કર્યા.
ભરતસિંહ સોલંકી ભાજપમાં આવતાઆવતા રહી ગયા એટલે ભાજપે (વાંચો અમિત શાહે) રાતના બાર વાગે ભાજપના ત્રીજા ઉમેદવાર તરીકે સાત વરસ પહેલા કૉંગ્રેસ છોડી ભાજપમાં આવેલા નરહરિ અમીનને તૈયાર કર્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૉંગ્રેસના સાત વોટ તૂટે તો જ નરહરિ અમીન જીતી શકે. આ લખાય છે ત્યાં સુધી કોન્ગ્રેસના પાંચ ધારાસભ્યોએ 'પ્રજાની સેવા કરવા'ધારાસભ્યપદેથી રાજીનામાં આપી દીધાં છે અને કૉંગ્રેસે આને અક્ષમ્ય અપરાધ ગણી એમનાં એ સ્નેહીઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.
હજી બે એક સેવકો વંડી ઠેકવા તૈયાર બેઠા છે. આ સેવકોના પ્રતાપે જ ભાજપ એના ફાળે કાયદેસર આવતી બેના બદલે ત્રણ બેઠક જીતી શકશે.
આવનારા કોરોનાની દહેશતથી કૉંગ્રેસે એનાં ધારાસભ્યોને વિમાનમાં બેસાડી જયપુરના રિસૉર્ટમાં મોકલી દીધા હતા.
આમ છતાં નરહરિ અમીને કૉંગ્રેસની વિકેટો પાડી દીધી. કૉંગ્રેસને તો આટલી મંદીમાં વિમાન અને ફાઈવ સ્ટાર રિસૉર્ટનો ખર્ચો માથે પડ્યો. દુકાળમાં અધિક માસ.
2017ની પાછલી સિઝનમાં પણ પ્રજાને આ રોમાંચક વેબસીરીઝનો લાભ મળ્યો હતો. એ વખતે રાજ્યસભાની ત્રણ બેઠકની ચુંટણી હતી.
આ હાઇપ્રોફાઇલ ઇલેકશનમાં ભાજપની બે બેઠકો પર અમિત શાહ અને સ્મૃતિ ઈરાની હતાં અને કૉંગ્રેસની એક બેઠક પર અહમદ પટેલ.
ભાજપે અહમદ પટેલને હરાવવા એમના જ જુના સાથી કૉંગ્રેસી બળવંતસિંહ રાજપૂતને પક્ષપલટો કરાવી ભાજપમાં લીધા અને ભાજપના ત્રીજા ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા.
વધુ પક્ષપલટો થતો રોકવા કૉંગ્રેસે એના બધા ધારાસભ્યોને વિમાન માર્ગે બેંગ્લુરુ ખસેડ્યા.
કૉંગ્રેસના મોટે પાયે ક્રૉસવોટીંગ છતાં, શક્તિસિંહ ગોહિલે લીગલ વાંધા ઉઠાવી બે વોટ રદ કરાવ્યા અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના છોટુ વસાવાના એક વોટે અહમદ પટેલને હારતા બચાવી લીધા.
આ આખા ખેલના સુત્રધાર હતા કૉંગ્રસના શંકરસિંહ વાઘેલા. આ પ્રકરણમાં તેમના સહિત કુલ 14 કૉંગ્રેસી ધારાસભ્યોનાં રાજીનામાં પડ્યાં હતાં.
હાલ એનસીપીમાં સમય પસાર કરતાં શંકરસિંહ વાઘેલા ખરેખરતો દેશમાં રિસોર્ટ પૉલિટીક્સના જનક છે.
બાપુના નામે વધુ ઓળખાતા મૂળ સંઘી, જનસંઘી અને ભાજપી શંકરસિંહ વાઘેલાએ શિસ્તબદ્ધ ગણાતી કેડરબેઝ પાર્ટી ભાજપમાં પહેલો બળવો કર્યો હતો અને કેશુભાઈ પટેલને મુખ્ય મંત્રીપદેથી હટાવી પોતે મુખ્યમંત્રી બનવા 1995માં પોતાના જૂથના ધારાસભ્યોને ચાર્ટર્ડ વિમાન દ્વારા અમદાવાદથી મધ્યપ્રદેશના ખજુરાહોનાં રીસોર્ટમાં લઈ ગયા હતા.
બાદમાં એમણે ભાજપ છોડી પોતાની અલગ પાર્ટી બનાવી અને ભાજપ સરકાર ગબડાવી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા.
વર્ષ 1995 પછી ભાજપ, કૉંગ્રેસ કે બીજી કોઈ પણ પાર્ટી પૉલિટિકલ ક્રાઈસીસના વખતે પોતાની રાજ્ય સરકાર બચાવવા કે બનાવવા પોતાના ધારાસભ્યોને સુરક્ષિત રાખવા બીજા કોઈ રાજ્યના વિશ્વાસપાત્ર રીસોર્ટમાં ખસેડી દે છે - હૉર્સ-ટ્રૅડિંગથી બચવા.
કોઈ સફળ થાય છે, કોઈ નિષ્ફળ. પણ માર્ગ તો બાપુચીંધ્યો જ અપનાવે છે. બાપુ એટલે ગાંધી બાપુ નહીં, ગુજરાતવાળા બીજા બાપુ - શંકરસિંહ વાઘેલા.
એક જમાનામાં હરિયાણાના એક ધારાસભ્ય ગયાલાલે એક દિવસમાં ત્રણ વખત પક્ષ પલટો કર્યો હતો. ત્યારથી દેશમાં પક્ષ પલટુઓ આયારામ ગયારામ તરીકે ઓળખાય છે.
બાદમાં તો એની શરમ પણ ના રહી. 1985મા આ પ્રકારના રાજકારણને રોકવા રાજીવ ગાંધી સંસદમાં 'પક્ષપલટા વિરોધી કાયદો' લાવ્યા. જે મુજબ 1/3થી ઓછા ધારાસભ્યો પક્ષ પલટો કરે, તો એમના ધારાસભ્ય પદ આપોઆપ રદ થR જાય. થોડા વરસ આ ચાલ્યું પણ રાજકારણીઓએ એનો પણ તોડ શોધી લીધો.
વળતર એટલું મોટું અપાય છે, કે હવે પક્ષ પલટો કરવા ધારાસભ્યો રાજીખુશીથી રાજીનામાં દઈ દે છે.
એટલે કાયદેસર એમનું કઈ થR ના શકે. લોકશાહીને જો ઘોડા બજાર બનતી અટકાવવી હોય તો એવો ફૂલપ્રૂફ પક્ષપલટાનો વિરોધી કાયદો સંસદે બનાવવો પડશે, કે કોઈ પણ સંજોગોમાં આ પ્રકારે પક્ષ પલટો કોઈ કરી જ ના શકે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો