હર્ડ ઇમ્યુનિટી-કૉમ્યુનિટી ટ્રાન્સમિશન : કોરોના સંક્રમણનો આ તબક્કો શું છે અને કેવી રીતે આવે?

દુનિયામાં કોરોના વાઇરસ સંક્રમણના કેસોની સંખ્યા દોઢ કરોડને પાર કરી ગઈ છે અને ભારત 11 લાખથી વધારે કેસો સાથે દુનિયામાં ત્રીજો સૌથી વઘારે અસરગ્રસ્ત દેશ બન્યો છે.

દુનિયામાં 20 જુલાઈ સુધીમાં 6 લાખથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે તો ભારતમાં મરણાંક 26 હજારને પાર કરી ગયો છે.

ગુજરાતમાં પણ 20 જુલાઈ સુધીમાં 48 હજારથી વધારે સંક્રમિતો છે અને મરણાંક 2147 પર પહોંચ્યો છે.

દેશમાં અનલૉકની પ્રકિયા ચાલી રહી છે ત્યારે હર્ડ ઇમ્યુનિટી અને કૉમ્યુનિટી ટ્રાન્સમિશન વિશે પણ ચર્ચાઓ થઈ રહી છે.

જોકે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ પ્રમાણે ભારતમાં કૉમ્યુનિટી ટ્રાન્સમિશનની સ્થિતિ હજુ સુધી નથી આવી. તો શું હોય છે આ હર્ડ ઇમ્યુનિટી અને કૉમ્યુનિટી ટ્રાન્સમિશન?

તો શું છે આ કૉમ્યુનિટી ટ્રાન્સમિશન?

કૉમ્યુનિટી ટ્રાન્સમિશન ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા વગર અથવા વાઇરસથી સંક્રમિત દેશની યાત્રા કર્યા વગર જ તેનો શિકાર બની જાય.

આ સંક્રમણનો ત્રીજો તબક્કો હોય છે. આ સ્તર બાદ મોટા પાયે સંક્રમણ ફેલાવાની આશંકા રહે છે.

કેવી રીતે થાય છે કૉમ્યુનિટી ટ્રાન્સમિશન?

આઈસીએમઆર પ્રમાણે કોરોના વાઇરસ ફેલાવાનાં ચાર તબક્કા છે.

પહેલા ચરણમાં એ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત મળ્યા જે બીજા દેશથી સંક્રમિત થઈને ભારતમાં આવ્યા. આ સ્ટેજ ભારત પાર કરી ચૂક્યુ છે, કારણ કે એવા લોકોથી ભારતમાં સ્થાનિક સ્તરે સંક્રમણ ફેલાઈ ચૂક્યું છે.

બીજા ચરણમાં સ્થાનિક સ્તર પર સંક્રમણ ફેલાય છે, પરંતુ આ એ લોકો છે જે કોઈને કોઈ એવા સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા જેઓ વિદેશયાત્રા કરીને પરત ફર્યા હતા. ભારત અત્યારે આ તબક્કામાં હોવાનું કહેવાઈ રહ્યું છે.

ત્રીજું ચરણ કૉમ્યુનિટી ટ્રાન્સમિશનનું હોય છે, જેમાં ટ્રાન્સમિશનના સ્રોતની ખબર પડવી મુશ્કેલ બની જાય છે. કોઈ મહામારીનું ચોથું ચરણ પણ હોય છે, જ્યારે સંક્રમણ સ્થાનિક સ્તરે મહામારીનું રૂપ લઈ લે.

હવે જાણીએ હર્ડ ઇમ્યુનિટી વિશે

જો કોઈ બીમારી વસતીના મોટા ભાગમાં ફેલાઈ જાય અને મનુષ્યની રોગપ્રતિકારક ક્ષમતા એ બીમારીને રોકવામાં મદદ કરે તો લોકો બીમારીથી લડીને સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય છે.

તેઓ એ બીમારીથી ઇમ્યુન થઈ જાય છે. એટલે કે તેમનામાં પ્રતિરક્ષાત્મક ગુણો વિકસિત થઈ જાય છે. તેમનામાં વાઇરસનો મુકાબલો કરવાથી લઈને સક્ષમ ઍન્ટિ બૉડીઝ તૈયાર થઈ જાય છે.

જેમજેમ વધારે લોકો ઇમ્યુન થતા જાય છે, તેમતેમ સંક્રમણ ફેલાવાનો ખતરો પણ ઓછો થતો જાય છે. તેનાથી એ લોકોને પણ પરોક્ષ રીતે સુરક્ષા મળી જાય છે જેઓ ન તો સંક્રમિત થયા છે, ન તો તે બીમારી માટે ઇમ્યુન થયા છે.

અમેરિકી હાર્ટ ઍસોસિયેશનના ચીફ મેડિકલ ઑફિસર ડૉક્ટર એડુઆર્ડો સાંચેઝે પોતાના બ્લૉગમાં આને સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

તેઓ લખે છે કે માણસોના કોઈ ઝુંડ (અંગ્રેજીમાં હર્ડ)ના વધારે પડતા લોકો જો વાઇરસથી ઇમ્યુન થઈ જાય તો ઝુંડ વચ્ચે હાજર અન્ય લોકો સુધી વાઇરસનું પહોંચવું ખૂબ મુશ્કેલ થઈ જાય છે અને એક સીમા બાદ તેનો ફેલાવો રોકાઈ જાય છે. પરંતુ આ પ્રક્રિયામાં સમય લાગે છે. સાથે જ હર્ડ ઇમ્યુનિટીના આઇડિયા પર વાત ત્યારે થાય છે જ્યારે કોઈ ટીકાકરણ પ્રોગ્રામની મદદથી અતિસંવેદનશીલ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે છે.

એક અનુમાન પ્રમાણે, કોઈ સમુદાયમાં કોવિડ-19 માટે ત્યારે જ હર્ડ ઇમ્યુનિટી વિકસિત થઈ શકે છે જ્યારે આશરે 60 ટકા લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થઈ ચૂક્યા હોય અને તેઓ તેનાથી લડીને ઇમ્યુન થઈ ગયા હોય.

પરંતુ જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટી પ્રમાણે હર્ડ ઇમ્યુનિટીના સ્તર સુધી પહોંચવા માટે લગભગ 80 ટકા વસતીના ઇમ્યુન થવાની જરૂરત છે. દર પાંચમાંથી ચાર લોકો જો સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ પણ સંક્રમિત નથી થતા ત્યારે સંક્રમણ પર નિયંત્રણ રાખી શકાય છે. જોકે તે એના પર પણ નિર્ભર કરે છે કે બીમારી કેટલી સંક્રામક છે. સાધારણ રીતે 70થી 90 ટકા વસતીનું ઇમ્યુન થવું જરૂરી હોય છે હર્ડ ઇમ્યુનિટીના સ્તર સુધી પહોંચવા માટે.

ગળાનો સોજો, પોલિયો કે અછબળા જેવી અમુક સંક્રામક બીમારી જે ક્યારેક સામાન્ય હતી, પરંતુ હવે અમેરિકા જેવી જગ્યા પર દુર્લભ છે, કારણ કે રસીની મદદથી હર્ડ ઇમ્યુનિટીના સ્તર સુધી પહોંચવામાં ત્યાં મદદ મળી અને વિકસિત થઈ.

જો કોઈ એવી સંક્રામક બીમારી છે જેની રસી કે દવા તૈયાર નથી થઈ, પરંતુ વયસ્કોમાં તે સંક્રમણને લઈને પહેલાથી જ ઇમ્યુનિટી મોજૂદ છે ત્યારે પણ બાળકો અથવા નબળી ઇમ્યુનિટી ધરાવતા લોકોને સંક્રમિત કરી શકે છે.

આગળ જે બીમારીઓ વિશે વાત કરી તેમાંથી ઘણી બીમારીઓના મામલામાં વૅક્સિન બનતાં પહેલાં આવું જોવામાં આવ્યું હતું.

અમુક બીજા વાઇરસ, જેમ કે ફ્લૂના વાઇરસમાં સમયની સાથે બદલાવ આવતો રહે છે. એટલા માટે જૂના ઍન્ટી બૉડીઝ જે માણસના શરીરમાં તૈયાર થયા હોય તે કામ નથી કરતા અને ફરીથી વ્યક્તિ સંક્રમિત થઈ જાય છે. ફ્લૂના મામલામાં આ બદલાવ એક વર્ષથી પણ ઓછા સમયમાં થઈ જાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો