You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : લૉકડાઉન ખૂલ્યા બાદ અનલૉકમાં આત્મહત્યાના બનાવોમાં કેમ વધારો નોંધાયો છે?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
1 જૂનથી લૉકડાઉન ખૂલી ગયું અને અનલૉક-1નો પ્રારંભ થયો. એ સાથે અમદાવાદમાં આત્મહત્યાની સંખ્યા પણ વધવા લાગી.
જોકે, લૉકડાઉન દરમિયાન અમદાવાદ શહેરમાં ગત 2019ની સરખામણીએ લોકો દ્વારા ખુદનો જીવ લેવાની ઘટનાઓ ઓછી ઘટી હતી.
આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરી શકો છો.
જો અમદાવાદ શહેર પોલીસના આત્મહત્યાના આંકડાઓ પર એક નજર કરીએ તો જાણવા મળે કે જૂન મહિનામાં 79 લોકોએ પોતાનો જીવ લીધો હતો.
જૂન 2019માં આ આ આંકડો 61નો હતો એટલે કે ગત વર્ષે જૂન મહિનામાં આત્મહત્યા કરનારા લોકોની સંખ્યા ચાલુ વર્ષના જૂન માસ કરતાં ઓછી હતી.
આવી જ રીતે જો જુલાઈ મહિનાના આંકડાઓ પર એક નજર કરવામાં આવે તો જુલાઈ 19 સુધીમાં આ વર્ષે લગભગ 56 લોકોએ પોતાના જીવ લીધો છે, જ્યારે ગત વર્ષે આ સમયગાળમાં 36 લોકોએ પોતાનો જીવ લીધો હતો.
નિષ્ણાતો માને છે કે લૉકડાઉન દરમિયાન માનસિક રોગોની સંખ્યા વધી હતી અને લૉકડાઉન બાદ લોકોએ પોતાનો જીવ લીધો હોય તેવી ઘટનાઓ ઘટી હતી.
એક ઉચ્ચ પોલીસ અધિકારીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું, "માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં લોકોએ પોતાના જીવ લીધા હોય તેવા કિસ્સાઓની સંખ્યા ગત વર્ષ કરતાં ઓછી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અધિકારીએ પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે 2019માં માર્ચ મહિનામાં 82 લોકોએ પોતાનો જીવ લીધો હતો, જ્યારે 2020માં વર્ષે 66 લોકોએ પોતાના જીવ લીધા છે.
એવી જ રીતે એપ્રિલ મહિનામાં જ્યારે લૉકડાઉનનું ખૂબ કડક પાલન કરાવવામાં આવી રહ્યું હતું ત્યારે શહેરમાં 27 લોકોએ પોતાનો જીવ લીધો હતો. જોકે, 2019ના એપ્રિલમાં આવી ઘટનાની સંખ્યા 65 હતી. આવી જ રીતે મે મહિનામાં 48 લોકોએ પોતાનો જીવ લીધો હતો, જ્યારે મે-2019માં 66 લોકોએ આત્મહત્યા કરી હતી.
અધિકારી એવું કહે છે કે, સામાન્ય રીતે નદી કે કેનાલમાં આત્મહત્યાની ઘટનાઓ વધારે બને છે પરંતુ લૉકડાઉનમાં લોકો ઘરની બહાર નીકળતા નહોતા. જોકે, અનલૉક દરમિાન આવાં નિયંત્રણો હઠી ગયાં હતાં.
કોરોનામાં માનસિક તણાવ
આત્મહત્યા અને એ માટેની મૂંઝવણ વિશે બીબીસીએ અનેક નિષ્ણાતો સાથે વાત કરી હતી.
આ નિષ્ણાતો નિયમિત રીતે માનસિક રીતે અસ્વસ્થ લોકો સાથે વાત કરતા હોય છે, તેમને સલાહ-સૂચન આપતા હોય છે. લગભગ બધા જ નિષ્ણાતો અનુભવે છે કે કોરોનાને પગલે આવેલા લૉકડાઉનમાં માનસિક બીમાર લોકોની સંખ્યામાં વધારો થયો હતો.
બીબીસીએ 'જીવનસાથી' નામની એક હેલ્પલાઇનના અધિકારી પ્રવીણ વાલેરા સાથે જ્યારે વાત કરી.
તેમણે કહ્યું કે સામાન્ય રીતે તેમની હેલ્પલાઈન પર દરરોજ 40-50 જેટલા લોકો ફોન કરીને પોતાની માનસિક હાલત અથવા તો આત્મહત્યાના વિચાર અંગે વાત કરે છે. લૉકડાઉનના સમયમાં પણ કૉલની સંખ્યા સરેરાશ એટલી જ હતી પરંતુ એ પછી સંખ્યા વધી.
પ્રવીણ વાલેરા જણાવે છે "અનલૉક થયા બાદ દરરોજનાં લગભગ 80-100 કૉલ આવે છે."
લોકો જ્યારે લૉકડાઉન બાદ બહાર નીકળવા માંડ્યા અને લૉકડાઉનની અસર તેમની આર્થિક સ્થિતિ પર દેખાવા લાગી ત્યારે એમની તકલીફ વધી એમ તેઓ કહે છે.
તેઓ કહે છે, "અમારે ત્યાં જીવનસાથીની હેલ્પલાઇન પર જૂન-જુલાઈ મહિના દરમિયાન આવેલા કૉલમાંથી લગભગ 75 ટકા કૉલમાં લોકોએ નોકરી અને આર્થિક તંગીના કારણે જીવન ટૂંકાવવાની વાત કરી હતી. બાકી 25 ટકા કૉલ પારિવારિક સમસ્યાઓને લઈને હતા."
અમદાવાદમાં કામ કરતી 'સાથ' નામની સંસ્થા માનસિક રીતે અસ્વસ્થ લોકો માટે એક હેલ્પલાઇન ચલાવે છે.
આ સંસ્થાનાં સંસ્થાપક અંજુ શેઠે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું, "લૉકડાઉનનાં સમયમાં લોકોએ પરિવાર સાથે વધારે સમય વિતાવ્યો અને એથી કદાચ તેમને હૂંફ મળી હશે. પરંતુ લૉકડાઉન બાદ જ્યારે ફરીથી જીવન શરૂ કરવાની વાત આવી, ત્યારે અનેક લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો. આને કારણે અમારી હેલ્પલાઇન પર વધારે કૉલ આવ્યા. "
તેમણે કહ્યું, "ઘણા લોકો આર્થિક તંગી અને કોવિડ-19ના ડર વચ્ચે પોતની માનસિક સ્થિતિ સારી નથી રાખી શક્યા. મોટા ભાગના કૉલ કરનારી વ્યક્તિઓને હવે શું થશે એવો ડર લાગતો હોય છે."
તેઓ કહે છે કે તેમને ઘણી વખત રાત્રે 2 વાગે પણ કૉલ આવે છે, જેમાં લોકોનું મન વિચારોથી ભરાઈ ગયું હોય અને તેમને સૂઝ ન પડતી હોય કે તેઓ શું કરે?
અંજુ શેઠ કહે છે, "અમે અનુભવ્યું છે કે માનસિક રીતે ખૂબ જ મજબૂત હોય એવા લોકોનું પણ માનસિક સ્વાસ્થય બગડી રહ્યું છે, અને આ તો હજી શરૂઆત છે. હજી તો આ પ્રકારના કેસોની સંખ્યા વધી શકે છે."
શું કહેવું છે સમાજશાસ્ત્રીઓનું?
સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની કહે છે, "લૉકડાઉનના સમયમાં પડી ભાંગેલી સમાજવ્યવસ્થા પાછી ઊભી થઈ હતી. જે લોકોને એક બીજા માટે સમય ન હતો તેઓ એક બીજા સાથે દિવસો વિતાવી રહ્યા હતા. પરંતુ મધ્યમ વર્ગના લોકોની તમામ બચત આ સમય સુધી ખર્ચાઈ ગઈ હોય તેવાં અનેક ઉદાહરણો વિશે મને જાણવા મળ્યું છે. "
જાની ઉમેરે છે, "હવે જ્યારે અનલૉક થાય અને આર્થિક તંગી હોય તો મધ્યમ વર્ગની વ્યક્તિને જ્યારે કોઈ કામ કે રોકડ રૂપિયા ન મળે ત્યારે તે માનસિક રીતે તૂટી જાય છે. બીજી તરફ જે લોકોથી એક મધ્યમ વર્ગની વ્યક્તિ પૈસા ઉછીના લઈને પોતાનું ગાડું ચલાવી શકતી હતી, તે લોકો પણ હવે તેને કોઈ મદદ નથી કરી શકતા કારણ કે તેઓ પણ પોતાનું વિચારી રહ્યા છે. "
"હું માનું છું કે આ તમામ પ્રક્રિયામાં મધ્યમ વર્ગ, ખાનગી નોકરી કરનારા, કૉન્ટ્રેક્ટ પર કામ કરનારા, પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીઓથી પાસેથી નાની-મોટી લૉન લેનારા લોકો વધારે માનસિત તણાવમાં આવ્યા હશે."
'ઇન્ડિયન સાયકિયાટ્રીક સોસાયટી' શું માને છે?
'ઇન્ડિયન સાયકિયાટ્રીક સોસાયટી' એ જાણીતી સંસ્થા છે જે માનસિક અસ્વસ્થ લોકો સાથે કામ કરે છે.
તેના પ્રમુખ ગૌતમ સહાએ બીબીસી ગુજરાતીને કહ્યું કે તે વાતમાં કોઈ શંકા નથી કે દેશભરમાં લોકોના માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ જ ગંભીર અસર પડી છે અને લોકોમાં 'આત્મઘાતી વલણ' વધ્યું છે.
જોકે, હજી આ અંગે ચોક્કસપણે કહી શકાય એવો રાજ્ય કે દેશવ્યાપી અભ્યાસ કે સરવે થયો નથી.
તમે માનસિત તણાવમાં શું કરશો?
ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઇન 1096' પર ફોન કરવાથી પોલીસ અધિકારી સાથે વાત કરી શકાય છે. આ હેલ્પલાઈન આત્મહત્યા નિવારવા માટે શરૂ કરવામાં આવી છે.
રાષ્ટ્રીય સ્તરની 'જીવનઆસ્થા હેલ્પલાઇન 1800 233 3330' છે. આ નંબર પર આખા દેશમાંથી ગમે તે સ્થળેથી ફોન કરી શકાય છે અને કાઉન્સિલરની મદદ મળી શકે છે.
અમદાવાદ શહેરમાં 079-26305544 એ 'સાથ' સંસ્થાનો હેલ્પલાઇન નંબર છે જે 24 કલાક સેવા આપે છે. આ ઉપરાંત અન્ય મોટાં શહેરોમાં પણ આવા હેલ્પલાઇન નંબર હોય છે.
તણાવની સ્થિતિમાં તમે પરિવારજનો, નજીકના મિત્રો, વિશ્વાસુ શિક્ષકો કે સહકર્મીઓ સાથે પણ વાત કરી શકો છો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો